આ છે ફૂડ-સ્ટાઇલિંગ ક્વીન્સ

Published: Apr 27, 2020, 16:57 IST | Pooja Sangani | Mumbai

મળો એવી માનુનીઓને જેઓ સ્વાદિષ્ટ પકવાનો તો બનાવે છે, પણ એનું ડેકોરેશન એવું હટકે કરે છે કે પરિવારજનો તો ખુશખશાલ થઈ જાય છે, પણ સોશ્યલ મીડિયામાં પણ તેમનો ડંકો વાગે છે

ફૂડ-સ્ટાઇલિંગ ક્વીન્સ
ફૂડ-સ્ટાઇલિંગ ક્વીન્સ

મળો એવી માનુનીઓને જેઓ સ્વાદિષ્ટ પકવાનો તો બનાવે છે, પણ એનું ડેકોરેશન એવું હટકે કરે છે કે પરિવારજનો તો ખુશખશાલ થઈ જાય છે, પણ સોશ્યલ મીડિયામાં પણ તેમનો ડંકો વાગે છે

ડૉ. નિમિષા શાહ, ડેન્ટિસ્ટ

અમદાવાદમાં રહેતાં ડૉ. નિમિષા શાહ ડેન્ટિસ્ટ છે, પરંતુ અવનવી વાનગીઓ બનાવીને એને ફેસબુક તેમ જ અન્ય સોશ્યલ મીડિયામાં મૂકે ત્યારે લાઇક અને કમેન્ટમાં તેમની વાહ-વાહ થઈ જાય. તો ચાલો જાણીએ ડૉક્ટરસાહિબા શું કહે છે? ‘મને લાગે છે કે દરેક વસ્તુ સુંદર અને આકર્ષક દેખાય એ સૌને ગમે અને એમાં ખોરાક તો અપવાદ ન જ હોય એથી જ હું વાનગીઓ શણગારીને એનો સરસ ફોટો લઈને સોશ્યલ મીડિયા અને મિત્રોના ગ્રુપમાં શૅર કરું છું, જેથી લોકોને પણ જોઈને આકર્ષણ તેમ જ ખાવાનું મન થાય. પ્લેટ્સ સુશોભિત કરવાનો ફાયદો એ છે કે મારી પુત્રીને હેલ્ધી ખોરાક ખવડાવી શકું છું.’

એકતા મોદી

વડોદરાનાં એકતા રંગમ મોદી પણ જ્યારે પોસ્ટ મૂકે ત્યારે ધૂમ મચાવે છે. ઘરે જ વસ્તુ બનાવીને અલગ-અલગ વસ્તુઓથી ડેકોરેટ કરેલી તેમની પોસ્ટ જુઓ એટલે આંખોમાં ઠંડક પહોંચે. તેઓ કહે છે, ‘જો ભોજનને ડેકોરેટ કરવું હોય તો કળા તો જરૂરી છે જ અને ખાસ કરીને કાચાં શાકભાજી કે રાંધેલા ખોરાકને ચોક્કસ આકાર આપવો અને એને યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ સાથે ગોઠવવું ખૂબ જ જરૂરી હોય છે. એને માટે સમય જોઈતો હોય છે, પરંતુ હું તો જ્યારે વાનગી બનાવતી હોઉં ત્યારથી જ એની સજાવટ વિચારી લેતી હોવાથી ૧૦થી ૧૫ મિનિટમાં ગોઠવીને ફોટો પાડી લઉં છું. પછી લોકો વાનગી વિશે પૂછે ત્યારે મને ખૂબ મજા આવે છે. હું સાદો જ ફોન યુઝ કરું છું, પરંતુ ટેક્નિકથી ફોટો પાડું છું. 

લિનિમા ચુડગર

સોશ્યલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક પર ભોજનને લગતાં અનેક ગ્રુપ ચાલે છે એમાં ૫૫ વર્ષનાં લિનિમા ચુડગરનું નામ અજાણ્યું નથી. તેઓ ઘરના સાદા ભોજનને પણ એવો સરસ દેખાવ આપે છે કે થાળી લઈને જાણે કે આરોગવા જ લાગીએ. તેઓ કહે છે, ‘ખોરાકનો શણગાર કરવો એ મારો રસનો વિષય તેમ જ શોખ પણ છે. જો તમે સારી રીતે સજાવેલી ડિશ મૂકો તો તમને સ્વયં પર વિશ્વાસ આવે છે અને તમે એક જાતનું તમારું પોતાનું પ્રતિબિંબ લોકો સમક્ષ રજૂ કરો છો. ડિશ શણગારીને મૂકું ત્યારે લોકો જે કમેન્ટ કરે છે ત્યારે મને એવું લાગે છે કે હું પણ લોકોને અભિભૂત કરી શકું છું. આ એક ક્રીએટિવ કામ તો છે અને એ મહેનત માગી લે છે. બીજું એ કે મોટા ભાગે ઘરની જ વસ્તુઓનો સજાવટ માટે ઉપયોગ કરતી હોઉં છું, પણ ઘણી વખત તમે પ્લેટ કેવી રીતે સજાવો છો એના પર ફોટો લેતાં કેટલી વાર થાય એ નિર્ભર હોય છે.’

ભૂમિકા પરમાર

વડોદરાનાં જ ભૂમિકા પરમાર પણ પ્લેટિંગનાં ખૂબ શોખીન છે. તેઓ કહે છે, ‘ડેકોરેશન કરવાથી કોઈ પણ ડિશ બનાવી હોય એ સારી લાગે છે. સાદી વાનગી બનાવી હોય અને એમાં થોડું ડેકોરેશન કરી દઈએ તો એ પણ એકદમ આકર્ષક લાગે છે અને ખાવાનું મન થાય છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી જ મને આ બધું કરવાનો શોખ થયો છે. જ્યારે મારી દીકરી અમુક વસ્તુઓ ન ખાતી એ વખતે હું સજાવીને તેને આપતી તો તે ખુશ થઈને ખાતી. ધીરે-ધીરે એ એક શોખ થયો. ઘરમાં બધા સભ્યો સાથે રહેતા હોઈએ ત્યારે બધાને બધું જ ભાવે એવું નથી હોતું. થોડું અવનવી રીતે પીરસવામાં આવે ત્યારે બધાને ખાવાની મજા આવે છે. જ્યારે તેઓ હોંશે-હોંશે ખાય છે ત્યારે જે આનંદ અને સંતોષ થાય છે એનાથી જ હું ખુશ થઈ જાઉં છું. એટલા માટે હું હંમેશાં દરરોજનું લંચ અને ડિનર થોડું ડેકોરેશન કરી ને જ પીરસું છું.’

દીપા રૂપાણી, ગૃહિણી

દીપા રૂપાણી પણ ગૃહિણી છે, પરંતુ તેમને પણ ફૂડ ડેકોરેટ કરવાનો જબરો શોખ છે. તેઓ કહે છે, ‘તમે ભલે ગમે એટલી સ્વાદિષ્ટ ડિશ બનાવી હોય, પરંતુ જો એ દેખાવે આકર્ષક નહીં હોય તો લોકો એનો અભિપ્રાય પહેલાં જ બાંધી લેશે અને આરોગતાં ખચકાશે. આથી જ હું ઘરના લોકોને ખુશ રાખવા અને તેઓ સંતોષથી ખાય એ માટે ડિશ સજાવું છું. ફોટોગ્રાફી કરતી વખતે વાનગીને અનુરૂપ યોગ્ય રંગ અને આકારની ક્રૉકરી તેમ જ કટલરીનો ઉપયોગ કરશો તો ઓર નિખાર આવશે. આ ઉપરાંત તમારી કલ્પના, ક્રીએટિવિટી પણ મહત્ત્વનાં છે.’

પાયલ પાઠક, બિઝનેસ-વુમન

પાયલ પાઠક એક બિઝનેસ-વુમન છે અને તેમને વાનગી-સજાવટનો જબરો શોખ છે. પોતાની ફૂડ-ફોટોગ્રાફી વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી જ મને ભોજન તૈયાર કરવાનો ખૂબ શોક અને મારાં દાદી મને મદદ કરતાં. મારો પુત્ર પણ ફૂડી હોવાથી અને તેને મારા શોખની ખબર હોવાથી તે પોતાના પ્રોફેશનલ કૅમેરાથી ફોટોગ્રાફી કરીને મને મદદ કરે છે. ફૂડ-ફોટોગ્રાફીમાં પણ લાઇટિંગ તેમ જ ઍન્ગલનું ખૂબ મહત્ત્વ હોય છે. અનેક ફોટો પાડ્યા પછી બેસ્ટ ફોટો હું શૅર કરું છું.’

દિશા ચાવડા, ઍૅડ્વોકેટ

દિશા ચાવડા વ્યવસાયે ઍડ્વોકેટ છે, પરંતુ વાનગીનું પ્લેટિંગ કરીને એને સ્ટાર બનાવી દે છે. તેઓ કહે છે, ‘મને પ્લેટિંગ કરવાનું પસંદ છે, કારણ કે કુકિંગ મારું પૅશન છે. મને ફૂડ-ફોટોગ્રાફી પણ  કરવાનું ગમે છે. મારા માટે એક સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. આત્મસંતોષ મળે છે. બીજું, ઘરના લોકોને સ્પેશ્યલ ફીલ કરાવી શકાય છે. હસબન્ડ ઑફિસથી થાકીને ઘરે આવે ત્યારે પ્લેટ સરસ સજાવેલી જુએ તો દિવસભરનો થાક ઊતરી જાય છે. બહારનું ખાવાનું પ્રમાણ પણ ઘટી જાય છે અને હવે સોશ્યલ મીડિયામાં ફૂડ-ફોટો શૅર કરીએ એટલે બધાની કમેન્ટથી નવો ઉત્સાહ મળી રહે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK