તંદુરસ્ત જીવનનો મંત્ર પરેજી

Published: 8th January, 2021 13:59 IST | Varsha Chitalia | Mumbai

લગભગ દસ મહિનાથી મહામારી સામે લડીને આયુર્વેદ પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે. હવે બધા પરેજી અને દેશી આહારની વાતો કરવા લાગ્યા છે

તંદુરસ્ત જીવનનો મંત્ર પરેજી
તંદુરસ્ત જીવનનો મંત્ર પરેજી

ભારતના ઋષિમુનિઓએ વિશ્વને સ્વસ્થ જીવન જીવવાનું વિજ્ઞાન આપ્યું છે, પરંતુ આપણે જ એના નિયમોનું પાલન કરતા નથી તેથી શરીર રોગોનું ઘર બની જાય છે. જોકે લગભગ દસ મહિનાથી મહામારી સામે લડીને આયુર્વેદ પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે. હવે બધા પરેજી અને દેશી આહારની વાતો કરવા લાગ્યા છે ત્યારે તંદુરસ્ત જીવન માટે તેમ જ ભવિષ્યના રોગોથી બચવા શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા આહાર-વિહારના સિદ્ધાંતોને સમજી લો

વીતેલા વર્ષે સૌકોઈને સ્વાસ્થ્યની અગત્ય સમજાવી દીધી છે. ઇમ્યુનિટી વધારવા અને મહામારી સામે લડવા કાઢા અને ચ્યવનપ્રાશના રૂપમાં બધાએ આયુર્વેદિક ઔષધિઓનું સેવન કર્યું. રોગથી બચવા દેશી આહાર ઉત્તમ છે એવું સ્વીકારવા લાગ્યા છીએ પણ આયુર્વેદ તંદુરસ્ત જીવન જીવવાનું વિજ્ઞાન છે એવું આપણામાંથી કેટલા લોકો સમજી શક્યા છે? કોરોનાકાળમાં ડાયટ અને પરેજીની વાતો બહુ સાંભળવા મળી, પરંતુ સાચા અર્થમાં પરેજી પાળી શક્યા છો? હવે જ્યારે આયુર્વેદ પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે ત્યારે માત્ર વાતો નહીં, પરેજીની સમજણ કેળવાય એ જરૂરી છે. નવા વર્ષની શરૂઆત સાથે શરીરને સ્વસ્થ રાખવા તેમ જ ભવિષ્યના રોગો સામે લડવા ભારતની પ્રાચીન આયુર્વેદ ઉપચાર પદ્ધતિના આધારસ્તંભ મનાતી પરેજીની વ્યાખ્યાને સમજી લો.
પરેજી એટલે શું?
સાચો શબ્દ છે પરહેજ. જે વસ્તુ શરીરને અનુકૂળ ન આવે એનાથી દૂર રહેવું એને કહેવાય પરહેજ. વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘જે વ્યક્તિના વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષ સમ અવસ્થામાં હોય, જેનો જઠરાગ્નિ સમ હોય, શરીરમાં સાતે ધાતુઓ સમ અવસ્થામાં હોય અને જેની મળ વિસર્જનની ક્રિયા વ્યવસ્થિત થતી હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહેવાય. સ્વસ્થ રહેવા માટે આહાર-વિહારના વિજ્ઞાનને સમજવું પડે. ઘણા કહેતા હોય કે અમે ગળપણ ખાતા નથી, વજન વધી જાય. ડાયટિશ્યનના કહેવાથી મીઠાઈ બંધ કરી એમાં પરેજી રાખી ન કહેવાય. આ તો ફરજિયાત કરવું પડ્યું છે. બીમાર થયા પછી ડૉક્ટર કે વૈદ પાસે દોડવું એના કરતાં તબિયત બગડે નહીં એની કાળજી લેવી સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શરીરને નીરોગી રાખવા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આહાર લેવો એનું નામ પરેજી. ઘણા રોગોમાં દરદી ઔષધિનું સેવન કર્યા વગર માત્ર પરેજીનું પાલન કરીને રોગમુક્ત થઈ જાય છે. એટલે જ પરેજી ન પાળનાર દરદી માટે આયુર્વેદિક ચિકિત્સા વ્યર્થ છે. જોકે દરેક માટે પરેજીનાં વિધાન જુદાં હોય. આયુર્વેદશાસ્ત્રના માન્ય ગ્રંથોમાં પરેજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે આહાર-વિહારના ઊંડાણમાં જઈએ.’
કેવો આહાર લેવો?
આહાર આપણા આરોગ્યની ચાવી છે. નીરોગી રહેવાનો સૌથી પહેલો મંત્ર છે ભોજનને ઔષધિના રૂપમાં લેવું. ઋષિમુનિઓએ દેશ, કાળ, વય અને ઋતુ અનુસાર કયો આહાર લેવો એની સ્પષ્ટતા કરી છે. આહાર-વિહારના સિદ્ધાંતો આપણા દેશની આબોહવાના આધારે લખાયા છે. વધુ માહિતી આપતાં વૈદરાજ કહે છે, ‘શાસ્ત્રોમાં ભિન્ન-ભિન્ન વ્યાધિઓમાં વિશિષ્ટ આહારોનો ઉલ્લેખ મળે છે. વહેલી સવારે શરીરમાં કફનો, સૂર્યોદય સમયે વાયુનો, મધ્યાહ્ને પિત્તનો અને સંધ્યાકાળે ફરીથી વાયુનો પ્રકોપ હોય છે. સમય મુજબ ભોજનની પસંદગી કરવી. જમવાની શરૂઆત મિષ્ટ ભોજનથી કરવાથી વાયુનો પ્રકોપ શાંત થાય છે. આબોહવાની પણ શરીર પર અનુકૂળ અસર થાય છે. ઠંડીમાં ભારે ખોરાક પચી જાય છે જ્યારે ગરમીમાં હળવો ખોરાક લેવાય. ભારતના નકશામાં તમે ઉપરની તરફ જાઓ તો ખૂબ ઠંડી પડે છે. સરસવનું તેલ પચવામાં ભારે છે તેથી પંજાબમાં વધુ ખવાય છે. નીચે તરફ આવશો તો ગરમી જોવા મળશે. એટલે જ દક્ષિણ ભારતીયો પચવામાં હળવું નાળિયેરનું તેલ ખાય છે. મુંબઈ અને ગુજરાત અધવચ્ચે છે. જે દેશમાં અને વિસ્તારમાં તમે જન્મ્યા છો એ વિસ્તારનું સ્થાનિક અનાજ ઔષધિ કરતાં વિશેષ લાભદાયી છે. નીરોગી વ્યક્તિ સમય અને આબોહવાની અસર મુજબ ખોરાક લઈ શકે છે જ્યારે દરદી માટે વિધાન જુદાં છે. કફનો પ્રકોપ હોય તો દહીં ન ખવાય પણ મરચાં ખાવાં જોઈએ. ઍસિડિટી થતી હોય તે મરચાં ખાય તો પ્રકોપ વધે. દૂધના સેવનની બાબતમાં પણ અજ્ઞાનતા પ્રવર્તે છે. દૂધ અડધો પચેલો ખોરાક કહેવાય. જેની પાચનશક્તિ નબળી હોય તેણે દૂધ પીવું જોઈએ. ખોરાકને પચાવી શકનારને દૂધની જરૂર નથી. હૃદયરોગના દરદીને ઘી ખાવાની ના પાડવામાં આવે છે, કારણ કે કૉલેસ્ટરોલ વધી જાય છે પણ ગાયનું ઘી હૃદયની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. ગાયનું ઘી ખોરાકમાં રહેલા સ્ટાર્ચને પચાવે છે. કેટલાક આહાર પ્રકૃતિને અનુકૂળ હોય છે તો કેટલાક પ્રતિકૂળ હોય છે. જઠરાગ્નિનું બળાબળ પારખીને આયોજનપૂવર્ક ખોરાક લેવાથી શરીરમાં દોષોની વૃદ્ધિ થતી નથી.’
વિરુદ્ધ આહાર
આયુર્વેદમાં મોટા ભાગના રોગોનું મૂળ કારણ આહારની વિષમતા માનવામાં આવે છે. પ્રબોધભાઈ કહે છે, ‘આજકાલ રેસ્ટોરન્ટનું ખાવાનું વધી ગયું છે. હોટેલમાં મળતી વાનગીઓ આહાર-વિહારના નિયમોની વિરુદ્ધ બનેલી હોય છે. દૂધ સાથે કાંદા-લસણ, મૂળા-ગાજર, આદું-મરચાં ન લેવાય. પાંઉભાજી કે પીત્ઝા ખાધા પછી ડિઝર્ટમાં મિલ્કશેક પીવો એ વિરુદ્ધ આહાર છે. બહારનું ખાતી વખતે તો આપણે એને અવગણીએ છીએ, ઘરની રસોઈમાં પણ એટલા જ બેદરકાર છીએ. આજનું વિજ્ઞાન ભણેલા મોટા ભાગના ડૉક્ટરોને આહાર-વિહાર પથ્યાપથ્યનું જ્ઞાન નથી. શરીરમાં કૅલ્શિયમની ઊણપ હશે તો સલાહ આપશે કે રાત્રે સૂતા પહેલાં દૂધ પીજો. દૂધમાંથી કૅલ્શિયમ મળે છે, પરંતુ મોડેથી ભોજન કર્યું હોય એના ઉપર દૂધ પીવાથી વિરુદ્ધ આહાર થાય છે તેથી દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે. વિરુદ્ધ આહારનું મિશ્રણ શરીરમાં ઝેરી અસર ઉપજાવે છે. વિરુદ્ધ આહાર લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો થાય છે. ખોરાકનો આપણા શરીર અને મન પર પ્રભાવ પડે છે. જો એને યોગ્ય રીતે લેવામાં ન આવે તો રાસાયણિક વિકૃતિઓ પેદા થાય અને શરીર રોગોનું ઘર બને.
રોગની ઉત્પત્તિ
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, ઍસિડિટી, કિડનીના રોગ, હૃદયના રોગ, આર્થ્રાઇટિસ જેવા અનેક રોગો વિશે વાત કરવામાં આવી છે. હજારો વર્ષ પહેલાં આયુર્વેદના ગ્રંથોમાં એનો ઉલ્લેખ થયેલો છે. વાસ્તવમાં રોગો બે જ પ્રકારના છે. એક નિજ રોગ અને બીજો આગંતુક. નિજ રોગ એટલે કે શરીરની અંદર આહાર-વિહારની ભૂલોના કારણે થયેલા રોગો અને આગંતુક એટલે કે અકસ્માત, પડવા-આખડવાથી વાગી જવું જેવાં બાહ્ય પરિબળોથી થતો રોગ. પશ્ચિમી જીવનશૈલીને અપનાવવાના કારણે તેમ જ નિયમો વિરુદ્ધનો આહાર લેવાથી આપણે નિજ રોગના શિકાર બની રહ્યા છીએ.
આહાર જ ઔષધ
સામાન્ય વ્યક્તિ આહાર-વિહારના વિજ્ઞાનને સમજી પરેજી પાળે તે નીરોગી જીવન જીવી શકે છે પણ જેઓ પહેલેથી રોગી છે તેમણે શું કરવું જોઈએ? વૈદરાજ કહે છે, ‘કોઈ પણ રોગ શરીરની અંદરની સિસ્ટમ બગડવાથી થાય છે. જે સીડી ઉપર લઈ જાય છે એ જ સીડીથી તમે નીચે પણ ઊતરી શકો છો. નીરોગી રહેવા માટેના બે માર્ગ છે, કર્ષણ અને બૃહણ. કર્ષણ એટલે શરીરમાં જે દોષો વધ્યા છે એને બહાર કાઢો અને બૃહણ એટલે જે ઘટ્યા છે એની પુષ્ટિ કરો. વારંવાર શરદી-ખાંસી થતાં હોય એવા દરદી કેળાં ખાવાનું બંધ કરે અને આહારમાં મરચાંનું પ્રમાણ વધારે તો તેનો રોગ મટી જાય છે. આ સાદો દાખલો છે. કુદરતે આપેલું શરીર તમામ પ્રકારના રોગ સામે લડવા સક્ષમ છે. શરીરની અંદરની ગરમીથી ટૉક્સિન, નુકસાન કરનારા બૅક્ટેરિયા, જંતુઓના સંક્રમણનો નાશ કરી શકાય છે પરંતુ આપણે એને સમય આપતા નથી. રોગી પોતાના
દૈનિક જીવનમાં શરીરના હિત અને અહિતનો વિચાર કરીને આહારની પરેજીનો નિર્ણય લે તો આહાર ઔષધિ બની જાય છે.’

નીરોગી રહેવા માટે આહાર-વિહારના વિજ્ઞાનને સમજવું પડે. અત્યારે આપણે જે આધુનિક રોગોનો સામનો કરી રહ્યા છીએ એ નિજ એટલે કે શરીરની અંદર આહાર-વિહારની ભૂલોના કારણે થયેલા છે. શરીરની પ્રકૃતિ, રોગ અને પાચનશક્તિને ધ્યાનમાં લઈ પરેજી પાળવામાં આવે તો રોગ થતા નથી. પરેજીનો અર્થ જ એ છે કે જે ખોરાક શરીરને અનુકૂળ ન હોય એનાથી દૂર રહેવું. આટલી સમજણ આવી જાય તો વગર ઔષધિએ રોગનો નાશ કરી શકાય છે
- પ્રબોધ ગોસ્વામી, આયુર્વેદ નિષ્ણાત

વિરુદ્ધ આહાર કોને પચે?

દૂધ સાથે મીઠું (સૉલ્ટ) ન ખવાય એવું આહાર-વિહારનું વિજ્ઞાન કહે છે પણ પહેલાંના સમયના લોકો ખીચડી સાથે દૂધ અને ચા સાથે થેપલાં ખાય છે તેમ છતાં પચી જાય છે. એનું કારણ છે શરીરની પાચનશક્તિ. આપણા વડીલોએ ખેતરોમાં જઈને સખત મહેનત કરી છે. શ્રમિક વર્ગ મજૂરી કરી શરીર પાસેથી કામ લે છે તેથી તેમને બધું પચી જાય છે. પરસેવો પાડવાથી શરીરમાં જઠરાગ્નિ પ્રબળ બને છે અને વિરુદ્ધ આહાર નડતો નથી. વિરુદ્ધ આહાર શરીર માટે હાનિકારક છે પણ અમુક પ્રકારનાં ભોજન લેવાં હોય તો હાર્ડ વર્ક કરવું જોઈએ જેથી બીમાર ન પડી જવાય. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK