ચકલી દિવસઃ જ્યારે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ એક ચકલી...

Updated: Apr 17, 2019, 17:34 IST | ભાવિન રાવલ | અમદાવાદ

તમે શહીદોના સ્મારક જોયા હશે, પાળિયાઓ જોયા હશે, ખાંભી જોઈ હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ચકલીનું સ્મારક હોય, એ પણ શહીદ ચકલીનું.

ચકલી સ્મારક
ચકલી સ્મારક

તમે શહીદોના સ્મારક જોયા હશે, પાળિયાઓ જોયા હશે, ખાંભી જોઈ હશે. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ચકલીનું સ્મારક હોય, એ પણ શહીદ ચકલીનું. તમે નહીં માનો પણ અમદાવાદમાં આવું એક સ્મારક ખરેખર છે. જી હાં, એક ચકલી જે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ હતી તેનું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની ઢાળની પોળમાં બનેલું છે.

તમને સવાલ એ થશે કે એક નાનકડી ચકલી કઈ રીતે શહીદ થઈ. પક્ષીઓ તો નાનકડા અવાજથી પણ ઉડી જતા હોય છે, તો ચકલીને ગોળી કેવી રીતે વાગી ? ચાલો જાણી લઈએ આખી વાત.

ઘટના છે 1974ની, જ્યારે અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. નવનિર્માણનું આંદોલન ઘણા ગુજરાતીઓને યાદ હશે. વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ આંદોલન આખા રાજ્યમાં ફેલાયું હતું, અને પરિસ્થિતિ ચિંતાજનક બની હતી. આંદોલન કાબુમાં લેવા માટે પોલીસ દમન પણ થયું. વિરોધ હિંસક બન્યો, ક્યાંક ક્યાંક પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ. કેટલીક જગ્યાએ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ગોળીબાર કર્યો. અમદાવનાદમાં પરિસ્થિતિ એટલી વણસી હતી કે લશ્કર બોલાવવું પડ્યું હતું.

બસ અમદાવાદમાં 2 માર્ચ 1974ના રોજ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે આવી જ અથડામણ થઈ. પોલીસે ફાયરિંગ કર્યું અને કહેવાય છે કે પોલીસ ફાયરિંગમાં દાણા ચણતી એક નિર્દોષ ચકલી હણાઈ ગઈ. આજે પણ જો તમે ઢાળની પોળમાં જશો તો ત્યાં સફેદ આરસના પત્થર કોતરીને આ ચકલીનું સ્મારક બનેલું દેખાશે. જેના પર લખેલું છે,'1974ના રોટી રમખાણમાં (નવ નિર્માણ આંદોલન) 2 માર્ચ 1974ના રોજ સાંજે 5:25 વાગે એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું.'

તે સમયે આ ઘટનાના સાક્ષી બનેલા કેટલાક સ્થાનિકો આજે પણ પોળમાં મોજૂદ છે. જેઓ યાદ કરતા કહે છે કે ચકલીના મોત પછી બે દિવસ ચબૂતરો ખાલી પડ્યો રહ્યો હતો. આખરે જયેન્દ્ર પંડિત નામના સ્થાનિકે સાથે રહીને આ સ્મારક બંધાવ્યું.

ઉલ્લેખનીય છે કે એક તરફ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, કદાચ ચકલી નામશેષ જ થઈ છે. ત્યારે અમદાવાદીઓએ બનાવેલું આ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે એક અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે. અત્યારે તો બસ ચકલીઓને એટલી સાચવીએ કે ભવિષ્યની પેઢીને કદાચ આવા સ્મારકો જોઈને જ સંતોષ ન માનવો પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK