અમને પતિ-પત્નીને કામેચ્છા જ નથી થતી, શું કરવું?

Published: 22nd November, 2012 06:09 IST

મારી ઉંમર ૬૨ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૫૪ વર્ષની છે. પત્ની છેલ્લાં પાંચ વર્ષથી મૅનોપૉઝમાં આવી ગઈ છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૬૨ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૫૪ વર્ષની છે. પત્ની છેલ્લાં પાંચ વર્ષથી મૅનોપૉઝમાં આવી ગઈ છે. એ જ અરસામાં મેં બાયપાસ સર્જરી કરાવેલી અને એ પછી થોડોક સમય કોઈ જ પ્રકારનું થાક લાગે એવું કામ કરવાની ડૉક્ટરે ના પાડેલી. એને કારણે લગભગ વીસેક મહિના અમે સંભોગ નહોતો કર્યો. એ પછી છેલ્લાં બે વરસથી મને ડૉક્ટરે પણ સેક્સની હા પાડી હોવા છતાં જાણે ઇચ્છા જ નથી થતી. મહિનામાં એકાદ વાર ઊંઘમાં જ સ્ખલન થઈ જાય છે. ક્યારેક હું પત્ની પાસે જાઉં તો તેનો મૂડ ન હોય ને ક્યારેક મને ઉત્તેજના જ ન થાય. એવું સાંભળ્યું છે કે પાછલી ઉંમરમાં પણ રોમૅન્ટિક રહીએ અને ઍક્ટિવ સેક્સલાઇફ રાખીએ તો તન-મનથી સ્વસ્થ રહેવાય, પણ અમને તો કામેચ્છા જ નથી થતી ત્યારે શું કરવું?

જવાબ : ઇચ્છાનું એવું છે કે ક્યારેક કરવી છે એવું નક્કી કરો તો ન થાય અને એ બાબતે વિચારવાનું બંધ કરીએ તો કુદરતી રીતે જ થાય. કામેચ્છાની બાબતમાં ડૉ. પ્રકાશ કોઠારી કહેતા હોય છે કે એ બે કાન વચ્ચે હોય છે, બે પગ વચ્ચે નહીં.

કહેવાય છે કે પ્રેમ પરાણે ન થઈ શકે. એ જ રીતે કામેચ્છા પણ પરાણે ન થઈ શકે. ઉત્તેજનામાં ઓછપ હોય તો વાયેગ્રા જેવી દવાથી ઉત્તેજના વધારી શકાય, પણ મૂળત: કામેચ્છા જ ન જાગતી હોય તો એની કોઈ દવા નથી. જોકે તમારા કેસમાં તમે કહો છો કે કામેચ્છા નથી, પણ તમને પત્ની સાથે રોમૅન્ટિક પળો ગાળવાનું મન તો થાય જ છે. જોકે આ મન થયા પછી સમાગમ કરવાની ઇચ્છા થશે એવી રાહ જોતા હો કે પરાણે ઇચ્છા પેદા કરતા હો તો એ શક્ય નથી. મને લાગે છે કે તમે બન્ને ચાર-પાંચ દિવસ માટે ક્યાંક ફરવા જતાં રહો. અહીં તમારે નક્કી કરવાનું છે કે માત્ર યુવાનીના રંગીન દિવસો પાછા આવ્યા હોય એમ તમે એકમેક પ્રત્યે રોમૅન્ટિક ચેષ્ટાઓ કરશો, પણ સમાગમ નથી કરવાનો. સમાગમ કરવાનું ભારણ મનમાંથી નીકળી જશે એ પછી તમે પરસ્પરનો સાથ, સ્પર્શ અને હૂંફ માણી શકશો. હંમેશાં સમાગમ કરવો જ જરૂરી નથી, પરસ્પરના સહવાસથી સુખ-શાંતિનો અહેસાસ થતો હોય તો એ પણ સંબંધોને માણવા માટે પૂરતું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK