દીકરો કાં તો અતડો રહે છે, કાં પછી બધાની સાથે તોછડાઈ કરે છે, શું કરું?

Published: Jan 03, 2020, 19:03 IST | Mumbai Desk

સેજલને સવાલ : દીકરો કાં તો અતડો રહે છે, કાં પછી બધાની સાથે તોછડાઈ કરે છે, મને સાવકી મા તરીકે સ્વીકારી નથી શકતો

સવાલ : જીવનમાં કેટલીક તકલીફો એવી હોય છે જેમાં આપણે સાચા હોવા છતાં લોકો તમને ખોટા જ માનશે એવો ભય સતાવતો રહે છે. એનું કારણ એ છે કે હું એક સાવકી મા છું અને સાવકી મા તો હંમેશાં ખરાબ જ હોય એવું મનાતું આવ્યું છે. મારાં લગ્ન થયાં ત્યારે ઑલરેડી પતિને એક સંતાન હતું. દીકરો આઠ વર્ષનો હતો અને તેને એ વખતે મારી સાથે સારું બનતું હતું. લગ્ન પછી સાથે રહેવાનું શરૂ થયું એ પછીથી તેના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. હવે તે ૧૦ વર્ષનો સમજણો થઈ ગયો છે અને હું તેની અસલી મમ્મી નથી એવી તેને ખબર પડી હોવાથી તે મારાથી અતડો રહે છે. તેને કંઈ પણ રોકું કે ટોકું તો તરત જ રડવા બેસી જાય છે. ગુસ્સો તો નાકના ટેરવે હોય છે. તેની ખોટી જીદ પૂરી નહીં કરીએ એવું કહું તો તેનું મોં પડી ગયેલું હોય. બોલવામાં પણ ઉદ્ધતાઈ આવી ગઈ છે. એક-બે વાર તેના પપ્પાની હાજરીમાં મારી સામે ગમેએમ બોલવા લાગતાં તેના પપ્પા પણ ખિજાયા હતા. દીકરા પર હાથ ઉપાડવા પહોંચી ગયેલા, પણ માંડ ગુસ્સો શાંત કર્યો. આ ઘટના પછી હવે તે મારી સાથે-સાથે તેના પપ્પા સાથે પણ વાતચીત ઓછી કરે છે. કાં તો અતડો રહે અને કાં તોછડાઈથી વર્તે. તેની સ્કૂલમાંથી પણ હવે તો ઘણી ફરિયાદ આવે છે. મને સમજાતું નથી કે તેના ઉદ્ધત વર્તનને કેવી રીતે કાબૂમાં લેવું. ઘરમાં શિસ્તના મામલે પણ તે બહુ જ રેઢિયાળ થઈ ગયો હોવાથી તેના પપ્પા કહે છે કે તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દઈએ. મારાં સાસુ કહે છે કે બે-ત્રણ વર્ષ જશે એટલે તેનું વર્તન આપમેળે સુધરી જશે. પણ આવા સંજોગોમાં શું કરવું?

જવાબ : દસ વર્ષનો દીકરો કંઈક ખોટું કરતો હોય તો તેને ટોકવો જ પડે. ઉદ્ધતાઈ, અને અશિસ્તની ફરિયાદ સ્કૂલમાંથી પણ આવતી હોય તો ચોક્કસ કંઈક કરવું જ પડે. હું એ પણ માનું છું કે તમારા કિસ્સામાં પરિસ્થિતિ ખૂબ નજાકતભરી છે. જાતે જણેલા દીકરાને બે થપ્પડ મારવી પડે તોય માને ચિંતા ન હોય કે લોકો શું કહેશે કે દીકરો શું માનશે, પરંતુ જ્યારે દીકરા સાથે ઇમોશનલ નાતો ઓછો મજબૂત હોય ત્યારે આવી અસમંજસ નિર્માણ થાય.
શું તમે આખી સ્થિતિને દીકરાના દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરી શકો? એમ કરશો તો તમને ગુસ્સો ઓછો અને અનુકંપા વધુ થશે. તમારાં લગ્ન પહેલાં તેના પપ્પાનો બધો જ સમય તેનો હતો. હવે તેના પપ્પાના સમયમાં તમે ભાગ પડાવવા આવ્યાં. સામાન્ય રીતે પોતાના જણ્યા બાળક સાથે કુદરતી રીતે જ મા-બાપનો નાતો ગાઢ હોય છે, પણ જ્યારે મા-દીકરાનો સંબંધ બાંધવાનો હોય ત્યારે વધુ સમય, વધુ કાળજી, વધુ પ્રેમ અને વધુ હૂંફ દ્વારા સંબંધને ગહેરો બનાવવો પડે છે. આમેય બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં આગળ વધી રહેલા બાળકની હૉર્મોનલ અને ઇમોશનલ સમસ્યાઓને તો તેણે ફેસ કરવાની જ છે. આ પિરિયડમાં તેને પૂરતું અટેન્શન ન મળે તો ખૂબ એકલવાયાપણું મહેસૂસ થઈ શકે છે.
દીકરો તોછડાઈ કરે છે એ હકીકત છે, પણ કેમ કરે છે એ વિચારવાની જરૂર છે. આવા સમયે તેને વધુ હૂંફ અને સથવારાની જરૂર છે. તેને બોર્ડિંગમાં મૂકીને તમે તમારી વચ્ચેના અંતરને વધુ વધારી રહ્યાં છો.
જસ્ટ આંખ બંધ કરીને એ વિચારો કે ધારો કે તમારો પોતાનો જણેલો દીકરો તમારી સાથે આ રીતે બિહેવ કરતો હોય તો તમે શું કરો? બસ, એ જ તમારે તેની સાથે કરવાની જરૂર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK