મનનો મેળાવડો કરતા કચ્છીઓ શ્રાવણને પોંખે છે...

Published: Aug 13, 2019, 11:45 IST | સુનીલ માંકડ - કચ્છી કોર્નર | મુંબઈ ડેસ્ક

કચ્છી શબ્દ ‘રેયાણ’ એટલે મેળાવડો. આ મેળાવડામાં પણ મનથી મળે ત્યારે એ મેળો બની જાય છે અને કચ્છીઓ તો મેળાઓને મનથી માણનારા છે એટલે જ તો ઉત્સવો હોય કે ધાર્મિક પ્રસંગ, ઉજવણી હોય કે આફત સામે લડવાની જિજીવિષા

ભુજિયો
ભુજિયો

લોક સંસ્કૃતિ

મરુ, મેરૂ અને મેરામણની ભૂમિ કચ્છની સંસ્કૃતિ પાંગરી હોય તો એમાં કચ્છીઓએ કોઈ પણ આફત સમયે દાખવેલી ખુમારીનું ખાતર જવાબદાર છે. કચ્છીઓ મળે ત્યારે મનથી મળે છે. કચ્છી શબ્દ ‘રેયાણ’ એટલે મેળાવડો. આ મેળાવડામાં પણ મનથી મળે ત્યારે એ મેળો બની જાય છે અને કચ્છીઓ તો મેળાઓને મનથી માણનારા છે એટલે જ તો ઉત્સવો હોય કે ધાર્મિક પ્રસંગ, ઉજવણી હોય કે આફત સામે લડવાની જિજીવિષા; કચ્છીઓને મન એ બધું જ ‘રેયાણ’ની વ્યાખ્યામાં આવી જાય છે.

મેળાઓના શોખીન કચ્છીઓ માટે શ્રાવણ મહિનો એટલે ‘રેયાણ’ને પોંખવાનો અવસર. આમ તો શ્રાવણ સિવાય પણ છૂટ-પૂટ ઉત્સવ સરીખા મેળા માણતા કચ્છીઓ, શ્રાવણની તો જાણે ચાતકની જેમ રાહ જોતા હોય છે. સમગ્ર ભારતવર્ષમાં હિન્દુઓ માટે શ્રાવણ મહિનો એટલે શિવની આરાધનાનો મહિનો. કચ્છમાં પણ શ્રાવણના પહેલા દિવસથી જ શિવાલયો વ્યસ્ત બની જાય છે. કચ્છના ખડીરથી કોટેશ્વર સુધી દરેક જગ્યાએ શિવાલયો વહેલી પરોઢથી જ ગાજતાં થઈ જાય છે. આપણે મુખ્યત્વે પાટનગર ભુજના શિવમંદિર સૂરલભીટના મેળાની વાત કરીશું જે આખો મહિનો દર્શનાભિલાષીઓથી ઊભરાતું રહે છે. જોકે શ્રાવણનો પહેલો મેળો એટલે ભુજિયાનો મેળો.

ભુજની ઉત્તર-પૂર્વ સીમાડે આવેલું ટેકરી પરનું ઊંચું સૂરલભીટ મંદિર શ્રાવણ મહિનામાં સતત ભક્તિમય રહે છે. શ્રાવણના પહેલા દિવસથી માંડી અમાસ સુધી એ મંદિરમાં દર્શનાર્થીઓની સતત ભીડ રહે છે. મહિનાની બન્ને અગિયારસ અને પૂનમ તથા અમાસના દિવસે અહીં ખાસ મેળો પણ ભરાય છે. આશરે બસ્સો જેટલાં પગથિયાં ચડીએ ત્યારે શિવજીનાં દર્શન થાય છે. મંદિર પરિસરની આસપાસ પણ રૅલિંગ સાથેની સુંદર વ્યવસ્થાને કારણે ઊંચાઈએ અનુભવાતા પવનના ઠંડા વાયરાને માણવાની મઝા અનેરી હોય છે. એમાંય જો કચ્છના મિજાજને અનુરૂપ હળવા છાંટા વરસતા હોય તો દૃશ્ય વધુ રમણીય બની જાય છે. કચ્છમાં શ્રાવણ મહિનામાં પહોંચી ગયેલા બિનકચ્છીઓ પણ સૂરલભીટ જવાનું ચૂકતા નથી. એવા આ માસિક મેળાનો પરિચય મેળવી લીધા પછી કચ્છના શ્રાવણી મેળાના ઉદ્ઘાટનની રિબન જ્યાં કપાય છે એ કચ્છના પ્રથમ મેળાની વાત કરીએ.

ભુજ શહેરનું નામ જે ડુંગર પરથી પડ્યું છે એ ભુજિયા ડુંગર પરનો કિલ્લો. એ કિલ્લા પરનો રાજાશાહી ગઢ અને ગઢની વચ્ચે આવેલી ભુજંગ દેવની દેરી ભુજમાં પ્રવેશો ત્યારે દૂરથી ધ્યાન ખેંચે છે. શ્રાવણ સુદ પાંચમનો નાગપંચમી મેળો ભુજિયાની તળેટીમાં ભરાય છે. ભુજંગ દેવ અને ભુજિયા ડુંગરના મેળાની પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવે છે. સંવત ૧૭૭પથી ૧૮૦૮ સુધી કચ્છ પર રાજ કરનારા રાજવીઓ પૈકીના રાવ દેશળજીના સમયમાં અમદાવાદના નવાબ શેરબિલમ (શેરબુલંદ)એ મોરબીના રાજાની મદદથી કચ્છ ભુજ પર આક્રમણ કર્યું હતું. ભીષણ લડાઈમાં કચ્છ રાજના સૈન્યની સાથે નાગા સાધુઓના અખાડાએ પણ ભુજની આન-બાન અને શાનને બચાવવા એ જંગમાં ઝંપલાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જે દિવસે વિજય પ્રાપ્ત થયો એ દિવસ શ્રાવણ સુદ પાંચમ હતી. બસ... ત્યારથી ભુજિયાના આ મેળાની પરંપરા શરૂ થઈ.

જેમને ‘દેશરા પરમેશ્વરા’નું ઉપનામ મળેલું હતું એવા રાવ દેશળજીએ ભુજની રક્ષા માટે જ ફરતે કોટ-કિલ્લા સહિતનું બાંધકામ ભુજિયા ડુંગર પર કર્યું હતું. આજે તેમણે બંધાવેલો ભુજિયાનો કિલ્લો ખુદ શોભા અને જોખમ સાથે કાળમીંઢ અવસ્થામાં ઊભો છે. રાજાશાહી પૂર્ણ થયા પછી ભારત સરકારે એ કિલ્લામાં લશ્કરી દારૂગોળો ખડકી દીધો હતો અને ત્યારથી એ કિલ્લાના તોતિંગ દરવાજા કચ્છની આમ જનતા માટે કાયમ માટે બંધ થઈ ગયા હતા. કચ્છની સદીઓની ભુજંગ દેવ પ્રત્યેની આસ્થાને માન આપવા માત્ર વર્ષના એક દિવસે એટલે કે ભુજિયાના મેળાના દિવસે એ દરવાજા લશ્કરી પહેરા વચ્ચે ખૂલી જતા અને ત્યાંથી શરૂ થતાં તૂટેલાં-ફૂટેલાં પગથિયાંઓ પર ચડી છેક ભુજંગ દેવની દેરીએ દર્શન કરવા માટે વહેલી સવારથી જ હોડ થતી. દેરીની આસપાસના ઐતિહાસિક કિલ્લાના ખરેલા કાંગરા સાથેના ગઢની આસપાસ ફરવાનો લહાવો પણ મળતો. જોકે કેટલાંક વર્ષો પહેલાં જ લશ્કરે શસ્ત્રો ત્યાંથી ખસેડી લીધાં પછી એ સદાય માટે ભુજિયો ખુલ્લો મુકાઈ ગયો છે અને હવે તો એ ભુજિયાની શોભા વધારવા સરકારે કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં કચ્છના ભૂકંપના દિવંગતોની યાદમાં સ્મૃતિવન ઊભું કરી ભુજિયાની શોભા વધારવાનો આયામ શરૂ કરી દીધો છે.

પણ... ખેર, શ્રાવણના આ પહેલા ભુજિયાના મેળામાં ડુંગરે ચડતાં બાળકો, યુવાનો સાહસ કરીને આ ડુંગરમાં કોઈ અકસ્માત નોતરી ન લે એ માટે સલામતી દળોએ તકેદારી રાખવી પડે એવી પરિસ્થિતિ હાલમાં આ કિલ્લા અને પગથિયાં સહિતના સંકુલની છે અને એથી જ આ મેળા વખતે જોખમ પણ બેવડાઈ જતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિવનનું નિર્માણ આ સ્થળે ધમધોકાર ચાલી રહ્યું છે, પણ બીજી તરફ કિલ્લો અને પગથિયાંનો રખરખાવ તથા જાળવણીનો હજી વારો આવ્યો નથી. લોકો ભુજિયાનો મેળો ડુંગરની તળેટીમાં માણે છે. જોકે કચ્છની વિરાસતસમું સમગ્ર ભુજિયાનું સંકુલ સ્મૃતિવનના કામકાજની બીજી બાજુના ભાગમાં નધણિયાતું પડ્યું છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

કચ્છના અતીતના ઇતિહાસની ભવ્યતાના સાક્ષી ભુજિયા ડુંગરની તળેટીમાં ભરાતો કચ્છનો આ પહેલવહેલો મેળો આ વર્ષે પણ લોકોએ રેયાણ કરીને માણ્યો છે. જોકે કચ્છીઓ હવે જન્માષ્ટમીના ભરાતા સાતમ-આઠમના મેળાને માણવા આતુર છે. એ મેળાની મહત્ત્વતા, માહાત્મ્ય અને ઉમંગની વાત
હવે પછી...

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK