દીકરીની ડિપ્રેશનની સારવાર ચાલે છે ત્યારે જીવનસાથીને જાણ કરવી જોઈએ કે નહીં?

Published: Jan 08, 2020, 17:13 IST | Sejal Patel | Mumbai

દીકરી લગ્નલાયક છે અને તેના માટે છોકરાઓ જોવાનું ચાલી રહ્યું છે. તે આ પહેલાં ભયંકર ડિપ્રેશનમાં હતી. એક વાર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી ચૂકેલી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : દીકરી લગ્નલાયક છે અને તેના માટે છોકરાઓ જોવાનું ચાલી રહ્યું છે. તે આ પહેલાં ભયંકર ડિપ્રેશનમાં હતી. એક વાર આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ પણ કરી ચૂકેલી. એ પછી તો ઘણી દવાઓ કરી. તે નોકરીએ લાગી છે અને દેખીતી રીતે તો લાગે છે કે બધું થાળે પડી ગયું છે. એમ છતાં તેની પર્સનાલિટી હજી ડલ છે. જાણે પૂરેપૂરી બહાર ન આવી હોય એવું લાગે. હવે તે અમારું બધું સાંભળે છે અને કહ્યું કરે પણ છે. જોકે બે વર્ષ પહેલાં ડિપ્રેશનનો અટૅક આવ્યો એ પહેલાં જેવી તે હજી બની નથી શકી. ભણેલી સારું છે અને નોકરી પણ કરે છે. તેનું મગજ ક્યાંક પરોવાયેલું રહે એ જ કારણસર તેને નોકરી કરવા દઈએ છીએ. લગ્ન માટે છોકરા જોવાની પ્રક્રિયાથી તે થોડીક અસ્વસ્થ છે. લગ્ન માટે આનાકાની કર્યા કરે છે. કહે છે કે તે થોડોક સમય એકલી જ રહેવા માગે છે. હમણાં તેની ઉંમર થશે ૨૭ વર્ષ. અત્યારે જ લગ્નનો યોગ્ય સમય છે. જો હજી એક-બે વર્ષ નીકળી જશે તો બને કે તેને લાયક સારી ચૉઇસ એ પછીથી ન મળે.

પેરન્ટ્સ તરીકે અમારી મૂંઝવણ એ છે કે અત્યારે લગ્ન માટે ફોર્સ કરવો કે ન કરવો? ધારો કે ન કરીએ તો પછી ભવિષ્યનું શું? ધારો કે કરીએ અને તે માની પણ જાય તો તેના ભાવિ જીવનસાથીને તેની માનસિક અસ્વસ્થતાની વાત કરવી જોઈએ? હજીયે તેની ડિપ્રેશન માટેની દવાઓ ચાલુ જ છે અને ખબર નથી કે એ ક્યારે બંધ થશે. લગ્ન પછી જો દવા બંધ થતાં તેને વધુ તકલીફ થાય તો એવા સમયે શું? 

જવાબ : એક વાત સમજવી જરૂરી છે કે ડિપ્રેશન અનેક પ્રકારનું અને વિવિધ ગ્રેડનું હોય છે. ગંભીરથી અતિગંભીર કેસમાં ખૂબ સઘન પગલાં લેવાં પડે અને હળવા કેસમાં એ માત્ર કાઉન્સેલિંગ અને થોડીક દવાના સપોર્ટથી પણ હલ થઈ જાય.

દીકરીની દવા ચાલી રહી છે એટલે ચિંતાને કોઈ કારણ નથી, પરંતુ માત્ર દવાઓ પર જ નિર્ભર રહેવું ઠીક નથી. તેના ડિપ્રેશનનું મૂળ શું છે એ સમજીને તેનું કાઉન્સેલિંગ થવું પણ બહુ મહત્વનું છે. તે નોકરી કરી શકે એટલી સ્વસ્થ છે એનો મતલબ એ કે તેની જનરલ મેન્ટલ હેલ્થ કન્ટ્રોલમાં છે. તેની પર મરજીવિરુદ્ધ લગ્ન માટેનું દબાણ ન કરવું જોઈએ. ઇન ફૅક્ટ, તે ડિપ્રેશનમાં છે એમ માનીને તેની સાથે દરદી જેવું ટ્રીટ પણ ન કરવું. લગ્નનો નિર્ણય લેતાં પહેલાં તેને નૉર્મલ લાઇફ જીવતી કરો. જો તે મનથી થોડીક પણ નબળી હશે તો લગ્નને કારણે પેદા થતો સ્ટ્રેસ ઝીલી નહીં શકે.

તે જાતે લગ્ન માટે તૈયાર થાય એવું કરવા તે પોતાના જીવનને માણતી થાય એ બહુ જરૂરી છે. પરાણે પરણાવવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે બગડી શકે છે.

બીજું, ડિપ્રેશન એ કોઈ છુપાવવી પડે એવી બીમારી નથી. એમ છતાં આ બાબતે ભાવિ જીવનસાથીને જાણ

હોય એ પણ એટલું જ જરૂરી છે. ધારો કે લગ્ન પછી દીકરી માનસિક રીતે અસ્વસ્થ થઈ તો એ વખતે તેના પતિને પોતાને અંધારામાં કેમ રાખવામાં આવ્યો એની ફરિયાદ ન થાય. લગ્નજીવનની શરૂઆત સોએ સો ટકા પ્રામાણિકતાના પાયા પર જ થવી જોઈએ.

ઉંમરની દૃષ્ટિએ દીકરી પરણાવવા લાયક છે, પરંતુ મનથી તે તૈયાર ન હોય ત્યારે લગ્નનો સાચો સમય આવ્યો છે એવું ન જ કહેવાય. હાલમાં લગ્ન થઈ જાય તો એ ઉંમરની દૃષ્ટિએ સમયસર કહેવાશે, પણ દીકરીની માનસિક તૈયારીના દૃષ્ટિકોણથી નહીં. લગ્ન એ મોટી જવાબદારી છે અને એ ઉપાડવાની સજ્જતા વિના એમાં દીકરીને ધકેલી દેવી એ તેના ભવિષ્યને જોખમમાં મૂકવા બરાબર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK