મારા પ્રેમલગ્ન થયા છે, પણ ઝઘડો થતાં પતિ 6 મહિનાથી પાછો નથી આવ્યો

Published: Dec 30, 2019, 15:21 IST | Sejal Patel | Mumbai

મારી પરિસ્થિતિ અત્યારે ન ઘરની ન ઘાટની જેવી છે. જાતને બહુ ડાહી સમજતી હતી પણ અત્યારે હું કોઈને મોં બતાવવા લાયક નથી રહી. હું પાર્લર ચલાવું છું અને એમાં ઘણી સારી કમાણી થાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી પરિસ્થિતિ અત્યારે ન ઘરની ન ઘાટની જેવી છે. જાતને બહુ ડાહી સમજતી હતી પણ અત્યારે હું કોઈને મોં બતાવવા લાયક નથી રહી. હું પાર્લર ચલાવું છું અને એમાં ઘણી સારી કમાણી થાય છે. મારે ત્યાં બીજી પાંચ છોકરીઓને પણ રોજગાર મળે છે. પૈસેટકે હું સ્વાવલંબી છું, પણ સંબંધોની પસંદગીમાં એવી થાપ ખાધી છે કે હવે શું નિર્ણય લેવો એ સમજાતું નથી. ત્રણ વર્ષ પહેલાં મેં ઘરેથી ભાગીને મારા પ્રેમી સાથે ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધેલાં. ત્યારથી પરિવારે મારો સાથ છોડી દીધેલો. એ પછી તરત જ મને પ્રેગ્નન્સી રહી. એ વખતે બહુ વિચાર્યું કે પહેલાં બન્ને પરિવારોમાં સંબંધનો સ્વીકાર થાય એ પછીથી જ બાળક કરવું. મને હતું કે બાળક આવશે તો સ્વીકાર જલદી આવશે, પણ તે ન માન્યો અને અબોર્શન કરાવીને જ જંપ્યો. એ પછી તેણે કમાવાનું છોડી દીધું. આખો દિવસ ઘરે બેસી રહે અને મારા પાર્લરમાં આવતી બીજી છોકરીઓ પર નજર નાખે. આ વાતે અમારી વચ્ચે બહુ જ બોલાચાલી થઈ. મને લાગ્યું કે તે હજી પરિવાર વધારવા માટે ગંભીર નથી એટલે મેં કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાનું શરૂ કર્યું. આ વાતની ખબર પડતાં તેણે મને મારવાનું શરૂ કર્યું અને મેં પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી તો તે ઘર છોડીને જતો રહ્યો. ઘરનું ભાડું હું ભરું છું અને ચલાવું પણ હું જ છું અને હવે તો તેના ગયાને પાંચ મહિના થઈ ગયા છે. મને નથી લાગતું કે તે પાછો આવે. મંદિરમાં લગ્ન કર્યા હોવાથી તે મારો પતિ કહેવાય કે નહીં એ પણ ખબર નથી. તેના ભરોસે હું મારા પેરન્ટ્સને છોડીને આવેલી એટલું પણ તેણે ન વિચાર્યું. આટલા વખતમાં જે માણસે એક ફોન સુદ્ધાં નથી કર્યો. મને ખબર છે આ મારાં જ કર્મોનું ફળ છે અને તમે પણ મને જ ઠપકો આપશો. જે હોય તે, પણ આ સવાલ તમે જરૂર છાપજો. ઍટ લીસ્ટ મારા જેવી છોકરીઓ માબાપની વિરુદ્ધ જવાની ભૂલ કરતાં પહેલાં બે વાર વિચાર કરે એ માટે પણ આ જરૂરી છે.

જવાબ : જ્યારે વ્યક્તિ ભૂલ કર્યા પછીયે એને છાવરવાની કોશિશ કરે ત્યારે જ તેને ઢંઢોળવાની જરૂર પડે. જોકે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે ત્યારે હવે ઠપકો આપવાની મને કોઈ જરૂર નથી લાગતી. માણસ ભૂલનો સ્વીકાર કરે એ જ બહુ મોટી વાત છે. સ્વીકાર થાય તો જ એને સુધારવાની તૈયારી થઈ શકે.

પ્રેમલગ્ન કરવાં એ પાપ છે એવું નથી, પરંતુ જેમણે તમને ખૂબ લાડકોડથી વીસ-પચીસ વર્ષના કર્યા હોય એમની વિરુદ્ધ જઈને કોઈ પણ પગલું ભરવાનું હોય તો ચોક્કસપણે એમાં ઉતાવળ ન જ કરાય.

તમે આર્થિક રીતે સ્વતંત્ર છો. ચાર-પાંચ છોકરીઓને રોજગાર આપી શકો છો અને પાર્લરના કામને કારણે બહેનો સાથે હળવામળવાનું થતું રહે છે એ સારું છે. આવા સમયમાં એકલવાયાપણું લાગે નહીં એ માટે સામાજિક સંપર્ક બહુ જ મહત્વનો છે. મને એવું લાગે છે કે તમારે એક વાર પેરન્ટ્સને મળવું જોઈએ. તેઓ તમારો સ્વીકાર કરીને તમને પાછા બોલાવી લે એ માટે નહીં, પરંતુ તમને તમારી ભૂલ સમજાઈ છે એનો એકરાર કરવા માટે. જો તમને તમારી ભૂલ માટે પસ્તાવો થતો હોય તો પેરન્ટ્સને પગે લાગીને માફી માગી લો. તમને પેરન્ટ્સ અપનાવી લે એવી અપેક્ષા રાખ્યા વિના આ કામ કરી લો. જો તમને માબાપની માફી પણ મળશેને તોય તમારો અડધો ભાર હળવો થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK