Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાડકાં ગળવાની તકલીફો આજકાલ કેમ વધી ગઈ છે?

હાડકાં ગળવાની તકલીફો આજકાલ કેમ વધી ગઈ છે?

30 October, 2012 06:22 AM IST |

હાડકાં ગળવાની તકલીફો આજકાલ કેમ વધી ગઈ છે?

હાડકાં ગળવાની તકલીફો આજકાલ કેમ વધી ગઈ છે?




પલ્લવી આચાર્ય

વાંકી વળું તો મારી કેડ નમી જાય, નીચી નમું તો મારી ડોક દુખી જાય... ગીતમાં નાયિકા લાડ લડાવવા માટે ભલે આમ કહેતી હોય, પણ આજના સમયમાં સુવિધાઓ વધી જવાથી યુવતીઓમાં ખરેખર આ તકલીફો વધી ગઈ છે.





આ વિશે જાણીતા ઑથોર્પેડિક સજ્ર્યન ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘અગાઉ ૮૦ વર્ષે પણ દાદીને હાડકાંની કોઈ તકલીફ નહોતી થતી, પણ આજે તો ૩૦થી ૪૦ની વયમાં સ્ત્રીઓ ઑસ્ટિયોપોરોસિસ નામના હાડકાં નબળાં પડવાના રોગનો શિકાર બની રહી છે.’ 

ઑસ્ટિયોપોરોસિસ એટલે શું?



સ્ત્રીઓને જ વધુ થાય છે એવા આ રોગ વિશે સાદી સમજ આપતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘હાડકાંની ડેન્સિટી એટલે કે હાડકાંમાંનું મટીરિયલ કે જે હાડકાંની સ્ટ્રેંગ્થ છે, એ જેટલું વધારે એટલી હાડકાંની તાકાત વધુ અને એ ઓછી થઈ જાય તો હાડકાં ગળે અને નબળાં પડે. હાડકાંની ડેન્સિટીને બનાવી રાખવા કેલ્શિયમ અને હૉર્મોન્સ જરૂરી છે. સામાન્ય રીતે ૫૦ વર્ષ પછી હાડકાંની ડેન્સિટી એક ટકો ઘટે છે, પરંતુ હવે નાની વયમાં જ આ તકલીફ થવા લાગે છે. હાડકાંની ડેન્સિટી કેટલી હોવી જોઈએ એનો એક ચાર્ટ ઉંમરને ધ્યાનમાં લઈને દુનિયાના લાખો લોકો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. એ મુજબ હાડકાંની ડેન્સિટી ૨.૫ કે તેથી ઓછી હોય તો ઑસ્ટિયોપોરોસિસ થયો છે એમ કહેવાય.’

આ રોગ કેવી તકલીફ કરે?

થાક ખૂબ લાગે, શરીરમાં તાકાત જ નથી રહી એવું લાગે, દાદરા ચડવા-ઊતરવામાં થાકી જવાય, નાની વાતમાં ફ્રૅક્ચર થઈ જાય, કમરમાં દુખાવો રહ્યા કરે, શરીરના બીજા ભાગો પણ દુખ્યા કરે. આગળ ઝૂકીને ચાલવું પડે, કમર વાંકી વળી જાય.

એ થવાનું કારણ?

ઑસ્ટિયોપોરોસિસ થવાનાં બે મુખ્ય કારણ છે, હૉર્મોનલ અસંતુલન અને કેલ્શિયમની કમી.

હાડકાંની મજબૂતી માટે શરીરને પૂરતું કેલ્શિયમ મળવું જરૂરી છે. શરીરમાંથી કેલ્શિયમ ઘટવા લાગે તો શરીરને જરૂરી કેલ્શિયમ હાડકાંમાંથી વપરાતાં હાડકાં નબળાં પડવા લાગે છે.

સ્ત્રીઓમાં મેનોપૉઝ સમયે એસ્ટ્રોજન નામના હૉર્મોનનું પ્રમાણ ઘટે છે. કેટલીક સ્ત્રીઓમાં કોઈક કારણસર ગર્ભાશય નકામું થઈ જાય છે અથવા તો કાઢી નાખવું પડે છે ત્યારે એસ્ટ્રોજન ઘટે છે.

ઉંમર વધવા સાથે હાડકાંની ડેન્સિટી વરસે ૧ ટકો ઘટે છે.

માએ ગર્ભાવસ્થામાં પૂરતું પોષણ ન લીધું હોય અને પૂરતી એક્સરસાઇઝ ન કરી હોય તો બાળકમાં વિટામિન્સની કમી સર્જાય છે. આવાં બાળકોમાં નાની વયે ઑસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધી જાય છે. ઑસ્ટિયોપોરોસિસનાં બીજ આમ જન્મથીજ રોપાયાં હોય છે.

તકેદારી અને સારવાર

ઑસ્ટિયોપોરોસિસની તકલીફની શરૂઆત થાય એ પછી જો તરત જ સારવાર શરૂ કરી દેવામાં આવે તો થનારા ડેમેજની સ્પીડ અટકાવી જરૂર શકાય એમ જણાવીને ડૉ. પિનાકિન શાહ ઉમેરે છે, ‘ઑસ્ટિયોપોરોસિસમાં કેલ્શિયમ અને હોમોર્નનું પ્રમાણ માપસર કરવા માટે હોમોર્ન થેરપી, ઍનાબૉલિક સ્ટીરૉઇડ, ઇસ્ટ્રોજન સ્ટીમ્યુલેશન મોડ્યુલેશન જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. દર્દીએ પ્રોટીન અને કેલ્શિયમ વધુ હોય એવો ખોરાક કે જરૂર પડે તો એની સપ્લીમેન્ટ્સ લેવી જોઇએ. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના આહારમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વધારી રાખવું જોઇએ. દૂધ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, ઘી, મિલ્ક પ્રોડક્ટસ વધુ લેવા.

ઑસ્ટિયોપોરોસિસ થતો રોકવા શું કરશો?


ઑસ્ટિયોપોરોસિસ થતો અટકાવવા તમે ૫૦ વર્ષે કે એ થાય ત્યારે જાગો એ ન ચાલે એમ જણાવીને ડૉ.પિનાકિન શાહ નીચે મુજબ ટિપ્સ આપે છે.

પોતાના બાળકને ઑસ્ટિયોપોરોસિસ થતો અટકાવવા માએ બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાળજી લેવાની જરૂર છે. વિટામિન ડી, પ્રોટીન, જરૂરી વિટામિનો અને પ્રૉપર ન્યુટ્રિશન્સ  લેવાં અને યોગ્ય કસરત કરવી જરૂરી છે. જો બાળકોમાં વિટામિન ડેફિશિયન્સી હશે તો તે ઊભું રહેવાનું શરૂ કરશે ત્યારે જો તેનાં હાડકાં નબળાં હશે તો પગ વાંકા થવા લાગશે એટલું જ નહીં, મોટા થયા પછી તેને ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે.

ઑસ્ટિયોપોરોસિસ ન થાય એ માટે બાળકો સતત ટીવી જોતાં કે ઘરમાં ન બેસી રહે એ જોવું જોઇએ. બાળકોના શરીરને બરાબર કસરત મળવી જોઈએ. એ માટે તેમને ઘરની બહાર ઊછળકૂદ કરવા અને રમવા મોકલવાં જોઈએ. તેમની સ્કૂલબૅગ તેમને જ ઉપાડવા દેવી જોઈએ. તેમને દોડવા દેવાં જોઈએ, દાદરા ચડવા દેવા જોઈએ.

અગાઉ સ્ત્રીઓ ઘરનાં કામ જાતે કરતી હતી. દળણાં દળતી હતી, પાણી ભરતી હતી તેથી શરીરને પૂરતી કસરત મળતી હોવાથી હાડકાં મજબૂત રહેતાં હતાં. એસી ઑફિસોમાં અને બંધ ઘરમાં રહેતી સ્ત્રીઓને સૂર્યપ્રકાશ મળતો જ નથી જે વિટામિન ડીનો મુખ્ય અને કુદરતી ર્સોસ છે. કસરત થાય એવાં કામ મશીનો કરે છે અને સ્ત્રીઓને જિમમાં જઈ કસરત કરવાનો સમય નથી મળી રહ્યો. આજે જે લાઇફસ્ટાઇલ છે એમાં બધી બાજુથી શરીરને તોડતા જઈએ છીએ. જે લાઇફસ્ટાઇલ આપણે અપનાવી છે એની કિંમત આપણે આજે ચૂકવી રહ્યા છીએ.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2012 06:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK