છોકરાને ગર્લફ્રેન્ડના લફરાથી કઈ રીતે દૂર રાખવો?

Published: 5th November, 2012 06:39 IST

મારો દીકરો ૨૧ વર્ષનો છે ને અત્યારે સીએનું ભણી રહ્યો છે. અમે તેને પેટે પાટા બાંધીને ભણાવીએ છીએ.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારો દીકરો ૨૧ વર્ષનો છે ને અત્યારે સીએનું ભણી રહ્યો છે. અમે તેને પેટે પાટા બાંધીને ભણાવીએ છીએ. પહેલાં કરતાં તેનું બિહેવિયર બદલાયેલું લાગે છે. તેની એક ગર્લફ્રેન્ડ સાથે તેને સંબંધો હશે એવી શક્યતાઓ જણાય છે, કેમ કે એકાદ વાર તેના ચોપડાની બૅગમાંથી વપરાયેલું કૉન્ડોમ મળી આવેલું. હજી તે કુંવારો છે, પણ ભણવાનું ચાલી રહ્યું છે ત્યારે આમ આડે પાટે ચડી જાય એ તો ઠીક નથી. કહેવાય છે કે ભણતર દરમ્યાન બ્રહ્મચર્ય પાળવું જોઈએ, નહીંતર વિદ્યા ન ચડે. એવી વાતોને કદાચ ન માનીએ તોય સેક્સના કૂંડાળામાં પડી ગયા પછી છોકરાઓનું ભણતરમાં મન નથી રહેતું. તેને આ બધી બાબતોથી દૂર કઈ રીતે રાખવો?

જવાબ : એકવીસ વરસની ઉંમર એટલે આજની વ્યાખ્યા પ્રમાણે તો ભરજુવાની કહેવાય. આ સમયે કુદરતી રીતે જ થતા હૉમોર્નલ ચેન્જિસને કારણે માત્ર સેક્સ જ નહીં, સેક્સને લગતી કલ્પનામાત્ર પણ ઉત્તેજિત કરી દેતી હોય છે. સેક્સથી વિદ્યા ચડે નહીં એ વાત વાહિયાત છે. ઘણી વાર સેક્સથી વંચિત રહેતી વ્યક્તિ તેની કલ્પનાઓમાં જ રાચીને ખરેખર પોતાનું ભણતર, કારકિર્દી અને જીવન બધું જ ઠેબે ચડાવી દે એવું બનતું હોય છે.

કુદરતી રીતે શરીરમાં આવતાં પરિવર્તનોને પુખ્ત વ્યક્તિ રિસ્પૉન્ડ કરતી હોય ત્યારે તેને એમ કરતી બંધ કેવી રીતે કરવી એમ વિચારવાને બદલે તેને આ બાબતની સાચી સમજણ આપવી જરૂરી છે. તે કૉન્ડોમ વાપરે છે એ રાહતની બાબત છે. આવા સંજોગોમાં જો તમે સેક્સ બાબતે કોઈ પ્રકારની રોક લગાવવાની કોશિશ કરશો તો વાત વધુ બગડી શકે. હવે દીકરો પુખ્ત વયનો થઈ ચૂક્યો છે એટલે તેના પર કોઈ પાબંદી લગાવવાને બદલે તે ભણવામાં પણ ધ્યાન આપે છે કે નહીં એ ચકાસો. મિત્ર બનીને જ તેની સાથે વાત કરો. વાત-વાતમાં જ લગ્ન પહેલાંનું સેક્સ યોગ્ય નથી એવો સંદેશો આપો. બને કે તે સાનમાં સમજી જાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK