પેટમાં ગરબડ હોય તો હળદર ખવાય કે નહીં?

Published: 14th December, 2011 08:59 IST

કૅલિફૉર્નિયાના રિસર્ચરોનું તારણ છે કે ન ખવાય, કેમ કે ઘણા લોકો હળદરના બેનિફિટ્સ લેવા માટે એમાંના ઉત્તમ કેમિકલ કક્યુર્મિનનાં સપ્લિમેન્ટ્સ લે છે; પરંતુ જો તમે કુદરતી લીલી હળદર ખાતા હો તો નિશ્ચિંત થઈને ખાઈ શકો છો(સેજલ પટેલ)

શિયાળાની કોઈ પણ તકલીફો હોય એમાં હળદરનો વપરાશ વધુ થાય છે. સૂકો-લીલો કફ, શરદી, ખાંસી, ઉધરસ કે હળવો શ્વાસ ચડતો હોય ત્યારે દૂધ-હળદર, ગરમ પાણી અને હળદર અને હળદર-મધ, સૂંઠ-ગોળ-ઘી-હળદર જેવા પ્રાથમિક ઘરગથ્થુ ઉપચારો અપનાવીએ છીએ. જોકે તાજેતરમાં જ કૅલિફૉર્નિયાના રિસર્ચરોએ નોંધ્યું છે કે જે વ્યક્તિઓને પેટમાં ગરબડ રહેતી હોય કે દુખાવો થતો હોય તેમણે હળદર લેવામાં થોડીક કાળજી રાખવી. રિસર્ચરોએ નોંધ્યું હતું કે હળદરમાં રહેલું કક્યુર્મિન નામનું કેમિકલ શરીર માટે ખૂબ જ ગુણકારી હોવાથી અનેક રોગો અને નાનીમોટી તકલીફોમાં કામનું છે, પરંતુ કેટલીક તકલીફોમાં એનો ઓવરડોઝ ફાયદો કરવાને બદલે તકલીફ વધારે છે.

આયુર્વેદ અને ઘરગથ્થુ આૈષધ તરીકે છૂટથી લેવામાં આવે છે ને એને કારણે ઘણી વાર પેટની ગરબડો વધે છે. સ્પૅનના સાયન્ટિસ્ટોએ થોડા વખત પહેલાં કરેલી એક રિસર્ચમાં એવું પણ તારવ્યું છે કે હાર્ટના મસલ્સમાં ડૅમેજ થવાને કારણે થતા હાર્ટ ડિસીઝમાં પણ વધુ માત્રામાં કક્યુર્મિનનું પ્રમાણ લેવું હિતાવહ નથી. છેલ્લા કેટલાક વખતથી કક્યુર્મિનના ફાયદાઓની થયેલી અઢળક પબ્લિસિટીને કારણે માત્ર હળદર જ નહીં, એમાંથી મળતા આ કેમિકલનાં સપ્લિમેન્ટ્સ પણ દુનિયાભરમાં છૂટથી વેચાતાં થયાં છે. મોટા ભાગના રિસર્ચમાં કક્યુર્મિન સપ્લિમેન્ટ્સ લેતા વૉલન્ટિયર્સ પર જ અભ્યાસ કરવામાં આવ્યો છે. એટલે બન્ને અભ્યાસોના અંતે સાયન્ટિસ્ટોએ એવી છટકબારી ખુલ્લી રાખી છે કે કદાચ હળદર નૅચરલ માત્રામાં લેવામાં આવે તો આ બધી તકલીફ ન થાય.

ઉપરનાં તારણો પરથી આપણે હળદર વાપરતી વખતે ગભરાવાની જરૂર ખરી? તો જવાબ નામાં છે. ભારતમાં હળદર હંમેશાં કુદરતી ફૉર્મમાં જ વપરાય છે. લગભગ તમામ ભારતીય ખાણામાં છૂટથી હળદર વપરાય છે, પરંતુ વિદેશીઓ ભોજનમાં એ નથી લેતા અને માત્ર સ્વાસ્થ્યના ફાયદા માટે સિન્થેટિક કક્યુર્મિનનાં સપ્લિમેન્ટ્સ વધુ માત્રામાં લે છે. આપણે તો માત્ર પેટમાં ગરબડ હોય કે હાર્ટ ડિસીઝનું કારણ નિદાન ન થયું હોય ત્યારે વધુ માત્રામાં હળદર લેવામાં સાવચેતી રાખવી. શિયાળાની સીઝનમાં લીલી હળદર છૂટથી મળે છે ત્યારે એના ફાયદા અંકે કરી લેવા શું કરવું એ જોઈએ.

લીલી અને સૂકી હળદર

શિયાળામાં થતી અનેક તકલીફોનાં પ્રિવેન્શન માટે તેમ જ ઠંડકને કારણે થતા રોગોમાં દવા તરીકે લીલી હળદર ગુણકારી છે જ. હળદરનું સાયન્ટિફિક નામ છે કક્યુર્મા લૉન્ગા. સૂકી હળદર અને લીલી હળદર બન્નેના ગુણધમોર્ લગભગ સરખા જ હોય છે. એક ડિફરન્સ છે એ છે ઍન્ટિ-ઑક્સિડન્ટ કેમિકલ કક્યુર્મિનનો. લીલી હળદરમાં આ કેમિકલ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે એને સૂકવતી વખતે કક્યુર્મિન તત્વ ઓછું થઈ જાય છે. હળદર એ વાર્ષિક છોડ હોવાથી બારે માસ મળવી મુશ્કેલ છે. એનો મૅક્સિમમ ફાયદો લેવો હોય તો સીઝનમાં લીલી હળદર ખાવી ને એ પછી બારે માસ સૂકી હળદરનો વપરાશ કરવો.

આંબા-લીલી હળદરની કતરી

લીલી તેમ જ સફેદ (આંબા) હળદરની ગાંઠ સરખેભાગે લઈ બરાબર ધોઈ, છોલીને એની ઝીણી પાતળી કતરી કરવી. એની પર લીંબુ અને સિંધવ નમક નિચોવીને રાખવું. રોજ સવાર-સાંજ પાંચ-પાંચ ગ્રામ આ કચરી જમતી વખતે ખાવી. જમ્યા પહેલાં કે પછી પણ લઈ શકાય. જો ઓછી ભૂખ લાગતી હોય તો આ કતરીમાં ચોથા ભાગનું લઈ શકાય.

બારે માસના ઉપયોગો

વારંવાર તરસ લાગતી હોય તો હળદર, આમળાં અને ખડી સાકર સરખે ભાગે મેળવીને દિવસમાં ૩ વખત પાણી સાથે લેવી.

ડાયાબિટીઝમાં હળદર અને આમળાંનું ચૂર્ણ સરખે ભાગે લઈ ઉકાળો બનાવીને લેવું. વારંવાર પેશાબ કરવો પડતો હોય તો હળદર અને તલ મિક્સ કરવાં. બન્નેના વજન જેટલો ગોળ મેળવીને દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવું.

ચક્કર આવતાં હોય ત્યારે હળદરનો લેપ કપાળ પર કરવો.

સીઝનલ ફાયદા

શિયાળામાં કફ ભરાવાને કારણે થતી તકલીફો જેવી કે શરદી, ખાંસી, ઉધરસ અને શ્વસનતંત્રની કોઈ પણ પ્રકારની તકલીફમાં ગરમ પાણીમાં દસથી પંદર ગ્રામ લીલી હળદરમાં લીંબુ અને ચપટીક મીઠું નાખીને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. કફ, શરદી, ખાંસી, ઉધરસ જેવી તકલીફોમાં એ અકસીર છે. મીઠું કફ છૂટો પાડવામાં મદદ કરે છે અને લીલી હળદર કફને સરળતાથી બહાર કાઢે છે.

ટીબી અને અસ્થમાની તકલીફમાં પણ લીલી હળદર અને આંબાહળદર ખાવાથી ફાયદો થાય છે. ડાયાબિટીઝના દરદીઓ લીલી હળદરનું કચુંબર નિયમિત ખાય તો એનાથી ઇન્સ્યુલિનના સ્રાવનું પ્રમાણ સુધરે છે.

લીલી હળદરના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. એમાં શરીરના કોષોને ડૅમેજ કરતા અટકાવે એવાં કેમિકલ્સ એટલે કે ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આને કારણે કૅન્સરની સામે રક્ષણ પણ મળે છે.

હળદરથી શરીરમાં ભરાયેલી ચરબી ઘટે છે. લોહીના શુદ્ધીકરણની સાથે ભ્રમણ પણ સુધરે છે, જેને કારણે બ્લડપ્રેશરની તકલીફ ઘટે છે. અરુચિ દૂર થાય છે અને પાચકાગ્નિ સતેજ થાય છે.

લીલી હળદરથી કાબોર્હાઇડ્રેટનું પાચન કરતા એન્ઝાઇમ્સનો જઠરમાં સ્રાવ થાય છે.

કોણે ખાસ લેવી?

ડાયાબિટીઝના દરદીઓ, મેદસ્વીઓ, ફેફસાંનોે ટીબી કે અસ્થમા ધરાવતા લોકો, બ્લડપ્રેશર ધરાવતા લોકોને લીલી હળદર ખૂબ જ ફાયદાકારક છે. ઓવરઑલ સ્વાસ્થ્ય સારું હોય તેઓ પણ વધુ સ્વાસ્થ્ય મેળવવા લીલી હળદર લઈ શકે છે

કોણે સંભાળીને લેવી?

રક્તવાહિનીઓમાં બ્લૉકેજ સિવાયની હાર્ટની તકલીફો. કોલાઇટિસ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ ધરાવતા દરદીઓ. પેટમાં દુખાવો કે ડાયેરિયા હોય ત્યારે. પ્રેગ્નન્સી દરમ્યાન તેમ જ બાળકને બ્રેસ્ટ-ફીડ કરાવતા હો તો ડૉક્ટરને કન્સલ્ટ કરીને લેવી
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK