જેની સાથે પ્રેમલગ્ન કરવાનું વિચારું છું તેણે ઘણીબધી શરતો મૂકી છે. શું કરૂ?

Published: Jun 14, 2019, 13:36 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

છેલ્લા છ મહિનાથી હું એક છોકરીના પ્રેમમાં છું. લગ્ન માટેની વાતચીતો પણ ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ છેલ્લા છ મહિનાથી હું એક છોકરીના પ્રેમમાં છું. લગ્ન માટેની વાતચીતો પણ ચાલુ છે. જોકે તેની કેટલીક શરતો છે, જેમ કે લગ્ન પછી તે ઘરમાં અમુક કામ નહીં કરે અને લગ્ન પછી પોતાની નોકરીથી જે પગાર આવશે એ તે પાતાનાં માતાપિતાને જ આપશે, કેમ કે તેના પેરન્ટ્સની તે એકમાત્ર દીકરી છે. તેનું કહેવું છે કે તેને ગુસ્સો પણ બહુ આવે છે. છેલ્લા પંદર દિવસથી અમે એકબીજાના અવગુણ જ કાઢ્યા કરીએ છીએ. અમારા સંબંધની વાત પોતપોતાના પરિવારોને પણ કરી છે, પણ હવે આગળ શું કરવું એની રાય જોઈએ છે.

જવાબઃ તમારે રાય બહુ મોટી જોઈએ છે, પણ એ માટે તમે જે વર્ણન કર્યું છે એમાં કોઈ જ વિગતો નથી. તેણે મૂકેલી શરતો સાંભળીને પહેલી નજરે તો તે છોકરી માત્ર સ્વાર્થી જ હોય એવું લાગે, પણ માત્ર આટલી વાત પરથી કોઈ વિશેનો અભિપ્રાય બાંધી દેવાનું ઠીક નથી. શું તમે જે વાતો કરો છો એમાં માત્ર તે પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ કરવાનું જ વલણ રાખે છે કે પછી તમે લગ્નજીવનનાં બીજા પાસાંઓ વિશે પણ ચર્ચા કરો છો? બીજું, ‘હું લગ્ન પછી મારી કમાણી પેરન્ટ્સને આપીશ’ એ વાત કમ્યુનિકેટ કેવી રીતે કરવામાં આવી છે એ પણ બહુ મહત્વનું છે. શું એમાં મારા-તારાનો ભેદ છે કે પછી પેરન્ટ્સ પ્રત્યેની જવાબદારીની ભાવના છે? આવી સૂક્ષ્મ અને વણબોલાયેલી વાતો કળવી જરૂરી છે.

તમે અત્યારે એકબીજાના અવગુણો જ કાઢી રહ્યાં છો એ એક દૃષ્ટિએ સારું છે. ઍટલીસ્ટ તમે એકમેકમાં શું ખામીઓ છે અથવા તો કઈ ચીજો તમને ખામી લાગે છે એની સ્પષ્ટતા થઈ રહી છે. સામાન્ય રીતે પ્રેમમાં પડેલી બે વ્યક્તિઓ લગ્ન પહેલાં પરસ્પરના અવગુણો પ્રત્યે આંખ આડા કાન કરે છે અને લગ્ન પછી મુશ્કેલીમાં મુકાય છે. તમે અત્યારથી જ એકમેક સામે કડવી વાતો કરી શકો છો એ સારું છે, પણ યાદ રાખવું જોઈએ કે આ કડવાશ વ્યક્તિ પ્રત્યેના પ્રેમ કરતાં જ્યારે વધી જાય છે ત્યારે એ સંબંધ આખો કડવો થઈ જાય છે.

હું માનું છું કે જીવનમાં કોઈ વ્યક્તિ ગુણી કે અવગુણી નથી હોતી. દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાને જે સાચું અને સારું લાગતું હોય એવું જ કરતી હોય છે. આપણે માત્ર એ ચીજો જોવાનો નજરિયો સેટ કરવાનો હોય છે.

એટલે જ આ લગ્નસંબંધમાં આગળ વધવું કે નહીં એ બાબતે ખૂબ શાંતિપૂર્વક વિચારવાનો આ સમય છે. પછીથી જોવાઈ જશે એ અભિગમ રાખવાનો જ નહીં. તમે બન્નેએ એકબીજાના અવગુણોની જે વાતો કરી છે એનું લિસ્ટ બનાવો. આ કામ બન્ને જણ કરે તો બહેતર. પૂરેપૂરી પ્રામાણિકતાથી આ કામ કરવાનું છે એવું જાતને વચન આપીને આ કામ કરજો. એ લિસ્ટમાં ટપકાવાયેલી તેના વિશેની પ્રત્યેક નોંધ માટે તમારે વિચારવાનું છે કે શું હું તેને એટલો પ્રેમ કરું છું કે આ અવગુણને કોઈ ફરિયાદ વિના સ્વીકારી શકું? જે વાત માટે તમારા મનમાં ફરિયાદની ટીસ ઊઠતી હોય એની સામે ચોકડી મૂકતા જાઓ.

આ પણ વાંચો : મૂંગાં પ્રાણીઓની સેવા માટે મેં નોકરી છોડી દીધી, પણ ભાઈ-ભાભીને તકલીફ થવા લાગી છે

જેટલી ચોકડીઓ વધુ એટલું આ સંબંધ માટે તમે તૈયાર નથી એમ સમજી લેવું. જો ચોકડીઓ ઓછી હોય તો તમારું પ્રેમનું પલડું ભારે છે એમ જાણવું. આવા સંજોગોમાં એકબીજાને સમજવા માટે થોડો સમય લો. લગ્નની વાતોને જલદીથી ફાઇનલ કરી લેવાની ઉતાવળ કર્યા વિના પહેલાં આ માનસિક સ્પષ્ટતા લાવવી બહુ જરૂરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK