Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ટરેરિયમ થેરપી છે મુંબઈની એકમાત્ર સાઇકોથેરપિસ્ટ

ટરેરિયમ થેરપી છે મુંબઈની એકમાત્ર સાઇકોથેરપિસ્ટ

26 February, 2020 05:33 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ટરેરિયમ થેરપી છે મુંબઈની એકમાત્ર સાઇકોથેરપિસ્ટ

ટરેરિયમ પ્લાન્ટ

ટરેરિયમ પ્લાન્ટ


અઢારમી સદીમાં અનાયાસ કાચના ઉપકરણની અંદર પ્લાન્ટ ઉગાડવાની પદ્ધતિ શોધાઈ હતી જે ટરેરિયમ તરીકે ઓળખાય છે. દેખાવમાં સુંદર દેખાતી કાચની બાટલી કે બોલમાં છોડ રોપવાની પ્રક્રિયા થેરપીનું કામ પણ કરી શકે છે. અત્યારે આ થેરપી કરાવતી મુંબઈની એકમાત્ર સાઇકોથેરપિસ્ટ શૅર કરે છે આ થેરપીની ખાસિયતો.

નેથેનિઅલ બેગશૉ નામના બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી ૧૮૪૨માં વનસ્પતિ પર કંઈક પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં કાચના બંધ મોંવાળા કન્ટેનરમાં તેમણે માટી નાખીને છોડવા વાવ્યા હતા. જોકે ભૂલ-ભૂલમાં તેમને ધ્યાનમાં આવ્યું કે સતત પાણી અને સૂર્યપ્રકાશ માગતી વનસ્પતિને જમીનમાં જ વાવો તો વિકસે એવું નથી. કાચના બંધ કન્ટેનરમાં પણ એ પોતાને જોઈતું પાણી મેળવી લે અને પારદર્શક કાચને કારણે જરૂરી લાઇટ મેળવીને જીવી શકે છે. ઓછામાં ઓછા મેઇન્ટેનન્સ સાથે આ છોડવાઓ મહિનાઓ સુધી સર્વાઇવ થઈ શકે છે. આ જે શોધ થઈ એને ટરેરિયમ કહેવાય છે. એ સદીમાં ટરેરિયમની ભરપૂર બોલબાલા હતી. ઘરમાં ડેકોરેટિવ પીસ તરીકે અને સ્ટેટસ સિમ્બૉલ તરીકે એને રાખવામાં આવતા. એ ટરેરિયમ આજકાલ ફરી રિવાઇવ થયા છે. ટીમ બિલ્ડિંગમાં ટરેરિયમ-મેકિંગની વર્કશૉપ્સ વિશ્વના કેટલાક દેશોમાં ખૂબ પૉપ્યુલર છે. હવે આપણે ત્યાં પણ ‘મેક યૉર ઓન ટરેરિયમ’ના નામે વિવિધ સેમિનાર થાય છે જેનો મુખ્ય આશય તમે ક્રીએટિવ બનો અને નેચર સાથે કનેક્ટ થાઓ એટલો જ હોય છે, પરંતુ મુંબઈની સાઇકોથેરપિસ્ટ અને કાઉન્સેલર તરલ પારેખે ટરેરિયમ થેરપી વિકસાવી છે જેમાં ટરેરિયમમાં પ્લાન્ટ વાવતા જાઓ અને મનની ગૂંચવણોને પણ નાજુકાઈ સાથે ઉકેલતા જાઓ. સાઇકોલૉજીની કૉગ્નિટિવ બિહેવિયર થેરપી અને આર્ટ થેરપીનું મિક્સર કરીને બનેલી આ થેરપી શું છે અને એ કેવી રીતે પરિણામ આપે છે એ વિષય પર આજે વાત કરીએ.



થિયરી શું છે?


આપણા મનમાં મોટા ભાગે કોઈ પણ લક્ષ્ય કે ઘટનાને લઈને વિચારોનું વાવાઝોડું ચાલતું હોય છે એમ જણાવીને તરલ પારેખ કહે છે, ‘આપણે વિચારોમાં ગૂંચવાતા રહેતા હોવાને કારણે સ્પષ્ટતા પર નથી પહોંચી શકતા, જેને કારણે સમસ્યાનો કોઈ નિકાલ પણ ન આવે અને સ્ટ્રેસ વધતું જાય. આ પ્રકારના ડે-ટુ-ડે લાઇફનાં સ્ટ્રેસ અને ચિંતાઓનું નિરાકરણ ટરેરિયમથી આવી શકે છે. ટરેરિયમમાં તમે કોઈ આદર્શવાદી વિચારોને આધારે સૂકી મૉરલની વાતોને પ્રાધાન્ય નથી આપતા પણ જે છે એ હકીકત પર વધારે ફોકસ કરો છો. ટરેરિયમ બનાવતી વખતે એમાં ચાર લેયરનો ઉપયોગ કરવાનો હોય છે. એ જ રીતે આપણા વિચારોને પણ ચાર લેયરમાં વિભાજિત કરીને એક પછી એક ગૂંચો ઉકેલતા જવાની છે. સૌથી ઉપલી અને અંતિમ લેયર પર પહોંચો ત્યારે તમારા સમસ્યાના હેલ્ધી સોલ્યુશન સાથે તમારો ભેટો થઈ જશે.’

કઈ ચાર લેયર?


કોઈ પણ ટરેરિયમ પ્લાન્ટ આપણે બનાવીએ અને એને લાંબા સમય સુધી સર્વાઇવ કરાવવા માગતા હોઈએ ત્યારે એમાં ચાર લેયર રહે એ જરૂરી છે. તરલ કહે છે, ‘સૌથી પહેલી લેયર ડ્રેનેજ લેયર હોય છે. ટરેરિયમમાં એને સૌથી પહેલાં મૂકવાની હોય છે. બંધ કાચના વાઝમાં તમે છોડ વાવો ત્યારે ઉપરનો તમામ કચરો અને નકામી વસ્તુ જ્યાં આવીને રહે એ ડ્રેનેજ એરિયા હોય. એના પછી ફિલ્ટર એરિયા હોય જેમાં ચારકોલનો ઉપયોગ થાય જે ગંદી દુર્ગંધ અને કોઈ પણ જાતની જીવાત પ્લાન્ટમાં ન થાય એનું ધ્યાન રાખે. ત્રીજા નંબર પર સેપરેશન લેયર એટલે કે એક પ્રકારનું સૂકું ઘાસ રાખવાનું હોય જે ફળદ્રુપ માટી અને ચારકોલને જુદાં રાખે અને છેલ્લે ફળદ્રુપ માટીનું લેયર હોય જે પ્લાન્ટને નરિશમેન્ટ આપે. આપણા વિચારોને પણ આ ચાર સેક્શનમાં વિભાજિત કરવાના છે. ડ્રેનેજ લેયર એટલે મનમાં ચાલતા તર્કવિહીન ઇરૅશનલ વિચારો. ધડમાથા વિનાના વિચારો. ધારો કે હસબન્ડ ઘરે મોડા આવે છે અને તમે વિચારવા માંડો કે તેમનું નક્કી કોઈ અફેર હશે અથવા તેને હવે મારામાં રસ જ નથી. એવા વિચારો જેની પાછળ કોઈ તર્ક નથી, જે વિચારો કોઈ પ્રૂફ વિના તમારા મનના તરંગોથી ઉદ્ભવ્યા છે. આ વિચારોને ફિલ્ટર કરવાના તમારી પાસે રહેલા તર્કબદ્ધ ભૂતકાળના અનુભવોથી. જેમ કે હસબન્ડ દર માર્ચ મહિનામાં યર એન્ડિંગ વખતે મોડા જ આવે છે એ તમારો ગયા વર્ષનો અનુભવ કામે લગાવો. ઘરે ભલે મોડા આવ્યા, પણ તે મેસેજથી તમારા સંપર્કમાં હતા. તમારા તરંગોને જે તાર્કિકતા રદિયો આપે એ ફિલ્ટર સ્ટેજ કહેવાય. હવે ત્રીજા નંબરે સેપરેશન સ્ટેજ એટલે તમારા સંબંધોમાં કડવાશ વધી હોવાનાં કારણો શોધો અથવા એને સુધારવા માટેના ઉપાયો પર વિચાર કરો એ સેપરેશન સ્ટેજ કહેવાય. તમે પૉઇઝનસ થૉટથી સેપરેટ થયા અને પૉઝિટિવ થૉટની દિશામાં વિચારવાનું શરૂ કર્યું. ચોથું સ્ટેજ નરિશમેન્ટ સ્ટેજ. આ સ્ટેજમાં તમે તમારા સંબંધોને બહેતર બનાવવા હવે શું કરશો, તમારી સમસ્યાના સોલ્યુશનને કઈ રીતે અમલમાં મૂકશો એના વિશે વિચારણા કરી નરિશમેન્ટ થૉટ્સને મહત્તા આપવી એ ચોથું સ્ટેજ. રોજબરોજના જીવનની રૂટીન સમસ્યાના વિચારોને તમે આ રીતે વિભાજિત કરતા જાઓ તો માઇન્ડ ક્લિયર થતું જાય અને શું કરવા યોગ્ય છે એ સમજાતું જાય.’

plants-01

આ જુઓ ૫૦ વર્ષ જૂનું અને સૌથી મોટું ટરેરિયમ.

નેચર-કનેક્ટ

હવે તમને થશે કે આ વિભાગીકરણ તો કાગળ અને પેનથી પણ થઈ જાય તો એમાં છોડવો રોપવાની શું જરૂર છે. તરલ કહે છે, ‘આપણે પણ નેચરનો જ એક હિસ્સો છીએ. ટરેરિયમમાં જેટલાં પણ પરિબળો વપરાય છે એ બધાં કુદરતનું જ પ્રતિબિંબ છે. પેબલ્સ (ઝીણા રંગીન પથરાઓ), ચારકોલ (કોલસા), સૂકું વિશેષ પ્રકારનું ઘાસ, માટી અને છેલ્લે લિવિંગ પ્લાન્ટ. આ બધાના સ્પર્શ સાથે જ્યારે આપણે વિચારોને ઑબ્ઝર્વ અને ઍનૅલિસિસ કરવાનું કામ કરીએ અને છેલ્લે જ્યારે નાજુક એવા છોડવાને માટીમાં રોપીએ ત્યારે મનમાં આવતા નરિશિંગ વિચારો વધુ અકસીર હોય એવું અમે ઑબ્ઝર્વ કર્યું છે. આમ પણ નેચરની સાઇકોલૉજી પર બહુ જ સ્ટ્રૉન્ગ અસર થાય છે. તમે હિલ-સ્ટેશન પર કે દરિયાકિનારે કે કુદરતની સમીપે જાઓ તો પણ રિલૅક્સ થઈ જતા હો છો. અહીં તો તમે સભાનતા સાથે નેચર સાથે રીલિવ થવાના આશયથી કનેક્ટ થાઓ છો એટલે પરિણામ વધુ જોરદાર આવે છે. જ્યારે પણ લોકો ટરેરિયમ બનાવે ત્યારે અમે સતત વિચારો સાથે કનેક્ટ થવાની અને એક-એક લેયર સાથે વિચારોને ક્લાસિફાય કરવાની ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ જે તમારામાં એક અનોખી ટેવ ડેવલપ કરે છે. પ્રત્યેક લેયર બનાવ્યા પછી એને સમતળ બનાવવા માટે એના પર હળવે હાથે દબાવવાનું હોય છે. છેલ્લી લેયર પ્રમાણમાં જાડી હોય છે જે તમારા નરિશિંગ થૉટ્સનું પ્રમાણ વધારે હોય એ સૂચવે છે. જ્યારે તમે ટરેરિયમ બનાવતાં-બનાવતાં સોલ્યુશન વિચારો છો ત્યારે ઘણા નવા આઇડિયાઝ પણ મગજમાં આવે છે જે સોલ્યુશન તરીકે, નરિશિંગ થૉટ તરીકે હેલ્પફુલ બને છે.’

આટલું ધ્યાન રહે

આ થેરપી ડે-ટુ-ડે લાઇફના માઇલ્ડ પ્રૉબ્લેમને સૉલ્વ કરવામાં વધુ ઉપયોગી છે પરંતુ ગંભીર સમસ્યામાં આના શરણે ન જવાય એમ જણાવીને તરલ કહે છે, ‘ધારો કે સિવિયર ડિપ્રેશન છે અથવા તીવ્ર ઍન્ગ્ઝાયટી છે એવા લોકોને માત્ર આ થેરપીથી બધું સારું થઈ જશે કે તેમના પર આ થેરપી કામ કરશે જ એ જરૂરી નથી. એવા સમયે થેરપિસ્ટની મદદ લઈને દવા કરવી અને સાથે ઑલ્ટરનેટ તરીકે એને ઉપયોગમાં લેવી વધુ સલાહભર્યું છે.’

અનેક બેનિફિટ્સ છે

લગભગ ૩૦૦થી વધુ લોકો પાસે અમે આ થેરપી કરાવી છે જેમાં મળેલા અનુભવ અને તેમણે આપેલા ફીડબૅક પરથી કેટલાક ફર્સ્ટ હૅન્ડ બેનિફિટ્સ તારવ્યા છે એમ જણાવીને સાઇકોથેરપિસ્ટ, તરલ પારેખ કહે છે, ‘સ્ટ્રેસ રિલીવ અને માનસિક રીતે રિલૅક્સેશનની ફીલિંગ મળી હોવાનું લોકોએ ફીડબૅકમાં કબૂલ્યું છે. કોઈકે પોતાની ભૂતકાળની સમસ્યાને આ ચાર લેયર થિયરીથી સોલ્યુશન શોધવામાં મદદ મળી હોવાનું કબૂલ્યું છે. ઘણી વાર આપણે તર્ક વિનાનું પણ વિચારીએ છીએ એ સ્વીકારી જ નથી શકતા પણ આ થેરપીની એક્સરસાઇઝમાં તમે જ્યારે એ પેપર પર ટપકાવો ત્યારે તમે તમારી રિયલ જાત સાથે પરિચિત થતા હો છો જે તમને સૌથી વધુ મદદરૂપ બને છે. પ્રૉબ્લેમના સાચા સોલ્યુશન માટે એને સમજવો જરૂરી છે. આ થેરપી દરમ્યાન તમે તમારા વિચારો પ્રત્યે કોઈ પણ જાતના બાયસ વિના સજાગ બનો છો. આ થેરપી તમને શીખવે છે કે તમારી સમસ્યાનો તોડ તમારી પાસે જ છે અને એ પણ રમત-રમતમાં. એન્જૉય કરતા-કરતા તમે પ્રૉબ્લેમ અને એના સોલ્યુશન પ્રત્યે જાગ્રત થઈ જાઓ છો.’

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 05:33 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK