Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છમાં લીલો દુકાળ

કચ્છમાં લીલો દુકાળ

15 September, 2020 12:17 PM IST | Mumbai
Mavji Maheshwari

કચ્છમાં લીલો દુકાળ

અનરાધાર વર્ષાનું સપનું આંખમાં આંજીને જીવતો કચ્છીમાડૂ ફરિયાદ નથી કરતો. તે વરસાદની કૃપાને માણે છે.

અનરાધાર વર્ષાનું સપનું આંખમાં આંજીને જીવતો કચ્છીમાડૂ ફરિયાદ નથી કરતો. તે વરસાદની કૃપાને માણે છે.


વરસાદની હંમેશાં રાહ જોઈ રહેલા કચ્છવાસીઓ માટે આ વર્ષે વરસાદે અનેરાં દૃશ્યો સર્જ્યાં છે, આખાય કચ્છમાં પાણી-પાણી દેખાઈ રહ્યું છે. મનમોહક હરિયાળી છવાઈ ગઈ છે, પરંતુ ધાર્યા કરતાં વધારે પડેલા વરસાદે પાકનો સોથ વાળી નાખ્યો છે. જુલાઈના અંત ભાગમાં જે ખેતરોમાં મોલ લહેરાતો હતો એ ખેતરોનો મોલ પાણીમાં ડૂબેલો રહ્યો. તો અનરાધાર વરસાદે કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગો સિવાયના મોટા ભાગના આંતરિક રસ્તા ધોઈ નાખ્યા છે. અત્યારે આખાય કચ્છના રસ્તાઓ ગાડાંવાટ જેવા લાગે છે. ગુજરાત સરકાર ખેતી અને માર્ગોનું સર્વે કરશે ત્યાં સુધીમાં એકાદ મહિનો વીતી જશે. આ વરસાદથી ઘેટાં-બકરાં પાળતા માલધારીઓને પણ નુકસાન થયું છે. તેમ છતાં, કચ્છીમાડુના મોઢે ફરિયાદ નથી.

Kutch



ચાલુ વર્ષે કચ્છમાં અનરાધાર વરસાદ પડ્યો છે. કલ્પના બહારના વરસાદી તાંડવને કારણે થયેલા નુકસાનની બહાર આવી રહેલી હકીકતો ચિંતાજનક છે. અનુભવી ખેડૂતો કહી રહ્યા છે કે કચ્છમાં લીલો દુકાળ પડ્યો છે. સરકાર લીલો દુકાળ જાહેર કરે એવી માગણી પણ થઈ રહી છે. વરસાદે ન માત્ર ખેતીને, કચ્છનાં ગામડાંને જોડતા આંતરિક રસ્તાઓની હાલત ગાડાંવાટ જેવી કરી નાખી છે. કેટલાય કૉઝ-વે તણાઈ જવાથી એ માર્ગો પરથી વાહનચાલકો રાત્રિના ભાગે પસાર થવાનું ટાળે છે. એ માર્ગોનાં સમારકામો થતાં સમય લાગશે. એટલું જ નહીં, સરકારને મોટું બજેટ ફાળવવું પડશે.
કચ્છમાં જુલાઈ મહિનામાં જ ખાસ્સો વરસાદ પડી ગયો હતો. ઑગસ્ટના બીજા પખવાડિયામાં તો વરસાદે રીતસર ધામા જ નાખ્યા. શરૂઆતના વરસાદમાં જ થયેલા વાવેતરમાં વિક્રમી પાક ઊતરવાની આશા સેવાઈ રહી હતી. ખેડૂતો અને માલધારીઓ સારા વરસાદને લઈને આનંદમાં પણ હતા, પરંતુ ઑગસ્ટના અંત સુધીમાં વરસાદે ખાનાખરાબી સર્જી નાખી. મોંઘા ભાવનું બિયારણ લઈને વાવેલાં ખેતરોમાં લહેરાતો પાક પાણીમાં ડૂબી ગયો અથવા તો સડી ગયો છે. સામાન્ય રીતે ઑગસ્ટના પહેલા અઠવાડિયા પછી મગફળી, મગ, તલી જેવા પાકોમાં ફૂલ બેસવાની શરૂઆત થતી હોય છે અને ઑગસ્ટના અંતમાં એના દાણા બેસી ગયા હોય છે, પરંતુ મગફળીમાં ફૂલ બેસવાની શરૂઆતે જ વરસાદ પડ્યો. એવું જ મગનું થયું છે. આને કારણે એ પાકો ફળવાને બદલે વધવા માંડ્યા. પરિણામે એ પાકો નજીવો ઉતાર આપશે. બાજરી, ગુવાર જેવા પાકો ઠરી જવાને કારણે સડી ગયા છે. ગુવારનાં ખેતરો અડધા ખાલી જણય છે. કપાસ બિયારણ અને દવાના ખર્ચની રીતે મોંઘો પાક ગણાય છે. કપાસના પાકને પાણી નિયમિત જોઈએ, પરંતુ આ પાક સતત વરસાદનો માર ખમી શકતો નથી. આ વર્ષે કપાસનો પાક લેનાર ખેડૂતોને માટે નિરાશાજનક સ્થિતિ છે. એવું જ ફળાઉ ખેતી અને શાકભાજીનાં ઉત્પાદન કરતા ખેડૂતોની પણ દશા બેઠી છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત જ આક્રમક રહી હતી. પરિણામે દાડમ અને ખારેકના પાકને ભયંકર નુકસાન પહોંચ્યું હતું. ખારેક ઉપર વર્ષમાં એક જ વાર ફાલ આવતો હોવાથી એનું નુકસાન સરભર થઈ શકે એમ નથી. છેલ્લાં દસેક વર્ષથી કચ્છમાં દાડમનું વિક્રમી ઉત્પાદન થાય છે. આ વર્ષે ભાગેતી ખેતી કરનારા તથા જમા રકમ પર ખેતી કરનારા ખેડૂતોને ચોમાસાએ રીતસર ડુબાડ્યા છે. ભારે વરસાદને કારણે ન માત્ર પાકને, ખેતરોને પણ ખાસ્સું નુકસાન થયું છે. પાળા તૂટી જવાથી કે ઉપજાઉ માટી તણાઈ જવાથી ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવો તાલ થશે. માંડવી, અબડાસા, લખપત, નખત્રાણાનો ઉત્તર-પશ્ચિમ વિસ્તાર તેમ જ રાપર અને ભચાઉ તાલુકાની ખેતી મોટા ભાગની વરસાદ પર આધારિત છે. સરેરાશ ૧૦થી ૧૨ ઈંચ વરસાદની ધારણા રાખતા કચ્છના ખેડૂતની ખેતીની પદ્ધતિ અને પાક લેવાની માનસિકતા પણ એવી જ રહી છે, પરંતુ આ વર્ષના વરસાદે ખેડૂતોની બધી જ ધારણાઓનો છેદ ઉડાવી દીધો છે. સરવાળે આ વર્ષ ખેડૂતો માટે નિરાશાજનક છે. જે ખેડૂતો નાલી અને કૂવા આધારિત સિંચાઈ કરે છે તેમને શિયાળુ પાકમાં ફાયદો જરૂર થવાનો છે, કારણ કે કચ્છના બધા જ ડૅમો ઓવરફ્લો થઈ ગયા છે. જળાશયોમાં પૂરતું પાણી છે. તંત્ર ધારે તો ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ બેય પાક માટે પાણી આપી શકશે. કૂવાના તળ ઊંચા આવશે એથી ડૂકી જતા કૂવાઓ સજીવન થયા છે.
આ વરસાદ ન માત્ર ખેડૂતો માટે, સરકાર માટે પણ આપદા બનીને ત્રાટક્યો છે, કારણ કે કચ્છના મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે અથવા એમાં ગાબડાં પડી ગયાં છે. આ માર્ગોની મરામત કરવા માટે સરકારી ખજાના પર મોટો બોજ પડવાનો છે. ભારે વરસાદથી પશ્ચિમ કચ્છના આંતરિક માર્ગોને ખૂબ જ નુકસાન થયું છે. પૂર્વ કચ્છના પ્રમાણમાં પશ્ચિમ કચ્છમાં મોટી નદીઓનું પ્રમાણ વધારે છે. નદીઓના માર્ગમાં જ્યાં-જ્યાં સડકો આવેલી છે એના પર પુલ ઓછા અને પાપડીઓ વધારે છે. આ વર્ષે પાણીના વેગવાન પ્રવાહનો માર એ પાપડીઓ ખમી શકી નથી. સિંચાઈના ડૅમો તેમ જ ચેક ડૅમો ઓવરફ્લો થવાના કારણે એ પાપડીઓ પર દિવસો સુધી પાણી વહ્યા કર્યું છે, જેની અસર રોજબરોજના વ્યવહાર પર પણ પડી છે. અનેક ગામડાં એવા છે, જ્યાં નદી વચ્ચેથી નીકળતો માર્ગ ધોવાઈ જવાથી મોટો ફેરો ખાઈને જવું પડે છે. જોકે આ વર્ષે માર્ગ સુધારણા માટે સરકાર ઝડપ કરશે તો કચ્છના મજૂર વર્ગને ખાસ્સા દિવસોની રોજગારી મળે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. કચ્છ જે પ્રદેશને કારણે જાણીતું બન્યું છે એ બન્ની વિસ્તારની હાલત આ વરસાદે ખરાબ કરી નાખી છે. રણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે પાકા માર્ગો વગરનો એ વિસ્તાર લાંબો સમય કીચડથી ભરાયેલો રહેવાનો છે. બન્ની વિસ્તારમાં છવાયેલી ગાંડા બાવળની ઝાડીને કારણે અવારનવાર પાલ્સીપેરમ તાવનો ઉપદ્રવ દેખા દે છે. આ વર્ષે ભેજ અને ભરાયેલાં પાણીને કારણે પાલ્સીપેરમ તાવ માથું ઊંચકે એવું બની શકે. કચ્છના રણબેટ ખડીરમાં પ્રવેશવા માટે એક માત્ર માર્ગ શીરાણી વાંઢ પાસેથી નીકળે છે. વચ્ચે લાંબો કૉઝ-વે પસાર કરવાનો હોય છે. આ વર્ષે રણમાં પાણી ભરાયાં હોવાથી એ કૉઝ-વેને પણ નુકસાન થયું છે. જોકે ખડીરમાં બીએસએફની ચોકી હોવાથી એ માર્ગ જ્યારે બંધ થાય છે ત્યારે તરત સેનાના જવાનો માર્ગ સુધારી લે છે, પરંતુ આઝાદીના ૭૫મા વર્ષે પણ એ બેટ વરસાદી ખતરામાંથી મુક્ત થયો નથી, એ હકીકત છે. આ વર્ષે કચ્છનું ગ્રેટર રણ આખુંય પાણીમાં ડૂબેલું છે. જે સફેદ રણને જોવા લોકો વિદેશથી આવે છે એ રણ મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. આ પાણી સુકાતાં ખાસ્સો સમય લાગશે. જો ચોમાસાના પાછલા દિવસોમાં વરસાદ ન આવે તોય આ વર્ષે રણોત્સવ ઊજવાય એવા કોઈ સંજોગ નથી. આમેય ગુજરાત સરકારના પ્રવાસન નિગમે કોરોનાના કારણે રણોત્સવ આ વર્ષ માટે રદ કર્યો છે. આથી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ધમધમતો ભુજ-ખાવડા માર્ગ આ વર્ષે ખાલીખમ રહેવાનો છે. રણોત્સવ નહીં યોજાવાથી પરિવહન, હોટેલ, ખાણી પીણી, હસ્તકલાના કારીગરોની રોજગારી પર બહુ જ મોટી અસર થવાની છે. છેલ્લા ચાર મહિનાના લૉકડાઉનના કારણે આમેય માનવ પરિવહન સેવા આપતા વાહનધારકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના માટે આ વર્ષ ભયંકર મંદીનું પુરવાર થવાનું છે.
આ ચોમાસામાં કચ્છમાં વરસેલા વરસાદે અનેક ક્ષેત્રને માઠી અસર પહોંચાડી છે. ખેડૂતો, માલધારીઓ, નાના વેપારીઓ, મજૂરો તેમ જ ખેતી આધારિત વ્યવસાયો કરનારાને માટે આ વરસાદ આર્થિક મુશ્કેલીઓ લઈને આવ્યો છે. તેમ છતાં, અનરાધાર વર્ષાનું સપનું આંખમાં આંજીને જીવતો કચ્છીમાડૂ ફરિયાદ નથી કરતો. તે વરસાદની કૃપાને માણે છે.
mavji018@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 12:17 PM IST | Mumbai | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK