Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સાકરની સાઇડ ઇફેક્ટ્સ

05 October, 2012 06:06 AM IST |

સાકરની સાઇડ ઇફેક્ટ્સ

સાકરની સાઇડ ઇફેક્ટ્સ




રક્ષા શાહ

આજના ભાગદોડભર્યા જીવનમાં સમય સાથે તાલ મેળવવા ઘણું ઍડ્જસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. વળી ટીવી, અખબાર તેમ જ રસ્તા પરનાં હૉર્ડિંગ્સની લલચામણી ઍડ જોઈને નવી વસ્તુને એક વાર ટ્રાય કરવાનું મન તો થઈ જ જતું હોય છે, એમાંય ગંજાવર હીરો કે હિરોઇન જો અમુક વસ્તુ વાપરવાની હસીને ભલામણ કરે ત્યારે એને ખરીદવાની તાલાવેલી વધી જાય છે. ખાદ્ય પદાર્થોની ઍડ જોઈને એ ટ્રાયલ રૂપે જલદી ઘરમાં પ્રવેશે છે અને જો એનો સ્વાદ એક વાર ગમી જાય, તો એ વારે-વારે લાવવામાં આવે છે.

જે પૅક્ડ પ્રોડક્ટ આપણા ઘરમાં આવે છે એમાં શું-શું વાપરવામાં આવ્યું છે, એ ફાયદાકારક છે કે નુકસાનકર્તા એનો વિચાર આપણે કરીએ છીએ ખરા?

છેલ્લા એક દાયકાથી આપણી ખાણીપીણીમાં ધરખમ ફેરફાર થયો છે. ફાસ્ટ લાઇફમાં ક્યાં સમય બચાવી શકાશે એને અનુલક્ષીને પ્રોડક્ટ બનાવવામાં ઇન્ડસ્ટ્રી વ્યસ્ત હોય છે તો એને આવકારવા આપણે આતુર હોઈએ છીએ. બેધ્યાનપણે આપણે આપણા મેનુમાં ખાસ્સું પરિવર્તન આણી દીધું છે.

આજના મૉડર્ન બ્રેકફાસ્ટમાં 

જાત-જાતની સિરિયલ, મ્યુસલી, જેમ ટોસ્ટ, ચીઝ સૅન્ડવિચ, ફ્રૂટ જૂસનો સમાવેશ થયો છે અને ગરમાગરમ પરાઠાં, થેપલાં, ઈડલી, રોટલા ભુલાઈ ગયાં છે. લંચમાં પણ પાસ્તા, નૂડલ્સ, ફ્રેન્કીએ રોટલી, શાક, ઢોસા-ઈડલી, છોલે-પૂરીની જગ્યા લઈ લીધી છે. ચાર વાગ્યાની ચામાં પૂરી, ચેવડા, ચકલીની જગ્યા કેક્સ, કુકીઝ ટોસ્ટે લીધી છે, તો ડિનરમાં સૂપ-બ્રેડ, ચાઇનીઝ, મેક્સિકન, કૉન્ટિનેન્ટલ મેનુ આવવાથી ખીચડી-કઢી, રોટલા-છાશને જાણે જાકારો મળ્યો છે. આમ આજે પૅક્ડ, પ્રોસેસ્ડ, પ્રિઝવ્ર્ડ ફૂડ તરફ આપણે ઢળી રહ્યા છીએ. આ પૅક્ડ ફૂડમાંથી જ વધપડતું મીઠું, સાકર અને મેંદો અનાયાસપણે આપણા જઠરમાં ઠલવાય છે.

રોગોનું મૂળ

ન્યુટ્રિશનિસ્ટ જસ્મિન શાહના કહેવા પ્રમાણે આજનો સૌથી મોટો પ્રશ્ન છે ઑબેસિટીનો, સ્થૂળપણાનો, જે અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે.

શું આજે આપણે ખાવામાં સાકર વધુપડતી વાપરીએ છીએ અને એ જ ઑબેસિટીનું મુખ્ય કારણ છે? એમ પૂછતાં તેઓ કહે છે, ‘સાકરવાળાં સૉફ્ટ ડ્રિન્ક્સ, એનર્જી ડ્રિન્ક્સ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. જો આવાં ડ્રિન્ક્સને જ માત્ર બાકાત કરીએ તોય ઘણો ફરક પડી શકે છે.’

કઈ શુગર સારી?

કઈ સાકર સારી કહેવાય અને એ કેટલી વાપરવી જોઈએ એ વિશે જસ્મીન શાહ કહે છે, ‘સાકર અને કાબોર્હાઇડ્રેટ બન્નેના મુખ્ય ઘટકો તો કાર્બન અને હાઇડ્રોઝન જ છે; પરંતુ તેમના સંયોજનમાં ફરક છે. સાકર, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ એ કાબોર્હાઇડ્રેટ છે. શરીરના દરેક કાર્ય માટે શક્તિની જરૂર પડે અને એ આપણને સાકરમાંથી મળે છે. પરંતુ એ સાથે જ આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ તથા ખનિજ પ્રત્યેકનું સમતુલન જાળવવું જોઈએ. તાજાં ફળો, લીલી શાકભાજીમાંથી સાદી સાકર મળે છે, જે કુદરતી શુગર છે અને શરીર માટે સારી છે. જે તરત જ લોહીમાં ભળી તાકાત આપે છે. એજ રીતે જે સ્ટાર્ચ આપણે લઈએ છીએ એનું રૂપાંતર પહેલાં સાકરમાં થાય, પછી જ એનો ઉપયોગ થઈ શકે છે. આ સિવાય આપણા ભારતવાસીઓના ખોરાકમાં ખૂબ સરળતાથી અને ફટાફટ પચી જાય એવા કાર્બોહાઇડ્રેટ ધરાવતી ચીજોનું પ્રમાણ વધારે હોય છે એ મોટી ખામી છે. કાર્બોહાઇડ્રેટના દહન માટે વિટામિન બી-૧ની જરૂર પડે છે, જે ખરેખર આપણને આપણા આહારમાંથી મળતું નથી. આમ આપણા આંતરડામાં વધારાનો ભાગ પડી રહે છે અને કોહવાય છે, જેનાથી વાયુ અને ઍસિડ ઉત્પન્ન થાય છે. વળી વધુપડતા કાર્બોહાઇડ્રેટનું સેવન પ્રોટીન અને વિટામિનના શોષણમાં અવરોધ ઊભો કરે છે.’

કેટલી સાકર ચાલે?

કેટલી સાકર સામાન્યપણે લઈ શકાય? એમ પૂછતાં જસ્મીન શાહ કહે છે, ‘એ તો દરેક વ્યક્તિના કૅલરી ઇનટેક પર નર્ભિર છે, કોણ કેટલો શ્રમ કરે છે, કેટલી શક્તિની તેને જરૂર છે એના પરથી નક્કી થાય. છતાંય અમેરિકન હેલ્થ એસોસિએશનના મંતવ્ય પ્રમાણે સ્ત્રીઓ સામાન્ય આહારમાંથી મળતી નૅચરલ શુગર ઉપરાંત ઍડેડ શુગર (પ્રોસેસ્ડ ફૂડમાંથી મળતી) છ ટી-સ્પૂન એટલે ૨૫-૩૦ ગ્રામ લઈ શકે. એ જ રીતે પુરુષો દિવસની ૩૫-૪૫ ગ્રામ ઍડેડ શુગર લઈ શકે છે. એક ગ્રામ કાર્બોહાઇડ્રેટ તથા એક ગ્રામ પ્રોટીનમાંથી આપણને ચાર કૅલરી મળે, જ્યારે એક ગ્રામ ચરબી લેવાથી નવ કૅલરી મળે છે. નૅચરલ શુગર લેવાનો કોઈ વાંધો નથી. પ્રશ્ન ત્યારે થાય, જ્યારે આપણે વગરવિચાર્યે વધુપડતી રિફાઇન્ડ-પ્રોસેસ્ડ શુગર વાપરીએ. મોટાભાગના ફિઝિશ્યનો પ્રોસેસ્ડ શુગરને નર્યું ઝેર ગણાવે છે. શા માટે, જાણો છો? કારણ કે એ ‘એમ્પટી કૅલરીઝ’ છે એટલે કે માત્ર શક્તિ આપવા સિવાય એમાં કોઈ જ ન્યુટ્રિશિનલ વૅલ્યુ નથી. એમાં કોઈ પણ પ્રકારનાં વિટામિન, પ્રોટીન કે ખનિજ દ્રવ્યો હોતાં નથી. જે નૅચરલ શુગરમાંથી મળે છે.

ગેરફાયદા અને ઉપાય

વધુપડતી સાકર ખાવાથી હૉર્મોન્સનો વિકાસ અટકે છે, પ્રોટીનના શોષણમાં રુકાવટ આવે છે. હૃદયરોગ, ડાયાબિટીઝ, એથેરોસ્ક્લેરોસિસ (રક્તવાહિનીઓનું જામવું અને કડક થવું), ડેન્ટલ હેરિસ (દાંતમાં સડો), સ્થૂળપણું, ટ્રાઇગ્લિસાઇડ્સનું વધવું, પેન્ક્રિયાસ તથા બ્લેડર કૅન્સર પણ થઈ શકે છે.

ધ થ્રી વ્હાઇટ્સ વિશે આટલું જાણ્યા પછી બહારના રિફાઇન્ડ મેંદાનો વપરાશ અવશ્ય બંધ કરવો અથવા ક્વચિત જ ઉપયોગ કરવો, જ્યારે સાકર અને મીઠું વિવેકપૂર્વક અને સમજપૂર્વક વાપરવાથી આપણે આપણી જાતને ઘણી મુસીબતોથી અને રોગોથી અવશ્ય બચાવી શકીશું.

સાકર નહીં તો શું?

સાકરને બદલે ઑટ મીલ, બાર્લી, ફાડા ખાતી વખતે એમાં તજનો પાઉડર, ડ્રાયફ્રૂટ, ખાસ કરીને કિસમિસ, ખજૂર, કાળી દ્રાક્ષ નાખી શકાય.

જે કોઈ પૅક્ડ ફૂડ ખરીદો એનું લેબલ બરાબર વાંચીને ઉપયોગમાં લેવું.

બને તેટલાં આખા ફળોમાંથી શરીરને જોઇતો સાકરનો પૂરવઠો મેળવવો.

મધનો પણ ઉપયોગ ગળપણ તરીકે કરવો.

જેમ, જેલી, સૉફ્ટ ડ્રિન્ક્સનો વપરાશ ઘટાડવો.

કઠોળને ફણગાવીને વાપરવાથી અથવા શેકીને વાપરવાથી એ સુપાચ્ય બને છે, માટે સૅલડમાં કે અન્ય વાનગીમાં એનો ઉપયોગ વધારવો.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2012 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK