વૃષણ માટે ઑપરેશન કરાવવું જોઈએ? શું અત્યારે સમાગમ કરી શકું ખરો?

Published: May 14, 2019, 14:40 IST | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

મારી ઉંમર ૪૮ વર્ષ છે. મને પહેલાં જેટલી કામેચ્છા નથી થતી, એટલું જ નહીં, હમણાંથી તો ઉત્તેજના આવવામાં પણ વાર લાગે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલ : મારી ઉંમર ૪૮ વર્ષ છે. મને પહેલાં જેટલી કામેચ્છા નથી થતી, એટલું જ નહીં, હમણાંથી તો ઉત્તેજના આવવામાં પણ વાર લાગે છે. આટલું ઓછું હોય એમ અન્ડરવેઅરના ઇલૅસ્ટિકના કાપા પડવાને કારણે મને જાંઘમાં ખંજવાળની તકલીફ શરૂ થઈ હતી. ડૉક્ટરે મને ખુલ્લા પગ રહે એ પ્રકારની કૉટનની ચડ્ડી પહેરવાની સલાહ આપેલી. એવી ચડ્ડીને કારણે થોડા જ દિવસમાં મારી ખંજવાળ મટી ગઈ, પણ એનાથી વૃષણ નીચે તરફ લબડી ગયા છે. ટેસ્ટિકલ્સ મોટા થઈ ગયા હોય એવું લાગે છે. ફૅમિલી-ડૉક્ટરને વાત કરી તો તેમનું કહેવું છે કે મોટા ડૉક્ટરને બતાવો. મોટા સર્જ્યન ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે હાઇડ્રોસિલની તકલીફ હોવાથી ઑપરેશન કરાવવું પડશે. મોટા વૃષણ માટે ફરી ફિટિંગવાળી અન્ડરવેઅર પહેરવાનું શરૂ કર્યું તો ફરીથી ખંજવાળ આવવાનું શરૂ થઈ ગયું છે. બરફની ઠંડક લગાવવાથી સારું લાગે છે. જોકે ઑપરેશન કરાવતાં ડર લાગે છે. શું મારે ઑપરેશન કરાવવું જોઈએ? શું અત્યારે સમાગમ કરી શકું ખરો?

જવાબ : તમને ખુલ્લા પગવાળી ઇલૅસ્ટિક ન હોય એવી ચડ્ડી પહેરવાની સલાહ આપેલી એ યોગ્ય જ હતી. એને કારણે તમને હાઇડ્રોસિલની તકલીફ થઈ છે એવું નથી. તમને ફંગલ ઇન્ફેક્શનની તકલીફ રહેતી હોવાથી એ ભાગમાં હવાની અવરજવર છૂટથી થતી હોય એ જરૂરી છે. બીજું, તમે ઍન્ટિ-બાયોટિક સાબુથી નાહવાનું અને પ્રાઇવેટ પાર્ટ્સને દિવસમાં બે વાર સાફ કરવાનું રાખશો તો ઇન્ફેક્શનમાં ચોક્કસ ફરક લાગશે. આવી સમસ્યા હોય ત્યારે એ ભાગમાં ઍન્ટિ-ફંગલ પાઉડર લગાવવો અને રાતના સમયે અન્ડરવેઅર કાઢીને સૂઈ જવું.

આ પણ વાંચો : ઇન્દ્રિયની સાઇઝ નાની છે અને વધારવા માટે સર્જરી કરવાથી કોઇ ઉપાય ખરો

વૃષણ મોટા થઈ ગયા છે એનું કારણ એ છે કે અંડકોષના બહારના આવરણમાં પાણી ભરાયું છે. આનાથી તમારી કામેચ્છા કે કામશક્તિમાં કોઈ સમસ્યા સર્જાવાની શક્યતા નથી. પત્ની સાથે સમાગમ કરવાથી કોઈ જ વાંધો નહીં આવે. હા, જો સમાગમમાં તમને તકલીફ પડતી હોય અથવા તો દુખાવો થતો હોય તો તરત જ હાઇડ્રોસિલનું ઑપરેશન કરાવી લેવું. સર્જરી સિવાય આનો બીજો કોઈ વિકલ્પ નથી. સર્જરી પછી પણ કોઈ તકલીફ થશે એવો ડર મનમાં રાખવાની જરૂર નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK