સમાગમ પછીની પીડાને કારણે મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે. કોઈ ઉપાય બતાવો

Published: Oct 04, 2019, 15:54 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

સમાગમ પછીની બળતરા અને દુખાવામાં ફરક નથી. સમાગમ પછી તરત જ યુરિન પાસ કરવા જવું પડે છે. એ વખતે પણ બળતરા થાય છે અને એ ભાગમાં લાલાશ રહે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને ત્રણેક મહિના થયાં છે. લગ્ન પહેલાં અમે કદીયે ફિઝિકલ ઍક્ટિવિટીમાં પળોટાયા નહોતા. હું તો લગ્ન પહેલાં વર્જિન જ હતી. પહેલી વાર હનીમૂન પર હતા ત્યારે સંબંધ બાંધેલો. બે વાર તો નિષ્ફળ પ્રયત્ન કરેલો. જોકે સંબંધ બંધાયો એ પછીથી મને બહુ વિચિત્ર ઇચિંગ અને પીડા થઈ. પહેલાં બે-ત્રણ વાર થયું ત્યારે લાગ્યું કે નવું-નવું હશે એટલે આમ થયું હશે, પરંતુ હજીયે સમાગમ પછીની બળતરા અને દુખાવામાં ફરક નથી. સમાગમ પછી તરત જ યુરિન પાસ કરવા જવું પડે છે. એ વખતે પણ બળતરા થાય છે અને એ ભાગમાં લાલાશ રહે છે. હમણાંથી તો સમાગમ કરું કે ન કરું, વારંવાર યુરિન માટે જવું પડે છે અને એ પછીયે જાણે હજી પૂરું યુરિન પાસ નથી થયું એવું લાગે છે. ક્યારેક યોનિમાર્ગમાંથી ચીકણો અને સફેદ સ્રાવ વહે છે. સમાગમના એક-બે દિવસ પછી પેડુમાં દુખાવો મટી જાય છે અને ફરી કરીએ ત્યારે પાછું શરૂ થઈ જાય છે. શું આ જાતીય ચેપ જેવું કંઈ છે? સમાગમ પછીની પીડાને કારણે મને ખૂબ ઍન્ગ્ઝાયટી રહે છે.

જવાબ : આ કોઈ ચેપી રોગ નથી, પરંતુ એક પ્રકારનું યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન છે. સેક્સસંબંધની શરૂઆતમાં ઘણી યુવતીઓને આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. આ ઇન્ફેક્શનને હનીમૂન સિસ્ટાઇટિસ પણ કહે છે. યુરિનનું વહન કરતી નલિકામાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે આવું થાય. પુરુષની મૂત્રવાહિની લાંબી તથા વળાંકવાળી હોવાથી એમાં ચેપ લાગવાની શક્યતા સ્ત્રી કરતાં ઓછી હોય છે.

આ તકલીફ સમાગમ પછી થતી હોય છે, પણ એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માનીને ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે સવારે ઊઠી પહેલી વારનું યુરિન એકઠું કરીને એનો રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવો. સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને એની દવા કરાવો. ખાસ ઍન્ટિબાયોટિક્સના કોર્સથી આ સમસ્યા આરામથી મટી જઈ શકે એમ છે.

બીજું, સમાગમ વખતે પીડા અને ઘર્ષણ ટાળવા માટે તમારે ફોરપ્લેમાં પૂરતો સમય ગાળવો. યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશન આવે એ પછી જ યોનિપ્રવેશ કરવો. દરેક વખતે યુરિન પાસ કર્યા પછી એ ભાગને ચોખ્ખા પાણીથી સાફ કરીને કોરો કરવાની આદત રાખવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK