Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્મોકિંગથી શારીરિક જ નહીં, માનસિક હાલત પણ કથળે છે

સ્મોકિંગથી શારીરિક જ નહીં, માનસિક હાલત પણ કથળે છે

05 December, 2012 08:02 AM IST |

સ્મોકિંગથી શારીરિક જ નહીં, માનસિક હાલત પણ કથળે છે

સ્મોકિંગથી શારીરિક જ નહીં, માનસિક હાલત પણ કથળે છે







(જિગીષા જૈન)

‘સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ’ આ વાક્ય જુદાં-જુદાં માધ્યમો દ્વારા દરરોજ આપણે વાંચીએ અથવા સાંભળીએ છીએ. અહીં વાપરવામાં આવેલા શબ્દો શારીરિક હેલ્થ માટે જ નહીં, માનસિક હેલ્થ સાથે પણ સુસંગત છે એ જાણવું જરૂરી છે. મોટા ભાગે સ્મોકિંગ વિરોધી જાગૃતિ અભિયાનોમાં સ્મોકિંગને કારણે થતા દેખીતા પ્રૉબ્લેમ્સ ખાસ કરીને ફેફસાં ડૅમેજ થવાથી લઈને ફેફસાંના કૅન્સર સુધીની વિસ્તારપૂર્વકની માહિતી આપવામાં આવે છે. સ્મોકિંગને કારણે થતા કાર્ડિયોવૅસ્ક્યુલર પ્રૉબ્લેમ્સ, ઓરલ પ્રૉબ્લેમ્સ, કૅન્સર વગેરે હેલ્થ પ્રૉબ્લેમ્સથી તો આપણે માહિતગાર છીએ; પરંતુ તાજેતરના એક રિસર્ચ મુજબ સ્મોકિંગની મગજ પર પણ અસર થાય છે. સ્મોકિંગને કારણે ઘણા માનસિક પ્રૉબ્લેમ્સ પણ ઊભા થઈ શકે છે.

લંડન યુનિવર્સિટીની ૫૦ વર્ષથી ઉપરના ઇgગ્લશ લોકો ઉપર રિસર્ચ કરતી શાખા ઇંગ્લિશ લૉન્જિટ્યુડિનલ સ્ટડી ઑફ એજિંગના એક સ્ટડી અનુસાર સ્મોકિંગ કરતા લોકોની માનસિક હાલત કથળવાની શક્યતા વધારે હોય છે. વિચારવાની ક્ષમતા ધીમી થવી, યાદ ન રહેવું, વ્યવસ્થાપક ક્ષમતા ક્ષીણ થવી વગેરે જેવા માનસિક પ્રૉબ્લેમ્સનાં લક્ષણો રિસર્ચરોને સ્મોકિંગ કરતા લોકોમાં જોવા મળ્યાં. ૫૦ વર્ષથી ઉપરના આઠ હજાર લોકોને લઈને થયેલા આ સર્વેમાં ચાર વર્ષે અને આઠ વર્ષે તેમની મેન્ટલ એબિલિટી ચકાસતી ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું કે સ્મોકિંગ ન કરનારાઓ કરતાં સ્મોકિંગ કરનારા લોકોમાં માનસિક પ્રૉબ્લેમ્સ વધુ છે. એ અંતર્ગત ચાર વર્ષ પછી થયેલી ટેસ્ટમાં જાણવા મળ્યું કે સ્મોકિંગ કરનારા લોકોમાં પ્લાનિંગ સ્કિલ અને માનસિક ક્ષમતામાં ઘટાડો થયો છે જેમાં કેટલીક વ્યક્તિઓ સાધારણ શબ્દો પણ યાદ રાખી શકતી નહોતી, જ્યારે આઠ વર્ષે તેની રોજિંદી ક્રિયા કરવામાં પણ તેમને તકલીફ પડતી હતી; કારણ કે તેમની ઑર્ગેનાઇઝિંગ સ્કિલમાં ઘટાડો થયો હતો અને પહેલાં કરતાં યાદશક્તિ પણ વધુ માત્રામાં ઘટી ગઈ હતી. આ રિસર્ચનાં તારણો સાથે સંમત થતાં કન્સલ્ટિંગ ન્યુરોલૉજિસ્ટ ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘મગજ એ શરીરનો અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ભાગ છે. કોઈ પણ પ્રકારની શારીરિક અસર દેખીતી હોય છે, જ્યારે મગજ પરની અસરો દેખીતી ન હોવા છતાં અમુક વાર ઘણી હાનિકારક સાબિત થતી હોય છે. સ્મોકિંગની પણ મગજ પર થતી અસરો, ખાસ કરીને લાંબા ગાળાની અસરો અત્યંત હાનિકારક છે.’

ટેમ્પરરી ઇફેક્ટ

મોટા ભાગે લોકો સ્મોકિંગ એટલા માટે કરતા હોય છે કે એના દ્વારા એક પ્રકારની ‘કિક’ મળતી હોય છે જેનાથી એક ‘મેન્ટલ હાઈ’ ફીલ થાય છે. આ ‘કિક’ શું છે એ સમજાવતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘આ ‘કિક’ એ મગજ પર સ્મોકિંગની ટેમ્પરરી ઇફેક્ટ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્મોકિંગ કરે છે ત્યારે-ત્યારે સિગારેટના તમાકુમાં રહેલા નિકોટીનને તે અંદર ખેંચે છે. શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશતાં આ ઝેરી દ્રવ્યો મગજને એક્સાઇટ કરે છે. આમ આ એક્સાઇટેશનને કારણે મગજમાં સેરોટોનિન અને એપ્ટિનેફિન નામક કેમિકલ પેદા થાય છે જેના કારણે ‘કિક’ ફીલ થાય છે. આમ વ્યક્તિને ખૂબ મજા આવે છે અને એક ‘મેન્ટલ હાઈ’ ફીલ થાય છે.

આદત કઈ રીતે પડે?

મોટા ભાગે વ્યક્તિને એક વખત સિગારેટની લત લાગી કે છોડાવવી મુશ્કેલ થઈ જાય છે. આ લત પાછળનું વિજ્ઞાન સમજાવતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘પહેલી-બીજી વાર સિગારેટ પીતી વખતે જે ‘કિક’નો અનુભવ થાય છે એ ‘કિક’ ફરી મેળવવા વ્યક્તિ સ્મોકિંગ વધુ વાર કરવા લલચાય છે, પરંતુ પહેલી વારમાં તરત જ ફીલ થતી ‘કિક’ સ્મોકિંગની આદત લાગી જતાં ધીમે-ધીમે લાંબા ગાળે ફીલ થાય છે; કારણ કે શરૂઆતમાં જલદી રિલીઝ થતાં સેરોટોનિન અને એપ્ટિનેફિન આદત પડી ગયા બાદ જલદી રિલીઝ થતાં નથી. એને કારણે ‘કિક’ ફીલ કરવા વધુ સિગારેટ પીવી પડે છે. ઘણા સ્મોકર્સને કહેતાં આપણે સાંભળીએ છીએ કે એક સિગારેટમાં તો કંઈ મજા નથી આવતી, ૩થી ૪ તો પીવી જ પડે. એની પાછળનું કારણ આ જ છે. આમ માણસને એની લત લાગી જાય છે અને એ વધુ ને વધુ હાનિકારક બનતી જાય છે.’

લૉન્ગ ટર્મ ઇફેક્ટ

સ્મોકિંગની મગજ પર લૉન્ગ ટર્મ ઇફેક્ટથી માહિતગાર કરતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘સતત સ્મોકિંગ કરવાથી શરીરમાં રહેલી ધમનીઓ ચોક્ડ અપ થઈ જાય છે જેની સીધી અસર બ્લડ સપ્લાય પર પડે છે. આમ મગજને લોહી પૂરું પહોંચી શકતું નથી અને તેથી મગજમાં ક્લૉટ ઊભા થાય છે. આ બ્રેઇન ક્લૉટને કારણે મગજને ક્ષતિ પહોંચે છે જેની અસર સ્વરૂપે દરદીની બુદ્ધિક્ષમતા ક્ષીણ થઈ જાય છે, યાદશક્તિ ઘટે છે અને અમુક પ્રકારના બિહેવિયરલ પ્રૉબ્લેમ્સ પણ આવે છે. કેટલાક દરદીઓને પૅરેલિસિસનો અટૅક પણ આવી શકે છે.’

ઉંમર સાથે લેવાદેવા નથી

રિસર્ચ મુજબ ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં માનસિક ક્ષમતા ક્ષીણ થતી જોવા મળી છે તો શું સ્મોકિંગની મગજ પર અસર ઉંમર પર અવલંબે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મનોજ રાજાણી કહે છે, ‘સ્મોકિંગની મગજ પર અસરને ઉંમર સાથે લેવાદેવા નથી. લાંબા ગાળા સુધી સ્મોકિંગની આદત હોય તો મગજ પર અસર થાય છે. કોઈ વ્યક્તિ સતત ૧૦-૧૫ વર્ષ સ્મોકિંગ કરે તો તેના મગજ પર સ્મોકિંગની અસરો દેખાય છે. આમ સ્મોકિંગની મગજ પર અસર સિગારેટની ક્વૉન્ટિટી, ક્વૉલિટી, સ્મોકિંગની આદતનું ડ્યુરેશન-કેટલાં વર્ષોથી વ્યક્તિ સિગારેટ પીએ છે અને ઓવરઑલ વ્યક્તિની લાઇફસ્ટાઇલ તથા હેલ્થ પ્રૉબ્લેમ્સ પર અવલંબે છે.’

ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દરદીઓ સાવધાન

ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દરદીઓ માટે વૉર્નિંગ આપતાં ડૉ. મનોજ રાજાણી કહે છે ‘ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દરદીઓ માટે સ્મોકિંગ ખૂબ જ હાનિકારક છે. ઘણા કેસમાં એ જીવલેણ પણ સાબિત થયું છે. ડાયાબિટીઝ કે બ્લડપ્રેશરના દરદીઓને મોટા ભાગે કાર્ડિયોવૅસ્ક્યુલર પ્રૉબ્લેમ્સ નડતા હોય છે. જ્યારે તે સ્મોકિંગ કરે છે ત્યારે ધમનીઓ ચોક્ડ અપ થઈ જતાં હાર્ટઅટૅક કે પૅરેલિસિસના ચાન્સ ઘણા વધી જાય છે. આમ તેમણે સ્મોકિંગથી દૂર રહેવું જ હિતાવહ છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2012 08:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK