લોહીને કારણે હવે હસ્તમૈથુન કે મૈથુન કરવાની હિંમત નથી થતી, શું કરવું?

Published: Oct 21, 2019, 16:34 IST | ડૉ. રવિ કોઠારી | મુંબઈ ડેસ્ક

પેશાબમાં કોઈ બળતરા કે પીડા નથી, પણ લોહીને કારણે હવે હસ્તમૈથુન કે મૈથુન કરવાની હિંમત નથી થતી.

સેક્સ-સંવાદ

સવાલઃ મારી અને પત્નીની ઉંમર ૬૧ વર્ષની છે. ઉંમરને કારણે હવે તેને સમાગમમાં ખાસ રસ નથી પડતો. મને પણ ઉત્થાન બહુ ઝડપથી આવતું નથી એટલે હસ્તમૈથુનની આદત પણ નથી. મહિનામાં એકાદ વાર અમે એક થતાં હોઈએ છીએ ને એ વખતે હું વાયેગ્રાની એક ગોળી લઉં છું. હમણાં થોડા દિવસથી ઘરમાં એકાંત મળવાને કારણે મને અને મારી વાઇફને બન્નેને જરા રોમૅન્ટિક થવાની ઇચ્છા થઈ ગઈ. છોકરાઓ દસ-પંદર દિવસ માટે ઘરમાં નહોતાં એટલે અનાયાસ જ અમે એ દરમ્યાન ત્રણેક વાર સમાગમ કર્યો. મને ઉત્થાન પણ આવ્યું. જોકે છેલ્લે જ્યારે સમાગમ કર્યો ત્યારે વીર્યની સાથે થોડું લોહી પણ નીકળ્યું. પેશાબમાં કોઈ બળતરા કે પીડા નથી, પણ લોહીને કારણે હવે હસ્તમૈથુન કે મૈથુન કરવાની હિંમત નથી થતી.
જવાબ: તમે જે વર્ણન કર્યું છે એ જોતાં ‌બહુ ચિંતા જેવું નથી. એનું દેખીતું કારણ લાગે છે સમાગમમાં આવેલી અનિયમિતતા. જ્યારે સંભોગની ફ્રિક્વન્સીમાં મોટો ચડાવ-ઉતાર થયો હોય ત્યારે કેટલાક પુરુષોમાં આ સમસ્યા જોવા મળે છે. અનિયમિતતા એટલે કે પહેલા મહિને એકાદ વાર સમાગમ કરવો ને પછી અચાનક જ ૧૦ દિવસમાં ચાર વાર સમાગમ કરવો એને કારણે પ્રોસ્ટેટની અંદર આવેલી કોઈ રક્તની નળી તૂટવાને કારણે આવું થઈ શકે છે. આ સમસ્યાને અંગ્રેજીમાં ‘હેમેટોસ્પર્મિયા’ કહેવાય છે. ગુજરાતીમાં એનો અર્થ થાય રક્તયુક્ત વીર્ય. આને માટે કોઈ દવા, ગોળી કે ઇન્જેક્શન લેવાની જરૂર નથી.
થોડા સમય માટે મરચું-મસાલા અને તળેલાં ફરસાણવાળો ખોરાક ઓછો કરી દો. બાથરૂમમાં એક મોટું પ્લાસ્ટિકનું ટબ લઈ કમરનો ભાગ અંદર ડૂબે અને પગ બહાર રહે એમ બેસો. કમરની નીચેનો પેઢુનો આખો ભાગ પાણીમાં ડૂબેલો રહે એટલું હૂંફાળું ગરમ પાણી ભરો. સવારે અને સાંજે ૧૦-૧૦ મિનિટ બેસશો તો ઘણી રાહત અનુભવાશે. આ ઉપરાંત જો તમે સમાગમ અથવા હસ્તમૈથુનમાં નિયમિતતા રાખશો તો ફરી આ સમસ્યા સર્જાવાની શક્યતા ઘટશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK