ચંદન સા બદન

Published: Mar 19, 2020, 20:20 IST | Varsha Chitaliya | Mumbai Desk

પુરાતન કાળથી રૂપ નિખારમાં છૂટથી વપરાતું ચંદન માત્ર સૌંદર્ય જ નહીં, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિના કામમાં પણ ભરપૂર વપરાય છે. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ટાઢક આપતા આ દ્રવ્યની વિવિધ ઉપયોગિતાઓ વિશે જાણી લો

હમણાં અઠવાડિયાથી વાતાવરણ પલટાયું છે. ધીમે-ધીમે ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઈ રહી છે. કહે છે કે હુતાસણી પછી તો સૂર્ય તપવા લાગે છે. ગરમીનો પારો ઊંચે જાય એટલે ત્વચા પર બળતરા થાય અને મગજ ગરમ રહેવા લાગે. તન-મનની શીતળતા માટે આ મોસમમાં ચંદનનો પ્રયોગ કરવો જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે. આયુર્વેદમાં ચંદનને શીતળ, શક્તિવર્ધક અને દંતક્ષયનાશક ઔષધિ માનવામાં આવે છે. બ્યુટી વર્લ્ડમાં પણ ચંદનનો ખૂબ ઉપયોગ થાય છે ત્યારે ઉનાળામાં કૂલિંગ ઇફેક્ટ આપતાં આ નૅચરલ પ્રોડક્ટ વિશે જાણી લો.
વૃક્ષની વિશેષતા
ગુજરાતીમાં સુકેત, અંગ્રેજીમાં સૅન્ડલવુડ, હિન્દી, મલયાલમ અને સંસ્કૃત ભાષામાં ચંદન એમ જ કન્નડમાં શ્રીગંધા તરીકે ઓળખાતા ચંદનની વીસેક જાત છે. સફેદ, લાલ અને પીળા રંગના આ ચંદન ઉપલબ્ધ છે. વૃક્ષનાં મૂળિયાં અન્ય વૃક્ષોના મૂળથી જોડાયેલા આહાર, પાણી અને ખનિજના સહારે ઊગે છે. લીમડો, તુવેર અને હળદર, ચંદનનાં પરપોષક વૃક્ષો છે. જોકે એની ખેતીમાં ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. બાર વર્ષની અથાગ મહેનત બાદ એક વૃક્ષમાંથી અંદાજે ૧૫થી ૨૦ કિલો લાકડું પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં ચંદનના લીલા વૃક્ષમાં સુગંધ હોતી નથી. એની પાકી ડાળીમાં સુગંધ હોય છે અને એ જ લાકડીનો ઉપયોગ થાય છે. ચંદનની ગણના વિશ્વના બીજા નંબરના સૌથી મોંઘા વુડમાં થાય છે. ભારતના ચંદનની વૈશ્વિક બજારમાં ખાસ્સી ઊંચી કિંમત ઊપજે છે. વનસ્પતિશાસ્ત્રીઓએ એને સદાબહાર મૂલ્યવાન વૃક્ષ કહ્યું છે.
સૌંદર્ય નિખારે
પ્રાચીન સમયમાં ત્વચાને સુંદર અને કોમળ બનાવવા સ્ત્રીઓ શરીર પર ચંદનનો લેપ લગાવતી હતી. બ્યુટી એક્સપર્ટ્સનું કહેવું છે કે ચંદનના લાકડામાં એવાં ૧૨૫ કમ્પાઉન્ડ્સ છે જે તમારી ત્વચાને ખૂબસૂરત બનાવે છે. સૌંદર્યમાં એના ઉપયોગ સંદર્ભે વાત કરતાં માટુંગાનાં બ્યુટી એક્સપર્ટ હર્ષા પીઠડિયા કહે છે, ‘ચંદનમાં સફેદ અને લાલ રંગ આવે છે. સૌંદર્ય માટે સફેદ ચંદનનો જ ઉપયોગ કરવો જોઈએ. સ્કિન ઇરિટેટ થાય ત્યારે એને કામ ડાઉન કરવા ચંદનનો પ્રયોગ કરવાની ભલામણ આપવામાં આવે છે. તનની સુંદરતા માટે આ શ્રેષ્ઠ પ્રાકૃતિક પ્રોડક્ટ છે. સૅન્ડલવુડને પાઉડર, ક્રીમ અને ઑઇલ એમ દરેક રીતે વાપરી શકાય પરંતુ એની માત્રા સપ્રમાણ હોય એ અત્યંત જરૂરી છે. ડ્રાય સ્કિન ધરાવતી મહિલાઓ ચંદનના પાઉડરમાં બે-ત્રણ ટીપાં લૅવન્ડર ઑઇલ ભેળવી ચહેરા પર લગાવે તો સારું પરિણામ આવે છે. ગ્લિસરીન અથવા મધ પણ નાખી શકાય. ઑઇલી સ્કિન હોય તો પાઉડરમાં દૂધ અથવા ફ્રેશ અલોવેરા જેલ નાખવી જોઈએ. સામાન્ય ત્વચામાં ગુલાબજળ અને મધ બેસ્ટ છે. વિન્ટરમાં પંદર દિવસે એક વાર અને ઉનાળામાં અઠવાડિયે એક વાર એને ફેસપૅકની જેમ અપ્લાય કરી શકાય.’
ખીલથી છુટકારો અપાવવામાં પણ ચંદન સહાય કરે છે એવી માહિતી આપતાં હર્ષાબહેન આગળ કહે છે, ‘આજકાલ યંગસ્ટર્સમાં ખીલની સમસ્યા સામાન્ય છે. મોટા પ્રમાણમાં ખીલ થયા હોય ત્યારે ઍડ્વાન્સ્ડ ટ્રીટમેન્ટ માટે ત્વચા નિષ્ણાત પાસે જવું જ પડે છે. પિમ્પલ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે પીલિંગ કરાવ્યા બાદ ચંદન અને ગ્લિસરીનને મિક્સ કરી ચહેરા પર લગાવવું જોઈએ. આ સારવાર દરમિયાન ચહેરા પર ઍસિડ વાપરવામાં આવે છે. એવામાં પીએચ લેવલને મેઇન્ટેન કરવા ચંદનનો લેપ હેલ્પ કરે છે. સારવાર બાદ પણ તમે આ પ્રયોગ ચાલુ રાખો તો ખીલની સમસ્યામાં રાહત થશે. પૅક લગાવતી વખતે ચહેરાની ત્વચા ઘસાય નહીં એનું ધ્યાન રાખવું. જોકે પાઉડર કરતાં ચંદનની લાકડીને ઘસીને ત્વચા પર લગાવવાથી વધુ ફાયદો થાય છે. ફેશ્યલ અને બૉડી મસાજ માટે ક્રીમ અથવા ઑઇલના રૂપમાં મળતી સૅન્ડલવુડ પ્રોડક્ટ્સ વાપરી શકાય. સૅન્ડલવુડ ઑઇલને ડાયરેક્ટ ન વાપરી શકાય. સામાન્ય ઑઇલ અથવા ક્રીમમાં બે-ત્રણ ડ્રૉપ ઍડ કરી અપ્લાય કરવું. સૅન્ડલવુડ ઑઇલ માથાના વાળ માટે પણ ઉપયોગી છે. એનાથી વાળને પોષણ મળે છે. તમે જે તેલ વાપરતા હો એમાં થોડું ચંદનનું તેલ ઉમેરી હળવા હાથે મસાજ કરવાથી વાળની ચમક વધે છે.’
નૅચરલ પ્રોડક્ટ
આ એવી નૅચરલ પ્રોડક્ટ છે જે શરીરને અને મગજને ઠંડક પ્રદાન કરે છે. ચંદનના વિશિષ્ટ ગુણો વિશે વાત કરતાં નેચરોપૅથ સરલા વોરા કહે છે, ‘ચંદનની પીળા રંગની લાકડી બહુ મોંઘી આવે છે. એનો ઉપયોગ સાબુ, લોશન, ક્રીમ, ક્લેન્ઝર, તેલ, પાઉડર સહિત અનેક પ્રકારની પ્રોડક્ટની બનાવટમાં થાય છે. ત્વચાની સુંદરતા માટે ચંદન ખૂબ જ ઉપયોગી છે. કાચા દૂધમાં ચંદન અને બદામને ઘસી ચહેરા પર લગાવવાથી કાળાશ દૂર થાય છે. ચંદનનો લેપ લગાવવાથી ખીલના ડાઘ-ધબ્બા પણ ધીમે-ધીમે દૂર થાય છે. એમાં ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છે. અઠવાડિયે એક વાર ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરની કરચલીઓ છુપાઈ જાય છે. ચંદન સાથે મુલતાની માટી અને હળદર મિક્સ કરો. આ ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ઉનાળામાં ચંદનના તેલને બદામના તેલમાં મિક્સ કરી ચહેરા પર લગાવો. આ બેસ્ટ સનસ્ક્રીન છે. ચંદન પાઉડરને ગુલાબજળ સાથે મિક્સ કરી બગલમાં લગાવવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. જોકે અતિ સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલાઓએ ચંદનના પાઉડરનો ઉપયોગ ન કરવો જોઈએ.’
હેલ્થ બેનિફિટ્સ
સ્કિન સંબંધિત તમામ સમસ્યાના નિવારણ માટે ચંદનની લાકડીનો ભરપૂર ઉપયોગ થાય છે. ચંદનના વૃક્ષના ગર્ભમાંથી નીકળતું તેલ ઘણું જ સુગંધિત હોય છે. અનેક પ્રકારની મેડિસિનમાં આ તેલ ઉમેરવામાં આવે છે. હેલ્થ બેનિફિટ્સ વિશે જાણકારી આપતાં સરલા વોરા કહે છે, ‘ચંદનની લાકડીને ગુલાબજળમાં ઘસી માથા પર લગાવવાથી બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. ચંદનને પાઉડર તરીકે લેવાથી પણ ઘણો ફાયદો થાય છે. એમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી અને ઍન્ટિ-સેપ્ટિકનો ગુણધર્મ રહેલો છે જે શરીરના સોજા ઓછા કરવામાં અને શરીરમાંથી કીટાણુ દૂર કરવામાં સહાય કરે છે. શરદી-ખાંસી અને તાવમાં રાહત થાય છે. એનાથી ઊર્જા મળે છે અને એકાગ્રતા વધે છે. એ મૂત્રવર્ધક પણ છે. શરીરમાંથી મૂત્ર વાટે વિષેલા પદાર્થ દૂર કરે છે. અડધી ચમચી ચંદનના પાઉડરને દિવસમાં એક વાર દૂધમાં ઉકાળી પીવું જોઈએ. ખાવા માટેના ચંદન પાઉડરને સારી આયુર્વેદિક દુકાનમાંથી ખરીદવો. ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી માતાએ ચંદન પાઉડરનો ઉપયોગ ન કરવાની સલાહ છે. આ સિવાય અનિદ્રાની તકલીફવાળા દરદીએ માથામાં ચંદનના તેલથી માલિશ કરવી. એનો ઉપયોગ ગુલાબ, નારિયેળ, લૅવન્ડર અથવા જેરેનિયમ તેલની સાથે જ કરવો. ચંદનના તેલને એકલું વાપરવું હિતાવહ નથી.’
આધ્યાત્મિક મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં ચંદનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચંદનના લાકડામાં દેવી લક્ષ્મીનો વાસ છે એવો ઉલ્લેખ છે. વિષને ગ્રહણ કરનારા શિવજીના શરીરમાં થતી બળતરાને શાંત કરવા ભક્તો ચંદનનો લેપ લગાવે છે. પુરાતન કાળથી દેવી-દેવતાઓની મૂર્તિ બનાવવામાં અને અભિષેકમાં એનો ઉપયોગ થાય છે. પ્રભુનો શૃંગાર ચંદન વગર અધૂરો કહેવાય એવી આસ્થા છે. કપાળ પર ચંદનનું તિલક લગાવવાની પરંપરા પણ ઘણી જૂની છે. તપસ્વીઓ ધ્યાન ધરતી વખતે એકાગ્રતા માટે ચંદનનું તિલક લગાવે છે. ભારત ઉપરાંત જપાન, ચીન અને કોરિયામાં ધાર્મિક સ્થળોએ એનો ઉપયોગ થાય છે. ધાર્મિક, સ્વાસ્થ્ય અને સૌંદર્ય એમ દરેક જગ્યાએ ચંદનને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સરલા વોરા કહે છે, ‘ચંદનનો પ્રભાવ શાંત છે. પ્રાર્થના અને ધ્યાન લગાવતી વખતે એને સળગાવવામાં આવે તો એની સુગંધથી મનને શાંતિ મળે છે. માનસિક તાણ અને ચિંતા ઓછી કરવામાં પણ ચંદનની સુગંધ સહાય કરે છે.’

બ્યુટી વર્લ્ડમાં સૅન્ડલવુડને પાઉડર, ક્રીમ અને ઑઇલ એમ ત્રણેય ફૉર્મમાં વાપરવામાં આવે છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ ચંદનના પાઉડરમાં ગુલાબજળ, ગ્લિસરીન, મધ, દૂધ અને લૅવન્ડર ઑઇલ ભેળવી ચહેરા પર ફેસપૅકની જેમ લગાવવાથી સૌંદર્ય નિખરે છે. ખીલની સારવાર અને માથાના વાળની ચમક વધારવામાં પણ ચંદનની લાકડી હેલ્પ કરે છે - હર્ષા પીઠડિયા, બ્યુટી એક્સપર્ટ

કાચા દૂધમાં ચંદનની લાકડી અને બદામને ઘસી ચહેરા પર લગાવવાથી કાળાશ તેમ જ ખીલના ડાઘ-ધબ્બા ધીમે-ધીમે દૂર થાય છે. એમાં ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ છે. અઠવાડિયે એક વાર ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવવાથી વધતી ઉંમરની કરચલીઓ છુપાઈ જાય છે. ઉનાળામાં ચંદનના તેલને બદામના તેલમાં મિક્સ કરી ચહેરા પર લગાવો. આ બેસ્ટ સનસ્ક્રીન છે - સરલા વોરા, નેચરોપૅથ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK