ફૅશન શોમાંથી પોતાના માટે શું સિલેક્ટ કરશો?

Published: 22nd August, 2012 05:39 IST

રૅમ્પ પર મૉડલે પહેરેલી અળવીતરી ડિઝાઇનોમાંથી તમારા માટે કઈ વસ્તુ પસંદ કરવી એની ટિપ્સ જાણો

fashion-selectતાજેતરમાં બે મોટા ફૅશન શો થયા જેમાં કેટલીક ડિઝાઇનો પહેરવા લાયક હતી તો કેટલીક જોઈને એવું લાગે કે આ બધું રૅમ્પ સુધી જ ઠીક છે. પરંતુ એવું નથી. કેટલીક વાર જ્યારે ડિઝાઇનો પહેરવા જેવી ન લાગે ત્યારે એ ડિઝાઇનરનો હેતુ એ ગાર્મેન્ટ મારફતે લોકોને ફક્ત એ કાપડની પ્રિન્ટ કે કલરનો ટ્રેન્ડ દેખાડવાનો હોય છે. ધ્યાનથી જોવામાં આવે તો ફૅશન શોમાં ઘણી પૅટર્ન અને ફૅબ્રિક રિયલ લાઇફમાં અપનાવવાં જેવાં લાગે છે. વધુમાં આખી સીઝન દરમ્યાન કયો રંગ અને પ્રિન્ટ રૂલ કરશે એ પણ ફૅશન શો પરથી જ જાણી શકાય છે. તો જાણીએ આ રૅમ્પ પરની ડિઝાઇનોને પોતાના વૉર્ડરોબમાં કઈ રીતે સમાવી શકાય.

કલર્સ

બધા જ ડિઝાઇનરો તેમના કલેક્શનમાં કોઈ વિશેષ પ્રકારના શેડનો ઉપયોગ કરે છે અને દરેક સીઝન કે ફૅશન-વીકમાં કોઈ એક શેડ એવો હશે જે હાઇલાઇટ થાય છે. આ વર્ષે રેડ, બ્લૅક અને પર્પલ ડિમાન્ડમાં રહ્યા. એક વાર ખબર પડી જાય કે કયો કલર ડિમાન્ડમાં છે તો પછી તમારું કામ આસાન. એ કલરને તમારા વૉર્ડરોબમાં ખાસ ઉમેરો અને ટ્રેન્ડમાં અપડેટેડ રહો.

પ્રિન્ટ

ડિઝાઇનર્સ જે કરે છે એમાં તેઓ ખૂબ કુશળ હોય છે, કારણ કે તેમને ઇન્ટરેસ્ટિંગ શું લાગશે અને શું ટ્રેન્ડસેટર બની શકે છે એ વસ્તુને ચકાસતાં સારી રીતે આવડે છે. આ જ કૉન્સેપ્ટને આપણે એક ઍડ્વાન્ટેજ તરીકે લેવો જોઈએ. રૅમ્પ પર થતા શોમાં સીઝન વાઇઝ નવી-નવી કેવી પ્રિન્ટ્સનો ઉપયોગ થાય છે એ ચેક કરતાં રહેવું. ફ્લોરલ, ગ્રાફિક, સીક્વન્સવાળી એમ્બ્રોઇડરી વગેરે પ્રિન્ટ વર્ષના જુદા-જુદા સમયગાળામાં ટ્રેન્ડમાં આવતી હોય છે. આ વર્ષે જ્યૉમેટ્રિકલ પ્રિન્ટની ખાસ બોલબાલા રહી જે સાડીઓમાં, વેસ્ટર્ન આઉટફિટમાં અને ડ્રેસિસમાં સારી લાગશે.

શેપ અને કટ

કપડાના શેપ અને કટ્સ પર ખાસ નજર રાખવી. તમને ચોક્કસ જ કોઈ નવા પ્રકારનો કટ અને સ્ટાઇલ જોવા મળશે. ડ્રેસિસની હેમલાઇન ચેક કરો, નેકલાઇન પર અને બૅક પર ધ્યાન આપો અને જ્યારે શૉપિંગ કરવા જાઓ ત્યારે આ જ બધી ચીજોને ધ્યાનમાં રાખીને કપડાં પસંદ કરો. જેમ કે આ વર્ષે ખૂબ જ વધુપડતા ઘેરવાળા અનારકલી કુરતા અને એસિમેટ્રિકલ હેમલાઇનવાળા ડ્રેસિસ ખૂબ જોવા મળ્યાં જેમાં નેટનો ઉપયોગ ખૂબ કરવામાં આવ્યો હતો.

 મેક-અપ અને વાળ

હા, બધા જ જાણે છે કે રૅમ્પ પર મેક-અપ અને હેરસ્ટાઇલ ખૂબ વધુપડતી હોય છે; પણ સ્મોકી આઇઝ, રુબી રેડ લિપ્સ કે પછી સાઇડ બન જેવી વ્ાાજબી સ્ટાઇલો અપનાવવા જેવી હોય છે. જો ધ્યાનથી જોશો તો એકાદ એવો ટ્રેન્ડ મળી જ આવશે અને એ પણ ખબર પડી જશે કે મેક-અપ કરતી વખતે શું ન કરવું જોઈએ. આ વર્ષે લૅક્મે ફૅશન-વીકમાં બ્રાઇડલ વેઅર સાથે લાંબો ચોટલો ઇન રહ્યો. અને આ જ હેરસ્ટાઇલ લગ્નપ્રસંગોમાં ખાસ અપનાવવા જેવી લાગી છે.

ફૅબ્રિક

જુદાં-જુદાં ફૅબ્રિકનો લુક જુદો હોય છે અને સીઝન પ્રમાણે એ રૂલ કરે છે. રૅમ્પ પર તમારા ફેવરિટ ડિઝાઇનરે પોતાના કલેક્શનમાં કયા ફૅબ્રિકનો વપરાશ કર્યો છે એ ચેક કરો. ક્યારેક કૉટન વધુ જોવા મળશે તો ક્યારેક રૉ-સિલ્ક. આ વર્ષે નેટ અને શિફૉન મટીરિયલની ખાસ ડિમાન્ડ રહી. અને માટે જ હવે વર્ષભર આવાં જ ફૅબ્રિક ઑલમોસ્ટ બધે જ જોવા મળશે. આ સિવાય રૉ-સિલ્ક પણ અત્યારે ડિમાન્ડમાં છે.

કારીગરી

ડ્રેસિસમાં કરવામાં આવેલું વર્ક અને સીક્વન્સ પણ ટ્રેન્ડી અને નવા પ્રકારનાં હોય છે. ઘાઘરા-ચોલીમાં કરવામાં આવેલી હેવી ગોલ્ડ એમ્બ્રોઇડરી અને ડાયમન્ડ વર્ક રિયલ લાઇફના ડ્રેસિસમાં અપનાવી શકાય. જો ફૅશન શો જોવા બેસવાનો સમય ન હોય તો ઇન્ટરનેટ પર ફૅશન બ્લૉગ વાંચો અથવા લેટેસ્ટ ફૅશન મૅગેઝિન ચેક કરો. એમાં તમને લેટેસ્ટ ફૅશન શો તેમ જ લેટેસ્ટ રૅમ્પ સ્ટાઇલની જોઈતી બધી જ ડીટેલ્સ મળી જશે. ઘણાં બ્લૉગર્સ એમાંથી શું અપનાવવું જોઈએ એ વિશે પણ માહિતી આપી દે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK