Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઠંડીમાં બેસ્ટ છે સ્પ્રાઉટેડ અનાજ

ઠંડીમાં બેસ્ટ છે સ્પ્રાઉટેડ અનાજ

25 November, 2011 08:22 AM IST |

ઠંડીમાં બેસ્ટ છે સ્પ્રાઉટેડ અનાજ

ઠંડીમાં બેસ્ટ છે સ્પ્રાઉટેડ અનાજ




(સેજલ પટેલ)





ડાયટમાં પણ આજકાલ હોલ ગ્રેનની ફૅશન ચાલી રહી છે એમ કહી શકાય. વૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો પછી આખા ધાન્યવાળી ચીજો કેટલી હેલ્ધી હોય છે એ તારવ્યું છે. સાથે જ શિયાળાને હેલ્ધી સીઝન કહેવાય છે. ગ્રેન એટલે કે ધાન્ય હોય કે કઠોળ, બન્નેને અનેક રીતે ખાઈ શકાય છે; પરંતુ એને ફણગાવવાની રીત ખૂબ જ પૌષ્ટિક ગણાય છે.

ફણગાવવાની રીત



કઠોળ કે અનાજને ઓછામાં ઓછા આઠ કલાક સુધી પલાળવાં અને પાણી એટલું રાખવું કે જેથી એ પાણી શોષાઈને દાણા ફૂલી જાય. આ ફૂલેલા દાણાને મુલાયમ, પાતળા સુતરાઉ કપડામાં બાંધીને પોટલી બનાવવી. આ પોટલીને હૂંફાળી જગ્યાએ ઢાંકીને રાખવી, જેથી એને ગરમાવો મળી રહે. જેટલો વધુ ગરમાવો મળશે એટલા જલદી ફણગા ફૂટશે. ઉનાળામાં અનાજ જલદી ફણગે છે, જ્યારે શિયાળામાં બારથી ચોવીસ કલાકમાં સારા ફણગા નીકળે છે.

શું-શું ફણગાવી શકાય?

મગ, મઠ, વાલ, ચણા, વટાણા, ઘઉં, બાજરી, જુવાર, ચોળા, મેથી, કાબુલી ચણા અને સોયાબીન જેવાં ધાન્યો ફણગાવી શકાય છે. દાણા અંકુરિત થવા માટેનો સમય ઉષ્ણતામાન પર આધાર રાખે છે. શિયાળામાં ફણગા ફૂટવાની ક્રિયા ધીમી હોય છે. અંકુરીકરણની પ્રક્રિયાથી અનાજ અને કઠોળમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ સુપાચ્ય બને છે.

પોષક તત્વોમાં વધારો

અનાજ કે કઠોળમાં ફણગા ફૂટવાથી વિટામિન બી કૉમ્પ્લેક્સ અને એમાંય ખાસ કરીને થાયમિન એટલે કે વિટામિન બી-૧, રાઇબોટલેવિન એટલે કે વિટામિન બી-૨ અને નાયસિનનું પ્રમાણ બમણું થાય છે.

ફણગાવવાથી અનાજમાં રહેલું લોહતત્વ શરીરમાં સહેલાઈથી શોષાય છે. લોહતત્વ લોહીમાં હીમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે.

અંકુરીકરણની પ્રક્રિયાથી અનાજ અને કઠોળમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન વધુ સુપાચ્ય બને છે.

સૂકાં કઠોળમાં વિટામિન ‘સી’ની માત્રા લગભગ નજીવી હોય છે, પરંતુ ફણગાવવાથી એમાંનાં પોષક દ્રવ્યો બમણાં બને છે અને વિટામિન ‘સી’ આશરે દસગણું વધે છે. ફણગાવેલાં કઠોળથી શરીરમાં વિટામિન ‘એ’ બનાવતા કૅરોટિન નામના પદાર્થનું પ્રમાણ વધે છે. આંખ અને ચામડીના રોગો માટે વિટામિન ‘એ’ ઘણું ફાયદાકારક નીવડે છે.

અનાજ પાણીને શોષીને ફૂલે છે એટલે એનું બહારનું પડ ફાટે છે અને એના રેસા નરમ બને છે. એટલે એને રાંધવામાં ઓછો સમય લાગે છે. આ કારણે જ ફણગાવેલાં અનાજ કે કઠોળ બાળકો અને વૃદ્ધો માટે સુપાચ્ય બને છે.

આજકાલ બજારમાં વિશિષ્ટ પ્રકારનું જાળીવાળું પાત્ર સ્પ્રાઉટમેકરના નામે મળે છે. એનો ઉપયોગ અનાજ કે કઠોળને ફણગાવવામાં થાય છે.

ફણગાવેલાં કઠોળને અધકચરાં બાફીને મીઠું, મરી, લીંબુ, ચાટમસાલા કે સૅલડ સાથે ખાઈ શકાય છે.

અધકચરા પકાવેલા કાંદામાં કોબી, ટમેટાં, કાકડી અને ગાજર સાથે પૌષ્ટિક સૅલડ પણ બનાવી શકાય છે.

નિષ્ણાતોનો મત

ન્યુટ્રિશનિસ્ટ ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘ગુણવત્તા અને સ્વાદની દૃષ્ટિએ એક સેન્ટિમીટર જેટલા ફણગા ઉત્તમ ગણાય છે. જેમ-જેમ ફણગા મોટા થાય તેમ-તેમ એના સ્વાદમાં પાણીનું પ્રમાણ વધવાથી ફીકાશ આવે છે. મગને ફણગાવવાથી એમાં વિટામિન બી કૉમ્પ્લેક્સની માત્રા બમણી થઈ જાય છે. રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ દરેક વયના લોકો માટે સુપર ટૉનિક પુરવાર થાય છે.’

આયુર્વેદના નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ફણગાવેલાં કઠોળ શક્તિપ્રદ હોય છે, પરંતુ પચવામાં ભારે અને વાયુકર છે. એને ઘી કે તેલમાં હિંગ અને લસણનો વઘાર કરીને લેવાં જરૂરી છે.’ Whatsapp-channel Whatsapp-channel

25 November, 2011 08:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK