Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્મશાન વૈરાગ્યના દિવસો પૂરા થવા આવ્યા, પૂંછડી તો પાછી વાંકી થઈ જ જવાની

સ્મશાન વૈરાગ્યના દિવસો પૂરા થવા આવ્યા, પૂંછડી તો પાછી વાંકી થઈ જ જવાની

11 June, 2020 04:21 PM IST | Mumbai
Jayesh Chitalia

સ્મશાન વૈરાગ્યના દિવસો પૂરા થવા આવ્યા, પૂંછડી તો પાછી વાંકી થઈ જ જવાની

સ્મશાન વૈરાગ્યના દિવસો પૂરા થવા આવ્યા, પૂંછડી તો પાછી વાંકી થઈ જ જવાની


વરસ ૨૦૧૯માં આખું જગત અને દરેક રાષ્ટ્ર અને નાના-મોટા માનવી ૨૦૨૦માં પોતે શું નવું કરશે, કેવાં નવાં કામ કરશે એની યોજના ઘડતા હશે. એ સમયે તેમને કોઈને કલ્પના પણ નહીં હોય કે તેમનાં ૨૦૨૦નાં સપનાં, લક્ષ્ય અને વિઝન પર પથારી ફરી જવાની છે. આજે કોવિડ-19 નામે સમગ્ર જગતનું ૨૦૨૦નું વરસ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નોબત તો ત્યાં સુધીની જણાય છે કે આખું ૨૦૨૦ જ વાઇરસમય થઈને છવાયેલું રહેશે. આ સમયમાં છેલ્લા બેથી ત્રણ મહિનામાં શું થયું છે અને આપણે શું કર્યું છે એ નજર સામે છે. આપણા સૌની જિંદગીમાં બદલાવ આવ્યો છે. એક સદીમાં કે તેથી વધુ સમય સુધી માણસજાતે આ પૃથ્વી પર જે નથી કર્યું, જે નથી જોયું, જે નથી સાંભળ્યું, નથી અનુભવ્યું એ બધાનો અનુભવ આ દિવસોમાં મેળવી લીધો છે.

હવે આમ નહીં કરું, તેમ નહીં કરું



આ ત્રણ મહિનાના કારાવાસ સમાન ભયજનક જીવનમાં કરોડો લોકોએ પોતાના જીવનને બદલી નાખવાના સંકલ્પો પણ લીધા હશે. હવે પોતે આમ નહીં કરે, તેમ નહીં કરે, સ્ટ્રેસભરી આંધળી દોટ નહીં મૂકે, સાદું જીવન જીવશે, બહારનું-હોટેલનું નહીં ખાય, જન્ક ફૂડથી દૂર રહેશે, પોતાની આસપાસના લોકોને સહાયરૂપ થવાનો પ્રયાસ કરશે, પોતાની અને પરિવારની હેલ્થને સૌથી વધુ પ્રાધાન્ય આપશે વગેરે કેટલાય સંકલ્પ-નિર્ણય લીધા હશે. પરંતુ હવે લૉકડાઉન ખૂલવાની શરૂઆત થઈ ગઈ છે. ચોક્કસ સ્થળો સિવાય લોકો હરીફરી શકશે. થોડા દિવસમાં તો હોટેલમાં જઈ શકાશે, મૉલમાં જઈ શકાશે, ધીમે-ધીમે ટ્રેનો, ફલાઇટ્સ વગેરે પણ કાર્યરત થવા લાગશે. આ બધું અમુક દેશોમાં તો પૂર્ણપણે શરૂ પણ થઈ ગયું છે. લોકો એ રીતે બહાર નીકળીને ફરી રહ્યા છે જાણે કોરોના કાયમ માટે ચાલ્યો ગયો છે. અલબત્ત, બહુ ઓછા લોકો હવે પછી વધુ કાળજી લેશે, એનું મહત્ત્વ સમજશે. બાકી મોટા ભાગના લોકો ત્રણેક મહિનાનો વૈરાગ્ય કે વનવાસ પૂર્ણ થયો સમજશે. મોટા ભાગના લોકોની પૂંછડી પાછી વાંકી થઈ જશે. સ્પષ્ટ અને આકરા શબ્દોમાં કહીએ તો અત્યાર સુધીનું બંધન જબ્બર મુક્તિ સાથે ઊછળશે. માણસો પોતાના મૂળ સ્વભાવ પર આવી જશે.


સોશ્યલ ડિસ્ટન્સિંગ પળાશે?

હવે આપણે દરેક જણ એક કામ કરીએ - આ છેલ્લા ત્રણેક મહિનામાં આપણે કેવા અનુભવમાંથી પસાર થયા, એમાંથી શું શીખ્યા, એ પછી પોતે કેવું જીવન જીવવાનો સંકલ્પ કર્યો એ બધું યાદ કરીએ. જો અંગત ડાયરીમાં લખ્યું હોય તો એ જોઈ જઈએ, ન લખ્યું હોય તો હજી પણ લખી નાખીએ, કારણ કે લૉકડાઉન ખૂલી રહ્યું છે. કોરોનાએ વિદાય લીધી નથી. હવે ભીડ પાછી થશે, સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી થઈ જશે. આમ પણ આપણે ત્યાં સ્વચ્છતા કે આરોગ્ય  બાબતે હજી જોઈએ એટલી જાગૃતિ નથી. આમાં બે-ચાર જણની ભૂલ પણ બીજા ઘણાઓને ભારે પડી શકે છે. એ બે-ચાર જણ કોણ હશે એ આપણને ખબર પણ નહીં પડે.


એક નવું કલ્ચર ડેવલપ થવું જોઈએ

વાસ્તવમાં હવે ખરી પરીક્ષાનો સમય આવ્યો છે. આ રોગનો ફેલાવો અટકાવવા સરકારે અત્યાર સુધી કડક હાથે લૉકડાઉન કરાવ્યું હતું. પરંતુ આની ગંભીર નકારાત્મક અસર આર્થિક પ્રવૃત્તિ પર પડતાં મહામંદી શરૂ થઈ હતી. જ્યારે કે હવે સમય એવા તબક્કે આવી પહોંચ્યો છે કે લોકો કોરોનાથી બચશે તો ભૂખમરા કે કામકાજ વિના મરી જાય એવું બની શકે, જેને લીધે સરકારે ધીમે-ધીમે લૉકડાઉન હળવું કરતા જવાનું પગલું ભર્યું છે. જોકે લોકો આ હળવાશને ગંભીર રીતે લે એ આવશ્યક છે. જો લોકો પણ આને હળવાશથી લેશે તો આફત વધી શકે છે. હવેના સમયમાં દરેક વ્યક્તિની અંગત જવાબદારી એ રહેશે કે તે હજી પણ અનિવાર્ય હોય તો જ બહાર નીકળે, બાકી ઘરે રહી કામ થઈ શકતું હોય તો ઘરેથી જ કામ કરે. જેથી કમ સે કમ એટલો પ્રવાહ ઓછો બહાર આવશે. જેમણે બહાર નીકળવું પડે એમ છે તેઓ પોતાની સલામતી માટેનાં પગલાં ભરીને જ નીકળે તેમ જ પોતે બહાર જાય ત્યારે યોગ્ય માસ્ક પહેરે, હૅન્ડ ગ્લવ્ઝ પહેરે, સૅનિટાઇઝરનો ઉપયોગ કરે, સ્વશિસ્તથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. હજી પણ વૃદ્ધોને બહાર જતાં રોકે, બાળકોને પણ રોકે. પોતે ભીડવાળી જગ્યાથી દૂર જ રહે અને સ્વચ્છતાનું યોગ્ય પાલન કરે. જેમ-જેમ દરેક વ્યક્તિ સ્વશિસ્ત પાળશે તેમ સમાજમાં આ વિષયમાં એક પ્રકારની જાગૃતિ આવતી જશે. એક કલ્ચર ડેવલપ થશે.

સંકલ્પો-નિર્ણયો યાદ કરો

હવે આખરમાં વધુ એક મુખ્ય વાત જે દરેકે પોતાના અંગત જીવન માટે વિચારી હશે, નિર્ણય લીધા હશે. જો એ નિર્ણય જોઈ જાઓ. હવે હું મારા જીવનને સરળ બનાવીશ, પૈસા-પદ-પ્રતિષ્ઠા-સત્તા પાછળની આંધળી દોટ બંધ કરી દઈશ. પરિવારને-સમાજને સમય આપીશ. અત્યાર સુધીમાં-આટલાં વરસોમાં જીવનમાં જાણતાં-અજાણતાં ભૂલો થઈ છે એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશ. પ્રત્યેક માણસ પોતે કેટલું જીવવાનો છે એ જાણતો હોતો નથી. તેમ છતાં દરેક જણ એમ વિચારી શકે છે કે હવે જેટલું પણ જીવીશ એમાં જીવન ઉમેરાતું જાય એવું કરીશ. આપણે છેલ્લા કેટલાય દિવસોથી ડાહી-ડાહી વાતો બહુ વાંચી, સાંભળી, કરી. કોરોના પાસેથી આપણે શું શીખ્યા કે શું શીખવું જોઈએ જેવા મોટિવેશનલ લેક્ચર પણ ઘરે બેસી સાંભળ્યાં. ઘરમાં બેસી રામાયણ અને મહાભારત જેવી વિશ્વ સંદેશ આપતી સિરિયલ જોઈ, જે કાયમ જગતને માર્ગદર્શન આપતી રહી છે. રામાયણ અને મહાભારત આજે પણ અકબંધ છે. આપણે વીસ વરસ પહેલાં જોયેલી આ સિરિયલને આજે વીસ વરસ બાદ આપણે નવી દૃષ્ટિ કે નવા અભિગમ સાથે જોઈ હશે. આપણી સમજણશક્તિ, વિવેક પણ વધ્યાં હશે. કોરોના બહુ મોટો સંદેશ લઈને આવ્યો, જેમાં જીવનની દિશા બદલાઈ શકે. એમાં આ નવા સમયમાં નવાં તત્ત્વ અને સત્ત્વ ઉમેરાયાં. શું હવે આપણા જીવનમાં લૉકડાઉનના ખૂલ્યા બાદ લાઇફ ધીમે-ધીમે નૉર્મલ થતી જવાની આશા છે ત્યારે આપણો આ કોરોનાનો વિષાદ યોગ પૂરો થઈ જશે? સ્મશાન વૈરાગ્યનો ગાળો પૂર્ણ થઈ જશે? પૂંછડી  ફરી વાંકી થઈ જશે? યાદ રહે, આપણે વર્તમાનમાં શું કરીએ છીએ એના આધારે ભવિષ્ય બનતું હોય છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકે છે એ વિચારે. વિનાશ થાય છે ત્યારે નવનિર્માણ પણ થાય છે. આપણે નવનિર્માણમાં ભાગ લેવો છે કે માત્ર ફરિયાદ કરતા બેસી રહેવું છે? આપણી ભારતીય પ્રજા અનેક સમસ્યા સામે લડી છે. સમય લાગ્યો છે, પરંતુ જીતીને જંપી છે.

દરેકે પોતાના અંગત જીવન માટે કેટલાક નિર્ણયો લીધા હશે. આ નિર્ણય ફરી એક વાર જોઈ જાઓ. હવે હું મારા જીવનને સરળ બનાવીશ, પૈસા-પદ-પ્રતિષ્ઠા-સત્તા પાછળની આંધળી દોટ બંધ કરી દઈશ. પરિવારને-સમાજને સમય આપીશ. અત્યાર સુધીમાં-આટલાં વરસોમાં જીવનમાં જાણતાં-અજાણતાં ભૂલો થઈ છે એનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશ. પ્રત્યેક માણસ પોતે કેટલું જીવવાનો છે એ જાણતો હોતો નથી. તેમ છતાં દરેક જણ એમ વિચારી શકે છે કે હવે જેટલું પણ જીવીશ એમાં જીવન ઉમેરાતું જાય એવું કરીશ.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 04:21 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK