હસ્તમૈથુનને કારણે પ્રોસ્ટેટની દવા લેવા છતાં ફરક નથી પડતો, શું એ વાત સાચી છે?

Published: 3rd December, 2012 08:32 IST

મગજ વિચારોના ચગડોળે ન ચડે અને શાંતિથી ઊંઘ આવે એ માટે શું કરવું? પેટ સાફ આવવામાં પણ તકલીફ છે. મારા મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુનને કારણે પ્રોસ્ટેટની દવા લેવા છતાં ફરક નથી પડતો. શું એ વાત સાચી છે?
(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૬૮ વર્ષ છે. છેલ્લાં સાત વરસથી પ્રોસ્ટેટ વધવાની તકલીફ છે. હજી ઑપરેશન નથી કરાવ્યું. રાતે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડતું હોવાથી અને પછી વિચારોને કારણે ઊંઘ નથી આવતી. ક્યારેક ટાઇમપાસ માટે હસ્તમૈથુન કરી લઉં છું. જોકે એમ કર્યા પછી બહુ બેચેની થાય છે. ડૉક્ટરની દવા લઉં છું, પણ પ્રોસ્ટેટમાં કોઈ રાહત નથી. પત્ની ન હોવાથી એકલવાયાપણું લાગે છે અને એટલે ખરાબ લાગતું હોવા છતાં હસ્તમૈથુન થઈ જાય છે. મગજ વિચારોના ચગડોળે ન ચડે અને શાંતિથી ઊંઘ આવે એ માટે શું કરવું? પેટ સાફ આવવામાં પણ તકલીફ છે. મારા મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુનને કારણે પ્રોસ્ટેટની દવા લેવા છતાં ફરક નથી પડતો. શું એ વાત સાચી છે?

જવાબ : અત્યાર સુધી થયેલા સેંકડો અભ્યાસોમાં એવું ક્યાંય સાબિત નથી થયું કે પ્રોસ્ટેટની તકલીફ હોય તો હસ્તમૈથુન ન કરાય. એમ કરવાથી કોઈ જ નુકસાન થયાનું પણ હજી સુધી જોવા નથી મળ્યું. હા, કેટલાક વિજ્ઞાનીઓએ હસ્તમૈથુન કરવાથી પ્રોસ્ટેટનું કન્જેશન ઓછું થવાને કારણે ઊલટાનો ફાયદો થઈ શકે છે એવું જરૂર કહ્યું છે. માટે કોઈ જ ફિકર રાખ્યા વિના તમે હસ્તમૈથુન કરી શકો છો. તમે સંતોષ નહીં મેળવો તો મગજમાં વિચારો ચકરાવો લીધા કરશે, અને જ્યાં સુધી આ બાબતે મનમાં ખોટી માન્યતા હશે તો હસ્તમૈથુન કર્યા પછી એના ગિલ્ટને કારણે વિચારો આવ્યા કરશે. કોઈ પણ ઉંમરે વૃત્તિઓ સંતોષવા માટે હસ્તમૈથુન એ સેફ અને સાચો વિકલ્પ છે એટલે મનમાં કોઈ જ ભારણ ન રાખો.

આ ઉંમરે વિચારવાયુની સહજ તકલીફ હોય તો રોજ સવારે અને સાંજે નાકમાં ગાયના ઘીનાં પાંચ-પાંચ ટીપાં બન્ને નસકોરાંમાં નાખવાનું રાખો. રાતે સૂતાં પહેલાં ગરમ હૂંફાળા દૂધમાં બે ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી પણ સારું લાગશે.

એક વણમાગી સલાહ. પ્રોસ્ટેટની તકલીફ વધુ વકરે નહીં એ માટે સ્પેશ્યલિસ્ટની સલાહ મુજબ દવા ચાલુ રાખવી. આયુર્વેદમાં પ્રોસ્ટેટોન નામની દવા છે એ પણ લઈ શકો છો. વર્ષે એકાદ વાર સોનોગ્રાફી અને પીએસએ એટલે કે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજનનો રર્પિોટ કઢાવતા રહેવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK