મેં એક યુવકને મારો ધરમનો ભાઈ બનાવ્યો, જોકે એ પણ પપ્પા અને ભાઈને પસંદ નથી

Published: Oct 31, 2019, 15:51 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું ૧૭ વર્ષની છું અને આજની ગર્લ્સ કરતાં બહુ જુદી છું. હું બહુ આઉટગોઇંગ નથી. એને કારણે ફ્રેન્ડ્સ પણ બહુ ઓછા છે ત્યારે અફેરની તો વાત જ ન હોય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૧૭ વર્ષની છું અને આજની ગર્લ્સ કરતાં બહુ જુદી છું. હું બહુ આઉટગોઇંગ નથી. એને કારણે ફ્રેન્ડ્સ પણ બહુ ઓછા છે ત્યારે અફેરની તો વાત જ ન હોય. મારી કૉલેજમાં બધી જ છોકરીઓ કોઈકને કોઈકની સાથે ફરતી હોય છે. મારા ઘરમાંથી જ ખૂબ રિસ્ટ્રિક્શન્સ છે જેને કારણે હું કૉલેજમાં કોઈનીયે સાથે બહુ આગળ વધતી નથી. જોકે મારાં પેરન્ટ્સ બહુ જ કન્ટ્રોલિંગ છે. હું અફેર કરું એમાં વાંધો હોય એ સમજ્યા, પણ શું હું ધરમનો ભાઈ બનાવું એમાં પણ તેમને વાંધો હોય? મારી જ સોસાયટીમાં ત્રણેક બિલ્ડિંગ છોડીને એક યુવક રહે છે. તે મારાથી છ વર્ષ મોટો છે. તેની સાથે મને બહુ ફાવે છે. મેં તેને ધર્મનો ભાઈ બનાવ્યો છે અને તેના ઘરના લોકો સાથે પણ હું દીકરીની જેમ જ રહું છું. રક્ષાબંધનમાં હું તેને રાખડી પણ બાંધુ છું. એમ છતાં મારા પપ્પાને એ પસંદ નથી. હું કોઈ છોકરા સાથે વાત કરું એ જ તેમને પસંદ નથી હોતું. તો મારે કરવાનું શું? મારો ભાઈ પણ આ વાતે સમજતો નથી. તેને તો એમ લાગે છે કે હું બીજાને ભાઈ બનાવીશ તો જાણે તેનો ગરાસ લૂંટાઈ જવાનો છે. મારી મમ્મી અને તેની કાકી ઘણા સારાં ફ્રેન્ડ્સ છે એમ છતાં તે મને કહે છે કે દોસ્તી સુધી ઠીક છે, પણ તેની સાથે રાતે બહુ લાંબી વાતો નહીં કરવાની. મને સમજે એવું કોઈ નથી ત્યારે જેની સાથે મને ફાવે છે એ જ બધાને નથી ગમતો.

જવાબ : શું તમારાં પેરન્ટ્સ તમને કૉલેજમાં કોઈનીયે સાથે દોસ્તી નહીં કરવાની એવું બંધન રાખે છે? જો એવું હોય તો હા, એ તેમનો દુરાગ્રહ છે. ટીનેજમાં છોકરા-છોકરીઓ વચ્ચે સહજ દોસ્તી હોવી જરૂરી છે. જોકે ખૂબ શાંતિથી મારી વાત સમજજો. કદાચ હું પણ તમને ઑર્થોડોક્સ ભાસું એવું શક્ય છે. આજકાલ ટીનેજમાં છોકરા-છોકરીઓ ‘રિલેશનશિપ’ની વાતો કરતા થઈ જાય છે એ બહુ જ જોખમી છે. જ્યારે પોતાનું મન અને આવેગો કાબૂમાં ન હોય ત્યારે લાંબા ગાળાના સંબંધોને ફાઇનલ કરી નાખવાની ઉતાવળ આ ઉંમરમાં અવારનવાર થતી હોય છે. તમારી હમઉમ્ર છોકરીઓ અફેર કરીને છોકરાઓ સાથે ફરે છે એ ઇન થિન્ગ અથવા તો ટ્રેન્ડ તરીકે ફુલ્યોફાલ્યો છે. કદાચ વિજાતીય વ્યક્તિ સાથેની દોસ્તી બાબતે જે બંધનો પેદા કરવામાં આવ્યા છે એને કારણે એમ કરવાનું મન વધુ પ્રબળ બની જાય છે.

હું એવું માનું છું કે જો તમે તમારી કૉલેજના હમઉમ્ર છોકરા-છોકરીઓ સાથે બહુ સહજ દોસ્તી ધરાવતા હોત તો આ યુવક સાથેની ફ્રેન્ડશિપમાં કોઈ ચિંતાને કારણ નહોતું. જોકે સાચું કહું, તમને સમજે એવું કોઈ નથી અને તમે આ એક જ યુવક સાથે તમને બહુ નજદીકી છે એ જ સમસ્યા છે. ‘કોઈ મને સમજે’ એવી ઝંખનામાં જ ટીનેજરો ખોટી દિશામાં તણાઈ જતા હોય છે. તમને પણ ખબર છે કે જસ્ટ દોસ્તીની વાત કરીશ તો પપ્પા નહીં માને એટલે તમારે એને ધરમના ભાઈનું નામ આપવું પડે છે. તમને એમ લાગે છે કે ‘ભાઈ’નું ઉપનામ આપવાથી બીજા લોકોને એમાં વાંધો ન આવવો જોઈએ, પરંતુ જરાક તમારી પોતાની અંદર પણ નજર કરી જુઓ. તમે આ સંબંધમાં ધરમની બહેનના નાતા કરતાં જરાક વધુ તણાઈ રહ્યા છો એવું દેખાઈ રહ્યું છે. કદાચ એની ચિંતા તમારાં પેરન્ટ્સને છે. થોડાક ઠરેલ અને સમજુ હોય એવા હમઉમ્ર મિત્રો બનાવશો તો આ સંબંધમાં કેમ વાંધો પડે એ વાતે તમારી પીડા ઘટી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK