Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉનાળો આવતાં જ હવે કરી શકાશે કેરી, તરબૂચ, દ્રાક્ષ અને શક્કરટેટીની વાનગીઓ

ઉનાળો આવતાં જ હવે કરી શકાશે કેરી, તરબૂચ, દ્રાક્ષ અને શક્કરટેટીની વાનગીઓ

16 March, 2020 01:06 PM IST | Mumbai Desk
Pooja Sangani

ઉનાળો આવતાં જ હવે કરી શકાશે કેરી, તરબૂચ, દ્રાક્ષ અને શક્કરટેટીની વાનગીઓ

ફળો

ફળો


ભારત દેશ અનોખો છો. જેમ અખંડ ભારતમાં પ્રદેશ પ્રમાણે ભાષા, પહેરવેશ, નૃત્ય, ભોજનશૈલી સહિતની બાબતોમાં અનોખું વૈવિધ્ય છે એવી જ રીતે આપણા ભારતીય ઉપખંડમાં ઋતુનો પણ વૈભવ છે. વર્ષ દરમ્યાન શિયાળો, ઉનાળો અને ચોમાસું આવે અને મોસમ પ્રમાણે ફળો અને શાકભાજી પણ ઊગે તો એને આરોગવાની તો ખૂબ મજા આવેને? ઘણા કહે છે કે મને તો ઉનાળો નથી ગમતો, તો હું કહું કે ઉનાળો નહીં આવે તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એવી આફૂસ કેરી ક્યાંથી ઊગશે? અને ઉનાળામાં કેરી નહીં મળે તો રસ કેવી રીતે ખાશો, કાચી કેરીનાં અથાણાં કેવી રીતે બનાવશો. શરીરને ટાઢક આપતાં ફળો એવાં લીલી અને કાળી દ્રાક્ષ, તરબૂચ અને શક્કરટેટીની જ્યાફત માણવા ક્યાંથી મળશે? તો મિત્રો તમે સમજી જ ગયા હશો કે આપણો આજનો ટૉપિક શું છે.
શિવરાત્રિ જાય એટલે શિયાળો જશે એ નક્કી મનાય છે અને હોળી-ધુળેટીના તહેવાર બાદ તો ગરમી શરૂ થઈ જ જાય છે અને પછી ઋતુને લગતાં જાતજાતનાં શાકભાજી અને ફળો આવવા માંડે છે. આંબાને મોર આવવા માંડે છે. કાચી અને પાકી કેરીનું બજારમાં આગમન શરૂ થઈ જાય અને લીલી, પીળી અને લીલા-પીળા મિશ્ર રંગોવાળી કેરીઓથી બજાર શોભી ઊઠે છે. જો પાકી કેરી કાપીને મૂકી હોય ત્યારે એનો અનોખો પીળો રંગ જ્યારે કાચી કેરી કાપેલી હોય ત્યાં અંદરનો સહેજ સફેદ રંગ જાણે આંખોને ટાઢક આપે છે અને ક્યારે ખાઈ લઈએ એવું મન થાય છે.

એવી જ રીતે લાલચટ્ટાક તરબૂચ, આછા પીળા રંગની શક્કરટેટી અને લીલી-કાળી દ્રાક્ષ તો જાણે વરઘોડામાં જાનૈયાઓ સરસ પોશાક પહેરીને જોડાયા હોય એવું સરસ દૃશ્ય શાકમાર્કેટમાં જોવા મળે છે.



મને તો પાકી અને કાચી કેરી બન્ને બહુ ભાવે. પાકી કેરીનો રસ કાઢવાની કે કાપીને ટુકડા આરોગવાની તો મજા છે જ, પરંતુ નાની દેશી કેરીને ઘોળીને પીવાની મજા જ કંઈ ઓર છે. કોઈ જ જાતનો કૃત્રિમ રંગ કે સ્વાદ નહીં. બસ એક હાથની પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે કેરી મૂકીને બીજા હાથથી એને ગોળ-ગોળ ફેરવીને દબાવતા જવાનું અને પછી જે અંદર રસ જમા થાય એ ચૂસી જવાનો. નાના હતા ત્યારે નાસ્તામાં આવી બે-ત્રણ કેરીઓ ઘોળીને પી જતા. ગોટલો પણ ચૂસી જવાય અને એ પછી પણ વધેલા ગોટલાને તડકામાં સૂકવીને એના વચ્ચેથી કટકામાં મળતી ગોટલીને શેકીને આખી ક્યાં તો ભૂકો કરીને મુખવાસમાં ખાવાની પણ બહુ મજા આવે. બોલો કેટલા બધા છે કેરીના ઉપયોગ? ગોટલા પર બચેલા કેરીના ભાગ અથવા રસનું પાણી લઈને એમાંથી બનાવવામાં આવતો ફજેતો પણ સુપરહિટ છે.


કાચી કેરીનો ચટકારો
કાચી કેરી ન આવે તો દરેક ઘરમાં હાહાકાર મચી જાય. કેમ એવું થાય? એનું કારણ એ છે કે શું તમે કોઈ ગુજરાતીનું ઘર જોયું કેરીના ખાટા, તીખા કે ગળ્યા અથાણા વગરનું? જો કાચી કેરી જ ન આવે તો જાણે ભોજન અધૂરું લાગે, હું તો કહું છું અનાથ લાગે. આખા વર્ષનું અથાણું શિયાળાના અંતે લગભગ પૂરું થવા આવ્યું હોય અને બજારમાં કાચી કેરી આવવા માંડે ત્યારે ગુજરાતી ગૃહિણીઓ હાશની લાગણી અનુભવે. ઘણાં ઘરોમાં કાચી કેરીનાં ઇન્સ્ટન્ટ અથાણાં બને. કાચી કેરીના નાના ટુકડા કરીને ઉપર મરચું-મીઠું, મેથીનો ભૂકો અને તેલ નાખીને બે દિવસ આઘું મૂકી દો અને પછી ખાટું અને તીખું અથાણું ખાવાની મોજ કંઈક અલગ છે. પૂરી, રોટલી,ખાખરા, ભાત અને સેવ-મમરા સાથે આંગળી ચાટતાં-ચાટતાં આ તાજું અથાણું કોણે નહીં ખાધું હોય? આ જ રીતે એનું ગળ્યું અથાણું પણ બને.

વળી ગુજરાતમાં તો ચટણી ખાવાનો બહુ મહિમા એટલે ઘણા ફરસાણવાળાઓ જે ગાંઠિયા સાથે પપૈયાનું છીણ આપે એમાં કાચી કેરીના કટકા નાખે એટલે તો સ્વાદ ઉપર ચાર ચાંદ લાગી જાય. વળી કાચી કેરીના મોટા કટકા કરીને એનું શાક પણ બહુ મસ્ત લાગે. આખા બાસમતી ભાત ઉપર જીરાનો આકરો વઘાર કરેલું આ શાક નાખીને ખા‍ઓ એટલે તો ભોજનની મજા બમણી થઈ જાય. સાથે પાપડ હોય તો તો ક્યા કહેના? મોઢામાં પાણી આવી ગયુંને મિત્રો?


લીલી અને કાળી દ્રાક્ષ
કેરી જેટલી જ સુપરહિટ હોય તો લીલી અને કાળી દ્રાક્ષ. કાળી દ્રાક્ષમાંથી વાઇન બને પણ ના બાબા ના. ગુજરાતમાં આવી બધી વાતો ન થાય. પણ હા, કાળી દ્રાક્ષનો જૂસ ખૂબ સરસ થાય. સરસમજાની ખાટી-મીઠી દ્રાક્ષ લઈને એને બરફ નાખીને બ્લેન્ડર ફેરવી દો એટલે તરત જૂસ તૈયાર. લીલી દ્રાક્ષનો જૂસ ઓછા લોકો પીએ પણ એનો જૂસ પણ સરસ લાગે. જોકે એને પીસ્યા વગર જ ખાવાની મજા આવે. પ્રવાસ દરમ્યાન, નવરા બેઠા ટીવી જોતાં આ દ્રાક્ષ ખાવાની મજા આવે. જેમ કેરી અને સૂકા લાલ મરચાનું અથાણું બને એવી જ રીતે દ્રાક્ષનું અથાણું બનાવી જોજો, બહુ સરસ લાગે.

શક્કરટેટી
શક્કરટેટી ઉનાળામાં ખૂબ ગુણકારી છે. મીઠી-મધુરી શક્કરટેટી ખાવાથી શરીરને ઠંડક મળી રહે છે, એમાં રેસા હોવાથી પચવામાં સરળ છે. એના ટુકડા કરીને રેફ્રિજરેટરમાં ચિલ્ડ કરીને ખાઈ શકાય. આ ઉપરાંત ટેટીનું શાક પણ બહુ સરસ બને. એની પણ રેસિપી અહીં આપી છે. વધુમાં તરબૂચની લારીઓ તો હવે ઠેર-ઠેર બજારમાં જોવા મળશે. મોટી બરફની પાટ પર લાલચટ્ટાક તરબૂચના કટકા કરીને મૂક્યા હોય ત્યારે ફોટો લીધા વગર રહેવાય નહીં. એક ડિશમાં તમને ઠંડાં તરબૂચ અને ઉપર ચાટ મસાલો ભભરાવીને આપે એટલે ઉનાળામાં જાણે ઠંડીનો અહેસાસ થાય.

કાચી કેરી અને શક્કરટેટીની આ વાનગીઓ ઘરે ટ્રાય કરી જોજો

અમદાવાદમાં રહેતાં લીનીમાબહેન ચુડગર જેટલાં ખાવા-પીવાનાં શોખીન છે એટલો જ રસ તેઓને ભોજન બનાવીને સજાવવામાં છે. તેઓ ઘરે ભોજન બનાવીને સરસ રીતે સજાવીને સોશ્યલ મીડિયામાં મૂકે ત્યારે સેંકડો લોકો એને લાઇક કરે છે. તેઓ નારિયેળ અને કાચી કેરીનો ભાત બહુ સરસ બનાવે છે. એની રેસીપી અહીં આપી છે.

કોકોનટ-કાચી કેરી રાઇસ

☞ લીલા નારિયેળનું ઝીણું છીણ ૧/૨ કપ
☞ કાચી કેરીનું છીણ ૧/૨ કપ
☞ તૈયાર ભાત ૨-૧/૨ કપ
☞ બે ચમચી તેલ
☞ ૧ ચમચી તલ
(એને શેકી, ઠંડા કરીને ભૂકો બનાવી લેવો)
☞ ૭/૮ ટુકડા કાજુ
(૧ ચમચી ઘીમાં સાંતળીને બાજુમાં મૂકવા)
☞ ૧ ચમચી અડદદાળ અને ૧ ચમચી ચણાદાળ
☞ ૨ નંગ લીલાં મરચાં
☞ ૧ ચમચી જીરું
☞ ૧ ચમચી રાઈ
☞ ૧ નંગ સૂકું લાલ મરચું
☞ ૫/૬ નંગ લીમડો
☞ ૧/૨ ચમચી હિંગ
☞ મીઠું સ્વાદ મુજબ
બનાવવાની રીત
સૌપ્રથમ એક નૉનસ્ટિક પૅનમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે અડદ અને ચણાદાળ ઉમેરીને ૨૦ સેકન્ડ સુધી શેકી લેવી. હવે રાઈ, જીરું, લીલાં મરચાં, સૂકું લાલ મરચું, લીમડો, હિંગ નાખી એક મિનિટ સાંતળી લેવું. પછી કાચી કેરીનું છીણ ઉમેરીને બે ચમચી પાણી નાખીને ઢાંકી દેવું. પાંચ મિનિટ ચડવા દેવું. પછી તલનો ભૂકો, લીલા નારિયળનું છીણ, તૈયાર ભાત અને મીઠું ઉમેરી મિક્સ કરવું. બે મિનિટ માટે ચડવા દેવું. ગરમ-ગરમ કાજુના ટુકડા સાથે પીરસવું ગુજરાતી દાળ કે સાંભાર સાથે મસ્ત લાગે.

કાચી કેરીનું શાક

સામગ્રી
☞ કેરી ૫૦૦ ગ્રામ ☞ ખાંડ કે ગોળ 3૦૦ ગ્રામ ☞ જીરું, આખા ધાણા અને મરચું ચાર ચમચી ☞ મીઠું સ્વાદ મુજબ
રીત
સૌપ્રથમ કેરીને છોલીને એના લાંબા ટુકડા કરો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને એમાં જીરું અને આખા ધાણાને અધકચરા વાટીને નાખો. ચપટીક હળદર, મરચું નાખીને તરત જ સમારેલી કેરી નાખી દો. મીઠું ઉમેરીને હલાવો. એમાં ખાંડ કે ગોળ નાખો. અડધો ગ્લાસ પાણી ઉમેરીને ૧૫-૨૦ મિનિટ સુધી ઊકળવા દો. કેરી બફાઈ જાય અને ખાંડ કે ગોળ એમાં એકરસ થઈ જાય ત્યારે શાક ઉતારી લો. આ શાક ભાત, થેપલાં, પૂરી અન ભાખરી સાથે મસ્ત લાગે.

ટેટીનું શાક

એક પાકી ટેટી ૫૦૦ ગ્રામ લેવી. એના મધ્યમ કદના ચોરસ ટુકડા કરવા. એક કડાઈમાં તેલ ગરમ મૂકવું. એમાં રાઈ, હિંગનો વઘાર મૂકી ટેટીના ટુકડા ઉમેરવા. એમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, મીઠું સ્વાદ મુજબ ઉમેરવું. ઢાંકીને ચડવા દેવું. આશરે પાંચ મિનિટ રાખવું. ગૅસ બંધ કરી ચપટીક ખાંડ ભભરાવવી. ગરમ-ગરમ કોથીમીર નાખીને પીરસવું.

Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 01:06 PM IST | Mumbai Desk | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK