સમજદાર કો ઇશારા કાફી હૈ

Updated: 18th January, 2021 13:00 IST | Pooja Sangani | Mumbai

ચાલો આજે જોઈએ વેઇટરો દ્વારા વપરાતી સાંકેતિક ભાષાની અનોખી વાતો

પાંચ આંગળીઓ પહોળી કરી ગોળ આકાર બતાવવો એટલે કે રોટલી/રોટલા/ અને ભાખરી/પૂરી માટે પાંચ આંગળીઓનો નાનો ગોળ આકાર બતાવવો
પાંચ આંગળીઓ પહોળી કરી ગોળ આકાર બતાવવો એટલે કે રોટલી/રોટલા/ અને ભાખરી/પૂરી માટે પાંચ આંગળીઓનો નાનો ગોળ આકાર બતાવવો

ઉડિપી રેસ્ટોરાંમાં જાઓ તો તમે આપેલો ઑર્ડર વેઇટર મોટેથી બૂમ પાડીને રસોડા સુધી પહોંચાડે એટલે તમે શું મગાવ્યું, કેટલું મગાવ્યું એ બધું આસપાસના લોકોને પણ ઢંઢેરો પીટીને ખબર પડે, પરંતુ મોટા ડાઇનિંગ હૉલમાં વેઇટરો તમારા ઑર્ડર રસોડામાં પહોંચાડવા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગે ગુજરાતી ડાઇનિંગ હૉલ્સમાં લગભગ સરખી જ મૂક ભાષાનો ઉપયોગ થાય છે. ચાલો આજે જોઈએ વેઇટરો દ્વારા વપરાતી સાંકેતિક ભાષાની અનોખી વાતો

ગુજરાતી થાળી ગુજરાતનું ગૌરવ ધરાવતી થાળી છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ એટલે મોટા ભાગે એક શુદ્ધ ગુજરાતી થાળીમાં ત્રણ-ચાર પ્રકારની ચટણી, એટલા જ પ્રકારના સૅલડ, બે-ત્રણ ફરસાણ, બે-ત્રણ મીઠાઈ, ત્રણ-ચાર શાક, પાપડ, દાળ અથવા કઢી, ભાત અથવા ખીચડી, રોટલી, ભાખરી, થેપલાં અથવા રોટલો, છાશ, ગણ્યાં ગણાય નહીં અને ખાધાં ખવાય નહીં એટલાં બધાં વ્યંજનોનો સમાવેશ થાય છે. ગમે તે સ્થળે વસતા ગુજરાતીઓનો ડંકો અલગ જ વાગે છે. આ ભોજન પ્રાથમિક રીતે શાકાહારી હોય છે. ભોજનમાં ઋતુઓ પ્રમાણે શાકભાજીની ઉપલબ્ધતા અને ઠંડી-ગરમી જેવી આબોહવા મુજબ ફેરફાર કરવામાં આવતા હોય છે. ઘણી ગુજરાતી વાનગી એક જ સમયે ગળી, ખારી અને તમતમતી મસાલેદાર સ્વાદ ધરાવતી પણ હોય છે. ચાણક્ય જેવા મહાન ચિંતકે પણ કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો છે. ગુજરાતી પ્રજા જમવાનો આનંદ બરાબર માણે છે.

ડાઇનિંગ હૉલમાં મળતી ગુજરાતી થાળી ગુજરાતીઓના ખાવાના વૈવિધ્યપૂર્ણ પ્રેમનું પ્રતીક છે. આપણે સૌએ અલગ-અલગ ગામની વિવિધ પ્રકારની ગુજરાતી થાળીઓની જયાફત માણી છે પણ આપણે જ્યારે પણ ડાઇનિંગ હૉલમાં કે ગુજરાતી રેસ્ટોરાંમાં જમવા ગયા હોઈએ એ જગ્યામાં કઈ રીતે વાનગીઓ પીરસાય છે એ જાણવાની ક્યારેય કોશિશ કરી છે?

તમે સમજી નથી શક્યાને હું શું કહેવા માગું છું? તો ચાલો આજે હું તમને આ અનોખી ગુજરાતી ડાઇનિંગ હૉલમાં વપરાતી હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતા ઇશારાઓની ભાષા એટલે કે સાંકેતિક ભાષાની દુનિયાની મુલાકાત કરાવું જે રેસ્ટોરાંના મુખ્ય કૅપ્ટન દ્વારા અન્ય વેઇટરોને સામગ્રી પીરસતી વખતે ઉપયોગમાં લેવામાં આવે છે.

 સામાન્ય રીતે તમામ ડાઇનિંગ હૉલમાં કુલ બાવીસથી પચીસ પ્રકારની વિવિધ વાનગીઓનો સમાવેશ થતો હોય છે ત્યારે એક ગુજરાતી થાળી બનતી હોય છે. આ તમામ વાનગીઓમાં બેથી ચાર વિકલ્પ આપવામાં આવતા હોય છે જેમ કે ૪ પ્રકારની રોટલી/ભાખરી/પૂરી/રોટલા, શાકમાં ચાર પ્રકારનાં શાક જેમાં બે લીલાં શાક/ એક બટાટાનું શાક/ એક કઠોળ, બે પ્રકારનાં ફરસાણમાં એક તળેલું/એક બાફેલું, બે પ્રકારનાં મિષ્ટાનમાં એક ગરમ (પ્રવાહી)/ એક ઠંડું (સક્ત), બે પ્રકારની દાળમાં એક દાળ/એક કઢી, બે પ્રકારના ચોખામાં ભાત/ખીચડી, બે પ્રકારની ચટણીમાં લાલ/લીલી, સૅલડ, બે પ્રકારના પાપડમાં પાપડ/સારેવડાં, છાશ અને પાણીનો સમાવેશ થાય છે. હવે આ તમામ વાનગીઓ થાળીમાં પહેલા તબક્કે તો ગોઠવાઈને જ પીરસાતી હોય છે, પણ જ્યારે કોઈ ગ્રાહક બીજી વાર માગણી કરે ત્યારે મુખ્ય કૅપ્ટન સાંકેતિક ભાષાનો ઉપયોગ કરી ઇશારાથી વેઇટરને સૂચના પહોંચાડી વાનગીઓ પીરસતા દેખાય છે. આ તમામ વાનગીઓ પીરસવા ૧૧ પ્રકારના અલગ-અલગ સંકેતો વપરાતા હોય છે જેમાં જમણા હાથની હથેળી અને આંગળીઓનો ઉપયોગ કરી આંખોના ઇશારાઓથી કયા નંબરના ટેબલ પર કઈ વાનગી પીરસવાની છે એ ખ્યાલ પડે છે. એનો મુખ્ય હેતું મોટા ડાઇનિંગ હૉલમાં કોઈ પ્રકારે ઘોંઘાટ ન થાય અને એક ગ્રાહકે શું ખાધું કે બીજી વાર શું માગે છે એનો બીજા ગ્રાહકને ખ્યાલ ન આવે એ છે.

 છેલ્લાં ૬૫ વર્ષથી ગુજરાતી થાળી પીરસતી અમદાવાદની ગોપી ડાઇનિંગ હૉલના સંચાલક દિલીપભાઈ ઠક્કર આ સાંકેતિક ભાષાના ઇતિહાસ વિશે કહે છે, ‘પહેલાંના સમયમાં અમદાવાદમાં વિશાળ ડાઇનિંગ હૉલ હતા જેમ કે જૂના અમદાવાદના શાહપુર વિસ્તારમાં સાબર હોટેલ, રિલીફ રોડ પર ચેતના હોટેલ અને કાળુપુર પાસે આવેલી પુરોહિત હોટેલ. એ સમયમાં બૅન્ક્વેટ હૉલ અથવા પાર્ટી પ્લૉટ નહોતા એટલે લોકો લગ્નપ્રસંગે આવા ડાઇનિંગ હૉલમાં જતા હતા જ્યાં એકસાથે ૧૦૦-૧૫૦ માણસની પંગત પડતી અને એકસાથે ૧૫૦ માણસોને પીરસવા માટે ૨૫-૩૦ લોકોનો સ્ટાફ રાખવો પડતો. તો પણ બધી બાજુથી બૂમાબમ શરૂ થઈ જતી હતી જેમાં દાળ લાવો, શાક લાવો, રોટલી લાવો, પાપડ લાવો, મિષ્ટાન લાવો, ખીચડી લાવો, છાશ લાવો વગેરે અવાજો મોટી માત્રામાં સંભળાતા. એવા સમયે મોટી મૂંઝવણ ને મુશ્કેલી એ ઊભી થતી કે બધાને એકસાથે એક સમય કઈ રીતે પીરસવું અને એટલો બધો કોલાહલ થઈ જતો કે એમ લાગતું કે સબ્જીમંડીમાં આવી ગયા છીએ. એવા સમયે એક વિદ્વાન માણસે આ સાંકેતિક ભાષા જે હાથની હથેળી અને આંગળીઓ વડે વિવિધ આકાર બતાવી આંખના ઇશારાઓથી બધાને સરખી રીતે ભોજન પીરસાય એની શોધ કરી જેથી ઘણાબધા લોકો એકસાથે જમતા હોય તો મૅનેજર બે આંગળીઓ બતાવીને વાનગીઓ પીરસી શકે. આ રીતે આ ઇશારાની ભાષાનો ઉદ્ભવ થયો. બીજું, એ વખતમાં માણસોમાં સૂઝ અને સમજ પણ ઘણી ઓછી હતી અને આ બધા ડાઇનિંગ હૉલમાં ખેડૂત અથવા મજદૂર જેવા લોકો લાવી યુનિફૉર્મ પહેરાવી તેમની પાસે આ પીરસાવવાનું કામ કરવામાં આવતું હતું. એ લોકોને આ ઇશારાની ભાષા સમજવી સારી પડતી. તદુપરાંત એ વખતે અત્યારના પ્રમાણે ઓછી સંખ્યામાં ડાઇનિંગ હૉલના વિકલ્પ હતા એટલે બધે ભીડ પણ વધારે રહેતી હતી. સમય સાથે બધા જ ડાઇનિંગ હૉલમાં ધીમે-ધીમે આ ભાષાનો અમલ થવા લાગ્યો. હવે ડાઇનિંગ હૉલ વધી ગયા છે સાથે જમવાના વિકલ્પ પણ વધી ગયા છે. એટલે ધીરે-ધીરે આ ઇશારાની ભાષા ઝાંખી થતી હોય એમ લાગે છે. નવા યુગના જે વેઇટરો કામ કરે છે તે ઘણા કુશળ અને પ્રશિક્ષિત હોય છે એથી એ લોકો ગ્રાહકના હાવભાવ અને થાળીમાં નજર નાખી સમજી જાય છે કે તેમને શું જોઈએ છે. એટલે અત્યારે બધા જ ડાઇનિંગ હૉલમાં આ ભાષા ઓછી વપરાય છે. અત્યારના સમયમાં મુખભાષા જેને ચુપી ભાષા કહેવાય છે જેમાં બોલવાનું પણ નહીં અને ઇશારા પણ નહીં કરવાના છતાં ઘરાકના હાવભાવ પરથી માપી લેવાનું કે તેમને શું જોઈએ છે એનો વપરાશ વધારે જોવા મળે છે. પણ અમારે ત્યાં તમામ વેઇટરને આ જૂની પદ્ધતિના ઇશારાની ભાષા શીખવેલી જ હોય છે અને ગુજરાતના તમામ ડાઇનિંગ હૉલવાળાઓને આવડતી જ હોય છે, કારણ કે જ્યારે પાર્ટી કે પ્રસંગ હોય અને લોકોની ભીડ વધારે હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ અનિવાર્ય બની જતો હોય છે. એટલે તમામ ડાઇનિંગ હૉલવાળાને આ ભાષા શીખવી પડે છે.’ 

કેવા સંકેતોથી શું પીરસવાની સૂચના અપાય છે એ જાણીએ

- ચાર આંગળીઓનો આકાર બતાવવો એટલે કે શાકના ચાર પ્રકાર પીરસવાની સૂચના આપવી. એનું મુખ્ય કારણ એ છે કે શાક પીરસવાનું જે વાસણ હોય છે એને ચૌમુખ કમંડળ કહેવાય છે.

- હથેળી જમીન તરફ બતાવવી. એટલે કે ફરસાણ પીરસવાની સૂચના આપવી.

- બે આંગળી બતાવવી એટલે કે દાળ/કઢી પીરસવાની સૂચના આપવી.

- પહેલી આંગળી વળેલી અને બીજી ચારની મુઠી એટલે કે મિષ્ટાન પીરસવાની સૂચના આપવી.

- એક આંગળી એટલે ભાત પીરસવાની સૂચના આપવી

- બે આંગળીઓ એટલે ખીચડી પીરસવાની સૂચના આપવી.

- ચાર આંગળીઓની મુઠ્ઠી અને ડાબી બાજુ અંગૂઠો બતાવવો એટલે કે ચટણી, કચુંબર, સૅલડ અને અથાણાં પીરસવાની સૂચના આપવી.

- પહેલી બે આંગળીઓ આડી જમણી તરફ બતાવવી એટલે કે પાપડ પીરસવાની સૂચના આપવી.

- પહેલી આંગળી અને અંગૂઠાથી ગ્લાસ બનતો આકાર બતાવવો એટલે કે છાશ પીરસવાની સૂચના આપવી.

- ચાર આંગળીની મુઠ્ઠી અને અંગૂઠાને જમીન તરફ બતાવી પાણી પીરસવાની સૂચના આપવી.

- પાંચ આંગળીઓ પહોળી કરી ગોળ આકાર બતાવવો એટલે કે રોટલી/રોટલા/ અને ભાખરી/પૂરી માટે પાંચ આંગળીઓનો નાનો ગોળ આકાર બતાવવો. 

First Published: 18th January, 2021 12:43 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK