કૉલેજમાં ફ્રેન્ડના પાર્ટનર પરફેક્ટ લાગતા પરંતુ લગ્ન પછી બધું જ બદલાઈ ગયું

Published: Sep 09, 2019, 12:11 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું કૉલેજમાં હતી ત્યારે પણ થોડીક અતડી રહેનારી હતી. બૉયફ્રેન્ડ બનાવવાની વાત દૂર, પણ મારે બહેનપણીઓ પણ ગણીગાંઠી જ હતી. મારી બે બહેનપણીઓના જે બૉયફ્રેન્ડ્સ હતા એને જોઈને મને લાગતું કે ખરેખર પર્ફેક્ટ જોડી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ હું કૉલેજમાં હતી ત્યારે પણ થોડીક અતડી રહેનારી હતી. બૉયફ્રેન્ડ બનાવવાની વાત દૂર, પણ મારે બહેનપણીઓ પણ ગણીગાંઠી જ હતી. મારી બે બહેનપણીઓના જે બૉયફ્રેન્ડ્સ હતા એને જોઈને મને લાગતું કે ખરેખર પર્ફેક્ટ જોડી છે. લિટરલી મૅડ આફ્ટર ઇચઅધર હોવાથી મેઇડ ફૉર ઇચઅધર લાગતાં. મને પણ તેમને જોઈને થતું કે મારો જીવનસાથી પણ આવો પર્ફેક્ટ હોય તો સારું. અલબત્ત, એ પછી હું નોકરી અને કરીઅરમાં લાગી ગઈ અને પેલી બહેનપણીઓ પરણી ગઈ. તેમનાં લગ્નને હજી જસ્ટ ત્રણ વર્ષ થયાં છે. ઘરમાં એક બાળક આવ્યું છે અને તેમની વચ્ચે હવે જે ઝઘડા થાય છે એ જોઈને લાગે કે શું આ પર્ફેક્ટ કપલ હતું ખરું? હું હજી સમજી નથી શકતી કે લગ્ન પછી બેમાંથી કોણ બદલાયું? મારી બહેનપણીઓ કે તેમના પતિઓ? ઇનફૅક્ટ, તેમને જોઈને મને હવે વધુ અસમંજસ થાય છે કે પર્ફેક્ટ પાર્ટનરની શોધ માટે હવે શું કરવું? ઘરમાંથી લગ્ન માટે બહુ જ પ્રેશર છે, છોકરાઓ જોઉં છું પણ સમજણ નથી પડતી કે આજે જે સરસ લાગે છે એ વ્યક્તિ આવતી કાલે કેવી હશે એનો અંદાજ કઈ રીતે માંડવો? જે પતિ લગ્ન પહેલાં જાનુ અને પરી કહીને સંબોધતો હોય એ પત્નીની પીઠ પાછળ તેને માથાનો દુખાવો કહે એવું કેમ થાય?

જવાબ: બહેન, તમે બીજાં યુગલોનું ઑબ્ઝર્વેશન સારું કર્યું છે એનું કારણ કદાચ તમે અંતર્મુખી અને વિચારશીલ છો. વિચારપૂર્વક પગલું ભરવું એ બહુ સારી વાત છે, પરંતુ લગ્નની બાબતમાં તમે જેટલા વધુ તર્ક લડાવો છો એટલા વધુ અટવાવાના છો. સૌથી પહેલી વાત એ સમજવી જરૂરી છે કે કોઈ યુગલ પર્ફેક્ટ નથી હોતું. એનું કારણ એ છે કે કોઈ વ્યક્તિ પર્ફેક્ટ નથી હોતી. તમે જો કોઈ પર્ફેક્ટ વ્યક્તિની શોધ ચલાવતા હો તો પહેલાં તો તમારે પર્ફેક્ટ બનવું પડેને? ઍટ લીસ્ટ, આ ધરતી પર હજી સુધી એવી કોઈ પર્ફેક્ટ વ્યક્તિ નથી પેદા થઈ.

તો શું કોઈ પર્ફેક્ટ નથી તો ગમેએની પસંદગી કરી લેવાની? ના. જીવનસાથીની પસંદગી વખતે ધ્યાન રાખવું જરૂરી છે જ. જ્યારે પણ તમે કોઈને જીવનસાથી તરીકે પસંદ કરવાના દૃષ્ટિકોણથી જુઓ છો ત્યારે તમારી જીવનશૈલી, તમારી વિચારધારા, તમારા ગમા-અણગમા, તમારી આદતો, તમારી ઇચ્છા-આકાંક્ષાઓ વચ્ચે તાલમેળ હોવો જરૂરી છે જ. જોકે એ જ સર્વસ્વ નથી. આ બધા જ મેળ બેસાડ્યા પછી જ્યારે તમે ખરેખર લગ્નજીવનમાં પ્રવેશશો ત્યારે જ તમારી ખરી જિંદગી શરૂ થવાની છે. તમે કિનારે બેઠાં-બેઠાં કઈ રીતે તરી શકાય એની વાતો કરી શકો, પણ તરતાં ન શીખી શકો. લગ્નજીવન શરૂ થયા પછી તમે કઈ રીતે આ સંબંધને ટ્રીટ કરો છો એના આધારે તમને જીવનમાં સુખ મળશે કે દુખ એ નક્કી થાય. પરસ્પરની નબળાઈઓને જોઈને એનાથી અકળાવાને બદલે એ નબળાઈઓ સામેવાળાને કનડે નહીં એનું ધ્યાન રાખવાની સાવધાની રાખીએ તો લગ્નજીવન સુખી બને. જ્યારે બન્ને વ્યક્તિઓ એકબીજાને સુધારવામાં ન પડે, પણ તેને જેવી છે એવી સ્વીકારવાની તૈયારી દાખવે ત્યારે લગ્નજીવન સુખી થાય.

આ પણ વાંચો : માનસિક રીતે અસ્વસ્થ બાળકને જાતીય શિક્ષણ કેટલું અને કઇ રીતે આપવું?

જીવનસાથીની પસંદગી દરમ્યાન જો છોકરા-છોકરીઓ સમાજ, દેખાવ, સ્ટેટસ, એટિકેટ્સ જેવાં બાહ્ય પરિમાણોથી દોરવાવાને બદલે એકબીજા સામે પૂરી પ્રામાણિકતાથી પોતે જેવા છે એવા છતા થાય એ જરૂરી છે. તમે લગ્ન પહેલાં ઇમ્પ્રેશન જમાવવા પોતાને બહુ સારી રીતે રજૂ કરો અને લગ્ન પછી તમારી રિયલ સેલ્ફ બહાર આવે ત્યારે સામેવાળા પાત્રને બહુ તકલીફ પડતી હોય છે એ યાદ રાખવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK