Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફળ જપાની સ્વાદ દેશી

ફળ જપાની સ્વાદ દેશી

01 December, 2020 04:04 PM IST | Mumbai
Varsha Chitalia

ફળ જપાની સ્વાદ દેશી

ફળ જપાની સ્વાદ દેશી


થોડા દિવસ પહેલાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટે મનાલીની બજારમાં સહેલાઈથી મળતા જપાની ફળની ખાસિયત જણાવતું ટ્વીટ કરતાં હેલ્ધી લાઇફસ્ટાઇલને ફૉલો કરનારા સેંકડો લોકોએ ઇન્ટરનેટના માધ્યમથી ખણખોદ કરીને આ ફ્રૂટ ખાવાના ફાયદા શોધી કાઢ્યા છે ત્યારે વાત કરીએ ઉત્તર ભારતના રાજ્યના આ લોકલ ફ્રૂટના સ્વાદ, રંગ, આકાર અને હેલ્થ બેનિફિટ વિશે...

હિમાચલ પ્રદેશ અને એની આસપાસના વિસ્તારમાં મળી આવતું પીળા રંગનું ટમેટા જેવા આકારનું ફળ આજકાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ એના નેટિવ પ્લેસ મનાલીમાં વેકેશન માણવા ગઈ હતી ત્યારે તેણે જપાની ફળ તરીકે ઓળખાતા આ ફળની ખાસિયત વિશે ટ્વીટ કરતાં લોકોમાં એના હેલ્થ બેનિફિટ્સ જાણવાની ઉત્સુકતા જોવા મળી છે. ચાલો ત્યારે જૅપનીઝ પ્રજા જેને કાકી કહે છે, અંગ્રેજીમાં પર્સિમૉન અને હિન્દીમાં તેન્દુ ફલ તરીકે ઓળખાતા જપાની ફળની વિશેષતા શું છે એ જાણીએ.
વૃક્ષ-ફળની ખાસિયત
જપાની ફળ રસદાર અને સ્વાદમાં ખજૂર જેવું ગળ્યું હોય છે. દેખાવમાં ટમેટું અને પ્લમનું મિશ્રણ હોવાથી ઘણા લોકો એને ડેટ પ્લમ અથવા કોરોલેક પણ કહે છે. ડાયોસપાયરોસ વનસ્પતિની પ્રજાતિના જપાની ફળના વૃક્ષની ઊંચાઈ ૩૩ ફુટ જેટલી હોય છે. એનાં પાન કડક અને લીલા રંગનાં હોય છે જ્યારે ફળનો રંગ નારંગી, પીળો અને લાલ હોય છે. ફળનું વજન સો ગ્રામથી અડધો કિલો જેટલું હોઈ શકે છે. આમ તો જપાની ફળની સેંકડો પ્રજાતિ છે, પરંતુ હચિયા અને ફુયુ વરાઇટી વધુ પૉપ્યુલર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીનમાં આશરે બે હજાર વર્ષથી આ ફળની ખેતી થાય છે. ચીન ઉપરાંત જપાન અને કોરિયામાં પણ મોટા પાયે આ ફળનું ઉત્પાદન થાય છે. અંગ્રેજો દ્વારા આપણા દેશમાં લાવવામાં આવેલા જપાની ફળનો સ્વાદ ભારતીયોની દાઢે વળગતાં હિમાલયન પર્વતમાળાના વિસ્તારોમાં એની ખેતી શરૂ થઈ હતી. જોકે હિમ પ્રતિકારની લાક્ષણિકતા ધરાવતા જપાની ફળની ખેતી માટે આવશ્યક આબોહવા તેમ જ અન્ય ટેક્નિકલ કારણોસર ભારતમાં મોટા પાયે ઉત્પાદન કરવું આજે પણ પડકાર છે.
ઠંડી આબોહવા ધરાવતા ચીન, થાઇલૅન્ડ જેવા એશિયન દેશોમાં આ ફળ ખૂબ પૉપ્યુલર છે એવી માહિતી આપતાં ન્યુટ્રિશનિસ્ટ વર્તિકા મહેતા કહે છે, ‘આ ફ્રૂટ્સને જપાની ફળ કેમ કહે છે એની ખબર નથી પણ ઉત્તર ભારતના રાજ્યનું લોકલ ફ્રૂટ છે અને મેં ઘણી વાર ખાધું છે. સ્વાદમાં સ્વીટ અને જૂસી છે. ક્રિસ્પી ટેક્સચર ધરાવતા આ ફ્રૂટનો કલર પણ ખૂબ અટ્રૅક્ટિવ હોય છે. ખાતી વખતે ક્યારેક ઍપલ તો ક્યારેક નાળિયેર ખાતાં હોઈએ એવી ફીલિંગ આવે. એકદમ જુદો જ ટેસ્ટ છે. ટમેટાની સાઇઝના આ ફ્રૂટને કાપો ત્યારે સફરજન કાપતી વખતે આવે એવો ખચાક કરતો અવાજ આવે છે. જોકે મુંબઈમાં દરેક જગ્યાએ સહેલાઈથી મળતું નથી. ક્રૉફર્ડ માર્કેટમાં કોઈક વાર દેખાય છે. બારેમાસ તમામ પ્રકારના સીઝનલ અને નૉન-સીઝનલ ફ્રૂટ્સ રાખતા હોય એવી દુકાને મળી રહે છે. આપણા રાજ્યનું લોકલ ફ્રૂટ ન હોવાથી મોંઘું હોય છે પણ જેને જુદી-જુદી વરાઇટીનાં ફ્રૂટ્સ ખાવાનો શોખ છે એ લોકો લાવીને ખાય છે. જોકે ફ્રૂટ છે એટલે હેલ્થ બેનિફિટ હોય જ.’
ન્યુટ્રિશનલ વૅલ્યુ
ફ્લેવર અને ટેક્સચરના કારણે અટ્રૅક્ટિવ લાગતાં જપાની ફળ ઔષધિય ગુણોનો ભંડાર છે. કદમાં નાનું હોવા છતાં એમાં પ્રચુર માત્રામાં મૅન્ગેનીઝ, પોટૅસિયમ, કૉપર, વિટામિન ‘એ’, ‘સી’ અને બી૬, ફૉસ્ફરસ તેમ જ ફાઇબર હોય છે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતું જપાની ફળ શરીરમાં કૅન્સરના જીવાણુઓને ખતમ કરવામાં હેલ્પ કરે છે. ઑન્કોલૉજી જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર લ્યુકેમિયા એટલે કે એક પ્રકારના લોહીના કૅન્સરના ઉપચારમાં જપાની ફળ ઘણું કારગત નીવડે છે. એના સેવનથી મેદસ્વિતા ઘટે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જપાની ફળના સેવનથી હૃદય સંબંધિત રોગો, ફેફસાંનું કૅન્સર અને મેટાબોલિક રિલેટેડ બીમારીનું જોખમ ઘટે છે. જપાની ફળનાં પાન પણ ગુણકારી છે. પાનમાંથી વિટામિન, ખનીજ, ટેનિન અને ફાઇબર મળે છે. અનેક લોકો જપાની ફળનાં પાનમાંથી બનાવેલી ચા પીવે છે. આ એક પ્રકારની હર્બલ ટી છે. કાચું ફળ સ્વાદમાં કડછું લાગે છે તેથી સંપૂર્ણપણે પરિપક્વ ફળ જ ખાવું જોઈએ. પાઇ, જેલી, પુડિંગ, કુકીઝ જેવી ફૂડ આઇટમમાં પાકા ફળનો ઉપયોગ થાય છે.
ન્યુટ્રિશનલ વૅલ્યુ વિશે માહિતી આપતાં વર્તિકા કહે છે, ‘હેલ્થની દૃષ્ટિએ જપાની ફળનો કલર મહત્ત્વનો છે. યલો કલરના ફ્રૂટ્સમાં મોટા પ્રમાણમાં વિટામિન ‘એ’ હોય છે. આ કૅરોટિન-રિચ ફ્રૂટ છે. સો ગ્રામ વજનના ફ્રૂટમાંથી અંદાજે ૨૨૬૮ માઇક્રોગ્રામ કૅરોટિન મળે છે. આપણા શરીરને કૅરોટિન અને રેટિનોલ એમ બન્ને પ્રકારનાં વિટામિન ‘એ’ની જરૂર પડે છે. સામાન્ય રીતે રેટિનોલ નૉનવેજ ફૂડમાંથી અને કૅરોટિન ફ્રૂટ્સમાંથી પ્રાપ્ત થાય છે. જપાની ફળ ખાવાથી શાકાહારી લોકોની આ જરૂરિયાતની આપૂર્તિ થઈ જાય છે. જપાની ફળમાં સો ગ્રામે ૭૫ કૅલરી હોવાથી વેઇટલૉસમાં હેલ્પ કરે છે. આ ઉપરાંત કૅલ્શિયમ અને વૉટર કન્ટેન્ટ વધુ હોય છે એ પણ ફાયદો કરે છે. ગાજર અને પપૈયાની જેમ જપાની ફળ ખાવાથી તમારી આંખો તેજ થાય છે. શુગરની સમસ્યા હોય એવા દરદીઓ માટે બેસ્ટ ઑપ્શન છે.’



food


ખાવાની રીત
ફ્રૂટ્સ હેલ્ધી આહાર છે. સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિ પર એની કોઈ આડઅસર નથી થતી, પરંતુ એને ખાવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. જપાની ફળને હંમેશાં છાલ ઉતારીને ખાવા જોઈએ, કારણ કે એમાં રહેલો ટેનિક નામનો ઍસિડ મોટા ભાગે છાલની અંદર હોય છે. આ ઍસિડ વધુ પ્રમાણમાં પેટમાં જાય તો તકલીફ થઈ શકે છે. જપાની ફળના ઍક્સેસિવ ઇન્ટેકથી સ્ટોનની બીમારી થવાની શક્યતા વધી જાય છે એવો રિપોર્ટ ફૂડ કેમિસ્ટ્રી નામના હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયો હતો. એની પ્રકૃતિ શીતળ હોવાથી દિવસમાં બેથી વધુ ફળ ન ખાવાની નિષ્ણાતોએ સલાહ આપી છે.
જપાની ફળને ખાવાની સાચી રીત વિશે વાત કરતાં વર્તિકા કહે છે, ‘આ ફ્રૂટની છાલ ઍપલની જેવી હોવાથી ખાવા માટે ઉપયોગી છે, પરંતુ આપણે ન ખાવી. એનું કારણ છે કોલ્ડ સ્ટોરેજ અને પ્રિઝર્વેટિવ્સ માટે વાપરવામાં આવતું વૅક્સ. હિમાચલ પ્રદેશમાં ફરવા ગયા હો અને લોકલ માકેર્ટમાંથી ખરીદીને ખાતાં હોય તો જ છાલ ખાવી. જપાની ફળ મુંબઈનું સ્થાનિક ફ્રૂટ નથી. બીજા રાજ્યમાંથી મંગાવેલા ફ્રૂટને લાંબા સમય સુધી જાળવી રાખવા માટેની જે પદ્ધતિ અપનાવવામાં આવે છે એ તમારું પેટ બગાડી શકે છે. જપાની ફળ હોય કે કોઈ પણ ફ્રૂટ, એને સવારે ખાવાથી મૅક્સિમમ બેનિફિટ્સ મળે છે. શુગર ફર્ટોસ અને એન્ઝાઇમના લીધે ફ્રૂટ્સને સવારની ચા પીધા પહેલાં ખાશો તો અઢળક ફાયદા મળશે. લોકો જૂસ અને સ્મૂધી બનાવીને પીવે છે એ પણ બેસ્ટ આઇડિયા ન કહેવાય. આપણે બધા હેલ્થના નામે ક્રીએટિવ આઇડિયાઝ અને શૉર્ટકટ્સ અપનાવતા થયા છીએ એ ખોટી રીત છે. ફ્રૂટ્સની બ્યુટી માણવી હોય તો એને છાલ ઉતારી, સમારીને નૅચરલ ફૉર્મમાં ખાવાં જોઈએ.’

food


જપાની ફળ સ્વાદમાં સ્વીટ અને જૂસી છે. ક્રિસ્પી ટેક્સચર ધરાવતા આ ફ્રૂટનો કલર પણ ખૂબ અટ્રૅક્ટિવ હોય છે. ખાતી વખતે ક્યારેક ઍપલ તો ક્યારેક નાળિયેર ખાતાં હોઈએ એવી ફીલિંગ આવે. એકદમ જુદો જ ટેસ્ટ છે. ટમેટાની સાઇઝના આ ફ્રૂટને કાપો ત્યારે સફરજન કાપતી વખતે આવે એવો ખચાક કરતો અવાજ આવે છે. કલરફુલ ટેક્સચરના કારણે આંખો તેજ થાય છે. લો કૅલરી ફ્રૂટ હોવાથી વેઇટલૉસમાં ઉપયોગી છે. જોકે મુંબઈનું લોકલ ફ્રૂટ નથી એટલે એને ખાતાં પહેલાં છાલ ઉતારી લેવી. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખેલા જપાની ફળને છાલ સહિત ખાવાથી પેટની સમસ્યા ઊભી થઈ શકે છે. આ સિવાય એની કોઈ આડઅસર નથી
- વર્તિકા મહેતા, ન્યુટ્રિશનિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 04:04 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK