Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પાણીપૂરીને પણ પડકાર આપતી વાનગી એટલે ભાવનગરના પ્રખ્યાત બટેટી-ભૂંગળાં

પાણીપૂરીને પણ પડકાર આપતી વાનગી એટલે ભાવનગરના પ્રખ્યાત બટેટી-ભૂંગળાં

04 November, 2019 04:39 PM IST | Mumbai
Pooja Sangani

પાણીપૂરીને પણ પડકાર આપતી વાનગી એટલે ભાવનગરના પ્રખ્યાત બટેટી-ભૂંગળાં

બટેટી-ભૂંગળાં

બટેટી-ભૂંગળાં


હેલ્લો દોસ્તો! કેમ છો? બધા મજામાં જ હશો ને? આજે આપણે એક અનોખા ફૂડની વાત કરીશું કે જેની શરૂઆત આપણા ગોહિલવાડ, સૌરાષ્ટ્રનો એક ભાગ અને સ્ટ્રીટ ફૂડ માટેના સ્વર્ગ સમાન ભાવનગર શહેર અને જિલ્લામાં શોધાયેલી અને ભરપૂર પ્રમાણમાં ખવાતી તેમજ હવે તો અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગમાં પણ પ્રખ્યાત થઈ ગયેલી અને આજકાલ ગૃહિણીઓની પ્યારી પાણીપુરીને પણ પડકાર ફેંકતી વાનગી એટલે કે ‘બટેટી અને ભૂંગળાં’.

શું... શું... શું... come again. અરે હા, બટેટી અને ભૂંગળાં નામની એક વાનગી છે. કહો કે સ્ટ્રીટ ફૂડ છે અને શુભ પ્રસંગોએ પાણીપુરીના કાઉન્ટર ઉપર ના હોય એટલી ભીડ ભાવનગરમાં બટેટી અને ભૂંગળાંના કાઉન્ટર ઉપર હોય અને હા, જો તમે ભોજનમાં છપ્પન ભોગ રાખ્યા હોય પરંતુ બટેટી-ભૂંગળાં અને તળેલી મસાલા સીંગ કાઉન્ટર ઉપર ના હોય તો સમજો, તમારો જમણવાર નિષ્ફળ ગયો! “શું ગપ્પા મારવા બેઠી છે... આવું તે કંઈ હોય?” આ વાંચતાં વાચતાં તમે આવું વિચારશો પરંતુ સાચું કહું છું. ભાવનગરના ગાંઠિયા વખણાય છે પરંતુ ભાવનગરીઓની નસેનસમાં બટેટી-ભૂંગળાં વસેલાં છે. આજકાલ આ વાનગી પાણીપુરીને કૉમ્પિટિશન આપે એ હદે લોકપ્રિય થઈ રહી છે.



બટેટી-ભૂંગળાં એટલે બીજું કંઈ નહીં પરંતુ મિની અથવા મીડિયમ સાઇઝના બટેટામાં મરચાં-લસણનો તીખો અને ટેસ્ટથી ભરપૂર મસાલો ભરેલો હોય છે અથવા તે મસાલામાં તરબોળ હોય છે કે તમે જીભ ઉપર મૂકો એટલે તરત સ્વાદનો ચટાકો લાગી જાય. અને ભૂંગળાં એટલે કે પીળાં ભૂંગળાં કે જેનો પરિચય આપવાની પણ જરૂર નથી. વળી આ ખાવાની રીતે અનોખી છે, તેની વાત પણ કરું તમને.


ભાવનગર જાવ એટલે આપણે જેમ પાણીપુરી અને ગાંઠિયા-ભજિયાંની લારીઓ ઠેર-ઠેર જોવા મળે છે, તેવી જ રીતે ભાવનગરમાં બટેટી અને ભૂંગળાંની લારીઓ હોય! ફરસાણની દુકાનમાં પણ રાખવામાં આવે! જો એકલી બટેટી ખાવી હોય તો એક રૂપિયાથી લઈને પાંચ રૂપિયાની એક-ના ભાવે મળે. જેવી તેની સાઇઝ અને લારીવાળાનો ભાવ. પછી જો તમારે એક જ વારમાં ગળે ઉતારી જવી હોય તો લારીના મોટા તવામાં ઢગલો કરીને રાખેલી બટેટીમાં કાંટા-ચમચી ખોસીને લારીવાળો તમારો મ્હોમાં પધરાવી દે. હાલતા થાવ! બટેટી ખાઈ લીધી. એમ ના કરવું હોય તો બટેટીના ટુકડા કરીને એક્સ્ટ્રા તીખી કરવી હોય તો લસણ-મરચાંની તરી અને મસાલો ઉપર ભભરાવવામાં આવે. પછી ટેસથી ટૂથપિક કે કાંટા-ચમચીથી ખાવ. બહુ મોજ પડે.

હવે ભૂંગળાં સાથે ખાવાની રીત પણ અનોખી છે. હા, તમને બટેટીની સાથે ભૂંગળાંનું આખું પેકેટ આપી દે. પાંચ કે દસ રૂપિયાનું હોય. તેની અંદર ઓછામાં ઓછાં દસ ભૂંગળાં હોય. એટલે તમને બટેટી આપી હોય તેની ઉપર આ ભૂંગળાં ખોસવાનાં અને પછી સ્ક્રૂ ડ્રાઇવરની જેમ હલાવવાના એટલે આ તીખીતમતમતી મસાલેદાર બટેટી પાઇપ જેવા ભૂંગળાની અંદર આવી જાય અને પછી મસાલામાં ફેરવ્યા બાદ મોંમાં પધરાવી દેવાની. (અરે, ખરેખર કહું છું. કો’કવાર ભાવનગર જજો. લોકો આવી રીતે ખાવાના એક્સપર્ટ હોય છે. તમે પણ ટ્રાય કરજો).


હવે આ વાનગી ભાવગનરની બહાર પણ ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. અમદાવાદમાં ભાવગનર જિલ્લો અને સોરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાંથી અભ્યાસ, નોકરી અને રોજગારી અર્થે આવેલા લોકોના કારણે અહીં બટેટી-ભૂંગળાંનું આગમન થયું છે. લૉ ગાર્ડન, સી. જી. રોડ, માણેક ચોક, પ્રહ્‍લાદ નગર અને એસ. જી. હાઈ-વે ઉપર આવેલા ફૂડ પાર્કમાં બટેટી-ભૂંગળાં મળે છે અને તેને આરોગવામાં આવે છે. એનાથી વિશેષ કહું તો, ઉત્તરાયણના તહેવારો, પિકનિકમાં આ ઝટપટ બની જતી વાનગી ખાવામાં આવે છે અને ખૂબ મજા આવે છે. વળી બનાવવામાં પણ ઝડપી તેમજ નાના-મોટા સૌને ભાવે. વધારે વાસણની પણ લપ નહીં.

આ અંગે મૂળ અંકલેશ્વરનાં પણ હાલ સેલવાસ રહેતાં અવની ઘીવાલા કહે છે કે, “એક વાર અમારા ફૅમિલીનું પૉટલક હતું ત્યારે મારાં કાકીજીએ કીધું કે હું બટેટી-ભૂંગળાં લઈને આવીશ. ત્યારે વળી મેં આ નામ પહેલી વખત સાંભળ્યું અને થયું જોયું જશે. પણ જ્યારે પાર્ટીમાં આ વાનગી ખાધી ત્યારે સૌથી વધારે વખણાઈ. પછી તો હવે વારે-તહેવારે કે કંઈક તીખું તમતમતું ખાવાનું મન થાય તો હું આ ઘરે બનાવું છું. મને જેટલી પાણીપુરી ભાવે છે તેટલા જ હવે બટેટી અને ભૂંગળાં ભાવતાં થઈ ગયાં છે.”

અમદાવાદની એક કંપનીમાં આસિસ્ટન્ટ મૅનેજર તરીકે કામ કરતાં નીલોફર મેમણના ઘરે તો અવારનવાર આ વાનગી બને છે. નીલોફર કહે છે, “મારાં મમ્મી મને કહેતાં કે પડીકાંવાળા નાસ્તા ખાવા એના કરતાં આ ટેસ્ટી બટેટી અને ભૂંગળાં ખાવા સારા. મારા ઘરમાં અવારનવાર બનાવીએ અને લંચમાં પણ લઈ જાઉં તો સાથી કર્મચારીઓને એટલા ભાવે છે કે મારે મોટો ડબ્બો ભરીને લઈ જવો પડે! ઉપર ચટણીઓ કે ચીઝ નાખીને ખાવ તોપણ ખૂબ ટેસ્ટી લાગે.”

આ બટેટી-ભૂંગળાં બીજા નાસ્તા કરતાં સસ્તા છે. રૂ. ૧૦થી લઈને રૂ. ૨૦ સુધીમાં મળી જાય છે અને જો તમારે ઓછા તીખા ખાવા હોય તો એ રીતે તારવીને સર્વ કરવામાં આવે છે. એક પ્લેટમાં તો પેટ ભરાઈ જ જાય. તીખું ખાવાના શોખીન લોકો માટે તો આ એક જોરદાર વાનગી છે. ભાવનગર ઉપરાંત રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેવાં શહેરોમાં પણ લોકપ્રિય છે. રાજકોટ નજીક આવેલા ધોરાજી ખાતે ગફારભાઈનાં બટેટી-ભૂંગળાં ખૂબ પ્રખ્યાત હોવાથી લોકો તે ખાવા માટે ટોળે વળે છે. ભાવનગરમાં વળી બટેટી સાથે જાતજાતનું ઇનોવેશન કરે. બટેટી અને નાઇલોન ખમણ પણ બહુ ફૅમસ છે. નાઇલોન ખમણમાં બટેટીના કટકા નાખીને ઉપર તીખી-મીઠી ચટણી, દહીં અને સેવ સાથે સર્વ થાય છે. તેવી જ રીતે, ઘણી જગ્યાએ બ્રેડના કટકા સાથે બટેટી ખવાય છે.

વડોદરામાં રહેતાં અલ્પા દેસાઈ કહે છે કે “ભૂંગળાં-બટાકા એક એવી આઇટમ છે, જે નાસ્તામાં પણ ખવાય; લંચમાં લઈ શકીએ અને હલકું ડિનર કરવું હોય તો એમાં પણ ચાલે. આ ભાવનગર-સૌરાષ્ટ્ર સાઇડની પ્રસિદ્ધ વાનગી મેં મારા એક કાઠિયાવાડી ફ્રેન્ડના ઘરે ખાધી, એના પછી મને પણ એનો ચસ્કો લાગી ગયો. અમુક જગ્યાએ આની જોડે બાફેલા દેશી ચણા ઉમેરીને પણ સર્વ કરવામાં આવે છે. વડોદરામાં ઇનઓર્બિટ મૉલ પાસે સૃષ્ટિ નાસ્તા હાઉસનાં બટેટી અને ભૂંગળાં પ્રખ્યાત છે.”

અમદાવાદનાં કેક બેકર મીના શાહ કહે છે કે, “ગુજરાત યુનિવર્સિટીની ગલીમાં બેટટી-ભૂંગળાં ખૂબ પ્રખ્યાત છે. મને જ્યારે પણ તીખું ખાવાનું મન થાય તો હું ત્યાં પહોંચી જાઉં. લસણ અને મરચાંની જુગલબંધીની અનોખી વાનગી છે. અમારા લેડીઝ ગ્રુપમાં પણ ભારે લોકપ્રિય છે.”

તો મિત્રો, અહીં બટેટીની રેસિપી આપી છે. એક વાર ખાશો તો મને યાદ કરશો. તો આવજો ત્યારે... હજી દિવાળીના નાસ્તા બનાવવાના છે.

બટેટી-ભૂંગળાંની રેસિપી

સામગ્રી

☞ બટેટા - ૬ નંગ

☞ લસણની કળી ૧૦ નંગ

☞ કાંદા (ઓપ્શનલ) - ૨ નંગ

☞ ટામેટાં (ઓપ્શનલ) - ૪ નંગ

☞ તેલ - ૪ ચમચી

☞ હળદર - ૧ ચમચી

☞ ધાણાજીરું પાઉડર - ૧ ચમચી

☞ આખું જીરું-૧ ચમચી

☞ લાલ મરચું (સ્વાદ મુજબ) અઢીથી ત્રણ ચમચી

☞ લીલાં મરચાં – ચારથી પાંચ નંગ

☞ મીઠું સ્વાદ મુજબ

☞ જરૂર મુજબ ચોખાનાં ભૂંગળાં

રીત

સૌપ્રથમ નાની સાઇઝના બટેટા બાફી લો. ઠંડા થાય એટલે એની છાલ કાઢી તેને આખા રાખો તો તેમાં કાપા પાડી લો અથવા મોટા મોટા ચોરસ ટુકડા કરી લો. બે-ત્રણ બટેટાને એકદમ રસા જેવા છૂંદી નાખો. ત્યાર બાદ લસણ, કાંદા અને ટામેટાંની અલગ અલગ પેસ્ટ કરી લો. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં આખું જીરું ઉમેરો. જીરું તતડે એટલે એમાં લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી બે મિનિટ માટે મધ્યમ તાપે સાંતળો. હવે એમાં કાંદાની પેસ્ટ ઉમેરો. પાણી શોષાઈ જાય ત્યાં સુધી સાંતળો. હવે એમાં હળદર નાખી એક મિનિટ સાંતળો. ટામેટાંની પ્યૂરી ઉમેરો. કડાઈ તેલ છોડે ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં બટેટાનો માવો નાખીને ખૂબ હલાવો. જરૂર લાગે તો સહેજ પાણી નાખો. ત્યાર બાદ એમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરું પાઉડર નાખો. બધા મસાલા સરખા ચડવા દો. વાસણને ઢાંકી દેવું. આશરે બે મિનિટ થશે. આ ગ્રેવીમાં બાફેલા બટાકા ઉમેરવા. બધું મિક્સ કરી ચાર મિનિટ ઢાંકી મસાલો બટાટામાં ચડવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. મસાલો બટાટામાં ચડી ગયો છે, એવું લાગે ત્યારે ગૅસ બંધ કરી કોથમીર ભભરાવી દેવી. હવે, તૈયાર છે ભૂંગળાં સાથે ખાવાની બટાટાની ભાજી. આ ઉપરાંત આવો ગ્રેવી મસાલો ગરમ કરીને એક વાસણમાં બાફેલા બટેટા ઉપર નાખીને હલાવી દેવી. બટાટામાં કાપા પાડીને પણ આ મસાલો નાખી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2019 04:39 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK