Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રણની રેતીનો શેક કરાવતી સૅન્ડ-થેરપી

રણની રેતીનો શેક કરાવતી સૅન્ડ-થેરપી

30 October, 2014 05:35 AM IST |

રણની રેતીનો શેક કરાવતી સૅન્ડ-થેરપી

રણની રેતીનો શેક કરાવતી સૅન્ડ-થેરપી



sand bath



સેજલ પટેલ

નૉર્થ આફ્રિકાનું અડધોઅડધ મૉરોક્કો સહરાના રણથી ફાટફાટ થઈ રહ્યું છે. આવા રણપ્રદેશમાં સોનાની લગડી જેવો બિઝનેસ છે સૅન્ડ-થેરપીનો. આમ તો બારે માસ સૅન્ડ-થેરપી આપનારા લોકો અહીં મળી જાય છે, પણ જ્યારે લોકો તાપથી ત્રાહિમામ્ થઈને ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું વિચારતા હોય એવા સમયે અહીં ખાસ સૅન્ડબાથની ટ્રીટમેન્ટ લેવા આવતા લોકોની સંખ્યા સૌથી વધુ હોય છે. યસ, સહરાના રણપ્રદેશમાં ગરમીની સીઝન એટલે કે જુલાઈથી ઑક્ટોબર મહિનાના ગાળામાં અહીંનો સૅન્ડબાથનો બિઝનેસ એની ચરમસીમાએ હોય છે.

સૅન્ડ-થેરપીનું મૂળ સેન્ટર ગણાય છે મઝોર્ગા ગામ. સદીઓ પહેલાં રણમાં ભટકતા કેટલાક પરિવારોએ રેતીના ઢૂવાઓની વચાળે અહીં ગામ વસાવેલું છે. છેલ્લા પાંચ દાયકામાં આ ગામવાસીઓએ અહીં સૅન્ડ-થેરપીરૂપે આજીવિકાનું બહુ મોટું સાધન તૈયાર કર્યું છે. મૉરોક્કો જાઓ અને મઝોર્ગાના રેતીના ઢૂવાઓમાં જઈને સૅન્ડબાથ ન લેવામાં આવે એવું કેમ બને? ૨૦૦૭ની સાલથી આ ઇન્ડસ્ટ્રીમાં ૬૭ ટકા જેટલો ગ્રોથ જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં જ મૉરોક્કોએ ગ્લોબલ સ્પા ઍન્ડ વેલનેસ સમિટની યજમાનગીરી કરી હતી. આ સમિટમાં એક્સપટ્ર્સે સહરાના રણમાં સ્પા ઇન્ડસ્ટ્રીનો ફેલાવો છેલ્લા એક વર્ષમાં ૧૨.૫ ટકા જેટલો વિસ્તર્યા હોવાનું અનુમાન લગાવ્યું હતું. મઝોર્ગા અને આસપાસનાં ગામોમાં સૅન્ડ-બાથ લેવા માટે દૂર-સુદૂરના દેશ-વિદેશથી સહેલાણીઓ અહીં આવે છે.

સૅન્ડબાથ માટેની તૈયારીઓ

સૂરજનાં કિરણો ઢૂવાઓ પર પડવાનું શરૂ થાય અને સોનેરી રેત ચમકી ઊઠે એટલે ગામની ભાગોળે ઠેર-ઠેર સૅન્ડબાથ માટેની તૈયારીઓ શરૂ થવા લાગે. ભરબપોરનો તડકો માથે ચડે એ પહેલાં બાથ-સેશન પૂરું કરી દેવામાં આવે છે. જોકે અહીં લક્ઝુરિયસ સ્પા જેવાં કોઈ મોટાં ઇક્વિપમેન્ટ્સની જરૂર નથી હોતી. માત્ર પાવડાથી રેતીમાં ખાડો કરો એટલે સૅન્ડબાથ માટેનો બેડ તૈયાર થઈ જાય. અલબત્ત, હરકોઈ વ્યક્તિ એમ જ સનબાથ લેવા જઈ શકે નહીં. તમે સનબાથ લેવા માટે ફિટ છો કે નહીં એ માટે મેડિકલ એક્સપર્ટ પાસેથી કન્સલ્ટેશન જરૂરી છે. હાઈ બ્લડ-પ્રેશર અને હાર્ટની બીમારીઓની હિસ્ટરી ધરાવતા લોકો અતિશય ગરમી સહન કરી શકે એમ ન હોવાથી ડૉક્ટર પાસે પ્રાથમિક તપાસ કરાવ્યા પછી તમે સનબાથ લેવા જઈ શકો. પહેલાં લગભગ પંદરેક મિનિટ માટે તમારા માટે ખોદવામાં આવેલો ખાડો ખુલ્લો મૂકી રાખવામાં આવે જેથી સૂર્યનાં કિરણોથી અંદરની રેતી પર ગરમ થઈ જાય. રેતી ગરમ થઈ જાય એટલે મિનિમમ કપડાં પહેરીને તમારે એ ખાડામાં સૂઈ જવાનું. પગનાં તળિયાંથી લઈને ગરદન સુધીનો ભાગ અંદર રેતીમાં ઢબૂરાઈ જાય, માત્ર માથું જ બહાર રહે. વ્યક્તિના વજન અનુસાર રેતીનો ખાડો ઊંડો કે છીછરો ખોદવામાં આવે. તમે ધારો છો એના કરતાં રેતીનું વજન સારુંએવું હોય છે એટલે શરીર પર રેતીનો ઢગલો થાય ત્યારે ખરેખર દીવાલમાં ચણાઈ રહ્યા હોઈએ એવી જ ફીલિંગ આવે.

સનબાથ પ્રોસેસ

સૂર્યથી રેતી ગરમ થતી રહે અને એ ગરમીને કારણે ત્વચા પર હીટ પેદા થાય. અંદર પરસેવો વળતો રહે અને સાથે બૉડી પર વજન પણ હોય. માથે ડાયરેક્ટ તડકો ન લાગે એ માટે માથા નીચે અને ઉપર કૅપ અથવા તો ઓઢવાનું રાખવામાં આવે. વ્યક્તિ ખમી શકે એટલો સમય અને મિનિમમ દસ મિનિટ તથા મૅક્સિમમ ૩૦ મિનિટ સુધી અંદર રહેવાનું. આ દરમ્યાન ગરમીને કારણે ડીહાઇડ્રેશન ન થઈ જાય એ માટે જોઈએ એટલું પાણી પીવાનું. કેટલાય લોકો પંદર-વીસ મિનિટ દરમ્યાન લગભગ દોઢેક લિટર જેટલું પાણી પી જાય છે. અલબત્ત, આ પાણી ઠંડું નહીં પણ નૉર્મલ ટેમ્પરેચરવાળું જ આપવામાં આવે છે.

સમયમર્યાદા પૂરી થાય એટલે તમારે જાતે જ જોર કરીને શરીર પરની તમામ રેતી ખંખેરી કાઢવાની એટલે પાછળ ઊભેલો સહાયક તરત જ તમને ગરમ ધાબળા જેવું ઓઢાડી દે. રેતીની ભઠ્ઠીમાંથી નૉર્મલ વાતાવરણમાં આવવાની પ્રક્રિયા ધીમે-ધીમે થવી જોઈએ. એકાએક તાપમાનમાં તફાવત આવે તો શરીરને ફાયદા કરતાં નુકસાન થઈ શકે છે. સૅન્ડબાથ લીધા પછી તરત જ ઠંડાં પીણાં ન પીવાય, ખ્ઘ્માં ન જવાય અને એવી બીજી ઘણીબધી પરેજીનું લિસ્ટ તમને સોંપવામાં આવે.

આવી થેરપીના ફાયદા શું?

મૉરોક્કોના સૅન્ડ-થેરપિસ્ટોનો દાવો છે કે આર્થ્રાઇટિસ, ગાઉટ કે પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો માટે સૅન્ડબાથ ખૂબ જ ફાયદાકારક હોય છે. શરીરના કોઈ પણ સાંધા કે સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો સૅન્ડબાથ લીધા પછી વ્યક્તિ તરોતાજા, સ્ફૂર્તિ અને હળવાશ ફીલ કરે છે. જોકે અહીંના મોટા ભાગના સૅન્ડ-થેરપિસ્ટો નૉન-મેડિકલ બૅકગ્રાઉન્ડના હોય છે. ફૅશન અને સ્પાના નામે આ ધંધો મસ્ત વિકસી રહ્યો છે, પણ એને રિયલ મેડિકલ ટૂરિઝમ ન ગણી શકાય એવું જણાવતાં આયુર્વેદના નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘રણની રેતીનો શેક કરવાની જે થેરપી ફેમસ થઈ છે એ સંપૂર્ણપણે સારી છે કે સાવ જ નકામી છે એવું કહી ન શકાય. રેતીનો શેક કરવાનું આયુર્વેદ અને કુદરતી ઉપચારપદ્ધતિમાં પણ કહેવાયું છે. ખાસ કરીને જ્યાં પણ દુખાવો થાય છે ત્યાં વાયુ હોય છે. વાયુને નાથવા માટે ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ સાંધા અને સ્નાયુઓની પીડા માટે ગરમ શેક કરવામાં આવે છે. એ જોતાં સૅન્ડ-થેરપીમાં થોડુંક સાયન્સ છે. મતલબ કે દઝાડે એવી રેતીનો આખા શરીરે શેક લેવાથી પ્રાથમિક તબક્કામાં ફાયદો જરૂર થાય છે, પણ એ લાંબા ગાળાની સારવાર ન હોઈ શકે.’

સૂકો શેક સાંધા માટે નુકસાનકારક

લાંબા ગાળા માટે એટલે કે ઘૂંટણ, કમરના દુખાવા, આર્થ્રાઇટિસ કે ગાઉટની સમસ્યાનો ઉકેલ સૅન્ડ-થેરપીથી મળી જાય એવું માની લેવું એ ભ્રમ છે. એનું કારણ છે રેતીની શુષ્કતા. પૂરું કારણ સમજાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આપણા સાંધા સ્મૂધલી વાળી શકાય એ માટે વચ્ચે સાઇનોવિયલ ફ્લુઇડ આવેલું હોય છે. આ ફ્લુઇડ ઘટી જાય તો બે બાજુના સાંધાનાં હાડકાં વચ્ચે ઘર્ષણ થાય અને હાડકાં એકબીજાને ઘસાવાથી દુખાવો થાય. રેતીના સૂકા શેકને કારણે આ ફ્લુઇડ જાડું થતું જાય છે. જ્યારે પણ સૂકો શેક ડાયરેક્ટ્લી સાંધા કે કમરમાં લેવામાં આવે છે ત્યારે આ ફ્લુઇડ ઘટી જવાની સમસ્યા પેદા થઈ શકે છે જે લાંબા ગાળે સાંધા માટે નુકસાનકારક બની શકે છે.’

ટૂરિઝમ માટે બેસ્ટ, ટ્રીટમેન્ટ માટે નહીં

મૉરોક્કો ફરવા જવાનું થાય ત્યારે આ સૅન્ડ-થેરપીનો અનુભવ લેવામાં આવે એમાં કશું ખોટું નથી, પણ આર્થ્રાઇટિસની સારવાર માટે થઈને ખાસ મૉરોક્કો જવાનું ગોઠવતા હો તો એમ ન કરવું જોઈએ એમ જણાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આ પ્રકારની થેરપી ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોને વધુ માફક આવે છે અને ફસ્ટ એક્સપિરિયન્સમાં વધુ તરોતાજા કરનારી લાગે છે. ગરમ પ્રદેશોના  રહેવાસીઓને કે મૉરોક્કોના સ્થાનિક લોકો માટે પણ આ થેરપી બહુ લાભકારક નથી. આ થેરપીથી થોડાક સમય માટે આર્થ્રાઇટિસની પીડા શમી શકે છે, પણ એનાથી આર્થ્રાઇટિસનો લાંબા ગાળાનો ઇલાજ નથી થતો.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2014 05:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK