HIV પૉઝિટિવ સાથી જોડે સેક્સ માણવું કે ઓરલ સેક્સ જ કરવું?

Published: 1st December, 2014 05:41 IST

મારી ઉંમર ૩૩ વર્ષ છે અને હું HIV પૉઝિટિવ છું. આર્થિક રીતે મારી હાલત ઠીકઠાક છે, પણ તનની બીમારીથી ભાંગી પડ્યો છું.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૩ વર્ષ છે અને હું HIV પૉઝિટિવ છું. આર્થિક રીતે મારી હાલત ઠીકઠાક છે, પણ તનની બીમારીથી ભાંગી પડ્યો છું. એક સિવિલ હૉસ્પિટલમાં મારી સારવાર ચાલે છે, પણ ઘરમાં કોઈને કહ્યું નથી. કૉલગર્લ પાસે જવાની મારી આદતને કારણે જ આ ચેપ લાગુ પડ્યો છે એટલે કશું કહી શકું એમ પણ નથી. પરિવાર ગામમાં રહે છે એટલે લગ્નની વાતો જેમતેમ ગલ્લાંતલ્લાં કરીને ટાળ્યા કરું છું. જીવનના કપરા દિવસોમાં ખરેખર સાચા સાથીની ખોટ સાલે છે. હું જ્યાં દવા લેવા જાઉં છું ત્યાં બીજી એક યુવતી પણ મારા જેવી જ બીમારી માટે દવા લેવા આવે છે. તેને પણ ઘરના લોકોએ તરછોડી દીધી છે. મારા ઘરના લોકોને તો ખબર જ નથી. તે પૈસાની મજબૂરી માટે થઈને એક-બે વાર ખોટા પુરુષ પાસે જઈ આવેલી જેને કારણે HIVનો ભોગ બની ગઈ છે. તે મારાથી બે વર્ષ મોટી છે. અમે વિચારી રહ્યાં છીએ કે લગ્ન કરીને સાથે જીવન ગાળીએ. મારે જાણવું છે કે શું અમે લગ્ન કરી શકીએ? અમે જાતીય સંબંધ રાખી શકીએ કે પછી અમારે એકમેકને ઓરલ સેક્સ કરી આપવા સુધી જ સીમિત રહેવું પડે?

જવાબ : સરખું દુખ ધરાવતી બે વ્યક્તિઓ એકમેકની ખૂબ સારી દોસ્ત બની શકે છે. એમાં પણ જ્યારે તમે બન્નેએ એકમેકથી પોતાનો ભૂતકાળ છુપાવ્યો નથી અને છતાં એકમેક માટે લાગણી છે ત્યારે લગ્ન કરીને પરસ્પરનો સહારો બનવાનું પગલું ઘણું સારું બની શકે છે.

બે HIV પૉઝિટિવ વ્યક્તિના જાતીય સંબંધો સ્વસ્થ હોઈ શકે છે. જોકે બન્નેને ચેપ છે એટલે કૉન્ડોમ નહીં વાપરીએ તો ચાલશે એવું ધારી લેવું ખોટું ગણાશે. એક વાત સદા યાદ રાખવી કે સંભોગ દરમ્યાન હંમેશાં કૉન્ડોમ વાપરવું. ચેપ ધરાવતી બે વ્યક્તિઓ અનપ્રોટેક્ટેડ સેક્સમાં રાચે તો ઘણી વાર એકબીજામાં વાઇરસનો લોડ વધવાની શક્યતા રહે છે. ઓરલ સેક્સ દરમ્યાન પણ કાળજી રાખવી જરૂરી છે કે કોઈના મોંમાં છાલાં કે ચીરા પડ્યા ન હોય અને પ્રાઇવેટ પાર્ટ પર કોઈ ઘા કે ખુલ્લો જખમ ન હોય.

હવે તો મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે ઇન્ફેક્ટેડ કપલ પણ ચેપ વિનાનું સ્વસ્થ બાળક મેળવી શકે છે. જોકે એ માટે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં અને દરમ્યાન એક્સપર્ટની નિગરાનીની જરૂર રહે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK