મારા પતિ પિરિયડ્સ દરમિયાન પણ સેક્સ કરે છે, શું તે યોગ્ય કહેવાય?

Published: Jul 03, 2017, 06:18 IST

મારા હસબન્ડને પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમે ક્યારેક માસિક દરમ્યાન ઇન્ટિમસી માણીએ પણ છીએ.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારા હસબન્ડને પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવાની ઇચ્છા થાય છે. અમે ક્યારેક માસિક દરમ્યાન ઇન્ટિમસી માણીએ પણ છીએ. જોકે મેં જોયું છે કે સમાગમ પછી મને ખૂબબધું બ્લીડિંગ થાય છે. અલબત્ત, દિવસો ટૂંકાઈ જાય છે. જેમ કે સામાન્ય રીતે ચાર દિવસ માસિક આવતું હોય તો એને બદલે ત્રણ જ દિવસ આવે. શું આ ઍબ્નૉર્મલ કહેવાય? પિરિયડ્સ દરમ્યાન સમાગમને કારણે ફર્ટિલિટી પર અસર તો નહીં પડેને? શું આવું કરવું સેફ છે?

જવાબ : ઘણી વાર પિરિયડસ દરમ્યાન સમાગમ કરવાથી થોડુંક બ્લીડિંગ વધારે થાય છે. જોકે એનાથી ગભરાવા જેવું નથી. એનાથી આંતરિક અવયવોને કોઈ જ પ્રકારનું ડૅમેજ થતું નથી. એવું જોવા મળ્યું છે કે સમાગમ દરમ્યાન વધુ બ્લીડિંગ થઈ જાય તો ઓવરઑલ બ્લીડિંગનો સમય ઓછો થઈ જાય છે.

જો બન્ને પક્ષની સંમતિ હોય તો પિરિયડ્સ દરમ્યાન સમાગમ કરવો સુરક્ષિત છે. ખાસ કરીને સ્ત્રીની તૈયારી હોવી ખૂબ જરૂરી છે. કેટલીક સ્ત્રીઓને માસિક દરમ્યાન વધુ પીડા થતી હોવાને કારણે કે પછી સંકોચને કારણે સમાગમ કરવાનું ગમતું નથી હોતું તો ઘણાં યુગલોને માસિક દરમ્યાન સમાગમ કરવામાં વધુ આનંદ આવતો હોય છે. એનું કારણ કદાચ એ છે કે પિરિયડ્સ દરમ્યાન યોનિમાર્ગમાં વધુ ભીનાશ-ચીકાશ હોય છે એટલે સંભોગ કરવામાં સરળતા રહે છે. બીજું, આ સમય દરમ્યાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સિસ નહીંવત્ હોય છે. આ કારણે તેઓ ચિંતામુક્ત થઈને સેક્સ માણી શકે છે.

જોકે માસિક દરમ્યાન અને એ પછી પણ સ્ત્રીએ એ ભાગની યોગ્ય ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. હાઇજીનની જાણ જો સ્ત્રીને પૂરતી ન હોય તો પુરુષને ઇન્ફેક્શન થવાની અને યુરિનમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. એટલે આ સમય દરમ્યાન હંમેશાં કૉન્ડોમ પહેરીને સમાગમ કરવો હિતાવહ છે.

સેક્સ દરમ્યાન એન્ડોર્ફિન અને એડ્રિનાલિન હૉર્મોન્સ રિલીઝ થાય છે. એ એક પેઇનકિલરનું કામ પણ કરે છે. જો સ્ત્રીને પૂરતો સંતોષ થયો હોય તો પિરિયડસ દરમ્યાન થતા કમર, પેડુ અને પગના દુખાવામાં રાહત મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK