મારી પત્ની સેક્સ નથી કરવા દેતી, તેનું બીજે ચક્કર ચાલતુ લાગે છે, હવે હું શું કરું?

Published: 13th October, 2014 05:36 IST

મારાં લગ્નને નવ મહિના થયા છે. મારી ઉંમર ૨૭ વર્ષ અને વાઇફની ૨૩ વર્ષ છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને નવ મહિના થયા છે. મારી ઉંમર ૨૭ વર્ષ અને વાઇફની ૨૩ વર્ષ છે. શરૂઆતમાં મને લાગતું હતું કે મારી વાઇફ ખૂબ જ કહ્યાગરી અને મને પ્રેમ કરનારી છે, પણ લગ્ન પછીના ત્રીજા જ મહિને તેણે પોતાની મનમાની શરૂ કરી દીધી હતી. છેલ્લા મહિનામાં અમે માંડ એક વાર સમાગમ કર્યો હશે, એ પણ તેને મન હતું એટલે. બાકી હું જ્યારે પણ તેને નજીક લેવાની કોશિશ કરું છું ત્યારે તે મારા પર ભડકી જ ઊઠે છે. હવે તો મને શંકા થાય છે કે તેને બીજે ક્યાંક ચક્કર ચાલે છે. લગ્ન કર્યાં હોય તો પતિને સંતોષ આપવો જોઈએ એવું તેને સમજાતું નથી. ઊલટાનું જ્યારે પણ અમે સમાગમ કરીએ ત્યારે બીજા દિવસે સવારે તે ગર્ભ ન રહે એની ગોળી લઈ લે છે. મારાં ઘરનાંઓ સારા સમાચારની રાહ જુએ છે ને તેને હમણાં બાળક જોઈતું જ નથી. હું લગ્ન પહેલાં પણ બહાર જતો હતો અને હવે પણ બહારની સ્ત્રી પાસે જઈશ એવું કહેવા છતાં મારી પત્ની તૈયાર નથી થતી. શું કરવું એ જ સમજાતું નથી.

જવાબ : સેક્સ માગવાની નહીં, માણવાની બાબત છે. લગ્ન થાય એટલે પત્નીએ પતિને સંતોષ આપવો જ જોઈએ એવી જુનવાણી માનસિકતાથી કોઈનો ઉદ્ધાર નથી થતો. એ જમાનો ગયો કે જેમાં લગ્નને સેક્સનું લાઇસન્સ માનવામાં આવતું હતું.

સેક્સ માટે ગુજરાતીમાં સંભોગ શબ્દ વપરાયો છે. મતલબ કે સમ-ભોગ. પતિ-પત્ની બન્ને સરખો આનંદ માણી શકે એવી ક્રિયા એટલે સંભોગ.

તમારા કિસ્સામાં તમે પત્ની પાસેથી સુખ માગો છો, પણ તેને શું અને કેમ તકલીફ છે એ સમજવા તૈયાર નથી. પત્ની સાથ ન આપતી હોય ત્યારે હંમેશાં પત્નીનો જ વાંક હોય એવું જરૂરી નથી. નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે પહેલાં પરસ્પર માટે વિશ્વાસ અને આદરભાવ કેળવાય એ જરૂરી છે. સહજીવનનો પાયો મજબૂત થયા વિના તમે સેક્સની ડિમાન્ડ કરો અને ડિમાન્ડ ન પૂરી થાય તો શંકા કરો એ તમારા તરફથી જરાય યોગ્ય પગલું નથી. શંકા કરવાથી તો તમારી પત્નીનું દિલ વધુ દુભાશે અને તેને ઇન્ટિમસી માટેનું મન થતું હશે તોય તે પાછી પડશે.

બીજું, જ્યાં તમારા સંબંધોમાં મનમેળ નથી ત્યારે બાળક માટેની ઉતાવળ કરવામાં આવે છે એ પણ યોગ્ય નથી. બાળક ક્યારે કરવું એનો નિર્ણય પતિ-પત્ની બન્નેએ સાથે મળીને કરવો જોઈએ. જો તમારી પત્ની તૈયાર ન હોય તો તેને થોડોક સમય આપો. બાળક આવી જવાથી બધું સારું થઈ જશે એવી ધારણા મોટા ભાગે વધુ ઉલઝનો ઊભી કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK