નૅચરલ પ્રેગ્નન્સી માટે અમારે કેટલો સમય રાહ જોવી જોઈએ?

Published: 31st July, 2020 22:43 IST | Dr.Ravi Kothari | Mumbai

લગ્ન થઈ ગયાં છે અને અમે બાળક માટે પ્લાનિંગ પર કરીએ છીએ તોય સફળતા નથી મળતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૨૭ વર્ષ છે. લવમૅરેજને બે વર્ષ થયાં છે. અમારો કોર્ટશિપ પિરિયડ ચાલતો હતો ત્યારે એક વાર ભૂલથી પ્રેગ્નન્સી રહી જતાં અમારે એ અબૉર્ટ કરવી પડેલી. માસિકની તારીખને પંદરેક દિવસ ઉપર ગયા ત્યારે હોમ પ્રેગ્નન્સી કિટથી ખબર પડેલી અને એ વખતે અમે અબોર્શન કરી લેવા માટે ઓરલ ગોળીઓ લીધી હતી. ગોળીઓ લઈને જાતે જ ઘરે ગર્ભ પાડી દીધેલો. એ પછી લગભગ દસ દિવસ બ્લીડિંગ થયેલું. સમસ્યા એ છે કે આ ઘટના પછી માસિક નિયમિત થવામાં થોડીક વાર લાગી હતી. અલબત્ત, એ પછી જ્યારે પણ મને માસિક આવે છે ત્યારે ખૂબ ઓછું બ્લીડિંગ થાય છે. અનિયમિતતા પણ વધી ગઈ છે. હવે તો લગ્ન થઈ ગયાં છે અને અમે બાળક માટે પ્લાનિંગ પર કરીએ છીએ તોય સફળતા નથી મળતી. પહેલા અબોર્શનની અસર હશે? કે પછી માસિકની અનિયમિતતાને કારણે કન્સીવ થવામાં તકલીફ હશે? નૅચરલ પ્રેગ્નન્સી માટે અમારે કેટલો સમય રાહ જોવી જોઈએ?
જવાબ- સૌથી પહેલી વાત એ કે ગર્ભપાત માટેની ઓરલ ગોળીઓ તમે જાતે લીધેલી કે ડૉક્ટરને કન્સલ્ટ કરીને? બાળકનું પ્લાનિંગ બાકી હોય ત્યારે એમ જ ઓરલ પિલ્સ લઈને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાનો પ્રયોગ કદી કરવો ન જોઈએ. પિલ્સ લઈને ગર્ભપાત કરવાની રીત ક્યારેક જોખમી નીવડે છે. ઘણી યંગ છોકરીઓ અબૉર્શનની ગોળી લઈને ગર્ભ પાડી દે છે, પણ ગર્ભાશય પૂરેપૂરું સાફ નથી થતું. એને કારણે ગર્ભાશયમાં કચરો જમા થયેલો રહે છે અને આખરે અંદર ગરબડ પેદા થાય છે. તમારા માસિકમાં અનિયમિતતા આવી છે એ બતાવે છે કે માસિકચક્રમાં કંઈક તો ગરબડ છે જ. ગર્ભપાત પછી ગર્ભાશયની સંપૂર્ણ સફાઈ ન થાય તો ક્યારેક ઇન્ફેક્શન અંદર ને અંદર વધતું જાય એવું પણ બની શકે.
આપમેળે પ્રેગ્નન્સી રહી જશે એની રાહ જોયા કરવાને બદલે તમારે તરત જ ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. માસિકની અનિયમિતતા પણ કારણભૂત તો છે જ, પણ ગર્ભાશયની સ્થિતિ જાણવા માટે પણ સોનોગ્રાફી મદદરૂપ રહેશે. જરૂર પડ્યે હૉર્મોન્સની ટેસ્ટ પણ કરાવવી પડે. સાથે જ પતિના વીર્યની તપાસ પણ કરાવી લો. એમ જ રાહ જોયા કરવાનો કોઈ મતલબ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK