Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમે એકધારી છથી આઠ કલાકની ઊંઘ લઈ શકો છો?

શું તમે એકધારી છથી આઠ કલાકની ઊંઘ લઈ શકો છો?

09 October, 2014 05:01 AM IST |

શું તમે એકધારી છથી આઠ કલાકની ઊંઘ લઈ શકો છો?

શું તમે એકધારી છથી આઠ કલાકની ઊંઘ લઈ શકો છો?




Girl Sleeping





જિગીષા જૈન

ઘણી વાર આપણી સાથે એવું બનતું હોય છે કે રાત્રે ક્યારેક કોઈ મોટા અવાજથી, કોઈ વિચિત્ર સપનું જોઈએ ત્યારે અથવા ઊંઘમાં જ પગની નસ ખેંચાઈ જાય ત્યારે આપણે ઝબકીને જાગી જતા હોઈએ છીએ. આ ઉપરાંત મચ્છર કરડે કે ગરમી થાય એવા સામાન્ય કારણસર પણ ક્યારેક મધરાત્રે ઊંઘ ઊડી જાય છે. જો ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવશે કે જે દિવસે આપણે એકધારી ઊંઘ નથી કરતા એ દિવસે સવારે ઊઠવામાં મોડું થઈ જાય છે અથવા જો પરાણે ઊઠવું પડે તો પણ કામ કરવામાં થાક લાગે છે. સૂઈને ઊઠ્યા બાદ જે ફ્રેશનેસ લાગવી જોઈએ એ લાગતી નથી. ઘણા લોકોની રાતની ઊંઘ બગડે તો તેમનો આખો દિવસ જ બગડતો હોય છે. રાતની ઊંઘ પૂરતી થાય એટલે કે ૬થી ૮ કલાકની જે ઊંઘ શરીરને જોઈએ છે એટલા કલાકની ઊંઘ મળે એ જરૂરી છે, પરંતુ એના કરતાંય વધુ જરૂરી છે કે આ ઊંઘ એકધારી મળે. વચ્ચે ૫-૧૦ મિનિટ માટે પણ જ્યારે ઊંઘ ઊડી જાય અથવા ઊઠવું પડે એવી પરિસ્થિતિ સરજાય ત્યારે શરીરને ભારે નુકસાન થાય છે.

ફક્ત એક દિવસ પણ જો ઊંઘ તૂટે તો શરીર પર એની અસર દેખાય છે. જેમની લગભગ દરરોજ જ ઊંઘ ડિસ્ટર્બ થતી હોય તેમના શરીર પર શું અસર થતી હશે એ વિચારવા જેવું છે. ખાસ કરીને એવા ડૉક્ટર્સ જે રાત્રે પણ ઇમર્જન્સીના કારણે પોતાનો ફોન ચાલુ રાખતા હોય, બિઝનેસ કે જૉબમાં જેમનું કામ લગભગ ૨૪ કલાક ચાલુ જ રહેતું હોય તેવા લોકો અને નાના બાળકનાં માતા-પિતા. જ્યારે બાળક જન્મે ત્યારે રાત્રે તે એકધારી ઊંઘ લેતું નથી. ઘણાં નવજાત બાળકો રાત્રે સૂતાં જ નથી હોતાં. ધીમે-ધીમે સૂવાની આદત પડે તોય જન્મે ત્યારથી લઈને નાનપણમાં કેટલાંય વર્ષ સુધી માતા-પિતાએ લગભગ દરરોજ રાત્રે ઊઠવું પડતું હોય છે. આવું સતત જેમને ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવ્યા જ કરતું હોય તેમની હેલ્થ પર એની ઘણી ઊંડી અસર પડે છે.

રિસર્ચ

તાજેતરમાં જર્નલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા રિસર્ચ અનુસાર ઊંઘમાં ખલેલ પહોંચવી માનસિક સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. ખાસ કરીને માનસિક ક્ષમતાને ઘટાડે છે, એકાગ્રતા ઘટાડે છે, મૂડને ખરાબ કરે છે અને ગુસ્સાને વધારે છે જેને કારણે માણસ અપરાધભાવ અનુભવવા લાગે છે અને તેનો આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. આ રિસર્ચમાં નોંધવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ બિલકુલ સૂએ નહીં તેની જેવી હાલત હોય એવી જ હાલત વારંવાર ડિસ્ટર્બ થતી ઊંઘ લેનાર વ્યક્તિની હોય છે. એટલે કે ઊંઘમાં ખલેલ એ ઊંઘ ન કરવા બરાબર માની શકાય. આ રિસર્ચમાં ભાગ લેનારા લોકોની સ્લીપ પૅટર્ન જોવામાં આવી જેમાં એક દિવસ તેમને ખલેલ વગરની સળંગ ઊંઘ મળે એનું ધ્યાન રાખવામાં આવ્યું અને બીજા દિવસે તેમની ઊંઘમાં ૩-૪ વાર ખલેલ પાડવામાં આવી. આ બન્ને દિવસે સવારે ઊઠ્યા બાદ એક કમ્પ્યુટર પર એક ટાસ્ક સૉલ્વ કરવા આપ્યો અને તેમના મૂડને સમજવા અમુક સવાલોના જવાબ તેમની પાસે લખાવ્યા જેમાં જોવા મળ્યું કે એકાગ્રતા ઘટવી, મૂડ ખરાબ રહેવો, થાક લાગવો વગેરે બાબતોને સળંગ ઊંઘ સાથે સીધો સંબંધ છે. સંશોધકોએ નોંધ્યું કે જો એક દિવસમાં આટલો ફરક સાબિત થઈ શકે છે તો જેમને આવું મહિનાઓ કે વર્ષો સુધી ભોગવવું પડતું હોય છે તેમની હેલ્થ પર આનાથી વધુ ગંભીર અસર હોઈ શકે છે.

કારણ

ઘણા લોકોને લાગે છે કે ઊંઘના કલાકો પૂરા થયા એટલું ઘણું છે એટલે કે જે લોકો કોઈ કારણસર તેમની રાતની ઊંઘ પૂરી નથી કરી શકતા તેઓ દિવસના સૂઈ જાય છે. હકીકત એ છે કે રાત્રે સળંગ ઊંઘ કરવી ખૂબ જ જરૂરી છે. રાતની ઊંઘને બદલે બપોરે ઊંઘ પૂરી કરવામાં આવે એ કાયમી ચાલતું નથી, કારણ કે આ રીતે કરવાથી ફક્ત શરીરનો થાક મટાડી શકાય છે; પરંતુ શરીરની રાત-દિવસની જે રિધમ છે એ જળવાતી નથી. એને કારણે હેલ્થને નુકસાન થાય જ છે. એનું કારણ જણાવતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘જ્યારે આપણે અચાનક રાત્રે ઊંઘમાંથી ઊઠીએ ત્યારે તાત્કાલિક સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. એની સાથે જ શરીરમાં એડ્રિનલિન અને કોર્ટિસોલ નામનાં હૉર્મોન્સ રિલીઝ થાય છે જે શરીરમાં અલર્ટનેસ લાવે છે. હવે આવા સમયે શરીર તો થાકેલું જ હોય છે અને એ ઊંઘવા ઇચ્છે છે. આ બે વિપરીત બાબતોને કારણે મેમરી, રીઍક્શન ટાઇમ, અલર્ટનેસ, અટેન્શન જેવી માનસિક ક્ષમતાઓ પર અસર પડે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આવી ડિસ્ટર્બ થયેલી ઊંઘ જિન્સનાં કાર્યોને ખોરવે છે અને હૉર્મોન્સની ઊથલપાથલ માટે જવાબદાર બને છે.

બીજા રોગ

ઊંઘમાં સતત ડિસ્ટર્બન્સ આવ્યા કરતું હોય અને સળંગ ઊંઘ ન થતી હોય તો એ કોઈ બીજા રોગનો સંકેત પણ હોઈ શકે છે. એ વિશે જણાવતાં જસલોક હૉસ્પિટલના સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકનાં ડિરેક્ટર અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘જેમને સ્ટ્રેસને કારણે ઇન્સૉમ્નિયા એટલે કે અનિદ્રાનો રોગ હોય, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ નામનો રોગ હોય જેને કારણે રાત્રે પગ સતત દુખતા હોય કે ક્રેમ્પ ઊઠતા હોય, જેની માનસિક પરિસ્થિતિ મુજબ તે અત્યંત જાગૃત અવસ્થામાં હોય એટલે કે અમુક એવી અવસ્થા જેમાં જાગૃતિ ખૂબ વધુ હોય અથવા જેને રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેને ક્યારેય સળંગ ઊંઘ આવતી નથી. આ ઉપરાંત જેમને યુરિનને લગતા કોઈ પ્રૉબ્લેમ હોય તો તેમને પણ સળંગ ૮ કલાકની ઊંઘ મળતી નથી. રાત્રે ઊંઘમાં ઊઠવું જ પડે છે.’

આમ ઊંઘમાંથી જ્યારે અવારનવાર ઊઠવાની તકલીફ થતી હોય ત્યારે ખાસ તો આવું શું કામ થાય છે એ સમજવું ખુબ જરૂરી છે.

શું થાય?

રાત્રે સળંગ ૬થી ૮ કલાકની ઊંઘ ન લઈને વચ્ચે કોઈ પણ કારણસર ઊઠવું પડતું હોય તો શરીરને શું નુકસાન થઈ શકે?

૧. વ્યક્તિ સળંગ ઊંઘ ન લઈ શકે તો તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

૨. જાગૃતતા ઘટે છે.

૩. યાદશક્તિ નબળી પડે છે.

૪. સ્ટ્રેસ વધે છે.

૫. વ્યક્તિ ખૂબ જલદી ઓબીસ બને છે.

૬. તેમને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટ પ્રૉબ્લેમ્સ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

૭. આવી વ્યક્તિની ઇમ્યુનિટી ઘટતી જાય છે.

૮. માનસિક ક્ષમતા ઘટવાથી તેનામાં ઍન્ગ્ઝાયટીનાં ચિહ્નો દેખાય છે.

૯. મૂડ હંમેશાં ડિપ્રેસિવ રહેવા લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 05:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK