Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શરીરના પ્રત્યેક તંત્ર, અવયવ અને, કોષ પર થતી હોય છે યોગની અસર

શરીરના પ્રત્યેક તંત્ર, અવયવ અને, કોષ પર થતી હોય છે યોગની અસર

28 January, 2021 04:06 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

શરીરના પ્રત્યેક તંત્ર, અવયવ અને, કોષ પર થતી હોય છે યોગની અસર

શરીરના પ્રત્યેક તંત્ર, અવયવ અને, કોષ પર થતી હોય છે યોગની અસર

શરીરના પ્રત્યેક તંત્ર, અવયવ અને, કોષ પર થતી હોય છે યોગની અસર


યોગ હોલિસ્ટિક સાયન્સ છે અને શરીરના પ્રત્યેક અંગ અને શરીરની પ્રત્યેક કાર્યપ્રણાલી પર એની અસર થતી હોય છે. પ્રાણાયામથી આપણું શ્વસન તંત્ર મજબૂત થાય છે એ આપણે જાણીએ છીએ. વિવિધ બૅલૅન્સિંગ આસનો આપણા સ્નાયુ તંત્રને અને ચેતાતંત્રને પ્રભાવિત કરે છે. આજે એ જ દિશામાં થોડુંક વિસ્તારથી જાણીએ 

યોગાભ્યાસ એવી પ્રૅક્ટિટિસ છે જે તમારા અસ્તિત્વનાં તમામ પાસાંઓને પ્રભાવિત કરે છે. જીવનનો સમગ્રતા સાથે અનુભવ કરાવવાની ક્ષમતા યોગમાં છે. આસનો, પ્રાણાયામ, ક્રિયા તમારા શરીરની પ્રત્યેક સિસ્ટમ પર ઊંડો પ્રભાવ પાડે છે. યોગ તમારું એનર્જી લેવલ વધારવાથી લઈને તમારી ફ્લેક્સિબિલિટી, મોબિલિટી, શ્વસનની ક્ષમતા, સ્ટૅમિના, ચેતાતંત્રની કાર્યક્ષમતા, અંતઃસ્રાવી ગ્રંથિઓની કાર્યક્ષમતા વધારવનું કામ કરે છે. નિખાર યોગમાંથી મળતી બાયપ્રોડક્ટ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે યોગ તમારા શરીરની કઈ સિસ્ટમને કઈ રીતે ઉપયોગી છે.
સ્કેલેટલ સિસ્ટમ
સ્કેલેટલ એટલે કે તમારું અસ્થિતંત્ર જેનો તમે આખા દિવસ દરમ્યાન ભરપૂર ઉપયોગ કરો છો. જ્યારે પણ આસન કરો છો ત્યારે સાંધાઓની પણ મૂવમેન્ટ થાય છે. યોગની નિયમિત પ્રૅક્ટિસ સાંધાની ફ્લેક્સિબિલિટી બરકરાર રાખશે અને ઑસ્ટિયોપોરોસિસ, આર્થ્રાઇટિસ, સ્પાઇનલ પેઇન, સ્ક્લરેઓસિસ જેવી બાબતો દૂર રહેશે. આ જ સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ફૅન-ફૉલોઇંગ ધરાવતા અને યોગના ક્ષેત્રમાં છેલ્લાં વીસેક વર્ષથી સક્રિય આયુર્વેદિક ડૉ. નિસાર શેખ કહે છે, ‘વિવિધ આસનો આપણી પૉશ્ચરલ હેલ્થ સુધારે છે જે સ્કેલેટલ સિસ્ટમ માટે ખૂબ મહત્ત્વનું મનાય છે. જેમ કે આગળ ઝૂકવાનું આપણી ડે ટુ ડે લાઇફમાં વધારે હોય છે જેની સામે પાછળ ઝૂકવાનું ઓછું બને. તેને બૅલૅન્સ કરવાનું કાર્ય યોગમાં થાય છે. ઘણી વાર ખોટા પૉશ્ચરને કારણે જે પણ શારીરિક તકલીફો થતી હોય અથવા થવાની હોય તેને યોગ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે.’
મસ્ક્યુલર સિસ્ટમ
યોગ તમારા સ્નાયુ તંત્ર માટે પણ આશીર્વાદ છે. માત્ર હાડકાંઓ જ નહીં પણ સ્નાયુઓને ટોન અપ કરવામાં, તેની ક્ષમતા વધારવામાં, સ્નાયુઓ હેલ્ધી કરીને શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં યોગના વિવિધ અભ્યાસ અદ્ભુત રીતે કામ કરે છે. દરેક ઉંમરના અને દરેક અવસ્થામાં રહેલા લોકોની મસ્ક્યુલર સિસ્ટમ પર યોગની પૉઝિટિવ અસર પડે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી બીમારી ધરાવતા લોકો જો નાની ઉંમરમાં જ યોગાભ્યાસ કરે તો તેમનો બૉડી રિસ્પૉન્સ સુધરી શકે છે. ડૉ. નિસાર કહે છે, ‘અન્ય મૉડર્ન એક્સરસાઇઝ ફૉર્મ અને યોગાસનોમાં એક મહત્ત્વનો ડિફરન્સ છે જે સ્નાયુઓ પર તરત દેખાય છે. અન્ય કસરતોમાં પણ સ્ટ્રેચિંગ હોય છે પરંતુ એ સ્ટ્રેચિંગમાં ઝડપ પણ હોય છે જ્યારે યોગાસનોમાં અવેરનેસ સાથેની સ્લો મૂવમેન્ટ હોય છે જે તમારા મસલ્સને રિલૅક્સ કરે છે. કોઈ પણ આસન જોઈ લો. ધારો કે તમે ભુજંગાસન કરો ત્યારે સ્પાઇનને પાછળની તરફ સ્ટ્રેચ કરો છો એ સમયે તમારું ધ્યાન બૅક મસલ્સ પર જાય છે જે તેની અકસીરતા વધારે છે. સ્નાયુઓમાં રહેલી સ્ટિફનેસ ઓછી થાય, એમાં હળવાશ ઉમેરાય. દરેક સ્નાયુઓ સાથે સંકળાયેલા શરીરના અન્ય ભાગોમાં પણ યોગને કારણે રિલૅક્સેશન ઉમેરાતું હોય છે. જિમમાં મસલ્સને સ્ટ્રેંગ્થ આપવા માટે તેને ટેન્શન અપાય છે જ્યારે યોગાસનો ટેન્શનને રિલીઝ કરવાનું કામ કરે છે.’
સર્ક્યુલેટરી સિસ્ટમ
યોગથી રક્તનું પરિભ્રમણ સુધરે છે એ વાત નવી નથી. ડૉ. નિસાર આ દિશામાં વધુ વાત કરતાં કહે છે, ‘જ્યારે પણ તમે ફૉર્વર્ડ બેન્ડિંગનાં આસનો કરો છો ત્યારે રક્તપ્રવાહ મસ્તક અને છાતિ તરફ વધે છે જે સર્ક્યુલેટરી સિસ્ટમ માટે ઇફેક્ટિવ મનાય છે. બ્લડ ફ્લોને રેગ્યુલેટ કરવામાં યોગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જે તમારી અન્ય સિસ્ટમને પણ ભરપૂર ફાયદો આપે છે. જેમ કે રક્ત શરીરના પ્રત્યેક કોષો સુધી અડચણ વિના પહોંચે તો જે-તે સ્નાયુઓની કાર્યક્ષમતા પણ વધવાની, તમારી નર્વસ સિસ્ટમ વધુ બહેતર રીતે કામ કરવાની.’
નર્વસ અને એન્ડોક્રાઇન સિસ્ટમ
મારો પોતાનો અનુભવ છે કે યોગ સૌથી વધુ અસર કરે છે એ નર્વસ સિસ્ટમ એમ જણાવીને ડૉ. નિસાર કહે છે, ‘તમારું ચેતાતંત્ર અને અંતઃસ્રાવી ગ્રંથિઓ ઘણા અંશે શરીરમાં કન્ટ્રોલ હાઉસ તરીકે કામ કરે છે. યોગ ઇઝ ઑલ અબાઉટ કન્ટ્રોલ. આસન તમારી મૂવમેન્ટ્સને કન્ટ્રોલ કરે છે, પ્રાણાયામ દ્વારા તમે શ્વાસને કન્ટ્રોલ કરો છો અને મેડિટેશન દ્વારા તમે તમારા મનને કન્ટ્રોલ કરો છો. યોગાસન તમારા બ્રેઇનના ત્રણેય મહત્ત્વના હિસ્સા પર કામ કરે છે, તમારા શરીરની લગભગ દરેક અંતઃસ્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરનારાં આસનો છે. આ જ કારણ છે કે યોગ્ય રીતે થતાં આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ તમારી મેમરી વધારવાથી લઈને તમારામાં સંતુલન જાળવવાનું, વધુ ઇન્ટેલિજસ્ટ બનાવવાનું અને તમારા આખા વ્યક્તિત્વને સુલઝાવવાનું કાર્ય કરી શકે છે. આ જ કારણ છે કે યોગ તમારા નકારાત્મક વિચારોને હકારાત્મક બનાવી શકે છે, ખોટી આદતોને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. કરોડરજ્જુનું લચીલાપણું સુધારે છે જે ઘણી સિસ્ટમની કાર્યપ્રણાલીને બહેતર બનાવે છે. ન્યુરોલૉજિકલ કનેક્શન રિફાઇન થવાથી મોટર મૂવમેન્ટ્સ ઘણા અંશે બહેતર થાય છે.’
શ્વસન અને પાચનતંત્ર
અમુક ચેસ્ટ ઓપનિંગ આસનો શ્વસન સાથે સંકળાયેલા સ્નાયુઓને તંદુરસ્તી આપે, ફેફસાંને તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો અવકાશ આપે એટલે એ ફાયદો થાય કે તમે પૂરેપૂરો શ્વાસ લઈ શકો. ફેફસાંની સંપૂર્ણ કૅપેસિટી તમે આસનો અને બ્રીધિંગ એક્સરસાઇઝથી સુધારી શકો. આ ઉપરાંત બીજા એક મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરતાં ડૉ. નિસાર કહે છે, ‘મોટા ભાગે લોકો એવું માને છે કે પ્રાણાયામ કરવાથી શરીરને વધુ ઑક્સિજન મળે તો એ સાચું નથી. બેશક, બ્રીધિંગ એક્સરસાઇઝ શરીરને વધુ ઑક્સિજન આપતી હશે પરંતુ પ્રાણાયામ એટલે શ્વાસ રોકવો, જેમાં જેટલો સમય શ્વાસ લીધો એના કરતાં ચારગણો સમય શ્વાસ રોકવાની વાત છે. એમ કરીને તમે તમારા શરીરની કાર્બનડાયોક્સાઇડ હોલ્ડિંગ કૅપેસિટી વધારી રહ્યા છો. ધીમે-ધીમે શરીરની કાર્બનડાયોક્સાઇડને રિટેઇન કરવાની ક્ષમતા સુધરે એટલે એ તમારી નર્વસ સિસ્ટમને સૂધિંગ ઇફેક્ટ આપે છે જે મેડિટેશનમાં ખૂબ જ ઉપયોગી છે.’
ડાઇજેસ્ટિવ સિસ્ટમ એટલે એવી જગ્યા જે શરીરમાં જ્યાં જે પોષક તત્ત્વોની જરૂર છે ત્યાં એ માત્રામાં પોષક તત્ત્વનું ડિસ્ટ્રિબ્યુશન કરે. સરખે ભાગે. ડૉ. નિસાર કહે છે, ‘જ્યારે પણ તમે ફૉર્વર્ડ બેન્ડ કરો છો ત્યારે તમારા પેટના સ્નાયુઓ તરફ રક્તનું પ્રમાણ વધે છે. એમાં કૉન્ટ્રૅક્શન અને રિલૅક્સેશન થાય છે. યોગિકશાસ્ત્રમાં લખ્યું છે કે તમે મયૂરાસન કરો તો ઝેરને પચાવી શકે એટલું પાવરફુલ તમારું પેટ બની જાય છે. યોગ તમારી પાચનશક્તિ પર અદ્ભુત કામ કરે છે. ભારતીય પરંપરાનાં શાસ્ત્રોની ખાસિયત જ એ છે કે એ સામૂહિક લાભ આપે. એટલે પેટ માટે આ આસનો કરો એવું કહેવાનું હું ક્યારેય પ્રિફર નહીં કરું. દરેક આસનના એક કરતાં વધુ લાભ છે. દરેક ક્રિયાના, બંધના એક કરતાં વધુ લાભ છે. ડાઇજેસ્ટિવ સિસ્ટમની જેમ યોગની એક્સક્રીટરી સિસ્ટમ પર પણ અદ્ભુત અસર પડે છે. તમે જ્યારે વિવિધ યોગિક પ્રૅક્ટિસ કરો છો ત્યારે તમે શરીરની કચરો નહીં સંઘરવાની નૅચરલ ટેન્ડન્સીને ઉત્તેજિત કરો છો અને એના માટે પ્રિપેર પણ કરો છો.’


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2021 04:06 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK