મારું વીર્ય પીળું દેખાય છે, શું આ નપુંસકતાની નિશાની છે?

Published: 14th November, 2011 10:10 IST

મારી ઉંમર ૩૭ વર્ષ છે. લગ્નને તેર વરસ થયાં છે, બે બાળકો છે અને એકંદરે સુખી છીએ. મારું વીર્ય હંમેશાં સફેદ રંગનું જ નીકળતું હતું, પરંતુ છેલ્લાં બે વરસથી એ થોડુંક પીળાશ પડતું થઈ ગયું હતું. એની માત્રા પણ ઘટી ગઈ હતી. એ વાતને મેં નૉર્મલ એજિંગ પ્રોસેસ સમજી લીધી હતી એટલે ખાસ ચિંતા નહોતી.(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. લગ્નને તેર વરસ થયાં છે, બે બાળકો છે અને એકંદરે સુખી છીએ. મારું વીર્ય હંમેશાં સફેદ રંગનું જ નીકળતું હતું, પરંતુ છેલ્લાં બે વરસથી એ થોડુંક પીળાશ પડતું થઈ ગયું હતું. એની માત્રા પણ ઘટી ગઈ હતી. એ વાતને મેં નૉર્મલ એજિંગ પ્રોસેસ સમજી લીધી હતી એટલે ખાસ ચિંતા નહોતી. જોકે હમણાં-હમણાંથી સમાગમની ફ્રીક્વન્સી અનિયમિત થઈ ગઈ છે. ક્યારેક મારા વીર્યનો રંગ સફેદ થઈ ગયો હોય એવું લાગે છે તો ક્યારેક પહેલાંની જેમ પીળું અને થોડું વીર્ય દેખાય છે. જે વખતે પીળું વીર્ય નીકળે છે એ પછી મને વધુ થાક લાગે છે ને એ પછી એક-બે દિવસ સુધી સમાગમ કરી શકાય એટલી ઉત્તેજના નથી આવતી. શું આ નપુંસકતાની નિશાની? મારે વીર્યની ક્વૉન્ટિટી જાળવી રાખવી હોય તો શું કરવું?

જવાબ : તમે એકદમ નૉર્મલ છો. બસ ખાલી આટલુંબધું ક્લોઝલી વીર્યના રંગને માપવાનું બંધ કરી દેશો તો બધી જ સમસ્યાઓ ગાયબ થઈ જશે. વીર્ય પીળાશ પડતું હોય કે સફેદ, એનું કામ શુક્રાણુઓનું વહન કરવાનું છે. તમારે સંતાનો છે ને હવે તમે પ્રજોત્પત્તિની ચિંતા નથી ત્યારે વીર્યની ક્વૉન્ટિટી એટલી અગત્યની નથી. ઉંમરને કારણે એના રંગરૂપ, ઘટ્ટતામાં ફરક આવે એ સ્વાભાવિક છે. વીર્ય ઓછું કે જુદા રંગનું નીકળવાથી નપુંસકતા આવે એવું નથી.

કેટલીક વાર બે સમાગમ વચ્ચેનો સમય ઓછો હોય ત્યારે પણ વીર્યના રંગ અને ઘટ્ટતામાં ફરક આવે છે. અમુક ઉંમર પછી વ્યક્તિ એક વાર સમાગમ કર્યા પછી એક-બે દિવસ સુધી ફરી સમાગમ કરવા સક્ષમ ન થઈ શકે એ પણ એટલું જ સ્વાભાવિક છે. તમારા સ્વાભાવિક લક્ષણોને તમે વધુ ઝીણવટપૂર્વક ઑબ્ઝર્વ કર્યા કરો છો એને કારણે માનસિક રીતે તમને સમસ્યાઓની ભીતિ રહ્યા કરે છે.

આપણું શરીર સાત ધાતુઓનું બનેલું છે. એમાં શુક્ર ધાતુ સૌથી છેલ્લે બને છે. ખોરાકનું પાચન બરાબર થાય તો એમાંથી પોષક તત્વો છૂટાં પડે છે અને આહારરસનું પોષણ થાય છે. પહેલાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને પછી શુક્ર ધાતુનું પોષણ થાય છે. આયુર્વેદ અનુસાર શુક્રધાતુવર્ધક ખોરાક લેવાથી ફાયદો થઈ શકે છે. એ માટે દૂધ, ઘી, ખીર, અડદની દાળ જેવી ચીજો આહારમાં વધુ લઈ શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK