ડેટિંગ ઍપ પરથી પસંદ કરેલી છોકરી મને છોડી ગઈ. મારે એમાં શું કરવું?

Published: Dec 31, 2019, 15:19 IST | Sejal Patel | Mumbai

કૉલેજમાં હું છોકરીઓને ફેરવતો હતો, પણ હવે ડેટિંગ ઍપ પરથી પસંદ કરેલી છોકરી મને છોડી ગઈ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી જિંદગીમાં એક અજીબ વળાંક આવ્યો છે. મને ખબર નથી કે મારે એમાં શું કરવું. કૉલેજમાં હતો ત્યારે છોકરીઓને બહુ તુચ્છતાથી ટ્રીટ કરતો. એક જ સમયે ત્રણ-ત્રણ છોકરીઓ સાથે મારું અફેર ચાલતું હોય એવા દિવસો પણ હતા. કહેવાની જરૂર નથી કે એમાંથી એકેય છોકરીઓ અત્યારે મારી સાથે નથી. મારી ઉંમર ૩૧ વર્ષ છે અને અત્યારે હું સિંગલ છું. ડેટિંગ ઍપ પરથી સાથીની તલાશમાં છું, પણ ઍપ થકી જેટલી પણ છોકરીઓને મળું છું એમાં મૅચિંગ થાય એમ લાગતું નથી. હું ૧૬ છોકરીઓને મળ્યો છું અને દરેક સાથે ત્રણ-ચાર ડેટ પછી વાત અટકી પડી છે. મને હવે જાણે જીવનસાથીમાં શું જોઈએ છે એ વિશે જ સ્પષ્ટતા નથી થતી. બે મહિના પહેલાં હું મારાથી એક વર્ષ મોટી છોકરીને ડેટિંગ ઍપ પર મળ્યો. તેની સાથે પહેલાં તો ખાસ્સો સમય ચૅટિંગ ચાલ્યું. એ પછી મળ્યાં. ત્રીજી વાર મળ્યાં ત્યાં સુધીમાં અમે એટલાં ક્લોઝ આવી ગયેલાં કે અમે ફિઝિકલી પણ આગળ વધી ગયાં. મને લાગતું હતું કે આની સાથે જ મારો સંસાર મંડાય તો લાઇફ બની જાય. જોકે અમે ફિઝિકલી આગળ વધ્યાં એ પછીથી તેના તરફનો રિસ્પૉન્સ ઘટવા લાગ્યો. છેલ્લા થોડા દિવસથી તો તેનો નંબર જ બંધ આવે છે અને ઍપ પરથી તેણે પોતાનો પ્રોફાઇલ પણ ડિલીટ કરી નાખ્યો છે. મારે એમાં શું સમજવું? હું ખરેખર તેને પ્રેમ કરવા લાગ્યો છું અને તે હવે કૉન્ટૅક્ટેબલ નથી રહી. મને લાગે છે કે મેં છોકરીઓ સાથે જે ખરાબ વ્યવહાર કર્યો છે એનો જ બદલો મને મળી રહ્યો છે. મારે કોઈ પણ હિસાબે તેને પાછી મેળવવી છે. મારી કઈ વાતે તેને તકલીફ પડી એની સ્પષ્ટતા તો તે કરે. હું તેના માટે મારી તમામ ભૂલોને સુધારવા તૈયાર છું. સમસ્યા એ છે કે તે મને કનેક્ટ કરે તો આ બધી વાત કરી શકું. ત્યાં સુધી હું એકલો-એકલો પાગલ થઈ જઈશ. શું કરું?

જવાબ : જ્યારે કોઈકને માટે કૂણી લાગણી પ્રગટે, પ્રેમની લાગણીઓ ફૂલેફાલે અને પછીથી કોઈ જ કમ્યુનિકેશન વિના છૂટાં પડવાની વાત આવે ત્યારે ચોક્કસપણે દુઃખ થાય. જોકે તમે નાહકનું તમારા ભૂતકાળ સાથે અત્યારની સિચુએશનને જોડી રહ્યા છો. હા, જ્યારે આપણને તરછોડાયાની ફીલિંગ અનુભવાય ત્યારે જ સમજાય કે કોઈકને એમ જ તરછોડી દેવા અથવા તો મોજમસ્તી માટે સંબંધ રાખીને છોડી દેવા એટલે શું કહેવાય. એ રીતે જોઈએ તો હા, આ ઘટના કદાચ તમને સબક શીખવવા માટે જ તમારા જીવનમાં ઘટી છે.

તમને છોડી ગયેલી છોકરી માટે તમને દુઃખ થાય છે, પણ હવે એ દુખને રોયા કરવાનો પણ કોઈ મતલબ નથી. કેમ કે ડેટિંગ ઍપ પરથી મોટા ભાગે જે સંબંધ બંધાતા હોય છે એમાં તકલાદીપણું વધારે હોય છે.

હવે તમે આ ઘટનામાંથી શીખવા જેવું શીખીને સંબંધો પ્રત્યે ગંભીર થાઓ એ જરૂરી છે. જીવનસાથીની પસંદગી કરવા માટે ઠરેલપણું આવવું જરૂરી છે. તમે નવી-નવી છોકરીઓને ડેટ કરવાને બદલે પહેલાં શાંત થાઓ અને તમે કેવું જીવન જીવવા માગો છો અને એમાં તમને કેવી જીવનસંગિનીની ખેવના છે એ બાબતે થોડું ચિંતન કરો. ડેટિંગ ઍપ થકી સાથીની પસંદગી કરવી એ ખોટું નથી, પરંતુ જો તમે એમાં માત્ર ડેટિંગ, સેક્સ અને જસ્ટ ઉપરછલ્લી કૉમ્પેટિબિલિટીને જ ચકાસ્યા કરતા હો તો તમારી જીવનસંગિનીની શોધ બહુ અઘરી બની જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK