હર મર્ઝ કી દવા બની શકે સૂર્યનમસ્કાર

Published: Dec 12, 2019, 14:11 IST | ruchita shah | Mumbai Desk

તમારી ફિઝિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખ્યા વિના આંધળૂકિયું અનુકરણ કરવામાં ફાયદા કરતાં નુકસાન વધી પણ શકે

યોગીઓ કહે છે કે એનાથી સંપૂર્ણ શરીરને કસરત મળે છે. શરીરની લગભગ દરેક સિસ્ટમને ઍક્ટિવ કરનારી આ યોગિક એક્સરસાઇઝના લાભ પર વાત કરીએ. જોકે તમારી ફિઝિકલ કન્ડિશનને ધ્યાનમાં રાખ્યા વિના આંધળૂકિયું અનુકરણ કરવામાં ફાયદા કરતાં નુકસાન વધી પણ શકે

ૐ હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્
તત્ ત્વં પૂષન્ન પાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે

હે સૂર્યદેવ, કોઈક પાત્રના ઢાંકણાની જેમ તમારો સોનેરી પ્રકાશ સત્યના પ્રવેશદ્વાર સમો છે. એ પ્રકાશનો પટ ખોલો અને અમને સત્યની દિશામાં લઈ જાઓ એવી પ્રાર્થના...
કેટલીક બાબતો આપણે ત્યાં પરંપરાઓથી ચાલતી આવી છે એટલે એની શરૂઆત કોણે કરી અને એ કેટલી પુરાણી હશે એ કહેવું મુશ્કેલ છે. યોગમાં પૉપ્યુલર સૂર્યનમસ્કાર પણ એવી જ એક પ્રાચીન પરંપરા છે જેના ફાઉન્ડર કોણ છે એ કહી ન શકાય, પરંતુ એ છે પ્રાચીન. રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા ઘણાં ઘરોમાં આજે પણ અકબંધ છે. દેશમાં ઠેકઠેકાણે આવેલાં સૂર્યમંદિરો સૂર્ય પ્રત્યેના અહોભાવનું જ અનાવરણ છે. વાસ્તવિક રીતે પણ આપણા અસ્તિત્વના મૂળમાં સૂર્ય જ તો છે. સૂર્ય આ પૃથ્વીનો લાઇફ સોર્સ છે. સૂર્યને કારણે જીવન શક્ય બન્યું છે. સૂર્યને કારણે પૃથ્વી પર જીવન છે. તમે જે કંઈ ખાઓ, પીઓ કે શ્વસો છો એ સૂર્યમાંથી ઉદ્ભવેલું છે. જરાક કલ્પના કરો કે સૂર્ય ન હોય તો? જેની એનર્જીને કારણે આપણે સજીવ છીએ એને નમસ્કાર કરવાની ક્રિયા એટલે સૂર્યનમસ્કાર. હવે પ્રશ્ન થશે કે સૂર્યનમસ્કાર શું કામ યોગમાં છે? એ કઈ રીતે ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ અને સાઇકોલૉજિકલ, ઇમોશનલ સ્તર પર આપણને સહાય કરે છે? એમાં બોલાતા બીજમંત્રો શું છે? શું કામ મંત્રોનું પણ મહત્ત્વ છે જેવા તમામ વિષયો પર આજે ચર્ચા કરીએ.
એટલે શું?
બાર આસનોને સીક્વન્સમાં કરવાનાં અને એની સાથે શ્વાસોચ્છ્વાસની ગતિને સિન્ક કરવાની અને સાથે બીજમંત્રો બોલવાના આ પ્રક્રિયા એટલે સૂર્યનમસ્કાર. સૂર્યનમસ્કારમાં પ્રણામાસન, હસ્તઉત્તાનાસન, પાદહસ્તાસન, અશ્વસંચાલનાસન, પર્વતાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, પર્વતાસન, અશ્વસંચાલનાસન, પાદહસ્તાસન, હસ્તઉત્તાનાસન અને ફરીથી પ્રણામાસન કરો એટલે સૂર્યનમસ્કારની અડધી આવૃત્તિ પૂરી થાય. અહીં વિવિધ યોગ સ્કૂલનો પોતાનો કન્સેપ્ટ છે. કેટલાક લોકો બાર આસનોને એક આવૃત્તિ કહે છે તો કેટલાક બાર-બાર આસનોના બે રાઉન્ડને એક આવૃત્તિ કહે છે. બિહાર સ્કૂલ ઑફ યોગના સ્વામી સત્યાનંદજી કહે છે કે સૂર્યનમસ્કારની એક આવૃત્તિ એક જ વારમાં પૂરી કરવી જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ પાંચ, દસ, પંદર આવૃત્તિ કર્યા પછી શવાસન કરવું જોઈએ. ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસ છોડવો એ બાબતનું આસનો દરમ્યાન ધ્યાન રખાય એ મહત્ત્વપૂર્ણ છે. એમાં આગળ ઝૂકતી વખતે શ્વાસ છોડવાનો અને પાછળ ઝૂકતી વખતે શ્વાસ લેવાનો સામાન્ય નિયમ હોય છે.
સૂર્યનમસ્કારના સંદર્ભમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ એક જગ્યાએ લખે છે, ‘મોટા ભાગે લોકો સૂર્યનમસ્કારને કસરત તરીકે જુએ છે જે તમારી કરોડરજ્જુ અને સ્નાયુઓને મજબૂત કરે છે. બિલકુલ સાચું. કોઈ ઇક્વિપમેન્ટ વગર આપણી ફિઝિકલ સિસ્ટમ માટે આ સંપૂર્ણ વર્કઆઉટ છે એમ કહી શકાય. પરંતુ એનાથી પણ ઉપર સૂર્યનમસ્કાર વ્યક્તિને એમ્પાવર કરે છે જે તમારી પર ફરજિયાત બની ગયેલી સાઇકલને તોડવામાં મદદ કરે છે. ઘણી વાર આપણું શરીર જ આપણને મર્યાદિત કરી દે છે, જે આગળ વધવામાં બાધક બની જાય છે. શરીરની સાઇકલને બ્રેક કરીને સોલર સાઇકલ સાથે સિન્ક થવાની પ્રોસેસ સૂર્યનમસ્કાર દ્વારા શક્ય છે. સૂર્યની સાઇકલ પણ લગભગ ૧૨ વર્ષની હોય છે અને એટલે જ સૂર્યનમસ્કારનાં બાર સ્ટેપ રાખવામાં આવ્યાં છે. જો તમારું શરીર તૈયાર હોય, અમુક પ્રકારનાં સ્પંદનોથી સતર્ક હોય તો સ્વાભાવિક રીતે એની ગ્રહણશક્તિ સારી હોવાની. એથી તમારા શરીરની સાઇકલ સોલાર સાઇકલ સાથે સહજતાથી તાલમેલ સાધી શકશે.’
આ વિશે વધુ ક્લૅરિટી આપતાં સ્વામી સત્યાનંદ સરસ્વતી પોતાના પુસ્તકમાં લખે છે, ‘સૂર્યનમસ્કારની બાર સ્થિતિઓમાંથી પસાર થતી વખતે શરીરના પ્રત્યેક અંગ પર ધ્યાન કેન્દ્રિત થાય એ જરૂરી છે, જેમાં આપણી ચેતના માથાથી શરૂ થઈને પગ સુધી ગતિ કરે અને શરીરના પ્રત્યેક બિંદુનો અનુભવ સૂર્યનમસ્કાર દરમ્યાન કરીએ તો એનું અદ્ભુત પરિણામ મળી શકે છે. જેમ અંધારામાં ટૉર્ચ ફેરવો અને જ્યાં-ત્યાં પડેલી વસ્તુઓથી પરિચિત થવાય છે એવું જ સૂર્યનમસ્કાર દરમ્યાન આખા શરીરમાં થતું ચેતનાનું સંક્રમણ અદ્ભુત પરિણામ આપે છે. આવું કરો તો જ સૂર્યનમસ્કારનો અર્થ સરે છે.’
શું કામ લાભકારી?
આપણા ઋષિમુનિઓ કહેતા કે શરીરના વિવિધ હિસ્સાઓના જુદા-જુદા દેવ છે જે એનું સંચાલન કરે છે. કેટલાક લોકો એને ચક્ર તરીકે ઓળખે છે. સૂર્યનું સ્થાન મણિપુર ચક્ર છે. સોલર પ્લેક્સસ, જે આપણી નાભિના પાછળના ભાગમાં છે. નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી સોલર પ્લેક્સસ ચક્ર ઍક્ટિવેટ થાય છે. સૂર્યની દિશામાં મોઢું રાખીને રોજ સવારે ભૂખ્યા પેટે સૂર્યનમસ્કાર કરવા જોઈએ. જો સવારે ન થાય તો દિવસના કોઈ પણ સમયે પૂર્વ દિશામાં મુખ રાખીને એ કરી શકાય. હા, પેટ ખાલી હોય એ જરૂરી છે. સૂર્યનમસ્કારના અનેક ફાયદા છે. દરેક આસનના પોતાના લાભ છે. જેમ કે હસ્તઉત્તાનાસન ચરબી ઘટાડે, પાદહસ્તાસન લીવર અને પેટના સ્નાયુઓને માલિશ આપે છે, કબજિયાતની બીમારી દૂર થાય છે અને મસ્તિષ્કમાં રક્ત પરિભ્રમણ બહેતર બને છે. કેટલાક અભ્યાસો કહે છે કે શ્વસનને લગતી તકલીફોમાં સૂર્યનમસ્કાર ખૂબ સારું રિઝલ્ટ આપે છે. ઝડપી ગતિથી અને સ્લો ગતિથી એમ બન્ને પ્રકારે સૂર્યનમસ્કાર થઈ શકે છે. ફાસ્ટ સૂર્યનમસ્કાર ઍરોબિક એક્સરસાઇઝની ઇફેક્ટ આપે છે અને ધીમી ગતિથી થતા સૂર્યનમસ્કાર યોગાસનોની ઇફેક્ટ આપે છે. શરીરની લગભગ દરેકેદરેક સિસ્ટમને સૂર્યનમસ્કાર બેનિફિટ આપે છે. જેમ કે મસ્ક્યુલોસ્કેલેટલ, કાર્ડિયોવૅસ્ક્યુલર, ડાઇજેસ્ટિવ, નર્વસ, રેસ્પિરેટરી અને એન્ડોક્રાઇન સિસ્ટમને એ સૌથી વધુ પ્રભાવિત કરે છે. સૂર્યનમસ્કાર તમારા શરીરના એકેએક સેલને રિજુવિનેટ કરે છે. એમાં એનર્જીનો સંચાર કરે છે. તમારું હૃદય, પેટ, છાતી, ગળું, પગ અને બૅકબોન જેવા ઑર્ગન્સને એના થકી અદ્ભુત લાભ મળે છે. મહિલાઓની મેન્સ્ટ્રુઅલ સાઇકલને રેગ્યુલેટ કરવામાં પણ સૂર્યનમસ્કારથી લાભ થઈ શકે છે. નિયમિત જો સૂર્યનમસ્કાર કરો તો શરીરની ક્ષમતા વધશે, લચીલાપણું આવશે અને તમે વધુ ચેતનવંતા બનશો. આગળ કહ્યું એમ શરીરની વધારાની ચરબીને દૂર કરવામાં પણ સૂર્યનમસ્કારનો મહત્ત્વનો ફાળો છે. માઇન્ડને પણ શાંત, ચિંતામુક્ત અને તાજગીસભર બનાવવા માટે સૂર્યનમસ્કાર મહત્ત્વપૂર્ણ છે.

આ મંત્ર વિશે જાણો છો?
મનનું સાધન એટલે મંત્ર. સૂર્યનમસ્કાર દરમ્યાન શ્વાસોચ્છ્વાસનું અને આસનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ મંત્રનું પણ છે. અહીં બે પ્રકારના મંત્રોનું સંયોજન છે. એક બીજમંત્ર (જેનો અર્થ ન હોય પણ જેના ધ્વનિથી હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય) અને બીજા સૂર્યની સ્તુતિ, સૂર્યના ગુણોનું વર્ણન કરનારા મંત્ર. સૂર્યનમસ્કાર પ્રત્યેક આસન સાથે નીચે આપેલા મંત્રો અને તેના અર્થ વિશે જાણી લો. આ પણ જો બોલશો તો સોનામાં સુગંધ ભળી ગણાશે.
ૐ હ્રાં મિત્રાય નમઃ - જગત મિત્ર
ૐ હ્રીં રવૈયે નમઃ - પૂજનીય અને સ્તુતિ કરવા યોગ્ય
ૐ હ્રૂં સૂર્યાય નમઃ - વિશ્વનું સંચાલન કરનારા, માર્ગદર્શન કરનારા
ૐ હ્રૈં ભાનવેય નમઃ - તેજપ્રતાપી સૂર્ય
ૐ હ્રૌં ખગાય નમઃ - ઇન્દ્રિયને સામર્થ્ય પ્રદાન કરનારા
ૐ હ્રઃ પુષ્ણૈ નમઃ - પોષણકર્તા
ૐ હ્રાં હિરણ્યગર્ભાય નમઃ - વીર્યબલવર્ધક
ૐ હ્રીં મારિચિયે નમઃ - સર્વરોગનાશક
ૐ હ્રૂં આદિત્યાય નમઃ - સર્વમાં આકર્ષક
ૐ હ્રૈં સવિત્રેય નમઃ - સર્વનું ઉત્પાદન કરનારા
ૐ હ્રૌં અર્કાય નમઃ - સર્વમાં આદરણીય
ૐ હ્રઃ ભાસ્કરાયે નમઃ - ઉષ્ણતા અને પ્રકાશ પાથરનારા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK