Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટિફનેસ પણ જરૂરી છે

સ્ટિફનેસ પણ જરૂરી છે

25 June, 2020 10:17 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સ્ટિફનેસ પણ જરૂરી છે

દરેક વ્યક્તિની બૉડી, બોન અને બિલ્ડ જુદાં હોય છે.

દરેક વ્યક્તિની બૉડી, બોન અને બિલ્ડ જુદાં હોય છે.


યોગાસનો કરનારા લોકો લચીલાપણું લાવવા માટે રઘવાયા થઈ જતા હોય છે. તમે માનતા હો કે રબરની જેમ તમારું શરીર વાળવું હોય એમ વળે એટલે તમે હેલ્ધી થઈ ગયા અને યોગી બની ગયા તો સૉરી, એવું જરાય નથી. શરીરમાં સ્ટિફનેસનું, અમુક સ્નાયુઓનું અમુક સ્તર સુધી જ વળવું એની પાછળ કારણો છે અને દરેક વ્યક્તિનો બાંધો જુદો છે તો તેમની ફ્લેક્સિબિલિટીમાં પણ ફરક હોય જેને સ્વીકારતાં શીખવું એ જ સાચો યોગ છે. સાઉથ મુંબઈમાં રહેતા ૩૫ વર્ષના એક ભાઈ છેલ્લાં પાંચ વર્ષથી યોગ કરે છે. યોગમાં શીર્ષાસન કરવામાં તેમનો મુકાબલો કોઈ ન કરી શકે. ડે ટુ ડે ઍક્ટિવિટીમાં તેમની ઝડપ અને ચપળતામાં કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ છતાં ક્યાંક મનોમન પોતાનામાં ઘણું ખૂટે છેવાળો હીન ભાવ છે; કારણ કે નાના છોકરાઓ અને વડીલો પણ કરી શકે એવી એક વસ્તુ તેઓ યોગાસનોની પ્રૅક્ટિસ દરમ્યાન નથી કરી શકતા અને એ છે હાથના અંગૂઠાથી ઘૂંટણને વાળ્યા વિના પગના અંગૂઠા પકડવા. ઊભા રહીને પાદાંગૂષ્ઠાસન અથવા બેસીને પશ્ચિમોત્તાનાસન કરવામાં ફાઇનલ પોઝિશન પર તેઓ નથી આવી શકતા. ધારો કે આ ન કરી શકે એટલે તેઓ સ્ટિફ છે, તેમના સ્નાયુઓમાં અકડણ છે અને તેમની ફિઝિકલ હેલ્થમાં કંઈક ઊણું ઊતરતું છે? જવાબ છે ના. જોકે મોટા ભાગના લોકો માટે સ્ટિફનેસ એટલે બીમારી. ફ્લેક્સિબિલિટી લાવવા, શરીરના સ્નાયુઓમાં લચીલાપણું લાવવા, શરીરને રબરબૅન્ડની જેમ વાળી શકવાની ક્ષમતા ડેવલપ કરવા માટે યોગનો આશ્રય લેવાય છે. તમારામાં લચીલાપણું હોય તો તમે સંપૂર્ણ તંદુરસ્ત છો અને શરીરમાં જો ક્યાંય પણ સ્ટિફનેસ છે તો તમે અનહેલ્ધી છો એવી સમજ લોકોમાં વહેતી કરવામાં આવી છે જે ઉચિત નથી. મૂળ મલેશિયાના પણ છેલ્લાં ઘણાં વર્ષોથી અદ્વૈતની ફિલોસૉફીને યોગમાં ઉતારીને ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ એમ ત્રણેય બાબતનો સમન્વય સાધીને યોગ શીખવતાં આચાર્ય પરવીન નાયર આ દિશામાં કેટલાંક મહત્ત્વપૂર્ણ તથ્યો પરથી પડદો ઉઠાવે છે. સ્ટિફનેસ એટલે ખરાબ જ અને ફ્લેક્સિબિલિટી હોવી એટલે સારું જ આવી ભ્રમણાઓ પાછળના સત્યને સમજવાના આજે પ્રયત્નો કરીએ. 

સ્ટિફનેસને આપણે ત્યાં જડતા સાથે સરખાવવામાં આવી છે. જો તમારા સ્નાયુઓમાં પૂરતું લચીલાપણું નહીં હોય તો તમને ઈજા થવાના ચાન્સ વધારે રહેશે, કારણ કે એ તમારી મૂવમેન્ટને અસર કરશે. આ સંદર્ભમાં આચાર્ય પરવીનજી કહે છે, ‘ઇન ફૅક્ટ અણીના સમયે ઇન્જરીથી બચાવવાનું કામ પણ સ્ટિફનેસ જ કરે છે. ધારો કે બહારના ફોર્સને કારણે તમે પડવાના હો અને એ જ સમયે જો સ્ટિફનેસને કારણે તમે જાતને રોકી શકો તો ઇન્જરીથી બચી શકાય. ફ્લેક્સિબિલિટી તમને મૂવમેન્ટ આપે તો સ્ટિફનેસ એ મૂવમેન્ટને કન્ટ્રોલ કરે. આપણા શરીરને બન્નેની જરૂરિયાત છે. જોકે જરૂરિયાતને સમજવાની સાથે તમારે થોડાક પ્રૅક્ટિકલ થવાની જરૂર છે. ફ્લેક્સિબિલિટી એટલી હોવી જોઈએ જે તમારા ડે ટુ ડે કાર્યમાં સુધારો કરે. ધારો કે નીચે પેન પડી. એ પેનને ઊંચકવા માટે નીચે ઝૂકીને એને ઉપાડીને પોતાની નિશ્ચિત જગ્યાએ મૂકવા માટે જેટલી હિલચાલ તમે કરી એ હિલચાલ માટે સ્નાયુઓમાં જે લચીલાપણું હોવું જોઈતું હતું એ હોય એટલે તમે ફ્લેક્સિબલ છો. તમે હાથથી પગના અંગૂઠાને અડી શકો છો કે નહીં એના પરથી તમારી ફ્લેક્સિબિલિટીની પરીક્ષા ન કરી શકાય. રોજબરોજના જીવનમાં હાઇપર ફ્લેક્સિબિલિટીની જરૂરિયાત હોતી પણ નથી. એ તો ઊલટાનું નુકસાન કરે.’
પ્રવાહીની જેમ



yoga
આચાર્ય પરવીનજી ફ્લેક્સિબિલિટીને ફ્લુઇડિટી સાથે સરખાવે છે. તેઓ કહે છે, ‘આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા ફ્લુઇડ છે. ફ્લુઇડ એટલે કોઈ પણ જાતનો પ્રવાહી પદાર્થ. ફ્લુઇડનો ગુણ છે કે એ અડેપ્ટ કરે. તમે એને જેમાં રાખો એ એનો આકાર ધારણ કરી લે છે. ફ્લેક્સિબિલિટીનું પણ એવું જ હોવું જોઈએ. જેમ એક ગ્લાસમાં તમે દૂધ ભર્યું તો એણે ગ્લાસનો આકાર ધારણ કર્યો, હવે એને તપેલીમાં ભર્યું તો એણે તપેલીનો આકાર લીધો, પછી એણે કપનો આકાર લીધો. જોકે આ બહુ જ નૅચરલી કોઈ પણ જાતના એફર્ટ્સ વિના થયું. ફ્લેક્સિબિલિટી પણ આટલી જ સહજતાથી એક પ્રવાહીની જેમ એક ફૉર્મમાંથી બીજા ફૉર્મમાં આવીએ ત્યારે દેખાવી જોઈએ. જોકે તંદુરસ્તીનો આ એક હિસ્સો થયો. ફિટનેસને અન્ય ઘણી રીતે મૂલવવી જોઈએ. ફ્લેક્સિબિલિટીની જેમ જ શરીરને સ્ટેબિલિટીની જરૂર હોય છે, જે સ્ટિફનેસથી આવે છે.’
દરેક વ્યક્તિ જુદી
દરેક વ્યક્તિની બૉડી, બોન અને બિલ્ડ જુદાં હોય છે. તમારા શરીરનું અને તમારા યોગ ટીચરના શરીરનું એન્જિનિયરિંગ જુદું છે એટલે જરૂરી નથી કે તેઓ જે કરી શકે છે એ જ બાબત આટલી જ સરળતાથી તમે પણ કરી શકો એમ જણાવીને આચાર્ય પરવીનજી કહે છે, ‘આજકાલ લોકો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતા ફોટો જોઈને અભિભૂત થઈ જાય છે અને એનું આંધળૂકિયું અનુસરણ કરવા માંડે છે અને એ ઇન્જરી કરાવે છે. યોગ દેખાદેખી કરવાનું કે શરીરને લચીલું બનાવવાનું વિજ્ઞાન નથી. અમુક આસનો તમારી ફ્લેક્સિબિલિટી વધારે એ બાય પ્રોડક્ટ છે. દેખાદેખીમાં તમે તમારા શરીરને રિસ્પેક્ટ કરવાનું ભૂલી જાઓ છો. અમુક પ્રકારના ફિઝિક્સ સાથે આપણે જનમ્યા છીએ એનો સ્વીકાર કરો. જેમ કોઈ વ્યક્તિ લદ્દાખમાં રહેતી હોય અને કોઈ વ્યક્તિ મુંબઈમાં રહેતી હોય તો બન્નેની ઇન્ટરનલ સ્ટ્રેંગ્થ જુદી હશે. મુંબઈની વ્યક્તિ લદ્દાખમાં જાય તો તેણે સૌથી પહેલાં ત્યાંના વાતાવરણ સાથે શરીરને માફક કરાવવું પડશે. બની શકે કે લાંબા સમય સુધી તેને ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન પણ આવે. એ સમયે તમે જોરજબરદસ્તી ન કરી શકો. ફ્લેક્સિબિલિટીનું પણ એવું જ છે. અમુક આસનોમાં પારંગત થવા માટે તમે પ્રયત્નો કરી શકો, પણ એ અમુક સમયમાં તમે કરી જ શકશો એવો કોઈ અંદાજ ન લગાવી શકાય. એ રીતની દોટમાંથી અત્યારના લોકોએ અટકવાની જરૂર છે. તમે ધીમે-ધીમે પ્રયાસો કરી શકો. બીજી એક મહત્ત્વની વાત મારે કહેવી છે કે આપણા સૌનું શરીર જુદું છે અને સતત બદલાઈ રહ્યું છે. એટલે ગઈ કાલે તમે પદ્માસન કરી શકતા હતા અને આજે તમે જમીન પર પણ ન બેસી શકો એ શક્ય છે. અહીં ધ્યાનમાં રાખવાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારી દિનચર્યામાં જે ઍક્ટિવિટી છે એ ઍક્ટિવિટી તમે સ્મૂધલી કરી શકો, ફંક્શનલ ઉપયોગ તમારી કસરતો અને યોગાસનોનો હોય એના પર ધ્યાન આપવું જોઈએ. બાકી સ્પ્લિટ્સ અથવા તો હનુમાનાસન જેવાં આસનોનો ડે ટુ ડે લાઇફમાં કોઈ ઉપયોગ નથી, એ નહીં આવડે તોય વાંધો નથી.’


પ્રેગ્નન્સી પછી ડિપ્રેશન, હાઈ બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલની કન્ડિશનમાંથી બહાર આવવાની યાત્રા

આઠ વર્ષ પહેલાં હાઈ બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ અને ડિપ્રેશનની દુનિયાભરની ગોળીઓ ચાલુ હતી. સમજાતું નહોતું કે કઈ રીતે આખી પરિસ્થિતિમાંથી બહાર અવાશે. સતત ત્રણ વર્ષ તો એવાં હતાં કે એક મિનિટ પણ માથાનો દુખાવો અટક્યો નહોતો તે મુલુંડનાં કાજલ સલોટ હવે બેધડક શીર્ષાસન કરે છે. તેઓ કહે છે, ‘બ્લડ-પ્રેશરની ઓછા પાવરની દવા ચાલુ છે. એ સિવાયની તમામ દવાઓ બંધ થઈ ગઈ છે. પ્રેગ્નન્સી પછી આ બધી સમસ્યાઓ શરૂ થઈ હતી. મૂડ સ્વિંગ્સ ભયંકર હતા. ગુસ્સો પુષ્કળ આવતો હતો. ફિઝિકલી પણ થાકેલી રહેતી. બીજું બાળક નાનું હતું ત્યારની આ કન્ડિશનમાં હસબન્ડના કહેવાથી મેં યોગ ક્લાસ શરૂ કર્યા હતા. લગભગ આઠ મહિનામાં જ જાણે હું આખી બદલાઈ ગઈ. મનથી વધુ શાંત થઈ. એક સમયે તાત્કાલિક રીઍક્શન આપનારી હું હવે સહેજ ઠંડા મગજથી વિચારીને નિર્ણય લઉં છું. દવાઓ બંધ થઈ ગઈ છે. યોગને કારણે મારી જિંદગી બદલાઈ ગઈ એમ કહીશ તો ખોટું નહીં ગણાય. પ્રાણાયામ, ધ્યાન અને અઘરાં કહેવાય એવાં આસનો પણ કરી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 10:17 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK