Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શું જોખમી છે કીટો ડાયટ?

27 October, 2020 03:37 PM IST | Mumbai
Varsha Chitalia

શું જોખમી છે કીટો ડાયટ?

મિષ્ટીના નિધન બાદ આ ડાયટથી આરોગ્ય સામેનાં જોખમો સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે એનું આંધળું અનુકરણ કરતાં પહેલાં ટેક્નિકલ પાસાંઓને સારી રીતે સમજી લેવા જરૂરી છે

મિષ્ટીના નિધન બાદ આ ડાયટથી આરોગ્ય સામેનાં જોખમો સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે એનું આંધળું અનુકરણ કરતાં પહેલાં ટેક્નિકલ પાસાંઓને સારી રીતે સમજી લેવા જરૂરી છે


થોડા દિવસ પહેલાં બૉલીવુડ અને બંગાળી ફિલ્મોની અભિનેત્રી મિષ્ટી મુખરજીનું કિડની ફેલ થવાની મૃત્યુ થયું હતું. કહે છે કે માત્ર ૨૭ વર્ષની ઉંમરે કિડની ફેલ થવાનું મુખ્ય કારણ કીટો ડાયટ હતું. અન્ય ડાયટની તુલનામાં કીટો ડાયટથી વજન ઝડપથી ઊતરતું હોવાથી ઘણા લોકો એને અનુસરવા લાગ્યા છે. મિષ્ટીના નિધન બાદ આ ડાયટથી આરોગ્ય સામેનાં જોખમો સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે ત્યારે એનું આંધળું અનુકરણ કરતાં પહેલાં ટેક્નિકલ પાસાંઓને સારી રીતે સમજી લેવા જરૂરી છે..

થોડા દિવસ પહેલાં બૉલીવુડ અને બંગાળી ફિલ્મોની અભિનેત્રી મિષ્ટી મુખરજીનું કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર ૨૭ વર્ષની આ અભિનેત્રીની કિડની ફેલ થવાનું મુખ્ય કારણ કીટો ડાયટ હતું. કીટો ડાયટથી વજન ખૂબ જ ઝડપથી ઊતરતું હોવાથી ઘણા સેલિબ્રિટીઝ એને ફૉલો કરે છે. મિષ્ટીના નિધનથી આહારમાં પરેજી પાળવાથી આરોગ્ય સામેનાં જોખમો પર પ્રશ્ન ઊભો થયો છે. આપણે ત્યાં સેલિબ્રિટીઝથી પ્રભાવિત યુવા પેઢી દરેક બાબતમાં તેમનું અનુકરણ કરતી હોય છે ત્યારે કીટો ડાયટનાં ફાયદા અને જોખમો વિશે માહિતી હોવી અત્યંત આવશ્યક છે. આજે આપણે આ સંદર્ભે મુંબઈની સૈફી હૉસ્પિટલના ડાયેટેટિક્સ વિભાગનાં સિનિયર મૅનેજર અમિતા સાળવી સાથે વાત કરીશું.
શું છે કીટો ડાયટ?
કીટોજેનિક આહાર અથવા કીટો ડાયટમાં ફૅટ્સને સર્વાધિક પ્રાધાન્ય આપવામાં આવે છે. એમાં ઑઇલ અને પ્રોટીનનું પ્રમાણ વધુ તેમ જ કાર્બ્સનું પ્રમાણ સાવ ઓછું હોય એવો આહાર લેવાની ભલામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ડાયટનો અર્થ છે ફ્રૂટ્સ, વેજિટેબલ્સ અને અન્ય માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ ધરાવતો આહાર લેવો તેમ જ ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું. જ્યારે અહીં તદ્દન જુદી વાત કરવામાં આવી છે. ચરબીયુક્ત આહારથી વજન કઈ રીતે ઘટાડી શકાય? અમિતા સાળવી કહે છે, ‘ડે ટુ ડે લાઇફમાં આપણા શરીરને ઊર્જાની જરૂર પડે છે, જે સામાન્ય રીતે શુગરમાંથી પ્રાપ્ત થાય છે. એટલે જ મોટા ભાગના ડાયટ પ્લાનમાં કાર્બોહાઇડ્રેટ્સને એનર્જીનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે. કીટો ડાયટનો કન્સેપ્ટ જુદો છે. કાર્બ્સમાં શુગરની માત્રા હોવાથી એનું સેવન ઘટાડી દેવામાં આવે છે અને ચરબીયુક્ત આહારને વધુ પ્રમાણમાં સામેલ કરી એને એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવે છે. ચરબીયુક્ત ખોરાક તમારા શરીરમાં કીટોન્સ (વૈકલ્પિક ઊર્જા) પેદા કરે છે, જે રક્તમાં ભળી શરીરને ઊર્જા પ્રદાન કરે છે. સરળ ભાષામાં કહીએ તો તમારું શરીર ચરબી દ્વારા ઉત્પન્ન થયેલી ઊર્જાથી કામ કરે છે. ફૅટ્સને એનર્જીમાં રિપ્લેસ કરવું આ કન્સેપ્ટ છે. દિવસમાં ૬૦ ગ્રામથી પણ ઓછું કાર્બ્સ લો છો ત્યારે ઇન્સ્યુલિનનો સ્તર ખૂબ ઓછો આવે છે. પ્રોટીન અને ગુડ કૉલેસ્ટરોલ ફૅટ્સને તોડવાનું કામ કરે છે તેથી અન્ય ડાયટની તુલનામાં કીટો ડાયટમાં વજન ખૂબ ઝડપથી ઘટે છે.’
કોણ કરી શકે?
કીટો ડાયટથી બ્લડ-શુગર નિયંત્રણમાં રહેતું હોવાથી ડાયાબિટીઝના દરદીઓ આ ડાયટને ફૉલો કરી શકે છે. વાઈના દરદીના શરીરમાં હાજર ગ્લુકોઝ (કાર્બ્સ) હુમલો કરે એવી સંભાવના વધુ હોવાથી વાઈના દરદીઓ માટે પણ શ્રેષ્ઠ છે. વાસ્તવમાં વાઈના હુમલાને અંકુશમાં રાખવા તેમ જ ડાયાબિટીઝમાં વજનને નિયંત્રણમાં રાખવાના હેતુથી કીટો ડાયટને વૈકલ્પિક ડાયટ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન કહે છે કે કીટો ડાયટ તમારી ભૂખને કન્ટ્રોલ કરી શકે છે. ડાયાબિટીઝ અને વાઈના દરદી ઉપરાંત ઑલ્ઝાઇમર્સ, ઑટિઝમ અને મેન્ટલ ડિસઑર્ડરમાં એનાં સકારાત્મક પરિણામો સામે આવ્યાં છે.
કીટો ડાયટ કોના માટે છે એ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘કીટો ડાયટ સ્પેશ્યલ ડાયટ છે. ડાયાબિટીઝના દરદીઓ માટે તેમ જ સ્થૂળતા દૂર કરવા માટે ખરેખર ઉપયોગી છે, પરંતુ શરૂ કરતાં પહેલાં કેટલાંક તબીબી પરીક્ષણ જરૂરી છે. કીટોજેનિક આહારનો પ્રયોગ તમારા શરીર માટે સલામત છે કે નહીં એ જાણવા માટે ડૉક્ટર અને ડાયટિશ્યન બન્નેનો સંપર્ક કરવો ફરજિયાત છે. આ ડાયટમાં ડૉક્ટરની સાઇડથી ગ્રીન સિગ્નલ મળવું જોઈએ. મેડિકલ હિસ્ટરી ધરાવતા દરદીએ નિષ્ણાતનાં સૂચનો વગર કીટો ડાયટનો વિચાર પણ ન કરવો. આ પ્રકારના ડાયટમાં ઘણાંબધાં કૅલ્ક્યુલેશન કરવાનાં હોય છે. એમાં ૭૫ ટકા ઑઇલ લેવાનું હોય છે. કોઈને હૃદયની બીમારી છે, ડાયાબિટીઝ છે કે અન્ય રોગ છે તો તેમની ફૅટ્સ લેવાની માત્રા જુદી હશે. એવી જ રીતે નૉર્મલ વ્યક્તિએ પણ ડાયટિશ્યન સાથે બેસીને ચર્ચા કરવી. દરેક વ્યક્તિની શરીરની જરૂરિયાતો જુદી હોય છે. તમારી ઊંચાઈ, વજન, ઉંમર, રોગપ્રતિકારક શક્તિ, જૂના રોગો વગેરે જાણકારી મેળવ્યા બાદ ડાયટિશ્યન કૅલેરી-કાઉન્ટ કરે છે. પ્રોટીન અને ફૅટ્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ડાયટ ચાર્ટ તૈયાર થાય છે. કીટોજેનિક ડાયટના ઘણા ફાયદા છે પણ મેડિકલ સુપરવિઝન વગર ન કરવાની સલાહ છે.’
કિડની ફેલ થાય?
સામાન્ય ડાયટ અને એક્સરસાઇઝથી નૉર્મલ વ્યક્તિનું મહિનામાં અંદાજે બેથી ત્રણ કિલો વજન ઘટે છે, જ્યારે કીટો ડાયટમાં પાંચથી છ કિલો ઘટાડી શકાય છે. ફટાફટ વજન ઘટાડવાની લાયમાં એની આરોગ્ય સંબંધિત આડઅસરને નજરઅંદાજ કરવામાં આવે છે. કીટો ડાયટમાં પ્રોટીનની માત્રા વધારી દેવાથી કિડની પર દબાણ પડે છે અને કેટલાક કેસમાં ફેલ થઈ શકે છે. મિષ્ટીના કેસમાં આવું થયું હોવાની સંભાવના નકારી ન શકાય. કીટો ડાયટમાં જરાસરખી પણ બેદરકારી રાખો તો તમારા શરીરને ભારે નુકસાન થવાની સંભાવના છે. વધુ માહિતી આપતાં અમિતા કહે છે, ‘ઝડપથી વજન ઘટાડવા માગતા લોકોને કીટો ડાયટનું આકર્ષણ છે. જોકે લો કાર્બ્સ ડાયટ માટે ઇન્ટરનેટ પર ભરોસો રાખવો એ બેદરકારી કહેવાય. દરેક વ્યક્તિની શરીરની આવશ્યકતા જુદી હોય છે એવી જ રીતે જીવનશૈલી પણ જુદી હોય છે. તમારી રહેણીકરણી, કામકાજના કલાકો, વર્ક પ્રોફાઇલ, એક્સરસાઇઝ કરો છો કે નહીં એના પર આધાર રાખે છે. આગ‍ળ જણાવ્યું એમ કીટો ડાયટ કરો છો ત્યારે નિયમિતપણે ડાયટિશ્યન અને ડૉક્ટર બન્નેનો સંપર્ક કરવાનો છે. ધારો કે ડાયાબિટીઝના દરદીએ કીટો ડાયટ સ્ટાર્ટ કર્યું છે તો તેના શરીરમાં દેખાતી અસર પ્રમાણે ડૉક્ટર દવામાં ફેરફાર કરી શકે છે. કેટલાક કેસમાં દરદી હાયપોગ્લાયસેમિક થઈ જાય છે. ડાયટ શરૂ કર્યા પછી કોઈ પણ પ્રકારનાં કૉમ્પ્લીકેશન્સ ન આવે એ માટે દર મહિને મેડિકલ ચેકઅપ કરવું અનિવાર્ય છે. કેટલાક લોકો આ ડાયટને શૉર્ટ પિરિયડ માટે કરે છે તો ઘણા દરદીઓ લાંબા સમય સુધી એને ફૉલો કરતા હોય છે. લાંબા સમય સુધી કીટો ડાયટને ફૉલો કરતી વખતે સમયાંતરે ડાયટ ચાર્ટને મૉડિફાય કરવો પડે છે. તમારા આરોગ્યને ધ્યાનમાં રાખી ડાયટિશ્યન બૅલૅન્સ્ડ ચાર્ટ બનાવી આપે છે. ટેક્નિકલ પાસાંઓને સમજ્યા વગર અનુકરણ કરો તો આરોગ્ય સામે જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. એક્સ્ટ્રીમ કેસમાં કિડનીને અસર થાય અથવા જીવ ગુમાવે એવું બની શકે છે.’
કીટો ડાયટમાં શું ખવાય?
કીટો ડાયટમાં કાર્બ્સને કટ ડાઉન કરી લોકલ ગ્રેઇનને કઈ રીતે અનર્જીમાં રિપ્લેસ કરવું એના પર ભાર મૂકવામાં આવે છે. ઑઇલ વધુ ખાવાનું હોવાથી બદામ, કાજુ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ અને કોકોનટ ઑઇલનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. કોકોનટ ઑઇલમાં મીડિયમ ફૅટ્સ હોવાથી કીટોન બૉડી જલદીથી ફૉર્મ થાય છે. આ ઉપરાંત અળસી, સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ બધી વસ્તુમાં ઑઇલનું પ્રમાણ વધારે હોવાથી રોજબરોજની રસોઈમાં છૂટથી વપરાશ કરવો જોઈએ. શાકમાં ફ્લાવર, કોબી, રીંગણા, ટમેટાં વગેરેને પનીર, દહીં અને કોકોનટ ઑઇલ સાથે યુટિલાઇઝ કરવામાં આવે છે.



ડાયટથી કિડની ફેલ થાય?


સ્માર્ટ વર્લ્ડમાં વજન ઘટાડવા માટે આપણે ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા મેસેજિસ, વિડિયોઝ અને મિત્રો તેમ જ જિમ ઇન્સ્ટ્રક્ટરની સલાહ પર વધારે આધાર રાખતા થયા છીએ. કોઈ પણ ડાયટ હાનિકારક હોતી નથી અને દરેક ડાયટ પ્લાનના કેટલાક ડ્રૉબૅક છે તેથી આંધળું અનુકરણ કરો છો ત્યારે જીવ જોખમમાં મુકાય છે. મિષ્ટીના કેસમાં આપમે મેડિકલ હિસ્ટરી જાણતા નથી. એનો દાખલો આપી કીટો ડાયટ હાનિકારક છે એવું કહેવું ઉચિત નથી એવો મત વ્યક્ત કરતાં બૅરિએટ્રિક ઍન્ડ લેપ્રોસ્કોપિક સર્જ્યન ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કર કહે છે, ‘વેઇટલૉસ સંબંધિત ડાયટ અને થેરપીને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ ફૉલો કરવામાં આવે તો જોખમ નથી. દરેક વ્યક્તિની ડાયટને ખમવાની શારીરિક ક્ષમતા જુદી હોય છે. એક સ્તર બાદ ભૂખ્યા રહેવું કે અમુક વસ્તુ ન ખાવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આપણા શરીરને તમામ પ્રકારના પોષકતત્ત્વોની જરૂર છે. ડાયટ પ્લાન કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવામાં ન આવે તો શરીરમાં આયર્ન, હીમોગ્લોબિન, વિટામિનની ઊણપ સર્જાય. ફાસ્ટિંગથી ડીહાઇડ્રેશન થવાની સંભાવના છે. આ સિવાય મૂડ સ્વિંગ્સ, માથાનો દુખાવો, કામમાં મન ન લાગવું વગેરે સામાન્ય કારણો છે. કીટોન ડાયટને ખોટી રીતે ફૉલો કરવાથી કિડનીમાં પથરી અને યુરિક ઍસિડ વધી ગયું હોય એવા કેટલાક કેસ સામે આવ્યા છે. એક્સ્ટ્રીમ કેસમાં કિડની ફેલ થઈ શકે છે. કીટો ડાયટમાં સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.’

ડાયાબિટીઝના દરદીઓ માટે તેમ જ સ્થૂળતા દૂર કરવા માટે ખરેખર ઉપયોગી છે, પરંતુ શરૂ કરતાં પહેલાં કેટલાંક તબીબી પરીક્ષણ જરૂરી છે. આ ડાયટમાં ડૉક્ટરની સાઇડથી ગ્રીન સિગ્નલ મળવું જોઈએ. મેડિકલ હિસ્ટરી ધરાવતા દરદીએ નિષ્ણાતનાં સૂચનો વગર કીટો ડાયટનો વિચાર પણ ન કરવો. કોઈ પણ પ્રકારન કૉમ્પ્લીકેશન્સ ન આવે એ માટે દર મહિને મેડિકલ ચેકઅપ કરવું અનિવાર્ય છે
- અમિતા સાળવી, ડાયટિશ્યન


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 03:37 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK