પતિ એમની મમ્મી અને મારા ઝઘડામાં કોઈનો પક્ષ નથી લેતા. શુ કરૂં?

Updated: May 09, 2019, 15:03 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

લગ્નને હજી નવ મહિના થયા છે ત્યારે દરેક વાતમાં સાસુનો નનૈયો જ હોય છે અને પતિ બેમાંથી કોઈનો પક્ષ નથી લેતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૪ વર્ષની છું. લગ્નને નવ મહિના થયા છે અને હું આ નવી જિંદગીથી વાજ આવી ગઈ છું. મેં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરેલું છે અને હજી આગળ ભણવા માગું છું. જોકે અત્યારે તો એ બધી વાતો અભરાઈએ ચડાવી દેવી પડે એમ છે. લગ્ન પછી થોડા જ સમયમાં એક ક્ષુલ્લક બાબતે મારા પેરન્ટ્સ અને સાસુ-સસરા વચ્ચે ઝઘડો થતાં તેમની વચ્ચે તણાવ શરૂ થઈ ગયો હતો. હવે તો સ્થિતિ એવી પહોંચી ગઈ છે કે બન્ને એકબીજા સાથે બોલતા નથી. સાસુ મને મમ્મી-પપ્પાને મળવા જવાની પણ ના પાડે છે. મારા હસબન્ડને કહું છું તો કહે છે, ‘ચિલ કર, આ બધું કંઈ લાંબો સમય નહીં ચાલે. અત્યારે મમ્મી જેમ કહે છે અમે કર, થોડા સમયમાં તેનો ગુસ્સો શાંત પડી જતાં બધું ઠીક થઈ જશે.’

આ વાતને પણ બે મહિના થવા આવ્યા છે પણ બન્ને પેરન્ટ્સની વચ્ચે કોઈ પૅચ-અપના ચાન્સ લાગતા નથી. મને હતું કે નોકરી શરૂ કરી દઉં તો કદાચ ઘરના આ ટેન્શનમાંથી થોડોક સમય છુટકારો મળે. મેં જેવી નોકરીની વાત કરી તો તરત જ ઘરમાં બીજો ઇશ્યુ પેદા થયો. સાસુએ તરત જ નનૈયો ભણી દીધો. આપણે ક્યાં વધુ પૈસાની જરૂર છે, દીકરો કમાય છે એટલું પૂરતું છે અને સસરાનું સરકારી નોકરીનું તગડું પેન્શન પણ આવે છે. એમાં પાછું મેં તેમને કહેતાં સાંભળેલાં કે વહુ જો કમાતી થઈ જાય તો ઘરમાં રોફ ઝાડે એટલે તેમણે મને નોકરીની ના પાડી છે. આ બધી પરિસ્થિતિને કઈ રીતે હૅન્ડલ કરવી એ સમજાતું નથી. હસબન્ડ મને ના નથી પાડતા, પણ પોતાની માને પણ સમજાવતા નથી. ખરેખર લગ્ન કરવા એ મુસીબતનું કામ છે.

જવાબ : લગ્ન પછી બે પરિવારોને એક કરવાનું કામ આમ જોવા જઈએ તો બહુ સહેલું છે અને આમ બહુ જ કઠિન. જ્યારે વહુ કે સાસુ બેમાંથી કોઈ એકના મનમાં નવા સંબંધ વિશે ખૂબબધી અસલામતીઓ ઘર કરી ગઈ હોય ત્યારે તો ખાસ. તમારાં સાસુ અંદરથી બહુ જ ઇનસિક્યૉર હોય એવું લાગે છે. તેમની પર તમને ગુસ્સો આવતો હશે કેમ કે તેઓ તમને જે કરવું છે એ કરવામાં અડચણરૂપ બની રહ્યાં છે. પતિ પૉલિટિકલી કરેક્ટ રહેવાની કોશિશ કરે છે જેથી મા-પત્ની વચ્ચે પડવું ન પડે.

આવા સંજોગોમાં બે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. એક તો નવા સંબંધોને ભરપૂર પ્રેમ અને સન્માન આપીને પોતીકા કરવાની કોશિશ કરવી અને બીજું, પોતાની ઇચ્છાઓનું દમન ન થવા દેવું. તમને થશે કે આ બે સાથે તો શક્ય જ નથી, પણ હું માનું છું કે આ બન્ને સાથે થાય તો જ શક્ય છે. તમે માનો છો કે જેવું તમે આગળ ભણવાનું કે પાર્ટ ટાઇમ નોકરીનું પગલું લેશો કે તરત જ ઘરમાં રાડો પડવાની શરૂ થઈ જશે. વાત સાચી છે જો તમે તમારી મનમાની શરૂ કરશો તો આમ જ થશે, પણ જો તમે જેટલા પ્રેમથી સાસુ-સસરાનો વિશ્વાસ જીતશો એટલી તેમની અકડાઈ ઘટશે અને તેમને ન ગમતી બાબતો કરશો તોય તેમને વાંધો નહીં હોય. પહેલું પગલું પ્રેમ જીતવાનું હોવું જોઈએ. પ્રેમ અને પોતીકાપણું જ અસલામતી દૂર કરી શકે છે.

આ પણ વાંચો : મને મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે રમવાથી અલગ ફીલિંગ્સ આવે છે, શું કરુ?

અત્યારે પેરન્ટ્સ અને સાસુ-સસરા વચ્ચેના ઝઘડાને પણ તમારે બહુ ગણકારવાની જરૂર નથી. ઝઘડાને જેટલી હવા આપો એટલી વધુ આગ પકડે. વાતને બાજુએ જ મૂકી દો. પતિ અને સાસુને પણ એકબીજા વિશે ચડાવવાની જરૂર નથી. પતિ સાથેનો ઇમોશનલ બૉન્ડ જેટલો સ્ટ્રૉન્ગ હશે એટલું આ પરિસ્થિતિને હૅન્ડલ કરવામાં મદદ મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK