ફરી જીવંત થઈ રહ્યા છે ભુલાઈ રહેલા બેઠા ગરબા

Updated: 20th October, 2020 16:52 IST | Shailesh Nayak | Mumbai

કહેવાય છે કે રાસ-ગરબાને લોકનૃત્યનું ફૉર્મ મળ્યું એ પહેલાં તો માતાજીની આરાધના મૂર્તિની સામે બેસીને ગરબા ગાવાથી જ થઈ હતી.

બોરીવલીમાં આવેલા અંબાજી માતાજીના મંદિરમાં બેઠા ગરબા ગાતાં ભાઈઓ અને બહેનો.
બોરીવલીમાં આવેલા અંબાજી માતાજીના મંદિરમાં બેઠા ગરબા ગાતાં ભાઈઓ અને બહેનો.

કહેવાય છે કે રાસ-ગરબાને લોકનૃત્યનું ફૉર્મ મળ્યું એ પહેલાં તો માતાજીની આરાધના મૂર્તિની સામે બેસીને ગરબા ગાવાથી જ થઈ હતી. અનેક સમાજોમાં આજે પણ બાળકના જન્મ પછી, દીકરાનાં લગ્ન પછી કે એવા ચોક્કસ સારા પ્રસંગો પછીના પહેલા વર્ષે બેઠા ગરબા લેવાની પરંપરા છે. આ પરંપરા મૂળ નાગરોમાંથી આવી છે..

આ વર્ષે નવરાત્રિ ઉત્સવમાં ગરબાની રમઝટ માણવા નહીં મળે. જોકે આ વર્ષો જૂની બેઠા ગરબાની પરંપરા જોરમાં હોય એવું લાગે છે. મુંબઈમાં તો બોરીવલી હોય કે કાંદિવલી, અંધેરી હોય કે પછી પાર્લા હોય, અમદાવાદ હોય કે રાજકોટ હોય કે પછી વડોદરા હોય કે સુરત હોય, બહેનોએ બેઠા ગરબા કરવાની તૈયારીઓ કરી લીધી છે.
આ બેઠા ગરબા કંઈ આજની શોધ નથી. નાગર સમાજમાં વર્ષોથી બેઠા ગરબાની પરંપરા ચાલી આવે છે. નામ મુજબ કોઈકના ઘરે એકઠા થઈને કે પછી માતાજીના મંદિરમાં જઈને મહિલાઓ એકસાથે બેસીને માતાજીના ગરબા-ગરબીઓ ગાય છે. કેટલાક પરિવારોમાં નવરાત્રિ દરમ્યાન ગરબીની સ્થાપના કરવામાં આવે છે અને રોજ નવેનવ દિવસ સાંજે એ ગરબીને વચ્ચે મૂકીને પરિજનો બેઠા-બેઠા તાળીઓ પાડીને ગરબા ગાય છે.
બેઠા ગરબાની પરંપરા અને એના વિશેની વાત કરતાં ગાયક–સ્વરકાર નયન પંચોલી ‘મિડ ડે’ને કહે છે કે ‘બેઠા ગરબાની પ્રણાલીકા નાગર કમ્યુનિટીમાંથી આવેલી છે. માતાજીની સન્મુખ બેસીને બેઠા-બેઠા માતાજીના ગરબા ગાય છે, ગરબે ઘૂમતા નથી. બેઠા ગરબા જનરલી બહેનો ગાતી હોય છે, પણ સમયાંતરે એમાં ભાઈઓ પણ ઉમેરાયા છે અને હવે ભાઈઓ પણ બેઠા ગરબામાં ભાગ લે છે. પહેલાંના સમયે ભક્તો સાત્ત્વિક રીતે, સાતત્યપૂર્ણ રીતે માતાજીના ગરબા લખતા અને ગાતા હતા. માતાજીની ઝાંખી થાય એવા ગરબા રચાતા, કોઈ મૉડર્ન ટચ નહોતો, પ્યૉરલી સત્ત્વવાળા ગરબા લખાતા અને ગવાતા હતા. બેઠા ગરબામાં માતાજી પ્રત્યે પૂરેપૂરો ભાવ, ભક્તિ અને પ્રેમ છલોછલ હોય છે.’
મુંબઈના નાગરમંડળોમાં બેઠા ગરબા
બેઠા ગરબાની નાગરી પરંપરાની વાત કરતાં બોરીવલીમાં રહેતાં દેવિકા હાથી ભટ્ટ ‘મિડ ડે’ને કહે છે કે ‘નાગર સમાજમાં બેઠા ગરબા કૉમન હોય છે. બેઠા ગરબાની આ નાગરી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એવું કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં બધાને ભેગા નહોતા થવા દેતા એ સમયે બેઠા ગરબા કરીને આઝાદી માટે મીટિંગો થતી હતી. બીજું એ કે નાગરોને સંગીતનો શોખ હોય છે. ગરબા ગાવાનો બહુ શોખ હોય છે. એના કારણે આ પરંપરા ચાલુ થઈ.’
ચૈત્રી નવરાત્રિમાં પણ બેઠા ગરબા કરનાર દેવિકા હાથી ભટ્ટ કહે છે કે ‘લૉકડાઉનના સમયે અમે બધા એકઠા થઈને વૉટ્સઍપમાં વિશ્વ પથ ગ્રુપ બનાવ્યું હતું. ઝૂમ પર બેઠા ગરબા કર્યા હતા. આ નવરાત્રિમાં પણ અમે બેઠા ગરબા કરવાના છીએ. બોરીવલી, અંધેરી, પાર્લા, કાંદિવલી, મલાડ જેવા અલગ-અલગ વિસ્તારોમાં નાગર મંડળો છે. આ નાગર મંડળની બહેનો બેઠા ગરબા કરે છે. મુંબઈમાં જુદા-જુદા ઘરે જઈને બેઠા ગરબા કરીએ છીએ જેથી દરેકને તેમના ઘરે બેઠા ગરબા કરવાની તક મળે. કોરોનાના કાળમાં માતાજીના બેઠા ગરબા દ્વારા ભક્તિ કરીને માતાજી બધાની રક્ષા કરે એવી પ્રાર્થના અમે કરીશું.’

First Published: 20th October, 2020 16:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK