ઠંડીમાં મેળવો સ્ટ્રૉબેરી જેવો ગ્લો

Published: 12th December, 2012 06:35 IST

આ સીઝનમાં બધાનું ફેવરિટ એવું ફ્રૂટ સ્કિનને નૅચરલી ક્લીન કરે છેસ્ટ્રૉબેરીને ખાવા માટે તો ઘણી વાર ખરીદી હશે, પણ શું સ્કિન કૅરની દૃષ્ટિએ સ્ટ્રૉબેરીને જોઈ છે? દેખાવમાં ખૂબ જ સુંદર એવી લાલ-લાલ સ્ટ્રૉબેરીઓ સુંદર ગ્લોવાળી ત્વચા આપી શકે છે. સ્ટ્રૉબેરી ખીલ અને તૈલીય લેયરને દૂર કરી ત્વચાને વધુ સ્મૂધ બનાવે છે, સ્ટ્રૉબેરીથી દાંત પણ સફેદ થાય છે અને આંખોની નીચેનાં કૂંડાળાં દૂર થાય છે. 

સ્ક્રબ

સ્ટ્રૉબેરીમાં રહેલું મુખ્ય ઇન્ગ્રિડિન્ટ એટલે કે આલ્ફા-હાઇડ્રોસી ઍસિડ સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. આ તત્વ સ્કિન પરથી મૃત ત્વચાને દૂર કરીને એને યુથફુલ ગ્લો આપે છે. સ્ટ્રૉબેરીને સ્ક્રબ તરીકે વાપરવા માટે ફળને બે ટુકડામાં કાપી તરત જ ચહેરા પર ઘસો. થોડી વાર રહેવા દઈને સાદા પાણીથી ધોઈ નાખવું. સ્કિન ઇન્સ્ટન્ટલી સૉફ્ટ અને સ્મૂધ જણાશે.

ક્રીમ માસ્ક

સ્ટ્રૉબેરી અને ક્રીમનું કૉમ્બિનેશન ડિઝર્ટ માટે જ નહીં સ્કિન માટે પણ ખૂબ રિચ રહેશે. સ્ટ્રૉબેરીને મેશ કરીને એમાં દૂધની મલાઈ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી ૧૦-૧૫ મિનિટ રહેવા દો. ત્યાર બાદ એને હૂંફાળા પાણીથી ધોઈ લો. સ્ટ્રૉબેરી અને ક્રીમ માસ્ક ખરેખર ખૂબ અસરદાર રહેશે. આ માસ્કમાં થોડું મધ પણ ઉમેરી શકાય.

ફૂટ સ્ક્રબ

ઠંડીમાં પગનાં તળિયાં ફાટવાની તકલીફમાં વધારો થાય છે અને બહારના વાતાવરણ સાથે સંપર્કમાં આવવાથી તળિયાંની ત્વચા વધુ કઠણ બની જાય છે તેમ જ મૃત ત્વચાના લેયરમાં વધારો થાય છે. સ્ટ્રૉબેરીને પગનાં તળિયાં પર સ્ક્રબ તરીકે વાપરતાં એ નરમ થશે.

સ્ટ્રૉબેરી ફૂટ સ્ક્રબ બનાવવા માટે આઠ સ્ટ્રૉબેરીને બે ચમચા ઑલિવ ઑઇલ અને એક ચમચી સમુદ્રી મીઠા સાથે મેશ કરો. આ મિશ્રણને પગ પર બરાબર ઘસો. થોડી વાર સુધી મસાજ કર્યા બાદ ધોઈ લો.

પફી આઇ રેમેડી


આંખોની નીચેના ભાગમાં થનારી પફિનેસ માટે સ્ટ્રૉબેરીની સ્લાઇસ કરો. એને આંખોની નીચેના ભાગ પર મૂકી દસ મિનિટ રિલૅક્સ થાઓ. ત્યાર બાદ સ્ટ્રૉબેરીની સ્લાઇસ હટાવી લઈ મૉઇસ્ચરાઇઝર લગાવવું.

ખીલથી છુટકારા માટે


ખીલથી છુટકારો મેળવવા માટે સ્ટ્રૉબેરી બેસ્ટ ગણાય છે. પિમ્પલ્સ ફક્ત ટીનેજમાં જ નહીં પરંતુ કોઈ પણ ઉંમરે થઈ શકે છે, જેમાં સ્ટ્રૉબેરી અકસીર ઉપાય છે. સ્ટ્રૉબેરી ખીલ સાથે કાળા ડાઘથી પણ છુટકારો મેળવવામાં મદદરૂપ થશે. આ માટે અડધો કપ સ્ટ્રૉબેરીની સ્લાઇસને એક ચમચી ક્રીમ સાથે મિક્સ કરો. ત્યાર બાદ એને ચહેરા પર લગાવી ૧૦ મિનિટ રહેવા દો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રયોગ કરી શકાય.

ઑઇલી સ્કિન માટે


સ્ટ્રૉબેરીમાં ક્લેન્ઝિંગ પ્રૉપર્ટી રહેલી છે જેને લીધે એ તૈલીયપણાથી છુટકારો આપે છે. સ્ટ્રૉબેરી અને મોળા દહીંને સરખે ભાગે લઈ મેશ કરો. સ્મૂધ ક્રીમ જેવું મિશ્રણ તૈયાર થાય એટલે એને ચહેરા અને ગરદન પર લગાવી દસથી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખો. સ્કિન ખૂબ ઑઇલી હશે તો આ ફેસ પૅકથી ફરક જણાશે.

ટીથ વાઇટનર

સ્ટ્રૉબેરીને એક નૅચરલ બ્લીચિંગ એજન્ટ ગણવામાં આવે છે. ક્રશ કરેલી સ્ટ્રૉબેરીના પલ્પને ડાયરેક્ટલી દાંત ઘસવાના ઉપયોગમાં લેવાથી દાંત પરની પીળાશ દૂર થશે તેમ જ એ વધુ સફેદ થશે. સ્ટ્રૉબેરીને નૅચરલ ટીથ વાઇટનર તરીકે ઉપયોગમાં લઈ શકાય.

હેર કન્ડિશનર

જો ગ્લોસી અને સ્મૂધ વાળ જોઈતા હોય તો આ કન્ડિશનર તમારા માટે છે. બનાવવા માટે આઠ ફ્રેશ સ્ટ્રૉબેરીને એક ચમચો મૅયોનીઝ સાથે મેશ કરો. વાળ થોડા ભીના હોય ત્યારે એમાં આ મિશ્રણ લગાવી બરાબર મસાજ કરો. ત્યાર બાદ ગરમ પાણીમાં બોળેલો ટૉવેલ વાળ પર બાંધી દો. દસ મિનિટ રહેવા દો અને ત્યાર બાદ વાળને રેગ્યુલર શૅમ્પૂથી ધોઈ લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK