ગર્લફ્રેન્ડે કોઈ બીજા સાથે સેક્સ માણ્યું છે કે કેમ તે કેવી રીતે જાણી શકાય?

Published: 23rd November, 2012 06:04 IST

છેલ્લાં બે વરસથી જે છોકરી સાથે પ્રેમમાં છું તેની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં મૂંઝવણમાં મુકાયો છું. અમે શારીરિક સંબંધો પણ માણીએ છીએ.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : છેલ્લાં બે વરસથી જે છોકરી સાથે પ્રેમમાં છું તેની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં મૂંઝવણમાં મુકાયો છું. અમે શારીરિક સંબંધો પણ માણીએ છીએ. જોકે છેલ્લા ત્રણેક મહિનાથી મને શંકા છે કે તેને બીજા કોઈ પુરુષ સાથે પણ સંબંધો છે. એક વાર તેની ઑફિસમાંથી બહાર નીકળતી વખતે તે બીજા કોઈ પુરુષને કિસ કરતી હતી. તેને મારા પહેલાં પણ એક બૉયફ્રેન્ડ રહી ચૂક્યો છે. મારે જાણવું છે કે શું તેને જૂના બૉયફ્રેન્ડ સાથે પણ સંબંધો હતા કે નહીં? જો તે ઘણાબધા પુરુષો પાસે જઈ આવી હોય તો મારે આગળ વધતાં ફેરવિચારણા કરવી છે. આ માટે કોઈ ટેસ્ટ હોય છે? તે અત્યારે માત્ર મારી સાથે જ સંબંધો રાખે છે કે અન્ય કોઈ સાથે પણ એ જાણવું હોય તો કોઈ રસ્તો ખરો?

જવાબ :
સ્ત્રી કે પુરુષ કેટલા લોકો સાથે ફિઝિકલી ઍક્ટિવ છે એ વાત જાહેર કરી આપે એવી કોઈ જ પ્રકારની મેડિકલ ટેસ્ટ હજી સુધી શોધી શકાઈ નથી. આ માટે સ્ત્રી અને પુરુષે પરસ્પરના કહેવા પર જ વિશ્વાસ રાખવો રહે છે.

કેટલીક ઘટનાઓને કારણે તમારી ગર્લફ્રેન્ડ માટે શંકા ઊઠી છે ત્યારે બીજી કોઈ રીતને બદલે તેને જ ડિરેક્ટલી કેમ પૂછી નથી લેતા? શંકાઓ અને અવિશ્વાસના પાયે રચાયેલા સંબંધ ખૂબ જ ખોખલા હોય છે. પરસ્પરના ભૂતકાળને સ્વીકારવાનું ખુલ્લાપણું ન હોય તો એ સંબંધ બહુ ઝાઝો ટકતો નથી કેમ કે લગ્નજીવનનો પાયો જ વિશ્વાસ ગણાય છે. લગ્ન પહેલાં જ જો તમને શંકા જતી હોય અને તમે બન્ને સાથે બેસીને એ શંકાનું સમાધાન કરી શકો એટલું પણ ખુલ્લાપણું ન ધરાવતાં હો તો એ તો ઇમારત ચણાતાં પહેલાં જ જમીનદોસ્ત થઈ ગયા જેવી વાત છે.

બીજી વણમાગી સલાહ એ છે કે કોઈ વ્યક્તિનો ભૂતકાળ જોઈને તેની આજની સ્થિતિનું ૧૦૦ ટકા મૂલ્યાંકન ન થઈ શકે. જો તમારે સફળ લગ્નજીવન માણવું હોય તો તમારી ગર્લફ્રેન્ડને કોઈની સાથે તનના સંબંધો હતા કે નહીં એ જાણવા કરતાં તમારા બન્નેના દિલના સંબંધો કેટલા ગહેરા, સમજણભર્યા અને વિશ્વસનીય છે એ જાણવું તમારા માટે સૌથી વધુ અગત્યનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK