Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યોગ અને વૅરિકોઝ વેઇન્સ

યોગ અને વૅરિકોઝ વેઇન્સ

27 August, 2020 11:30 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગ અને વૅરિકોઝ વેઇન્સ

આ સ્થિતિમાં મળશે રાહત

આ સ્થિતિમાં મળશે રાહત


અશુદ્ધ લોહી લઈ જતી પગની રક્તવાહિનીઓમાં કોઈ પણ કારણસર રક્ત પરિભ્રમણ અટકી પડે અને પગની એ નસોમાં લોહીનો ભરાવો થવા માંડે, ક્યારેક એ નસ ફાટી પણ જાય જેને વૅરિકોઝ વેઇન કહે છે. એને કારણે ઉદ્ભવતાં ઢગલાબંધ પીડાદાયી લક્ષણો યોગના આસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા કન્ટ્રોલમાં લાવી શકાય? 

એક યુવાનના વાસ્તવિક કેસ-સ્ટડીથી વાતની શરૂઆત કરીએ. લગભગ વીસેક વર્ષની ઉંમર હશે અને ફુટબૉલની ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તે લગભગ ત્રણેક વર્ષથી પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. જોકે એ સમયે તેના પગમાં વૅરિકોઝ વેઇનને કારણે પગની પિંડીઓના ભાગમાં સોજા આવવા શરૂ થયા હતા. ઘૂંટણના પાછળના ભાગથી પગની એડી સુધી સૂઝેલી નસો દેખાઈ રહી હતી અને હવે ધીમે-ધીમે દુખાવો પણ શરૂ થયો હતો. પગ ઉપાડતો હોય તો તેને લાગે કે પચાસ કિલોનું વજન પગમાં બાંધેલું છે. પગમાં ઘૂંટણથી નીચેના ભાગમાં કાળાશ છવાઈ ગઈ હતી. મેડિકલની ઘણી ટ્રીટમેન્ટ તેણે કરાવી હતી, પરંતુ ટેમ્પરરી રાહત રહે અને પાછી તકલીફ વધી જાય. કબજિયાત, બેઠાડુ જીવન, ચિંતા અને અનહેલ્ધી ખોરાક જેવાં કારણોને લીધે આ સમસ્યા ઉદ્ભવી હતી. ડૉક્ટરના સજેશનથી રાહત માટે યોગ શરૂ કર્યા. હેલ્ધી ડાયટ, લાઇફ-સ્ટાઇલમાં બદલાવ અને યોગિક પ્રૅક્ટિસ છેલ્લાં બે વર્ષથી તે કરે છે. દુખાવામાં ૭૦થી ૮૦ ટકા ફરક છે. ખૂબ જ હેવી કસરત કરે ત્યારે ફરી નસોમાં સોજો દેખાય છે, પરંતુ એની તીવ્રતામાં પણ ૫૦ ટકા જેટલો લાભ છે.
આયુર્વેદિક ડૉક્ટર અને યોગ થેરપિસ્ટ ડૉ. નૂતન પાખરે પાસે આવેલો આ કેસ છે. દર સોમાંથી વીસ લોકોને ઉંમરના કોઈ પણ તબક્કામાં વૅરિકોઝ વેઇન થવાની સંભાવના હોય છે. શરૂઆતમાં માઇલ્ડ લક્ષણો દેખાય છે, પરંતુ જેમ સ્થિતિ બગડતી જાય તેમ એનાં લક્ષણો વધુ સિવિયર અને પીડાદાયી બનતાં જતાં હોય છે. એનાં કારણો વિશે વૅરિકોઝ વેઇન સ્પેશ્યલિસ્ટ ડૉ. હિમાંશુ શાહ કહે છે, ‘વૅરિકોઝ વેઇનમાં પગ તરફથી ડિઑક્સિજિનેટેડ બ્લડ લઈ જતી પગની નસમાં અશુદ્ધ લોહીનો ભરાવો થવાને કારણે સમસ્યા ઉદ્ભવતી હોય છે. લોહીને પગના નીચેના ભાગથી ઉપર તરફ લઈ જવા માટે અને એ લોહી ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાઈને પાછું નીચે ન આવી જાય એ માટે વચ્ચે-વચ્ચે વાલ્વ હોય છે. જોકે આ વાલ્વ નબળા પડી જવાને કારણે અથવા તો એમાં કોઈ ખરાબી આવી જાય ત્યારે એ રક્તને રોકી શકતા નથી અને એમાંથી ડિઑક્સિજિનેટેડ બ્લડનું નીચે તરફ લિકેજ થવા માંડે છે. નસમાં એનો ભરાવો થવાથી એ ફુલાય અને ક્યારેક ફાટી જાય. મોટે ભાગે લાંબા કલાકો સુધી ઊભા રહેતા હોય, ઓબેસિટી હોય, હેરિડિટી હોય એ કારણે પણ થઈ શકે છે. સોમાંથી દસ મહિલાઓને ડિલિવરી બાદ વૅરિકોઝ વેઇનની સમસ્યા થતી હોય છે જેમાં પગમાં હેવીનેસ લાગવી, ક્રૅમ્પ્સ આવવા, દુખાવો થવો, સોજા આવવા, થાક લાગવો, વીકનેસ આવવી જેવાં લક્ષણો દેખાતાં હોય છે. જોકે શરૂઆતના તબક્કામાં પ્રૉબ્લેમ હોય તો યોગ, કસરત વગેરેથી પગના કાફ મસલ્સની સ્ટ્રેંગ્થ વધે છે. એ હિસ્સામાં બ્લડ-સર્ક્યુલેશન બહેતર બને છે અને વૅરિકોઝ વેઇનના પ્રૉબ્લેમને કન્ટ્રોલમાં લઈ શકાય છે. રનિંગ, વૉકિંગ, સાઇક્લિંગ, સૂઈને હવામાં પગથી સાઇક્લિંગ જેવી કસરતો વૅરિકોઝ વેઇનમાં ખૂબ લાભ કરે છે જે તમારા પગના સ્નાયુઓમાં બ્લડનું પમ્પિંગ વધારે છે.’
લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ
મહિલાઓ ઉપરાંત વૅરિકોઝ વેઇન મિડલ એજ અને મોટી ઉંમરના લોકોમાં વધુ જોવા મળતું હતું. જોકે હવે યુવાનોમાં પણ એનાં લક્ષણો વધ્યાં છે. એનું કારણ આપતાં ડૉ. નૂતન પાખરે કહે છે, ‘બેઠાડુ જીવન, વધુ સમય સુધી ઊભા રહેવું અને સ્ટ્રેસ એનાં કારણો છે. સ્ટ્રેસ આપણા બ્લડ-સર્ક્યુલેશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે એક વાત સમજવાની જરૂર છે કે આપણું શરીર એક સિંગલ યુનિટ છે. તમામ ઍક્ટિવિટીની અન્ય તમામ સિસ્ટમ પર અસર થાય છે. એવા અઢળક કેસ મેં જોયા છે જ્યાં યોગિક આસનો, પ્રાણાયામ અને સ્ટ્રેસ રિલીવિંગ મેડિટેશનને કારણે ૭૦થી નેવું ટકામાં કન્ડિશનમાં ફરક પડ્યો હોય. સો ટકા ફરક પડ્યો હોય એવા કિસ્સા પણ મારી પાસે છે. તમારી એન્ડોક્રાઇન અને નર્વસ સિસ્ટમ ઇફેક્ટિવ રીતે કામ કરતી હોય તો તમારું મેટાબોલિઝમ સુધરે અને એનાથી બ્લડ-સર્ક્યુલેશન બહેતર બને, બ્લડ-સર્ક્યુલેશન સુધરે એટલે વૅરિકોઝ વેઇનમાં આરામ થાય જ.’
બીજા એક કેસ વિશે વાત કરતાં ડૉ. નૂતન કહે છે, ‘એક ઓગણત્રીસ વર્ષની યુવતી મારી પાસે આવી. તેને બીજું બાળક કરવું હતું, પરંતુ ડૉક્ટરે તેને સિવિયર વૅરિકોઝ વેઇનને લીધે પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન ઊભાં થઈ શકે છે એમ જણાવીને ના પાડી હતી. જોકે તેની ઇચ્છા અને પરિવારનો પણ આગ્રહ હતો એટલે ગમે તે રીતે તે વૅરિકોઝ વેઇન્સથી છુટકારો પામવા માગતી હતી. એક મહિના પહેલાં જ તેનું અબૉર્શન કરવું પડ્યું હતું. ડાબા પગમાં તેને ભયંકર દુખાવો હતો. એનર્જી અને સ્ટૅમિના નહોતાં. હાઇપર ઍસિડિટી, ગેસ, સ્ટ્રેસ, ઇરિટેશન, એંગર, લો સ્ટેમિના, અપૂરતી ઊંઘ જેવા ઘણા પ્રૉબ્લેમ તે ફેસ કરી રહી હતી. તે આમ પાતળી હતી, પરંતુ તેની લોઅર બૉડીનું વજન અપર બૉડી કરતાં વધારે હતું, જેને કારણે તેને વૅરિકોઝ વેઇનની સમસ્યા વધી રહી હતી. બે મહિનાનો યોગનો હોલિસ્ટિક પ્લાન ફૉલો કર્યા પછી તેની ઍસિડિટી ઘટી હતી, પગનો દુખાવો તો દૂર થયો જ હતો પરંતુ નસોમાં આવેલો સોજો સંપૂર્ણ ગાયબ થઈ ગયો હતો. ઊંઘ સુધરી હતી, ઇરિટેશન અને ગુસ્સો ઓછાં થયાં હતાં. વીકનેસ ઓછી થઈ હતી. યોગનાં આસનો સાથે તેના મનમાં બાળકને લઈને ઊભી થયેલી ઍન્ગ્ઝાયટીને અમે દૂર કરવાની કોશિશ કરી હતી. સ્ટ્રેસ ઓછું થવાથી તેની પરિસ્થિતિ સુધરી હતી. યોગ આમ ઓવરઑલ લાભ કરે છે. એનાં પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને લક્ષણોનો ઇલાજ કરે છે. બધા જ કેસ સંપૂર્ણ ક્યૉર્ડ થઈ જાય છે એવો દાવો નહીં કરું.પરંતુ ખૂબ જ નોંધનીય સુધાર તો દરેક કેસમાં ચોક્કસ આવે જ છે.’



યોગથી કેવી રીતે થાય છે વૅરિકોઝ વેઇન્સનો ઇલાજ?
આસન- રાતે સૂતી વખતે દીવાલનો અથવા અન્ય કોઈ હાઇટ હોય એવી વસ્તુનો સપોર્ટ લઈને પગ તમારા શરીરના અન્ય હિસ્સાથી સહેજ ઊંચા રહે એ રીતે રાખવા જેનાથી નીચેથી ઉપરની તરફ રક્ત પરિભ્રમણ વધશે. પવનમુક્તાસન, હલાસન, સેતુબંધાસન, ધનુરાસન, ભુજંગાસન, શલભાસન, મકરાસન, વક્રાસન, પર્વતાસન, સિંહ મુદ્રા, તાડાસન વગેરે કરી શકાય છે.
પ્રાણાયામ- સંતુલન લાવતા અનુલોમ-વિલોમ પ્રાણાયામ, ભ્રામરી, ચંદ્રભેદન, શીતકારી અને ઉજ્જયી પ્રાણાયામ મદદ કરશે.
ચૅન્ટિંગ અને મેડિટેશન- ઓમકાર ચૅન્ટિંગથી ખાસ તમારી નર્વસ સિસ્ટમ અને શરીરની અન્ય સિસ્ટમને સૂધિંગ અને કામિંગ ઇફેક્ટ મળે છે. તમારું મન શાંત થાય છે, મનનાં ઉદ્વેગો, ચિંતા શમી જાય છે જે શરીરનું પોતાની મેળે થતું રિપેરિંગનું કામ બહેતર બનાવે છે. મનને શાંત કરતી ધ્યાનની પ્રક્રિયા પણ આમાં લાભ આપશે.
ડાયટ- ઓવરઈટિંગ ન કરવું. પ્રીઝર્વ્ડ, પૅકેજ્ડ, પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સવારે લાઇટ નાસ્તો, દસ વાગ્યા પછી હેવી ફૂડ અને સાંજે આઠ વાગ્યા પહેલાં લાઇટ ફૂડ ખાવું. ગ્રીન વેજિટેબલ્સ અને બને એટલો સાત્ત્વિક ખોરાક ખાવો.


પ્રારંભિક અવસ્થામાં હોય ત્યારે વૅરિકોઝ વેઇનનો ઇલાજ કરવો સરળ છે. એટલે તમારા પગનું નિયમિત ઑબ્ઝર્વેશન કરતા રહો. પગમાં લીલી, ભૂરી નસો ઊપસેલી દેખાય કે ત્યાં કાળાશ થઈ હોય એવું જણાય, વધુ થાક લાગે, હાંફ ચડે જેવાં લક્ષણો દેખાય તો અલર્ટ થઈને ઉપયુક્ત પગલાં લેવાનું શરૂ કરી દો. ખુરશી પર બેસો ત્યારે પગ પર પગ ચડાવીને ન બેસવું, ઊભા રહેવાનું વધારે બનતું હોય તો વચ્ચે-વચ્ચે પગને કસરત આપો. પગ તમારા ધડથી સહેજ ઉપર રહે એ રીતે પગની નીચે થોડા તકિયા રાખીને કે પગ એલિવેટેડ રહે એ રીતે ગોઠવીને સુઓ. હાઈ હીલ નહીં પહેરો.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 11:30 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK