Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છમાં પવનચક્કીઓનું રાજ અને રાજકારણ

કચ્છમાં પવનચક્કીઓનું રાજ અને રાજકારણ

08 September, 2020 01:56 PM IST | Mumbai
Mavji Maheshwari

કચ્છમાં પવનચક્કીઓનું રાજ અને રાજકારણ

કચ્છનો હવે કોઈ તાલુકો એવો નથી જ્યાં પવનચક્કીઓ ન હોય

કચ્છનો હવે કોઈ તાલુકો એવો નથી જ્યાં પવનચક્કીઓ ન હોય


માંડવીના દરિયાકાંઠે ૧૯૮૩માં એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ આવ્યું. માત્ર દોઢ મેગાવૉટ વીજઉત્પાદન કરતું એ વિન્ડ ફાર્મ સરિયામ નિષ્ફળ ગયું. કચ્છમાં કુતૂહલ જગાવનાર એ વિન્ડ ફાર્મ હવે માત્ર માંડવીના બીચની શોભા વધારે છે, પરંતુ એ વખતે એ વિન્ડ ફાર્મ જોવા આવનારાઓને એ કલ્પનાય નહોતી કે ત્રણ દાયકા પછી આખુંય કચ્છ મહાકાય પવનચક્કીઓથી ઘેરાઈ ગયું હશે. એટલું જ નહીં, પવનચક્કીઓ થકી જમીનોની કિંમત વધશે. પવનઊર્જા દ્વારા વીજઉત્પાદનમાં વિદેશોમાં કચ્છનું નામ ગાજતું હશે. કચ્છનો હવે કોઈ તાલુકો એવો નથી જ્યાં પવનચક્કીઓ ન હોય. ૨૦૦૧ પછી કચ્છમાં ઝડપભેર ફેલાયેલા ઔદ્યોગિકીકરણના જાળામાં પવનચક્કીઓ ઊડીને આંખે વળગે છે. કચ્છમાં પવનચક્કીઓએ અનેકને તારી દીધા છે, એ સાથે એક પ્રચ્છન્ન ગુનાખોરીનો ચહેરો પણ આકાર લઈ રહ્યો છે.

નહીંવત્ જંગલ, રણ અને દરિયાની ખુલ્લી દિશાઓ ધરાવતા કચ્છ જિલ્લામાં પવનની સરેરાશ ઝડપ ૨૦થી ૨૫ કિલોમીટરની રહે છે. ૪૫,૬૭૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા કચ્છ જિલ્લામાં પવનઊર્જા દ્વારા વીજઉત્પાદનની ભરપૂર શક્યતાનો વિચાર માંડવીમાં અમલમાં મુકાયો. એ સમયે માંડવીના બીચ પર નાના કદની પવનચક્કીઓ ઊભી થઈ, પરંતુ સશક્ત રાજકીય ઇચ્છાઓનો અભાવ અને પવનઊર્જાની પાંગળી ટેક્નૉલૉજીને પરિણામે માંડવીનું વિન્ડ ફાર્મ લાંબું જીવ્યું નહીં. પવન દ્વારા વીજઉત્પાદનના કચ્છના પ્રથમ પ્રયાસની નિશાની જેવું વિન્ડ ફાર્મ આજે માંડવીના દરિયાકાંઠે મૃતઃપ્રાય દશામાં ઊભું છે. કચ્છમાં એ પહેલો પ્રયાસ ભલે નિષ્ફળ ગયો હોય, પરંતુ વર્તમાન કચ્છનો પવન વિશાળ ધરતી પર ઊભી થઈ ગયેલી પવનચક્કીઓના રાક્ષસી પાંખડાઓ ફેરવીને ગુજરાતને પવનઊર્જા દ્વારા વીજળીના કુલ ઉત્પાદનમાં કચ્છને ત્રીજું સ્થાન અપાવી રહ્યો છે. આખાય ગુજરાતમાં પવનઊર્જા દ્વારા ૬૦૦૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થાય છે, જેમાં ત્રીજા ભાગનું એટલે કે ૧૯૫૦ મેગાવૉટ ઉત્પાદન એકલા કચ્છનું છે.
આમ તો કચ્છમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત ૨૦૦૧ પછી દેખાવા માંડી. જોકે જેના તરફ પ્રસાર માધ્યમોનું ધ્યાન ગયું નથી અથવા જેને મહત્ત્વ નથી મળ્યું એવું ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કચ્છમાં જ સ્થાપાયેલું હતું. KFTZ (કંડલા ફ્રી ટ્રેડ ઝોન) તરીકે જાણીતું થયેલું મુક્ત વ્યાપાર કેન્દ્ર છેક ૧૯૯૦ સુધી ધમધમતું હતું. એની વિશેષતા એ હતી કે મોટા ભાગની કંપનીઓ સ્વદેશી હતી. પૂર્વ કચ્છમાં મહિલાઓને રોજગારી આપવામાં KFTZનું બહુ મોટું યોગદાન રહ્યું છે. કંડલાથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા ગઢસીસા ગામ સુધી અમુક ફૅક્ટરીઓની બસ મહિલા-કામદારોને લેવા-મૂકવા જતી હતી, પરંતુ ૧૯૯૦ પછી દેશમાં આવેલી ઉદારીકરણની નીતિ અને USSRના પતન પછી કંડલા મુક્ત વ્યાપાર કેન્દ્રનાં વળતાં પાણી થયાં. અત્યારે KFTZ સંકુલમાં ચાલતી કેટલીક ફૅક્ટરીઓ ધીમા-ધીમા શ્વાસ લઈ રહી છે. એક આડવાત લેખે લખવાનું મન થાય છે કે કોરોના મહામારી પછી મુંબઈમાં વસતા ઉદ્યોગપતિઓ અને કેટલાક વેપારીઓએ કચ્છમાં ફૅક્ટરી નાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને એની પ્રક્રિયા પણ આરંભી દીધી છે. જો આવું ૧૯૬૦ પછી બન્યું હોત તો કચ્છમાં ઉદ્યોગો વહેલા શરૂ થઈ ગયા હોત. ૨૦૦૧ પછી કચ્છમાં ટૅક્સ હોલી-ડે જાહેર થયું અને ઉદ્યોગપતિઓએ કચ્છ તરફ દોટ મૂકી. આખુંય કચ્છ ધમધમી ઊઠ્યું. માળખાકીય સુવિધાઓ ઊભી થવા માંડી. ગામડાં અને શહેરોને જોડતા આધુનિક માર્ગો બની ગયા. મુખ્ય ધોરીમાર્ગો પહોળા થયા. કચ્છમાં ઇન્ટરનેટનું જાળું ચસોચસ ગોઠવાઈ ગયું. વિવિધ રોજગારીઓના સ્રોત ઊભા થયા, પરંતુ કચ્છના દરિયાકાંઠાનાં ગામડાં અને ડુંગરાળ વિસ્તારોમાં ઉદ્યોગોની ચમક પહોંચી નહોતી. એની ખોટ પૂરી કરી પવનચક્કીઓએ. પવનચક્કી ઊભી કરવા માટે વધારે જમીનની જરૂર પડતી નથી. પવનઊર્જા દ્વારા વીજઉત્પાદનનું વિજ્ઞાન અને કચ્છની ભૌગોલિક સ્થિતિ જાણતી કંપનીઓએ કચ્છમાં પવનચક્કીઓ ઊભી કરવા માંડી. સૌ પહેલાં માંડવી, અબડાસા અને લખપતની કાંઠાળ પટ્ટીને જોડતાં ગામડાંઓમાં સૂઝલોન કંપનીએ મધ્યમ કદની પવનચક્કીઓ ઊભી કરી. શરૂઆતના ગાળામાં માસિક ભાડાથી ખાનગી માલિકીની જમીન પર પવનચક્કીઓ ઊભી થઈ. જે જમીન વર્ષે માંડ અડધો-એક લાખની ઊપજ આપતી હતી એવાં ખેતરોમાં અને ગામતળના ખાનગી વાડાઓમાં ઊભી થયેલી પવનચક્કીઓએ જમીનમાલિકોને બખ્ખા કરાવી દીધા. કચ્છમાં પવનઊર્જા દ્વારા વીજઉત્પાદનમાં રોકાણના હિસાબે વધુ વળતર મળતું જોઈ દુનિયાભરની કંપનીઓ કચ્છમાં ઊમટી પડી. ૨૦૧૧ની સાલ પછી તો જાણે પવનચક્કી નાખવાની હરીફાઈ હોય એમ કચ્છના વહીવટી તંત્ર પાસે અરજીઓ આવવા માંડી. વહીવટી તંત્રે પણ રહેમનજર રાખીને પવનચક્કીઓ નાખવાની મંજૂરીઓ આપવા માંડી. એ સાથે એક જુદી જાતનું વિષચક્ર પણ ચાલુ થયું. ગામડાંઓનું રાજકારણ અને સ્થાપિત હિતો જાગવા માંડ્યાં. આમ તો પવનચક્કી જે ગામની સીમતળની હદમાં આવતી હોય એનો નિયત કર જે-તે ગ્રામ પંચાયતને ભરવો પડે. એટલું જ નહીં, પંચાયત ધારા પ્રમાણે એની મંજૂરીનો અધિકાર પણ ગ્રામ પંચાયતનો રહે છે, પરંતુ અગાઉ ગામતળમાં ઊભી કરાયેલી પવનચક્કીઓની મંજૂરી પણ લેવાઈ છે કે કેમ એ સંશોધનનો વિષય છે. ૨૦૧૬ની સાલ આવતાં-આવતાં તો કચ્છના સીમાડામાં પવનચક્કીઓનું જંગલ ઊભું થઈ ગયું. જાણે કચ્છ જિલ્લો પવનચક્કીઓ માટે અનામત જાહેર થયો હોય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. કચ્છના પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે નખત્રાણા વિસ્તાર અનોખો છે. એ એક વિસ્તાર બાકી હતો, પરંતુ મળતી માહિતી મુજબ એ વિસ્તારમાં પણ પવનચક્કીઓને મંજૂરી મળી ગઈ છે.
પવનચક્કીઓ લગાવનાર કંપનીઓ પાસેથી સરકારી લાગત મામૂલી કહી શકાય એવી છે. એની મંજૂરીની પ્રક્રિયા પણ વધુ અટપટી નથી. ધીમે-ધીમે પવનચક્કીઓના કારણે થતા નુકસાનનાં કારણો સામે આવવા માંડ્યાં છે. પશુપાલકો અને ખેડૂતો પવનચક્કીઓ સામે વિરોધ કરવા માંડ્યા. સીમતળમાં લાગેલી પવનચક્કીઓને કારણે પર્યાવરણ તેમ જ જીવસૃષ્ટિને જે નુકસાન થાય છે એનું કોઈ સત્તાવાર સંશોધન હજી થયું નથી, પરંતુ એનો અંદાજ લગાવવો મુશ્કેલ પણ નથી. ૩૦૦ ફુટની લંબાઈની રાક્ષસી પાંખો ધરાવતી પવનચક્કીઓ ફરે છે ત્યારે એના દ્વારા જે અવાજ ફેલાય છે એનાથી નિશાચરો અને પક્ષીઓની જીવનચર્યાને નુકસાન પહોંચી રહ્યું છે. અબડાસાના અમુક વિસ્તારોમાં ગામને અડીને આવેલી પવનચક્કીઓના અવાજને કારણે માણસની ધીમું સાંભળવાની કુદરતી શક્તિ ક્ષીણ થતી હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. ઉપરાંત કેટલીક પવનચક્કીઓ ગૌચર વિસ્તારમાં ઊભી થયાના મામલા સામે આવી રહ્યા છે. સીમમાં પવનચક્કી તરફ જવાના રસ્તાઓ બનાવવા માટે અમુક જગ્યાએ પાણીનાં કુદરતી વહેણોને પૂરી નખાયાંના આક્ષેપો પણ છે. ઉપરાંત ખેતરોમાં વીજપોલ બળજબરીથી ઊભા કરવાની ઘટનાઓ છાપે ચડી રહી છે. કચ્છના નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા શાંત વિસ્તારોમાં વાહનોની આવજા અને માનવ પ્રવૃત્તિઓને કારણે એ વિસ્તારો પોતાની અસલિયત ખોઈ રહ્યા છે. લાંબા ગાળે આ પ્રવૃત્તિઓને કારણે વન્યજીવો સ્થળાંતર કરી જાય અથવા તેમની પ્રતિક્રિયાઓ અસહજ બની જાય એવું બની શકે છે.
આ બધાં કારણસર ૨૦૧૯ની સાલમાં તત્કાલિન કલેક્ટરે કચ્છમાં વધુ પવનચક્કીઓની મંજૂરી અટકાવી દીધી હતી. કચ્છમાં અત્યારે વિવિધ ૧૧ જેટલી કંપનીઓ દ્વારા ૩૦૦૦ જેટલી પવનચક્કીઓ ઊભી થઈ ગયાનો અંદાજ છે. બીજી હજી મંજૂરીની પ્રક્રિયામાં છે. જો હવે વધુ પવનચક્કીઓ લગાવવામાં આવશે તો પર્યાવરણ તેમ જ ખેતીને અનેક જાતનું નુકસાન વેઠવાનો વારો આવશે, જેની વિઘાતક અસરો એક દાયકા પછી દેખાશે. પવનચક્કીઓએ કચ્છને ઘણું આપ્યું છે. પવનઊર્જા દ્વારા જંગી વીજઉત્પાદન પણ થાય છે. ગામડાંઓમાં જમીનોની કિંમત પણ વધી છે, પરંતુ હવે તંત્રે વધુ પવનચક્કીઓ લગાડવાના નિયમો આકરા કરવાની જરૂર છે. ઊભી થનાર પવનચક્કી ચોક્કસ જગ્યાએ જ લાગી છે કે નહીં એનું સ્થળ નિરીક્ષણ પણ કડક બનાવવું જરુર છે. જોકે ૨૦૧૯ પછી ગુજરાત સરકારે કચ્છમાં પવનચક્કીઓ સામે ઊઠેલા વિરોધને ધ્યાનમાં લીધો છે. તંત્ર એ દિશામાં સાબદું પણ બન્યું છે. જોકે આવનારા દિવસો જ કહેશે કે પવનચક્કીથી કચ્છ લાભમાં છે કે નુકસાનમાં?


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 01:56 PM IST | Mumbai | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK