Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આવી ગઈ છે સબડકા ભરીને સૂપ પીવાની મોસમ

આવી ગઈ છે સબડકા ભરીને સૂપ પીવાની મોસમ

06 January, 2020 05:59 PM IST | Mumbai Desk
pooja sangani

આવી ગઈ છે સબડકા ભરીને સૂપ પીવાની મોસમ

આવી ગઈ છે સબડકા ભરીને સૂપ પીવાની મોસમ


આજકાલ એવી મોસમ જામી છે કે વહેલી સવારે ઊઠવાનું જ મન ન થાય અને ઊઠી ગયા તો ક્યારે ગરમાગરમ ચા કે અન્ય કોઈ પીણું હાથમાં આવે એની રાહ જોવાતી હોય. આછેરો પીળો રંગ અને હૂંફ આપતો તડકો બારી પાસે પ્રસર્યો હોય, સુસવાટાભર્યા ઠંડા પવનની લહેરખીઓ આવતી હોય, બહાર પંખીઓ કલરવ કરતાં હોય ત્યારે સવાર-સવારમાં ચા ઉપરાંત જો સૂપ મળી જાય તો પણ ખૂબ મજા આવે. ભારતીય વાનગી પરંપરામાં ઓળઘોળ થઈ ગયેલા સૂપ એવા મળતાવડા છે કે સવાર, બપોર, સાંજ કે રાત ગમે ત્યારે ચાલી જાય અને ખૂબ મજા પડે. રાતે પણ જો ભોજન કરતાં પહેલાં એક મોટા બોલમાં વરાળ નીકળતું ગરમાગરમ સૂપ હાથમાં હોય, ચમચીથી ધીરે-ધીરે સબડકા ભરવાના હોય, પાછળ મસ્તમજાનું ધીમુ સંગીત વાગતું હોય ત્યારે સૂપપાન કરવાની ખૂબ મજા આવે છે. તમે સમજી જ ગયા હશો કે આજે હું કયા ટૉપિક પર લખવા જઈ રહી છું. હા, આપણે આજે અવનવા સૂપ વિશે જાણીએ.

ખૂબ પૌષ્ટિક વાનગી
સૂપ એટલે મૂળ તો શુદ્ધ પાણી અથવા તો વેજિટેબલ સ્ટૉક અને વિવિધ ખાદ્ય સામગ્રીઓમાંથી બનેલી વાનગી અને એટલીબધી મળતાવડી છે કે લગભગ તમામ ખાદ્ય સામગ્રી અને શાકભાજીના સૂપ બનતા હોય છે, જેમાં તુલસીથી માંડીને સૂકી મેથીના ભૂકા સુધીની દેશી વાનગીઓ અને ઓરેગાનોથી લઈને ચીઝ સુધીની વિદેશી વાનગીઓ નાખીને બનાવી શકાય અને એ સૌને ભાવે. આજકાલ ડાયેટિંગ કરતા લોકોને સૂપ પીવાના બહુ અભરખા જાગ્યા હોય છે. ખોટું પણ શું છે વળી એમાં? હા, પણ ઘણા લોકોને સૂપની સાથે તળેલી વસ્તુ જેવા કે ક્રુટોન એટલે કે ટોસના ટુકડા, સેવ, નાચોઝ કે પૂરીના ભૂકા જેવી ક્રિસ્પી અને ક્રન્ચી વાનગીઓ નાખવા માટે જોઈએ. જોકે પ્રમાણસરની ક્વૉન્ટિટીમાં ખાવામાં આવે તો જ આરોગ્ય માટે સારી રહે છે, બાકી તો પછી એ પોષણ આપવા કરતાં શરીરને પ્રતિકૂળ અસર પાડે. મેં તો અનેક લોકો એવા જોયા છે કે તેઓ ટોમૅટો સૂપમાં સેવ, શિંગ અને મરી સુધ્ધાં નાખીને ખાય. આ વળી કયા મેળનું. સૂપમાં ભારોભાર આ તળેલી વસ્તુઓ તરતી હોય અને લોકો મજા લેતા હોય. જોકે આ પસંદગી અને નાપસંદગીની વાત છે, પરંતુ જો આરોગ્ય માટે ખાતા કે પીતા હો તો સૂપ પ્યૉર જ પીવો જોઈએ.
શુદ્ધ સૂપ કોને કહેવાય?
આજકાલ તો દરેક રેસ્ટોરાં અને કૅફેમાં સૂપની એટલીબધી વરાઇટી મળે છે કે ઘણી જગ્યાએ તો બે પાનાં ભરીને એની યાદી મૂકવામાં આવે છે. જેમાં સાદો કોથમીરના સૂપથી લઈને ચીઝવાળા મેક્સિકન અને ચાઇનીઝ સૂપ મળતા હોય છે, પરંતુ જો શુદ્ધ સૂપ કે શરીરને પોષક તત્ત્વ આપતા હો તો તમને જે પણ વેજિટેબલ્સ ભાવતાં હોય તો એને બાફીને પાણી સાથે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો અને પછી એનો જાડો ભાગ કાઢીને જે પ્રવાહી પીઓ એ જ સાચો સૂપ છે. જેમને ચટપટું ખાવાનો શોખ હોય તો એની અંદર નમકને બદલે સીંધાલૂણ નાખી શકાય. ઉપરાંત કાળાં મરી, શેકેલા જીરાનો ભૂકો અથવા તો સંચળનો ભૂકો તેમ જ લીંબુ નાખી શકાય. આવો સૂપ પીવો એ જ શુદ્ધ સૂપ છે. સૂપ બનાવવા પણ એટલા સરળ છે કે તમે આવા સૂપ ઘરે બનાવી શકો.
કેવા-કેવા સૂપ બનાવી શકાય?
દૂધી, ટમેટાં, વટાણા, મકાઈ, તુલસીનાં પાન બાફીને એને ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈને ગરમાગરમ સૂપ પીઓ, ખૂબ મજા આવશે. આરોગ્યમાં ખાસ કરીને નાનાં બાળકો અને વૃદ્ધોને તુવેરની દાળ બનાવી હોય તો એનું ઉપરનું પાતળું પાણી પીવાનું ખૂબ મહત્ત્વ છે. એને કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને તાકાતમાં વૃદ્ધિ થાય છે. ચણાનો સૂપ પીધો છે કોઈ દિવસ? હા, ચણાને પહેલાં બરાબર પલાળીને ધોઈ લેવા અને પછી એને કુકરમાં પાણી નાખીને બાફો અને જે પાણી નીકળે એ નાખી દેવાને બદલે એના પર ઘી, ઝીણાં લીલાં મરચાં, લીમડો અને જીરાનો વઘાર કરીને પીવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. એક વાર ટ્રાય કરી જોજો. બોલની અંદર રેડીને એની અંદર એક ચમચી બાફેલા ચણા, ઝીણી ડુંગળી અને સહેજ એવો ચાટ મસાલો નાખીને ખાઈ જોજો, નેક્સ્ટ લેવલની મજા આવશે.
ઉનાળામાં આપણે જેને ફજેતો કહીએ છીએ એ એક પ્રકારનો કેરીનો સૂપ જ છે. પાકી કેરી કાપી લીધા પછી ગોટલાને પાણીમાં ધોઈને એનું પાણી લઈને બેસન અને દહીં સાથે કે દહીં વગર તૈયાર કરવામાં આવે છે. એ એક પ્રકારનો બેસ્ટ સૂપ છે અને ઉનાળાના સમયમાં ભારે ઠંડક આપે છે. આપણી કઢી પણ જો તમે ગરમાગરમ પીઓ તો એક પ્રકારનું સૂપ જ છે. કહેવાય છે કે લસણનો વઘાર કરેલી ખાટા દહીંની કઢી સબડકા ભરીને પી જાઓ તો શરદી ઊડી જાય. પચવામાં પણ ખૂબ હલકી. એવી જ રીતે દક્ષિણ ભારતમાં જેની ખૂબ બોલબાલા છે એ રસમની વાત કરું તો એક પ્રકારનું આમલી, તુવેરની દાળ અને ટમેટાંમાંથી બનાવવામા આવતી સુપરહિટ વાનગી છે. દક્ષિણ ભારતમાં ભેજવાળું અને ગરમ વાતાવરણ હોય છે એવામાં જો આમલીનું પાણી પીવામાં આવે તો એ શરીરને ઠંડક પહોંચાડે છે. સાદા રાંધેલા ભાતની અંદર રસમ નાખીને ખાવાની ખૂબ મજા આવે છે. કર્ણાટકમાં બોન્દા સૂપ ખૂબ ખવાય છે. ખવાય છે એટલા માટે કહું છુ કે રસમ જેવી વાનગી તૈયાર કરીને એની અડદની દાળને એકદમ લીસી વાટીને એની અંદર મીઠું, ઝીણાં મરચાં, આદુંની પેસ્ટ નાખીને ખીરું તૈયાર કરીને તળી લેવામાં આવે છે. આ ભજિયાંને બોન્દા કહવાય છે. મગની દાળને બાફીને એકદમ પાતળી તુવેરની દાળ જેવી તૈયાર કરવામાં આવે છે અને એમાં ભરપૂર પ્રમાણમં ટમેટાંની ખટાશ નાખીને તૈયાર કરવામાં આવે છે. એના પર વઘાર કરીને એક બોલમાં સર્વ કરાય છે. એની અંદર બોન્દા નાખી દેવાય છે અને એવા અંદર એકરસ થઈ જાય પછી ખાવાની ખૂબ મજા આવે છે.
આ ઉપરાંત તમે મલાઈ અને વટાણાનો સૂપ બનાવશો તો એ પણ સુપરહિટ વાનગી છે. વટાણાને બાફી લઈને પછી એને થોડું ક્રશ કરીને ઉપર મલાઈ નાખીને તુલસીથી ડેકોરેટ કરશો તો મસ્ત લાગશે. પગના દુખાવાવાળા આજકાલ તો સરગવાનો સૂપ ખૂબ પીએ છે. સરગવાની ડાળી બાફીને એમાંથી શિંગ અને ગર કાઢી લઈને મિક્સરમાં ક્રશ કરીને ઉપર માત્ર મીઠું અને મરી નાખીને ખાઓ
તો ખૂબ મજા આવે છે. બાકી બીટ, ગાજર, આમળાં-આદું-હળદરનો સૂપ તો દરેક જૉગર્સ પાર્કની બહાર અચૂક જોવા મળે છે.
આખા વેજિટેબલ સૂપમાં તમે જો બાફેલા બટાટા, સૂરણના પીસ નાખીને ખાશો તો ખૂબ મજા આવે એવો ટેસ્ટ જામે છે. આ ઉપરાંત મકાઈનો સૂપ પીઓ તો પણ આરોગ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત ખૂબ જ ટેસ્ટી લાગે છે. દરેક સૂપમાં એને સહેજ થીક બનાવવા માટે તમે કૉર્ન ફ્લોર એક નાની વાટકીમાં પાણી સાથે પલાળીને ઉકાળી લેશો તો સરસ જાડો થઈ જશે. આ ઉપરાંત ક્રીમ પણ નાખી શકાય. ક્રીમ અને અમુક સૂપમાં સૂકવેલી મેથીનો ભૂકો કરીને નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. જો કોઈ સ્પાઇસી સૂપ હોય તો સૂકી ડુંગળીને તળી લઈને એનો ભૂકો ઉપર નાખવાથી પણ સ્વાદ બદલાઈ જાય છે અને એમાં જીભે વળગે એવો સ્વાદ આવે છે.
તો મિત્રો, આ થઈ અવનવા સૂપની વાનગીઓની વાત અને જો કોઈ સારી વાનગીઓ જે આજકાલ તમારા શહેર, મિત્રવર્તુળ, સગાંસંબંધીઓમાં ખૂબ પૉપ્યુલર બની હોય તો મને કહેજો, એના પર પણ લેખ લખવાના પ્રયત્ન કરીશું.



સૂપની ઓળખ અમદાવાદીઓ માટે One By Two
તમે કોઈ પણ રેસ્ટોરાંલાઇનની વ્યક્તિને પૂછશો કે અમદાવાદીઓ સૂપ કેવી રીતે મગાવે તો તરત જ જવાબ આપશે, ‘વન બાય ટુ’ એટલે કે એક બોલમાંથી અડધા-અડધાના બે બોલમાં સૂપ પીરસવાના. અરે ભાઈ, આ કાંઈ ચા થોડી છે તો અડધાની અડધી કરવાની? આખા બોલના સૂપની ક્વૉન્ટિટી વધુ હોવાથી કાં તો લોકોનું પેટ જલદી ભરાઈ જતું હશે, સૂપ ખાલી ટેસ્ટ કરવા પૂરતો લેવો પડતો હશે કે પછી હવે સૂપમાં ક્યાં એટલા પૈસા ખરચવા એ પ્રકારના પણ વિચારો હોઈ શકે છે. હા અને સૂપમાં પાછું ઉપર નાખવા માટે ટોસ્ટના ટુકડા કે તળેલી બ્રેડના ટુકડા તો જોઈએ જ. કોઈ ચાઇનીઝ ફ્લેવરનો સૂપ હશે તો પાછું તળેલા નૂડલ્સની સેવ ઉપર ભરપૂર નાખવા જોઈએ. એટલે એક બાજુ વેફરની જેમ ચાવવાનું, જ્યારે બીજી બાજુ પાછું સબડકા ભરવાના. ખેર આ તો હસવાની વાત છે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 05:59 PM IST | Mumbai Desk | pooja sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK