Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ફોલ્ડેબલ મોબાઇલ-ટેક્નૉલૉજીનું ભવિષ્ય?

ફોલ્ડેબલ મોબાઇલ-ટેક્નૉલૉજીનું ભવિષ્ય?

24 March, 2019 12:50 PM IST |
હર્ષ દેસાઈ

ફોલ્ડેબલ મોબાઇલ-ટેક્નૉલૉજીનું ભવિષ્ય?

ટેક્નોલોજી

ટેક્નોલોજી


ટેક્નૉલૉજીમાં ફ્યુચર હવે હોય તો એ ફોલ્ડેબલ ફોનનું છે. અત્યારે દરેક કંપની ફોલ્ડેબલ ફોન બનાવવા તરફ આગળ વધી રહી છે. એક જમાનો હતો જ્યારે ટચસ્ક્રીન એક કાલ્પનિક વાત માનવામાં આવતી હતી. જોકે ૨૦૦૭માં સ્ટીવ જૉબ્સ દ્વારા ટેક્નૉલૉજીની દુનિયામાં એક નવી ક્રાન્તિ શરૂ કરવામાં આવી હતી. આ ક્રાન્તિ એટલે ટચસ્ક્રીન. આજે ૨૦૧૯માં આંગળીના ટેરવે તમે કોઈ પણ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકો છો. તમારા મોબાઇલથી કાર ઑપરેટ કરી શકો છો તો તમારા સ્માર્ટ-હોમને પણ ઑપરેટ કરી શકો છો. ૨૦૦૭માં ફસ્ર્ટ જનરેશન આઇફોનની સ્ક્રીન સાઇઝ ૩.૫ ઇંચની હતી. આજે આઇફોન XS MAXની સ્ક્રીનની સાઇઝ ૬.૫ ઇંચની છે. ટેક્નૉલૉજી વધી રહી છે ત્યારે સ્ક્રીનની સાઇઝમાં પણ દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો XS MAXનો ઉપયોગ કરવા ઇચ્છે છે, પરંતુ એની સાઇઝને કારણે ઘણા લોકો એને ખરીદતા નથી; કારણ કે ખિસ્સામાં મૂકવામાં તકલીફ પડી જાય છે. જોકે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને તેમની સગવડને મહત્વ આપતા ફોલ્ડેબલ ફોનની શોધ કરવામાં આવી છે. (ફોલ્ડેબલ ફોન અને ફ્લિપ ફોન વચ્ચે આસમાન-જમીનનો ફરક છે.) ચીનની રોયોલ કંપનીએ એનો ફ્લેક્સપાઇ ફોલ્ડેબલ ફોન જાન્યુઆરીમાં લાસ વેગસમાં યોજાયેલા ધ કન્ઝ્યુમર ટેક્નૉલૉજી અસોસિએશનમાં રજૂ કર્યો હતો. આ જાહેરાત બાદ સૅમસંગ, હુવેઈ અને ઓપો જેવી ઘણી કંપનીઓ ફોલ્ડેબલ ફોન પાછળ પડી ગઈ છે. તો આજે આ ફોન વિશે વિગતવાર માહિતી જોઈએ...

કેમ જરૂર પડી?



દરેક વ્યક્તિ મોબાઇલનો ફોન ફક્ત વાત કરવા પૂરતો નથી કરતી. આજે મોબાઈલ જીવનજરૂરિયાતનું સાધન બની ગયું છે. ખિસ્સામાં પૈસા ન હોય તો ચાલી જશે, કારણ કે પેમેન્ટ મોબાઇલથી કરી શકાય છે એટલે મોબાઇલ હોવો જરૂરી છે. એન્ટરટેઇનમેન્ટ માટે મોબાઇલ સૌથી મહત્વનો બની ગયું છે. આજે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસને કારણે લોકો ફિલ્મ અને ટીવી-શો કે વેબ-શો પણ મોબાઇલ પર જુએ છે. ગેમ રમવાથી લઈને ફોટોગ્રાફી સુધીમાં મોબાઇલનો ઉપયોગ થઈ શકે છે. આથી જેટલી સ્ક્રીન મોટી એટલું મનોરંજન વધુ. તેમ જ મોટી સ્ક્રીનને કારણે તમે એકસાથે ઘણી બાબતો પર ધ્યાન આપી શકો છો. દરેક વ્યક્તિ ટૅબ્લેટનો ઉપયોગ નથી કરતી, કારણ કે તેમને એ સાથે લઈને ફરવામાં કમ્ફર્ટેબલ નથી હોતું. આથી ફોલ્ડેબલ ફોનની શોધ કરવામાં આવી છે.


શું છે ફોલ્ડેબલ ફોન?

કહેવામાં તો આ એક સ્માર્ટ મોબાઇલ છે, પરંતુ તમે એને અનફોલ્ડ કરો કે એ એક ટૅબ્લેટની સાઇઝમાં પરિવર્તન થઈ જાય છે. તમે એને એક મોબાઇલની જેમ ખિસ્સામાં મૂકી શકો છો અને જરૂર પડ્યે ટૅબ્લેટ પણ બનાવી શકો છો. વર્ષો પહેલાં આવતાં ફ્લિપ ફોન કરતાં આ એકદમ અલગ છે. સ્ક્રીનમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ લાઇન કે ગૅપ જોવા નહીં મળે.


ટેક્નૉલૉજીની ખાસિયત

અત્યાર સુધી મોબાઇલમાં OLED અને AMOLED ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૅમસંગે તેની સ્ક્રીનમાં પ્લાસ્ટિક અથવા તો મેટલનો ઉપયોગ કરી નવી ટેક્નૉલૉજી વિકસાવી છે. સૅમસંગે Y-OCTA ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હોવાની ચર્ચા છે. આ ટેક્નૉલૉજીમાં ઍડિશનલ લેયરની જરૂર નથી પડતી અને ટચ પૅનલને OLED પોલરાઇઝર સાથે ડાયરેક્ટ જોડવામાં આવે છે, જેથી ઍડિશનલ લેમિનેશનની જરૂર નથી પડતી. આ ટેક્નૉલૉજીને કારણે ડિસ્પ્લે પાતળી બને છે અને એને ફોલ્ડ કરવામાં આવે તો પણ દરેક જગ્યાએ ટચ સ્ક્રીન કામ કરી શકે છે. અત્યાર સુધી ટચ સ્ક્રીન-પૅનલનો ઉપયોગ ફોલ્ડેબલ ડિસ્પલે બનાવવા માટે કરવામાં મુશ્કેલી પડતી હતી. જોકે ટેક્નૉલૉજી જગતમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોય છે. સૅમસંગે આ ડિસ્પ્લેને ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે નામ આપ્યું છે.

કોના માટે ઉપયોગી છે?

ફોલ્ડેબલ ફોન એક રીતે જોવા જોઈએ તો કોઈના માટે સ્પેસિફિક બનાવવામાં નથી આવ્યો. આ ફોનનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને કોઈ ન કરે તો પણ વાંધો નહીં. ફોલ્ડેબલ ફોનનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એની ડિસ્પ્લે છે. આ ફોનનો ઉપયોગ કરવાથી તમે મોટી સ્ક્રીનમાં મનોરંજન મેળવી શકશો. આ સિવાય ફોલ્ડેબલ સ્ક્રીનનો વધુ કોઈ ઉપયોગ નથી.

શું મુશ્કેલીઓ પડી શકે છે?

આજે મોટા ભાગના મોબાઇલ યુઝર્સ તેમના મોબાઇલ પર સ્ક્રીનગાર્ડનો ઉપયોગ કરે છે. સ્ક્રીનને નુકસાન ન થાય એ માટે આ ગાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે મોબાઇલ બનાવતી કંપની પણ પોતે ગોરીલા ગ્લાસનો ઉપયોગ કરે છે. આ ગ્લાસને કારણે મોબાઇલ પડી જાય તો બની શકે કે સ્ક્રીન તૂટતાં બચી જાય. તેમ જ નાના-મોટા સ્ક્રૅચથી પણ એ સ્ક્રીનને પ્રોટેક્શન આપે છે. ગોરીલા એના નામને આધારે ખૂબ જ મજબૂત ગ્લાસ છે. એને વાળવો મુશ્કેલ હી નહીં નામુમકિન હૈ. તો આ ફોલ્ડેબલ ફોન માટે સ્ક્રીન પ્રોટેક્શન એક પ્રશ્ન છે. શું ફોનને સ્ક્રૅચથી બચાવી શકાશે? તેમ જ શું મોબાઇલ પડી ગયો તો એની સ્ક્રીનને ગોરીલા ગ્લાસ જેટલું પ્રોટેક્શન મળશે? સૌથી મોટો પ્રશ્ન મોબાઇલની કિંમત છે. અત્યાર સુધી દરેક કંપનીએ કાઢેલા મોબાઇલની કિંમત અંદાજે દોઢથી બે લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતમાં ઍવરેજ સ્માર્ટફોન ખરીદનારાનું બજેટ દસથી ત્રીસ હજાર છે ત્યારે આ ફોલ્ડેબલ ફોનની કિંમત તેમના માટે એક સપના બરાબર છે. જોકે હુવેઇ કંપનીએ કહ્યું હતું કે તેમનો Mate X એક ફ્લૅગશિપ ફોન છે. તેઓ બહુ જલદી નવા મોબાઇલ રજૂ કરશે. જોકે આ મોબાઇલની કિંમત પણ એક લાખ રૂપિયાથી વધુ સમજવી.

કેમ ન લેવો જોઈએ ફોલ્ડેબલ ફોન?

આ ફોનની કિંમતને કારણે એ લેવો સામાન્ય વ્યક્તિની વાત નથી. સૅમસંગે એના ફોલ્ડેબલ ફોનને ફ્લૅટ ફોનમાં રૂપાંતર કરવા માટે મેટલ હિન્જ (અહીં બારણામાં લગાવવામાં આવતું મજાગરું કે મિજાગરું જે કહો એ સમજવું)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૅમસંગનો દાવો છે કે હજારો વાર ડિસ્પ્લે ફોલ્ડ કરવામાં આવે તો પણ આ મેટલ હિન્જને કોઈ ફરક નહીં પડે. જોકે આપણે ફિઝિક્સના નિયમોને ભૂલવા ન જોઈએ. એક સર્વે મુજબ અમેરિકામાં એક વ્યક્તિ રોજના ૮૦ વખત મોબાઇલ ચેક કરે છે. ઇન્ડિયામાં આપણે ચાલો તેના અડધા એટલે કે ૪૦ વખત વ્યક્તિ મોબાઇલ ચેક કરતો હશે. એક દિવસમાં ચાળીસ વાર એટલે કે ૩૦ દિવસમાં ૧૨૦૦ વાર અને એક વર્ષમાં ૧૪,૬૦૦ વખત મોબાઇલ ચેક કરવામાં આવે છે. તમને યાદ હોય તો ફ્લિપ ફોનમાં ઘણી વાર ડિસ્પ્લેમાં પ્રૉબ્લેમ આવતો હતો. (લખનારે બ્લૅકબેરી ટૉર્ચમાં ૬ મહિનામાં બે વાર બેલ્ટ બદલાવ્યો હતો અને મોટો રેઝરની ફ્લિપ ખોલતાં સ્ક્રીન હાથમાં આવી ગઈ હતી.) આ જ પ્રૉબ્લેમ ફોલ્ડમાં પણ આવી શકે છે. ગમે એ ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હોય, પરંતુ વારંવાર ઓપન કરવામાં આવતાં લાંબા ગાળે એના પર અસર પડશે. તેમ જ સૅમસંગે એના મેટલ હિન્જમાં કોઈ પ્રૉબ્લેમ ન આવે એમ કહ્યું છે, પરંતુ એની સ્ક્રીનનું શું? ઍપલ અને સૅમસંગ જેવા હાઈ-એન્ડ ફોનની નવી સ્ક્રીનની કિંમત ૨૦,૦૦૦થી લઈને ૪૦,૦૦૦ છે. સૅમસંગ ગૅલૅક્સી ફોલ્ડની સ્ક્રીન નવી નખાવી પડે તો એની

કિંમત ૪૦,૦૦૦થી વધુ હોવાની એ નક્કી છે. આ ફોન ભલે નૉર્મલ ફોન જેવો દેખાતો હોય, પરંતુ એની થિકનેસ ખૂબ જ મોટી છે. સૅમસંગ ગૅલૅક્સી S૧૦ની થિકનેસ ૭.૮mm છે, જ્યારે ફોલ્ડની થિકનેસ ૧૭mm છે. મોબાઇલ કંપની ભલે ગમે તે કહેતી હોય, પરંતુ ખિસ્સામાં ૫૦૦ ગ્રામનો એક મોટો પથ્થર લઈને ચાલવાનું કોઈને પસંદ નહીં હોય.

સૉફ્ટવેર ઇશ્યુ

મોબાઇલ કંપની ફોલ્ડેબલ ફોન બનાવવા તરફ પ્રયાણ કરી રહી છે, પરંતુ તેમના માટે સૉફ્ટવેર મોટો ઇશ્યુ છે. આજે ઍન્ડ્રૉઇડ અને ઍપલની IOS આ બે ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ વધુ થાય છે. ફોલ્ડેબલ ફોનમાં એક સુવિધા એવી છે કે તમે મોબાઇલની મેઇન સ્ક્રીન પર જે કરતા હશો એ ફોનને ફોલ્ડ કરતાં એ મોટી સ્ક્રીન પર આવી જશે. આ માટે ઍન્ડ્રૉઇડે જાહેરાત કરી છે કે એ આ દિશામાં એની ઑપરેટિંગ સિસ્ટમને બનાવી રહી છે. ઍન્ડ્રૉઇડ તો એની સપોર્ટ સિસ્ટમ પૂરી પાડશે, પરંતુ જે-તે કંપની એને અનુરૂપ ઍપ્લિકેશન બનાવશે? મુંબઈમાં m-Indicatorનો વધુ ઉપયોગ થાય છે. મુંબઈની લોકલ ટ્રેનનો ટાઇમ જોવા માટે ઉપયોગમાં લેવાતી આ ઍપ્લિકેશનને ફોલ્ડેબલને અનુરૂપ બનાવવામાં આવશે. ઍપલની IOS પર ભાગ્યે જ અપડેટ આવતી IDBI બૅન્કની ઍપ્લિકેશન ફોલ્ડ માટે બનાવવામાં આવશે. આથી ઍપ્લિકેશનનો એક મોટો ઇશ્યુ છે.

ફાયદાઓ

ફોલ્ડેબલ ફોનનો ફાયદો એ છે કે એમાં તમને મોબાઇલ સ્ક્રીનનો ગ્રૅન્ડ એક્સ્પીરિયન્સ મળશે. તેમ જ સૅમસંગ ગૅલૅક્સી ફોલ્ડમાં તમે એકસાથે ત્રણ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમે એક તરફ યુટ્યુબ પર ગીત જોતા હો અને બીજી તરફ ડૉક્યુમેન્ટ્સમાં કામ કરતા હો અને એ સાથે જ તમે વૉટ્સઍપ પર વાતચીત પણ કરી શકો છો. આ ત્રણેય કામ તમે એકસાથે કરી શકો છો જે અત્યાર સુધી ટૅબ્લેટમાં જ શક્ય હતાં.

ટેક્નૉલૉજીનું ભવિષ્ય

આઇફોનના પ્રણેતા સ્ટીવ જૉબ્સે કહ્યું હતું કે ટેક્નૉલૉજીમાં વિશ્વાસની વાત નથી, લોકોમાં વિશ્વાસ હોવો જોઈએ. તેઓ સારા અને સ્માર્ટ છે એ વિશ્વાસ રાખી તેમને ટૂલ્સ આપવા જેથી તેઓ તમારા માટે અદ્ભુત ટેક્નૉલૉજી વિકસાવી શકે. સ્ટીવ જૉબ્સની આ વાત ખરેખર યોગ્ય લાગે છે, કારણ કે આજે માનવી નવી-નવી ટેક્નૉલૉજી વિકસાવી રહ્યો છે જેમાં ફોલ્ડેબલ ફોન એક છે. જોકે એ દિવસ દૂર નથી કે આ ફોલ્ડેબલ ફોન જલદી જ ફોલ્ડેબલ-વેઅરેબલ ફોન બની જશે, જેને હાથમાં પહેરીને પણ તમે ચાલી શકશો.

આ પણ વાંચો : વાઈ ફાઈ અને ડેટા કનેક્શન વગર આ રીતે જુઓ YouTube પર વીડિયોઝ

ઍપલ કેમ એના ફોલ્ડ આઇફોનને લૉન્ચ કરવા માટે સમય લઈ રહ્યું છે?

ઍપલે એના ફોલ્ડ આઇફોન માટે ઘણા મહિનાઓ પહેલાં પેટન્ટ કરાવી લીધી હતી. એ ગયા વર્ષે ફોન લૉન્ચ કરશે એવી ચર્ચા ચાલી હતી. આ આઇફોનને X Fold નામ આપવામાં આવશે એવી પણ વાતો બહાર આવી હતી. જોકે એનાં હજી સુધી કોઈ એંધાણ નથી. સૅમસંગ, LG, હુવેઈ, શાઓમી અને ગૂગલ પણ એના પિક્સેલ મૉડલને લઈને ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહ્યા છે. સૅમસંગે તો ઍપલને એની ફોલ્ડેબલ ડિસ્પ્લે પણ આપી છે જેથી તેઓ તેમના આઇફોનમાં એનો ઉપયોગ કરી શકે. જોકે એમ છતાં ઍપલે આ વિશે ચૂપકી સાધી છે. એવું લાગી રહ્યું છે કે ઍપલ હંમેશાંની જેમ એનો એક પર્ફેક્ટ આઇફોન લોન્ચ કરવા માગતું હોય. એ અત્યારના ફોલ્ડેબલ ફોન સાથે કઈ-કઈ સમસ્યા આવી રહી છે એને ધ્યાનમાં લઈને એનું નવું મૉડલ લૉન્ચ કરવા ઇચ્છતું હોય. કૅલિફૉર્નિયાના સૅન હોઝેમાં ઍપલે ત્રણથી સાત જૂન માટે વલ્ર્ડવાઇડ ડેવલપર કૉન્ફરન્સનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટમાં એ એની ઑપરેટિંગ સિસ્ટમ વિશે જાહેરાત કરશે અને એના પરથી અનુમાન લગાવવામાં આવશે કે ઍપલનો ભવિષ્યનો પ્લાન શું છે. હાલમાં એવી પણ ચર્ચા છે ઍપલ એના આગામી આઇફોનમાં ત્રણ કૅમેરા આપશે અને એ સ્ક્વેર પૅનલમાં હશે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2019 12:50 PM IST | | હર્ષ દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK